ડિજિટલ ડિબેટ:નૂપુર શર્માનાં ઉશ્કેરણીજનક નિવેદનોના પડઘા ક્યાં સુધી, કેવાં પડશે?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નીલેશ રૂપાપરા (NR): ભલે એવું કહેવાતું હોય કે નૂપુર શર્માનું નિવેદન ખોટું નહોતું, પણ ધાર્મિક લાગણીઓ દુભાય એવાં નિવેદનનો કોઈ બચાવ ન જ હોય. સાથેસાથે એ વાત પણ સાચી કે ધાર્મિક લાગણી તો બધાની જ દુભાતી હોય છે. પયગંબર સાહેબનું અપમાન થયું હોય તો હિંદુ ભગવાનોનું પણ અપમાન થયું છે. આમ છતાં મુસ્લિમોનો ઍટિટ્યુડ એવો હોય છે કે અમારી ટિપ્પણીઓથી હિંદુઓની ધાર્મિક લાગણી દુભાય એ ચાલે, પરંતુ હિંદુઓની ટિપ્પણીઓથી જો અમારી ધાર્મિક લાગણી દુભાશે તો અમે ‘સર તન સે જુદા’ની અને બળાત્કારની ધમકીઓ આપશું અને અમલમાં પણ મૂકશું. આવો ઍટિટ્યુડ કેવી રીતે ચાલે?

દિલીપ ગોહિલ (DG): મુશ્કેલી આ મુદ્દામાં જ થઈ છે- તમે અમારી ધાર્મિક લાગણી દુભવો છો એટલે તમારી અમે દુભવીશું. અજબ છે આ લાગણીના ખેલ! દેશની 80 કરોડ પ્રજાને મફતમાં અનાજ આપવું પડે છે એની કોઈને પડી નથી. માણસ ગરીબીમાં સબડે, તનતોડ મજૂરી કરીને ખુલ્લા 'આકાશ' નીચે પડ્યો રહે; તેના જીવનની કઠણાઈની પરવા કરવાના બદલે 'ઉપરવાળા' પર આંચ ના આવે તે માટે માણસો આક્રોશમાં આવી જાય છે. ઠીક છે, આ તો રાજકારણ છે એટલે ફિલોસોફીને કોઈ સ્થાન નથી. રાજકારણની ગર્તા બહુ ઊંડી થઈ ગઈ છે અને વેચાઈ ગયેલી અમુક ચેનલો આ ગર્તાની ગંદકીમાં કૂદીને નાચે છે અને ચારે બાજુ ગંદો ગારો ઉડાડે છે. અમને લાભ મળતો હશે ત્યારે સમાજ અને દેશને ગમે તેટલું નુકસાન થતું હશે તોય અમે ખેલ કરીશું - આ ઍટિટ્યૂડ કેવી રીતે ચાલે?

NR: જો તમારી ધાર્મિક લાગણી ઘવાય તો અદાલતમાં જાવ, કાનૂની તરીકાથી પ્રત્યાઘાત આપો. જુમ્માની નમાઝ પછી આ રીતે રસ્તા પર ઊતરીને કાયદો હાથમાં લેવાની વાત કેવી રીતે વાજબી ઠરાવી શકાશે? નૂપુર શર્મા પર એફઆઈઆર થઈ છે તો પોલીસને અને અદાલતોને એમનું કામ કરવા દો. પોતાની સગવડે બંધારણની દુહાઈઓ આપવાનો અને મનફાવે ત્યારે પથ્થરબાજી કરવાનો તરીકો વાહિયાત છે. અન્યોને વિક્ટિમ બનાવીને પોતે વિક્ટિમ કાર્ડ ઊતરતા રહેવાની આ પ્રયુક્તિઓ હવે બધાને સમજાઈ ચૂકી છે.

DG: યુક્તિઓ અને પ્રયુક્તિઓ બધાને સમજાઈ ગઈ છે, પણ મુશ્કેલી છે તેને રોકવાની કોઈ રીત જડતી નથી. બંને પક્ષોની કટ્ટરતા એટલી કાતિલ બની ગઈ છે કે સમજદારીની વાત કરનારાએ મૌન થઈ જવું પડે છે. સમાજના અગ્રણી કહેવાય તેઓ પણ મામલો થાળે પાડવાને બદલે ઉગ્ર કરવાની કોશિશ કરે ત્યારે રસ્તો નીકળતો નથી. પક્ષ તરફથી મોડે તો મોડે પણ કાર્યવાહી થઈ અને પ્રવક્તાઓને સસ્પેન્ડ કરાયા; ફરિયાદો પણ નોંધાઈ છે ત્યારે જુમ્માની નમાઝ પછી દેખાવો કરવાની ઉશ્કેરણી કરનારાએ નુકસાન જ વધુ કર્યું છે. એક દબાણ ઊભું થયું હતું અને બેફામ બનેલી અમુક ચેનલોની ઝેરીલી ડિબેટ પર નિયંત્રણો માટે વાતાવરણ બની રહ્યું હતું, તેને શુક્રવારનાં તોફાનોએ ડહોળી નાખ્યું છે. આ પ્રયુક્તિઓને કેમ રોકવી એ જ મોટી સમસ્યા બની ગઈ છે.

NR: નૂપુર શર્માના નિવેદન પછી તરત જ મુસ્લિમોનો વિરોધ નહોતો શરૂ થયો. એ વિરોધને ભડકાવવામાં આવ્યો. કહેવાતા ફૅક્ટ ચેકરો દ્વારા અને પછી ઇસ્લામિસ્ટ એજન્ડા ધરાવતા કેટલાક તથાકથિત પત્રકારો દ્વારા. એટલે નિવેદનના અમુક દિવસ બાદ હોબાળો શરૂ થયો. છેવટે મધ્યપૂર્વના ઈસ્લામિક દેશોમાં વિરોધનો વંટોળ ઊઠ્યો. આનો મતલબ, જાણીજોઈને, ફૂંક મારી મારીને આગ લગાડવામાં આવી. બીજું કે વિદેશનીતિની બાબતમાં ભારત પોતાની કરોડરજ્જુ દેખાડતું થયું છે ત્યારે આપણા દેશમાં અને મધ્યપૂર્વમાં આ ઈશ્યુ સળગ્યો એ પણ સૂચક છે. હિંદુવાદી ગણાતી સરકારને કોઈ પણ ભોગે અંદરથી અને બહારથી ભરડામાં લેવાની નિરંતર કોશિશોનો આ હિસ્સો હોય એવું નથી લાગતું? એવું ન હોત તો, ચીન જ્યારે ઉઈઘૂર (અથવા વિગર-Uyghur) મુસ્લિમો પર કાળો કેર વર્તાવી રહ્યું છે અને ઈસ્લામની શકલ બદલી રહ્યું છે ત્યારે આ ઈસ્લામિક દેશો ચૂપ બેઠા રહેત? માત્ર એક ટિપ્પણી માટે ભારતને કોણી મારવા પાછળ કોની મથરાવટી મેલી છે?

DG: એ લોકો તથાકથિત પત્રકારો પણ નથી. પત્રકારો જ નથી, પણ એજન્ડાખોર દલાલો છે. અસલી પત્રકારોની મુશ્કેલી વધી છે, કેમ કે સત્યવચન પણ સંભાળીને બોલવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. કૉન્સ્પિરસી થિયરી મનમાં વધારે હોય છે, વાસ્તવમાં ઓછી હોય છે અને હોય છે ત્યાં અમુક જૂથની હોય છે, સ્થાપિત હિતોની હોય છે. આખો સમાજ બીજા વિરુદ્ધ કાવતરાં કરતા હોય તેવું બનતું નથી. ભારતના હિન્દુઓ કોઈ પંથ, સંપ્રદાય, ધર્મ કે જૂથ સામે કાવતરું કરી રહ્યા નથી. હિન્દુઓ જીવો અને જીવવા દોમાં માને છે, કોઈને ખતમ કરવામાં નહીં. એટલે ભારતમાં કોઈનુંય વિક્ટિમ કાર્ડ ચાલે તેવું નથી. પોતાનું રાજકારણ ચલાવવા માગનારા સ્થાપિત હિતો કાંતો ઉશ્કેરણી કરે છે, કાંતો તોફાનો કરે છે. ચીનમાં સમગ્ર પ્રજાને ધર્મથી વિમુખ કરીને ભૌતિક દુનિયાની સમજદારીમાં લાવવાની વાત છે એટલે ત્યાં માત્ર ધર્મના ભેદભાવનો મામલો નથી. ચીનમાં બૌદ્ધ ધર્મને પણ દબાવી દેવાની પ્રવૃત્તિ ચાલે છે. ચીન કહે છે ધર્મથી મુક્તિનો માર્ગ છોડો, હાડમારીમાંથી મુક્ત થવાનો માર્ગ કાઢો.

NR: ઓકે, કૉન્સ્પિરસી થિયરીને બાજુ પર મૂકો તોય અસહિષ્ણુતા, ધર્માંધતા અને માનવઅધિકારોનો સાવ જ કંગાળ રેકૉર્ડ ધરાવતા મધ્યપૂર્વના દેશો લોકતાંત્રિક ભારતને દબડાવે એનાથી મોટી વિડંબના બીજી કઈ હોઈ શકે? જોકે એનાથી મોટી વિડંબના એ છે કે ઘણા લાલ-લીલા ભારતીયો આ બાબતે ખુશ થાય છે. કોઈને એ દેખાતું નથી કે હિંદુવાદી ગણાતી સરકાર છતાં ભારતનું સેક્યુલરિઝમ, એનો બહુસાંસ્કૃતિક સમાજ અને એનો સર્વધર્મ સમભાવ હજી ધબકે છે. જ્યારે ઈસ્લામિક દેશોમાં તો ઈસ્લામના જ અન્ય ફિરકાને સાંખવાની વૃત્તિ નથી.

DG: આ વિરોધાભાસ ધ્યાન ખેંચે એવો છે. પોતાના દેશમાં નામનીય સહિષ્ણુતા ના દાખવનારા દેશો બીજાને સલાહ દેવા નીકળ્યા એ વક્રતા છે. પણ એ યાદ રાખવું જોઈએ કે વર્તમાન સરકાર જ અરબ અને મુસ્લિમ દેશો સાથે આપણા સૌથી સારા સંબંધો છે એવો પ્રચાર કરતી રહી છે. અખાતના દેશોમાં બે સદી જૂના એક મંદિરનો જિર્ણોદ્ધાર થયો અને એક સંપ્રદાયનું મંદિર બની રહ્યું છે તેને બહુ મોટી જીત તરીકે પ્રચારિત થતી હોય ત્યારે આવા મામલામાં ટીકાનો સામનો કરવાનું આવે. પોતાની બિનસાંપ્રદાયિકતાની વાતો મૂકીને આ દેશો પણ બિનસાંપ્રદાયિક છે એમ માનીને ચાલો ત્યારે આવી મુશ્કેલી થવાની. સરકારે હિંમત કરીને આ દેશોને સંભળાવી દેવાની જરૂર હતી કે અરીસો જોઈ લો. અમે તો કાર્યવાહી પણ કરી, તમે તમારા દેશમાં શું શું કરો છો આ રહ્યું લિસ્ટ - એવું સંભળાવાની જરૂર હતી. તેના બદલે પોતાના જ પ્રમુખ પ્રવક્તાઓને ફ્રિન્જ ઍલિમેન્ટ ગણાવી નાખ્યા - ફાલતુના બકવાસ કરનારા માણસો કહી નાખ્યા ત્યારે મુસ્લિમ દેશોએ શું કર્યું, તેના કરતાં વર્તમાન સરકારે શું કર્યું અને શા માટે કર્યું એ વિચારવાની જરૂર છે.

NR: નૂપુર શર્માની હેટ સ્પીચનો કોઈ બચાવ ન હોય, પણ તકલીફ એ વાતની છે કે હેટ ડીડ્સ આચરતા લોકો બીજાની હેટ સ્પીચનો વિરોધ કરે છે. આવું ઉદારમતવાદીઓની સિલેક્ટિવિટીને કારણે થાય છે. લિબરલો મુસ્લિમોનાં ખોટાં કરતૂતો પણ છાવરે છે અને હિંદુઓની સાચી વાતોનો પણ વિરોધ કરે છે. આથી સામાન્ય મુસ્લિમોને એવું લાગે છે કે બહુમતીવાદ એમની પર જુલમ કરી રહ્યો છે. ખતરા હૈ - એવું તેમને કહેવામાં આવે અને શુક્રવારની નમાઝ પછી દેખાવો કરવાનું કહેવામાં આવે ત્યારે સામાન્ય મુસ્લિમો પણ ગેરમાર્ગે દોરાઈ જતા હોય છે.

DG: ઉદારમત હોય ત્યાં સિલેક્ટિવિટી કેવી રીતે આવે? કટ્ટરતા સિલેક્ટિવ હોય છે, બંને પક્ષે સમાન હોય છે. ઉદારતા એ છે કે સામા પક્ષની વાતને સમજવાની કોશિશ અને ખોટી હોય ત્યારે ખોટી કહેવાની રીત. મુસ્લિમોનાં ખોટાં કરતૂતોને છાવરવામાં આવે છે એવું કહીને સાચી વાત બોલનારા લિબરલોને પણ દબડાવવાની કોશિશ છે. અમારી વિરુદ્ધ બોલે તેને બદનામ કરવાની આ કટ્ટરતા છોડવામાં આવે તો દરેક પ્રકારની કટ્ટરતાથી દેશને નુકસાન થઈ રહ્યું છે તે અસલી મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત થઈ શકશે. રાષ્ટ્ર કલ્યાણ અને જન કલ્યાણના અસલ મુદ્દાઓ હશે તો પછી તેમાં કોઈને ગેરમાર્ગે દોરવાની ગુંજાઈશ રહેશે નહીં.

(નીલેશ રૂપાપરા અને દિલીપ ગોહિલ બંને વરિષ્ઠ પત્રકારો અને રાજકીય વિશ્લેષકો છે)