ધારણા પ્રમાણે અને સ્ક્રિપ્ટ પ્રમાણે કૉંગ્રેસ સામે કોગળિયું કરાવીને ભારતીય જનતા પક્ષે હાર્દિક પટેલને 'કેસરિયો ખેસ પહેરાવી દીધો' અને અનામત આંદોલનનું છેલ્લું પ્રકરણ લખાઈ ગયું. સંકુચિત સ્વાર્થ ખાતરની, વર્ગવિગ્રહ કરાવનારી, સ્થાપિત હિતોથી પ્રેરિત અન્યોને અન્યાય કરનારી પ્રવૃત્તિમાં ખરેખર કોનું હિત સધાઈ ગયું અને કોનો ઉપયોગ થઈ ગયો તે ઇતિહાસ કહેશે, પણ વર્તમાનમાં ટૂંકા ગાળે કોને ફાયદો એ જ ચર્ચા રહેવાની છે.
ડૉ. વસંત પટેલ (VP): હાર્દિકનો ભાજપમાં જોડાવાનો નિર્ણય યોગ્ય છે, કારણ કે 2015 પછી EBC અને આયોગ મળ્યા જેનો લાભ બિનઅનામત વર્ગની બધી જ જ્ઞાતિઓને મળ્યો છે. 2017ની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પર અનામત આંદોલનની અસર જોવા મળી અને કૉંગ્રેસમાં હાર્દિકને યોગ્ય સ્થાન પણ મળ્યું. પણ સમયાંતરે આંદોલનની રાજકીય અસરો ઓછી થવા લાગી અને ભાજપનો ગ્રાફ ફરીથી લોકસભા, મહાનગરો, તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં ઊંચો ગયો. બીજી બાજુ આંદોલનકારી યુવાનો આજે પણ કોર્ટમાં મુદતો ભરી રહ્યા છે. આંદોલનની અસર ખતમ થઈ ગઈ છે અને લાભ દરેક સમાજ અને જ્ઞાતિને મળ્યો, પણ આંદોલનકારી યુવાનો સામેના કેસ ઊભા છે. તે કેસો પાછા ખેંચવાની સાથે 14 શહીદ યુવાનોના પરિવારોને ન્યાય અને સરકારી નોકરી મળે તે માટેની વાટાઘાટો સરકાર સાથે થઈ છે તેના સમાધાનના ભાગરૂપે જો હાર્દિક ભાજપમાં જોડાયો હોય તો તેનો નિર્ણય યોગ્ય ગણાશે.
દિલીપ ગોહિલ (DG): ...તો નિર્ણય યોગ્ય ગણાય એવું કહ્યું - જો અને તો સાથે - તે સમજવાની જરૂર છે. યુવાનો સામેના કેસ પાછા ખેંચાય એટલા માટે નહીં, પણ પોતાની સામેના કેસ પાછા ખેંચાય અને ત્રણ વર્ષની સજા ના થાય તે માટે હાર્દિક નમી ગયો છે. ભાજપમાં જે જે જોડાયા તેની સામેના કેસ પાછા ખેંચાયા છે અથવા ખેંચી લેવાશે અથવા ઢીલા પાડી દેવાશે. બીજું કે બસો સળગાવી દેવી, સંપત્તિને નુકસાન કરવું તેવા કેસો પાછા ખેંચી શકાય નહીં. પરિવારોને ન્યાય મળવો જોઈએ એ વાત વાજબી છે, પરંતુ સરકારી નોકરી ના મળી શકે. અંગત સ્વાર્થ ખાતરના આંદોલનમાં નિર્દોષનો ભોગ લેવાઈ ગયો તે દુઃખની વાત છે, પણ જે તે સમાજે એ સમજવું રહ્યું કે નેતા બનવાની લાહ્યમાં લેભાગુ તત્ત્વો કેવી રીતે સ્થાપિત હિતોનાં પ્યાદાં બન્યાં, સમાજનો ઉપયોગ કરી ગયાં અને નિર્દોષ પરિવારોએ સહન કરવાનું આવ્યું. નિર્ણય મજબૂરીમાં લેવરાવાયો છે. ગાળો આપી એ જ નેતાઓને સાષ્ટાંગ કરીને શરણાગતિ સ્વીકારવાનો આ નિર્ણય છે.
VP: હાર્દિકના જોડાવાથી બહુ ફાયદો થાય તેવું જણાતું નથી, કારણ કે ભાજપનું સંગઠન ખૂબ મોટું છે અને ભગિની સંસ્થાઓ પણ સક્ષમ છે. સંગઠન માઈક્રો પ્લાનિંગ સાથે કામ કરે છે. ભાજપ પાસે વૈશ્વિક પ્રતિભાસમા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, યુપીમાં મજબૂત મુખ્યપ્રધાન આદિત્યનાથ યોગી અને દેશના ગૃહ પ્રધાન અમિતભાઈ શાહના માર્ગદર્શન સાથે ચાલતું રાષ્ટ્રવ્યાપી સંગઠન છે. તેથી હાર્દિકના જોડાવાથી કોઈ મોટો ફાયદો થાય તેવું લાગતું નથી. આંદોલનકારી નેતાઓ સામેના કેસો પાછા ખેંચાય તો હાર્દિક અને સમાજના પીડિત પરિવારોને ફાયદો થશે.
DG: વાત સાચી છે. ભાજપ સમુદ્ર છે અને તેમાં મહાકાય નદીઓના જળપ્રવાહ પણ વિલિન થઈ જાય છે, ત્યારે એક-બે નેતાઓના આવવાથી કંઈ ફરક પડતો નથી. પણ પક્ષના ફાયદા માટે હાર્દિકને લેવામાં આવ્યો પણ નથી. ભાજપે બે-ત્રણ અગત્યના મેસેજ આપ્યા છે - અમારે શરણે જ આવવું પડે; અમે જેને પ્યાદાં બનાવ્યાં હોય તેને (વચન પ્રમાણે) પાછાં લઈએ ખરા, પણ સ્થાન પ્યાદાંનું જ રહે; પક્ષ મોટો છે, બાકી બધા નગણ્ય છે. આ બાબતમાં કોઈને લગીરેય શંકા ના રહે તે માટે સાથે જ શ્વેતા બ્રહ્મભટ્ટ નામના બીજા એક યુવા ચહેરાને - તે પણ કૉંગ્રેસમાંથી - લાવીને પક્ષમાં જોડાવાનો કાર્યક્રમ સાથે રાખ્યો એટલે મહત્ત્વ અડધું અગાઉથી જ કરી નખાયું છે. હુમલો થવાનો ભય છે - એવું બહાનું ઊભું કરીને ટોળું ભેગું નહીં કરવાનું પણ કહી દેવાયું એટલે અડધાનું અડધિયું થઈ ગયું. હવે બાકીનો પા ભાગ સમયકાળના ખંડમાં આપોઆપ વિખંડિત થયા કરશે.
VP: ના, એ અંગત બાબત છે, પણ આંદોલન સાથે જોડાયેલા સમાજનું શું? સમર્થન અને બળ આ સમાજથી જ પ્રાપ્ત થયું હતું. એટલે અગત્યનો મુદ્દો એ છે કે સૌને સાથે રાખીને આ નિર્ણય કરાયો છે કે નહીં. વ્યક્તિગત રીતે નહીં, પણ એ રીતે નિર્ણયને જોવો જોઈએ. ભાજપમાં જોડાવાનો નિર્ણય સમાજ અને આંદોલનકારી યુવાનોને સાથે રાખીને અને તે સૌને વિશ્વાસમાં લઈને થયો છે કે કેમ? કેટલાક મુદ્દાઓનો ઉકેલ આવશે તેવા સમાધાનની ભૂમિકા સાથે નિર્ણય કર્યો છે કે કેમ? આ બાબતો અગત્યની છે અને જો એમ લાગે કે તેના ખાતર આ સ્વીકાર્યું છે તો ચોક્કસ સમાજ તેને સ્વીકારશે. ભાજપ સાથે જ રહેલા કાર્યકરોએ સોસવું પડ્યું. આંદોલન સમયે પાટીદાર ધારાસભ્યો અને પ્રધાનોએ આંદોલનકારી કાર્યકરોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. આ લોકોને કદાચ મનદુઃખ થશે, પરંતુ રાજકારણમાં કાયમ માટે કોઈ દોસ્ત કે કાયમ માટે કોઈ દુશ્મન નથી હોતું, તેથી સમય વીતવા સાથે આ વાત પણ વડીલો ભૂલી જશે.
DG: તમે ઊભો કરેલો મુદ્દો અગત્યનો છે, કેમ કે હાર્દિકના જોડાવાથી પક્ષમાં જ આંતરિક અસંતોષ ઊભો થયો છે. અગાઉ જોડાઈ ગયેલા નેતાઓએ નારાજી જાહેરમાં વ્યક્ત પણ કરી છે. અહેવાલો અનુસાર આનંદીબહેન પટેલે તેમને મળવાની પણ ના પાડી દીધી. એક જમાનામાં આનંદીબહેન માટે માણસામાં તેમના પિતા પ્રચાર કરવા જતા હતા. તેમનો પરિવાર સંઘના કાર્યકરોની મહેમાનગતિ કરતો હતો. મૂળભૂત રીતે સંઘ અને ભાજપ સાથે જ જોડાયેલા પરિવારમાંથી કોઈ પક્ષ વિરુદ્ધ મોટું આંદોલન કરે, આનંદીબહેનની સરકારને હટાવવાનું બહાનું ઊભું કરી આપે અને તેને શિરપાવ મળે તે વાત દાયકાઓથી અને પેઢીઓથી ભાજપ સાથે જોડાયેલા પરિવારોને ગળે ઊતરતી નથી. રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન કે દોસ્ત ના હોય તે વાત સાચી, પણ આ તે કેવું રાજકારણ કે આજે ભરપેટ ગાળો દેવાની અને આવતી કાલે ખોળે બેસી જવાનું? આ સવાલનો ખટકો મનમાંથી જલદી જશે નહીં.
VP: ના, પણ એવો કોઈ મોટો શિરપાવ આપવાની વાત આમાં નથી. હાર્દિકે ભાજપમાં જોડાયા પછી પાર્ટીના પ્રોટોકોલ મુજબ એક સામાન્ય કાર્યકર્તા તરીકે કામ કરવાનું રહેશે. પક્ષ જવાબદારી આપે તે નિભાવવાની હોય છે. આજના માહોલ મુજબ પાર્ટીમાં હાર્દિકને કોઈ મોટી જવાબદારી મળે તેવું પણ લાગતું નથી. ભૂતકાળમાં હાર્દિક દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ, ભૂતપૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ, ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ, અન્ય પ્રધાનો અને ખાસ તો સમાજના શ્રેષ્ઠીઓ વિરુદ્ધ કરેલા વાણી વિલાસ ચોક્કસ નડશે. DG: તમે મૂળ મુદ્દાની વાત કહી જ દીધી કે સામાન્ય કાર્યકર્તા તરીકે રહેવાનું થશે અને જવાબદારી સોંપે તે કરવાનું - પણ જવાબદારી જ આપવામાં આવશે નહીં. કુલડીમાં ગોળ ભાંગવાનો હોય તેમાં પ્રામાણિકતા વધારે હોય છે. વચનપાલન કરવું પડે, કેમ કે ભવિષ્યમાં બીજાનો ગોળ કુલડીમાં ભાંગવાનો હોય છે. ડીલ થઈ હોય તે પ્રમાણે કદાચ વિધાનસભાની ટિકિટ મળી જશે અને ત્યાં હરાવી દેવામાં આવશે. માણસામાં જ ટિકિટ આપવાની અને જવાબદારી આનંદીબહેનના ચાહકોની કે હિસાબ સરભર કરી દે. બીજું કે અનામત આંદોલનનું આ છેલ્લું પ્રકરણ છે અને આગામી ચૂંટણીમાં તેની કોઈ અસર નથી. તે કોઈ મુદ્દો જ નથી રહ્યો એટલે ચૂંટણીના પરિણામ પછી ઉપસંહાર લખીને પુસ્તક પૂરું થશે.
VP: મને પણ એમ જ લાગે છે કે આવનારી ચૂંટણીમાં અનામત આંદોલનનો કોઈ મુદ્દો રહેશે નહીં. 2017 પછી યોજાયેલી ચૂંટણીઓમાં આંદોલનની અસરો ઓસરતી રહી છે. EBC અને આયોગના લાભ મળતા થઈ ગયા છે, તેથી અન્ય લાભાર્થીઓ માટે પણ કોઈ નવી ભૂમિકા બાકી રહેતી નથી. સમગ્ર સ્થિતિમાં સીધો ફાયદો ભાજપને છે અને આવનારા સમયમાં પણ થતો રહેશે.
(ડૉ. વસંત પટેલ સામાજિક અગ્રણી છે, દિલીપ ગોહિલ વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક છે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.