તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિજિટલ ડિબેટ:દૂધનો ભાવવધારો કેટલો દઝાડશે... ભાવવધારાથી મધ્યમ વર્ગને તો ફટકો પડ્યો પણ ફાયદો ખરેખર કોને થયો?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દૂધનો ભાવ સરકારે નથી વધાર્યો એવી દલીલો પાછળ મોંઘવારીની વાસ્તવિકતાને છુપાવી શકાય એવી નથી કારણ કે, ડીઝલનો ભાવવધારો રસોડાના બજેટને બગાડી રહ્યો છે.

પ્રો. હેમંતકુમાર શાહ (HS): 'અમૂલ' દ્વારા દૂધના ભાવવધારાથી હોબાળો થઈ ગયો અને બચાવ એવો થયો કે સરકારે નહીં, આ તો સહકારી સંસ્થાનો ભાવવધારો છે. પરંતુ દૂધના ભાવવધારા પાછળનાં પરિબળો ખરેખર શું છે તે સમજવાં જોઈએ. 2020ના વર્ષમાં ફુગાવાનો દર 6.2% રહ્યો અને RBIના અંદાજ અનુસાર વર્ષ 2021-22માં 5.1% રહેશે. છેલ્લે મે 2021માં રિટેલ ઇન્ફ્લેશન 6.3% થયું એ દૃષ્ટિએ દૂધના ભાવ વધ્યા છે તે 4% કરતાં પણ ઓછા વધ્યા છે. છેલ્લાં દોઢ વર્ષમાં કરવામાં આવેલો આ પહેલો વધારો છે.
દિલીપ ગોહિલ (DG): પ્રમાણમાં દૂધનો ભાવવધારો ઓછો છે એવું સવાર સવારમાં ચાનો કપ લઈને બેઠેલા લોકોને સમજાવવું મુશ્કેલ છે. દૂધ લેવા ગયા અને બે ચાર છ રૂપિયા વધારે આપવા પડ્યા એટલે દૂધ-ચા-સવાર ત્રણેય બગડ્યાં! પેટ્રોલ-ડીઝલમાં રોજ થોડા થોડા પૈસા વધતા હતા તે કદાચ ધ્યાને ચડતા નહોતા. 100 રૂપિયાનો ભાવ સાત રાજ્યોમાં ક્રોસ થયો તેના સમાચારોથી ધ્યાન ખેંચાયું પણ દૂધમાં ભાવવધારો સીધો દઝાડે એ સમજી શકાય એવું છે. એ જ દિવસે ગેસના બાટલાના પણ 25 રૂપિયા વધી ગયા એટલે રસોડામાં રમખાણ થયું હતું. પેટ્રોલિયમ પદાર્થોમાં હવે થઈ રહેલો એક-એક પૈસાનો ભાવવધારો ભાજપના નેતા સુબ્રમણિયમ સ્વામીની વ્યાખ્યા પ્રમાણે મોન્યુમેન્ટલ એક્સપ્લોઇટેશન છે.

HS: બટાટાં કે ડુંગળીના ભાવ અચાનક વધે છે તે રીતે કદી દૂધના ભાવ વધ્યા નથી. વર્ષ 2018ના માર્ચમાં ડીઝલનો ભાવ લિટરના આશરે 66 રૂપિયા હતો, જે આજે 96 રૂપિયા થયા છે. ત્રણ વર્ષમાં 45% ભાવવધારો થયો છે. દૂધના ભાવ એટલા વધ્યા નથી. પેટ્રોલ-ડીઝલના ભાવ બહુ વધ્યા છે, પણ તેની સામે કેમ ઝંડો ઉપાડતા નથી? વર્ષ 2014-20 દરમિયાન ક્રૂડ ઓઈલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટવાથી ભારત સરકારના આશરે 22.73 લાખ કરોડ રૂપિયા બચ્યા છે.
DG: શાકભાજીના ભાવ વધે અને ઘટે પણ દૂધનો ભાવ એકવાર વધે પછી ઘટતો નથી. CNGનો ભાવ વધ્યો પછી રિક્ષા અને બસ ભાડાં વધ્યાં, પછી CNG ઘટ્યો તોય ભાડાં કદી ઘટ્યાં નથી. એટલે ભવિષ્યમાં કદાચ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે પણ દૂધના ભાવ ક્યારેય નહીં ઘટે. એ વાત સાચી કે સરકારને ક્રૂડના ભાવ ઘટેલા ત્યારે બચત થઈ ગયેલી પણ ગૃહિણીઓની બચત અત્યારે મોંઘવારીને કારણે તૂટવા લાગી છે. ગ્રાહકોને આંકડા અને અર્થશાસ્ત્રમાં રસ નથી, ખાસ કરીને મધ્યમ વર્ગ મૂંઝાયો છે કારણ કે, એકબાજુ કોરોના સંકટમાં આવક ઘટી છે અને મોંઘવારી વધી ગઈ છે.

HS: દૂધના ભાવ ન વધે તો ‘અમૂલ’ ડીઝલનો વધેલો ખર્ચ ક્યાંથી કાઢે? શું મોદી સરકાર સબસિડી આપવા તૈયાર છે? સરકાર સબસિડી ન આપે તો પશુપાલકોને અપાતી રકમ ઘટાડવી પડે. કોરોના લોકડાઉન દરમિયાન કેટલીક સહકારી કે ખાનગી ડેરીઓ પશુપાલકોને નક્કી કરેલા ભાવ આપતી નહોતી. માત્ર ‘અમૂલ’ દ્વારા જ પશુપાલકોને એક લિટર દૂધના રૂ. 43.50થી રૂ. 45.50 આપવામાં આવ્યા હતા. તા. 21-05-2020ના રોજ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબારમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના પશુપાલકોને દૂધના કેટલા ઓછા ભાવ મળતા હતા તેની વિગતો છપાઈ હતી. દૂધના ભાવવધારાના બળાપા પહેલાં મોદી સરકારને પૂછવું જોઈએ કે ડીઝલના ભાવ દોઢ વર્ષમાં કેટલા વધાર્યા છે? દૂધ સસ્તું જોઇતું હોય તો ડીઝલ સસ્તું કરો. કેન્દ્ર કે ગુજરાત સરકારે લોકડાઉનને લીધે સહકારી ડેરીઓ કે પશુપાલકોને થયેલા નુકસાન સામે કોઈ રાહત આપી નથી એ એક હકીકત છે.
DG: કોરોના સંકટમાં સરકારનીય આવકો ઘટી છે. આરોગ્ય પાછળનો ખર્ચ ઘટ્યો છે. સમગ્ર બાબત માટે અણઘડ વહીવટ જવાબદાર છે એ ખરું, પણ અત્યારે પેટ્રોલ-ડીઝલ સિવાય બીજેથી આવક મેળવવાની મોકળાશ રહી નથી. ખાસ તો રાજ્ય સરકારો પાસે વેરા લેવાની જગ્યા ઓછી થઈ છે. સાત રાજ્યોમાં પેટ્રોલના ભાવ 100ને પાર થયા, તેમાં ચાર બિનભાજપી છે. તે સરકારોએ પણ વેટ ઓછો કર્યો નથી અને ગ્રાહકોનો બોજ ઓછો કર્યો નથી. અકળાવનારી વાત એ છે કે કોરોના સંકટમાં દેશના 100 ધનિકોની આવક 35% વધી ગઈ, કોર્પોરેટ કંપનીઓ અઢળક કમાઈ પણ તેની પાસેથી કોઈ રીતે વેરા કે સેસ વસૂલાયા નથી. માત્ર મધ્યમવર્ગને શા માટે માર પડે? શા માટે બે વર્ષ માટે કોર્પોરેટ ટેક્સનો ઘટાડો રદ કરીને ધનિકો પાસેથી આવક ઊભી કરવામાં નથી આવી?

HS: એમ લાગે છે કે દૂધના ભાવ વધારાનો વિરોધ કરનારાને સહકારી મંડળીઓના દાઢમાં છે. આવો ભાવવધારો દેશી કે વિદેશી ને મલ્ટિનેશનલ કંપની કરે તો વાંધો હોતો નથી. દેશમાં 1.90 લાખ સહકારી દૂધ ઉત્પાદક મંડળીઓ છે. ગુજરાતમાં આશરે 34 લાખ પશુપાલકો, 13,000 સહકારી મંડળીઓમાં છે. આ એકમાત્ર ક્ષેત્ર તેની અનેક મર્યાદાઓ છતાં ખાસ્સું વિકેન્દ્રિત ધોરણે ચાલે છે. નાના પશુપાલકોને માટે પણ જીવાદોરી સમાન બને છે. દૂધના ભાવ વધે છે ત્યારે તેનો થોડોક હિસ્સો પશુપાલકોને મળે અથવા તેમની આવક ઘટતી અટકે એ સમજવાની જરૂર છે. ‘અમૂલ’ એ અદાણી-અંબાણી કે માલ્યા-મોદી-ચોક્સી નથી કે જેઓ અબજોપતિ થઈને બેઠા છે અથવા કરોડોના ગોટાળા કરી દેશ બહાર ભાગી ગયા છે. એક પશુપાલક બતાવો જે દૂધના ભાવવધારાથી કરોડપતિ થયો હોય કે દેશ બહાર ભાગી ગયો હોય!
DG: ભાવવધારાથી મધ્યમ વર્ગને ફટકો પડે છે એ સ્પષ્ટ છે પણ તેનાથી ફાયદો ખરેખર કોને થાય છે – નાના વેપારીને, જથ્થાબંધ ડીલરને કે ઉત્પાદકને તે ક્યારેય સમજાતું નથી. દૂધ ભાવવધારાની વાત બાજુએ રાખીએ તો અત્યારે સમગ્ર રીતે મોંઘવારી વધી રહી છે તેની નારાજી છે. આવક ઘટે અને મોંઘવારી વધે તે બેવડો માર મધ્યમ વર્ગને પડી રહ્યો છે. કોરોના સંકટમાં અલગ રીતે વિચારવું પડે અને ધનિક વર્ગ પર બોજ નાખી મધ્યમ વર્ગને રાહત આપવી જોઈએ એવું સાદું લોજિક જ સામાન્ય જનને સમજાય.
(પ્રો. હેમંતકુમાર શાહ જાણીતા અર્થશાસ્ત્રી છે, દિલીપ ગોહિલ સિનિયર પત્રકાર અને રાજકીય વિશ્લેષક છે)

અન્ય સમાચારો પણ છે...