ડિજિટલ ડિબેટ:ઓમિક્રોન વેરિયન્ટની આફત સામે કેટલી સાવધાની રાખવી જરૂરી?

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાનું સંકટ સંપૂર્ણપણે ટળ્યું નથી અને વિજ્ઞાનીઓએ ધારણા બાંધી હતી તે પ્રમાણે તેના મ્યુટેશનને કારણે નવા નવા વૅરિયન્ટ આવતા રહેવાના છે. એવો જ એક વૅરિયન્ટ ઓમિક્રોન નામે આવ્યો છે. મૂળ દક્ષિણ આફ્રિકામાં તેનું મ્યુટેશન થયું હોવાનું અનુમાન છે અને ત્યાંથી હવે તે દુનિયાભરમાં ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) તરફથી આ વૅરિયન્ટને 'ચિંતાજનક' (‘વેરિયન્ટ ઑફ કન્સર્ન’) દરજ્જાનો ગણાવાયો છે એટલે ભારત સરકારે પણ તેના માટે જે સાવધાની લેવાની જરૂર હોય તે લેવાનું શરૂ કર્યું છે. આ લખાઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં જામનગરમાં એક કેસ પોઝિટિવ આવી ગયો છે. ગુજરાત સરકારે પણ બેઠક બોલાવીને આરોગ્ય તંત્રને સાબદું કર્યું છે. જોકે આ વૅરિયન્ટનાં લક્ષણો માઇલ્ડ દેખાયાં છે અને ચિંતા કરવા જેવું નથી, પરંતુ તેની ચર્ચા કરીને એટલું સમજી લેવામાં કંઈ ખોટું નથી કે મામલો શું છે અને સાવધાની હજીય કેટલી રાખવી. બીજી લહેર વખતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો ઊંઘતી હતી - આ વખતે સજાગ છે કે કેમ તે પણ જાણી લેવું જોઈએ અને જાગતી ના હોય તો ચર્ચા કરીને જગાડવી જોઈએ.

ડૉ. વસંત પટેલ (VP): ઓમિક્રોન કોરોના વાઇરસનો વૅરિયન્ટ સાઉથ આફ્રિકામાંથી મળ્યો છે. અન્ય સામાન્ય પ્રકારના પ્રકારના વાઇરસના વિવિધ સ્વરૂપ જોવા મળતાં હોય છે તે પ્રકારનો જ આ એક નવા સ્વરૂપે દેખાયેલો વાઇરસ છે. આ વૅરિયન્ટમાં ફરક એટલો છે કે તેમાં ઘણાં બધાં મ્યુટેશન જોવા મળ્યાં છે. મ્યુટેશનની સંખ્યા વધતી ઓછી હોય તેના આધારે સંશોધકો વિચાર કરતા હોય છે અને સાવધાની લેતા હોય છે.
દિલીપ ગોહિલ (DG): વિજ્ઞાનીઓ અને ડૉક્ટરો પોતાની રીતે સાવધાની લેતા જ હોય છે; પણ આપણી ચિંતા એ હોય છે કે સરકારી અધિકારીઓ સાવધાની લેતા હોતા નથી. તે લોકોનું કામ ફાઈલો ફેરવવાનું છે અને ફાઈલોમાં પોતાના બચાવ માટેની નોંધ કરવાનું હોય છે. તેથી જ ભલે આ વખતે વિજ્ઞાનીઓએ કહ્યું હોય કે નવો વૅરિયન્ટ માઇલ્ડ લક્ષણો સાથેનો છે અને હજી એવી કોઈ વધારે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ આપણે સરકાર કેવી પ્રતિક્રિયા આપશે તેની ચિંતા કરવાની હોય છે. 15 ડિસેમ્બરથી વિદેશી ફ્લાઇટ્સને સંપૂર્ણ છૂટ આપવાનું નક્કી થયું હતું તેમાં વળી રિવ્યૂ થયો છે એટલે કમ સે કમ આ વખતે થોડી ત્વરા સરકારે દાખવી છે. તો પણ આ અઠવાડિયા દરમિયાન વિદેશથી આવેલા ઘણા લોકો ટ્રેસ થઈ રહ્યા નથી તેવા અહેવાલો છે. કેટલાક કેસ પોઝિટિવ આવ્યા તેના સંપર્કમાં આવેલા લોકો પણ બધા ટ્રેસ થયા નથી. એટલે રાબેતા મુજબ સરકારી તંત્ર ઢીલું જ દેખાયું છે.

VP: ગુજરાતમાં જામનગરમાં એક કેસ કન્ફર્મ થયો છે તેની નોંધ જોકે સરકારે લીધી છે. એટલે તદ્દન બેદરકારી હતી એવું પણ કહી શકાય નહીં. સરકાર અને આરોગ્ય ખાતાએ આટલી સતર્કતા રાખી તેથી ઓમિક્રોનના સમાચારો આવવા લાગ્યા. તેના એક અઠવાડિયામાં જ ગુજરાતમાં પણ કેસ પિન પૉઇન્ટ કરી શકાયો છે. હવે આગળ તે નમૂનાની સંપૂર્ણ ચકાસણી થશે, વૅરિયન્ટ સહિતની બાબતોની પણ ખરાઈ કરવામાં આવશે. સાથે જ આશા રાખીએ કે કૉન્ટેક્ટ ટ્રેસિંગ માટેનું કામ આરોગ્ય વિભાગે શરૂ કર્યું હશે તેમાં કોઈ ઢીલ રહી નહીં.
DG: કેસ મળી આવ્યો તેના કરતાંય તે દર્દીના સંપર્કમાં આવેલા અને સંપર્કમાં આવેલા લોકોના સંપર્કમાં આવેલા વધુ લોકો સુધી થોડી તકેદારી લેવાય તેવી આશા રાખવી જરૂરી પણ છે. બીજી લહેર પછી દિવાળી સહિતના તહેવારો પસાર થઈ ગયા છે અને લગનગાળો ચાલુ થયો છે. રાબેતા મુજબ લોકો પણ ફરી ટોળે વળવા લાગ્યા છે. હવે આવી બાબતમાં વધારે કહીએ તો વેદિયા પણ લાગીએ છીએ, પણ કહેવું તો જોઈએ. થોડી ચિંતા વ્યક્ત કરીએ તો ટ્રેસિંગ અને ટ્રેકિંગ માટેની વ્યવસ્થા થોડી ઢીલી થઈ હોય તો વળી ચુસ્ત થઈ જાય એટલો હેતુ છે.

VP: બીજી અગત્યની વાત એ છે કે ગુજરાતમાં રસીકરણ ખૂબ મોટા પ્રમાણમાં થયું છે. 8,23,25,976 કુલ ડૉઝ આપી શકાયા છે. આમાંથી 3,63,80,773 નાગરિકોને ડબલ ડૉઝ પણ આપી શકાયા છે તે આંકડો નોંધપાત્ર છે. ઓમિક્રોનના સમાચારો પણ મીડિયામાં હાલમાં સારી રીતે લેવાયા છે, એટલે હું માનું છું કે લોકોમાં થોડી ઉદાસીનતા રહી ગઈ હોય તે પણ દૂર થશે. બાકીના લોકો પણ હવે રસી લઈ લેશે. બીજું કે બીજી લહેર વખતે ડેલ્ટા વૅરિયન્ટ ખૂબ જ ચેપી નીકળ્યો હતો. તે બહુ ઝડપથી ફેલાયો હતો અને તેના કારણે મોટા પ્રમાણમાં કમ્યુનિટી સ્પ્રેડ થયું હતું. કોઈ પણ રોગચાળો વધારે ફેલાય ત્યારે સમૂહમાં તેની સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ પણ આવતી હોય છે. હર્ડ ઇમ્યુનિટી અમુક અંશે આવે તે પછી જોખમ ઓછું થતું હોય છે. તેથી આ વખતે અગાઉ કરતાં ઓછા પ્રમાણમાં ઇન્ફેક્શન ફેલાશે તેવું કહી શકાય.
DG: આ વાત સાચી છે. ઓમિક્રોન ભલે બહુ જોખમી ના હોય, તો પણ તેની ચર્ચાના કારણે ફરી એક વાર કોરોનાની ચર્ચા થાય તો બાકી રહેલા લોકો પણ હવે રસી લઈ લે. ગુજરાત ટોપ ફાઈવ રાજ્યોમાં છે અને સારું રસીકરણ થયું છે સારી વાત જ છે. રસી લે તેને એક કિલો તેલ મળે તે પ્રકારના ઉપાયો પણ કેટલી એનજીઓ સાથે મળીને થયા છે. ગુજરાતમાં એનજીઓ વિવિધ ક્ષેત્રમાં સક્રિય છે એટલે સરકારે હજી વધારે એનજીઓનો સહયોગ લઈને આ પ્રકારના ઇનોવૅટિવ ઇનિશિએટિવ લઈને બાકી રહેલા લોકો પણ રસી માટે ત્વરા કરે એટલું કરવા જેવું છે.

VP: હા, કોઈ પણ પ્રકારના પ્રયાસો થતા હોય તેને આવકારના જ હોય. સેકન્ડ વૅવમાંથી સરકાર અને આરોગ્ય વિભાગ ઘણું શીખ્યા છે અને લોકો પણ શીખ્યા છે. કેવા પ્રકારની ભૂલો થઈ હતી અને તે નિવારવા જોઈએ તેનો ખ્યાલ પણ હવે આરોગ્ય વિભાગને આવ્યો છે. બીજું કે આપણી પાસે કોરોના સામે લડવા માટે દરેક પ્રકારની સુવિધાઓ પણ હવે ઉપલબ્ધ છે. મોટી સરકારી હૉસ્પિટલોમાં ઑક્સિજન ટેન્ક બનાવવાની બાકી હતી કે વધારવાની હતી ત્યાં લગભગ ઘણી જગ્યાએ તે કામ થયું છે અથવા હવે લગભગ પૂર્ણ થવામાં છે. તેથી ચોક્કસ હું એટલું કહી શકું કે આપણે ગુજરાતમાં ખૂબ સારી રીતે ઓમીક્રોન સામે લડી શકીશું.
DG: વાત ખોટી નથી, પણ આવી બાબતમાં પાછળથી આવેલું ડહાપણ એવું જ કહેવું પડે. બીજી લહેર આવશે તેની ચેતવણી નિષ્ણાતોએ આપી જ હતી. છતાં તે વખતે સરકારો ઊંઘતી રહી અને જાણે જંગ જીતી ગયા તેમ ચૂંટણીમાં ટોળાં ભેગા કરવામાં નેતાઓ લાગી ગયા હતા. તેનું ભોગવવાનું આવ્યું જનતાને. ઑક્સિજન ટેન્ક જરૂરી બનશે તેવી નોંધ પણ પેલી આગળ વાત કરી તે રીતે અધિકારીઓએ ફાઈલોમાં કરી હતી, પણ પછી ફાઈલો ફાઈલો જ રહી ગઈ. ઑક્સિજન માટેની વ્યવસ્થા કરવામાં ઊણપ રહી ગઈ અને જનતાએ ભોગવવું પડ્યું. ઓમિક્રોનમાં આફતનાં કોઈ એંધાણ નથી, પરંતુ સત્તાધીશોને સાવધ કરવા ટકોરા મારતા રહેવું પડે છે.

VP: હવે તો ગુજરાત અને સમગ્ર દેશમાં આર્થિક પરિસ્થિતિ સુધરી છે અને વેપાર-ઉદ્યોગો પણ ધમધમતા થયા છે. એટલે સરકારી રાહે તાકીદ અને સાવચેતી માટે સૂચના આપવામાં આવે તે બરાબર છે, પણ તે સિવાય લૉકડાઉન જેવી બાબતની શક્યતા નહિવત છે. કોરોનાના પોઝિટિવ કેસીઝની સંખ્યા પણ સતત ઘટી રહી છે. લૉકડાઉન કરવું પડે તેમ મને લાગતું નથી અને કોઈ મોટી ચિંતા જણાતી નથી, કેમ કે આ વખતે આરોગ્ય તંત્રની સતર્કતા દેખાઈ રહી છે. શાળાઓ પણ શરૂ થઈ છે અને શાળામાં કોઈ મોટી ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ હોય તેવું હજી સુધી જોવા મળ્યું નથી. બીજું કે વચ્ચે ચેપ વધ્યો ત્યારે પરિવારમાં બાળકોને પણ સંક્રમણ થયું હોય એટલે તેમની પ્રતિકારકશક્તિ પણ સતેજ થયેલી હોય.
DG: આશા રાખીએ કે આવી સતર્કતા સતત રહે. સત્તાવાર રીતે કોરોના સંકટની સમાપ્તિને હજી કદાચ સમય લાગશે, પણ તે દરમિયાન સરકારી તંત્ર સતર્ક રહે તે માટેના જ આ પ્રયાસો છે. સાથે જ માત્ર કોરોના પૂરતું નહીં, પણ કાયમી રીતે દેશના આરોગ્ય તંત્રને ચુસ્ત બનાવવાની જે જરૂર છે તેને ભૂલવાનું નથી. આરોગ્ય માટેનું બજેટ સરકાર વધારે, મોભા માટેના અને સુશોભન માટેના, પ્રચાર માટેના ખર્ચા ઓછા કરે એવી માગણી કરવી ગેરવાજબી નથી.

VP: સતર્કતા માટે અમે ડૉક્ટર્સ પણ જણાવીએ છીએ. નાગરિકોને અપીલ કરીએ જ છીએ કે કોરોનાના નિયમો પાળતા રહેવા જોઈએ. અનિવાર્ય હોય તો જ જાહેર અને ભીડભાડવાળી જગ્યાએ જવું જોઈએ. ફરી એક વાર વિશ્વ આરોગ્ય સંસ્થાએ અને તબીબી જગતના જાણકારોએ તાકીદ કરી જ છે કે હજી પણ તકેદારી રૂપે માસ્ક અવશ્ય પહેરી રાખો. તેમાં નુકસાન કંઈ નથી, ફાયદો જ છે. સાથે જ ડૉક્ટર્સ કમ્યુનિટી સરકારને પણ તાકીદ કરે છે કે વિદેશ પ્રવાસથી આવેલી દરેક વ્યક્તિનો કોરોના ટેસ્ટ થાય તે માટે આયોજન કરે. વ્યક્તિએ જાતે જ આમ તો ટેસ્ટ કરાવી લેવો જોઈએ. હાલના સમયમાં પોઝિટિવ કેસ આવે ત્યારે સરકારે જીનોમિક સિક્વન્સિંગ ફરજીયાત કરાવવું જોઈએ તે પણ અમે જણાવીએ છીએ. સતર્કતા, સાવચેતી, સંયમ અને નાગરિક સહયોગ સાથે આરોગ્ય વિભાગ આઇસોલેશન અને ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટમેન્ટ માટે ટટ્ટારપણે કામ કરે તો ઓમિક્રોન આફત સામે આપણે અડિખમ ઊભા રહી શકીશું.