ડિજિટલ ડિબેટ:ત્રીજી લહેર માટેની સરકારની તૈયારી કેવી છે? શિક્ષણ, પ્રવેશ અને પરીક્ષાના નિર્ણયો ક્યારે લેવાશે?

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ને આખરે મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી. આયોજન જ શા માટે કરવામાં આવ્યું હતું એવો સવાલ પ્રથમ પૂછાશે, કારણ કે ત્રીજી લહેર આવશે એવી વારંવાર ચેતવણી આપવામાં આવી હતી. આમ છતાં આયોજન થયું હતું. આયોજન પાછળ કરોડો રૂપિયા ઓલરેડી ખર્ચાઈ ચૂક્યા છે. એક તબક્કે એવું લાગતું હતું કે જીદે ભરાઈને સરકાર વાઇબ્રન્ટ કર્યે જ છૂટકો કરશે, વિદેશી મહેમાનો માટે બિન્ધાસ્ત નિયમો ભંગ કરીને કામ કરાશે. પ્રજા માટે બધા નિયમો, નેતાઓ માટે કોઈ નિયમો જ નહીં તે કોરોનાકાળમાં દીવા જેવું ચોખ્ખું થઈ ગયું છે. કદાચ એવું લાગ્યું કે ઘણા બધા વિદેશી મહેમાનો જ આવવાની તૈયારી નહીં બતાવે. એટલે અને આવ્યા પછી અહીંની સ્થિતિ જોઈને ખોટી છાપ લઈ જશે એવી ભીતિથી આખરે ઉપરથી આદેશ આવ્યો અને વાઇબ્રન્ટ સમિટ રદ થઈ. બીજા પણ એક બે કાર્યક્રમો રદ થયા, પણ શાળા-કોલેજો વિશે (આ લખાય છે ત્યારે) નિર્ણય લેવાનો બાકી રહ્યો છે. એ માટે દિલ્હીથી સૂચના આવે પછી જ નિર્ણય લેવાશે...

સુનીલ જોષી (SJ): દળી-દળીને ઢાંકણીમાં એવું થશે. દિલ્હીથી સૂચના આવશે પછી હવે શાળા અને કોલેજો બંધ કરવાનો નિર્ણય લેવાશે. પરીક્ષાઓ અંગે પણ ગયા વખતની જેમ દિલ્હીમાં CBSE બોર્ડ નક્કી કરે પછી ગુજરાતમાં તેની પાછળ હઇસો હઇસો કરવાનું રહેશે. અહીં નિર્ણય લેવાની સત્તા જ ક્યાં છે! વાઇબ્રન્ટના આયોજન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે. વિદેશ પ્રવાસ પાછળ અને અમદાવાદ-ગાંધીનગરમાં સજાવટ પાછળ ખર્ચો ઓલરેડી થઈ ચૂક્યો છે. એ બધું દળી-દળીને ઢાંકણીમાં ગયું.
દિલીપ ગોહિલ (DG): એ તો આમ પણ દળી-દળીને ઢાંકણીમાં જ ગયું હોત. સમગ્ર વિશ્વની રીતે કોરોનાની ચોથી લહેર ચાલી રહી છે અને અમેરિકા તથા યુરોપમાં વધારે મોટી ત્રીજી અથવા ચોથી લહેર ચાલી રહી છે. અગાઉના અનુભવોને કારણે લોકડાઉનની વાત કરવાનું કાળજું શાસકોનું રહ્યું નથી. પરંતુ વૈશ્વિક આર્થિક સેન્ટિમેન્ટ એટલો સારો નથી. હજી અનિશ્ચિતતા ઊભી જ છે. તેના કારણે લોન્ગ ટર્મ પ્લાનિંગ કોર્પોરેટ સેક્ટરે સાઇડમાં રાખી મૂક્યું છે. તે સંજોગોમાં વિદેશમાંથી કોઈ મોટું મૂડીરોકાણ વાઇબ્રન્ટ સમિટને કારણે આવી ગયું હોત એવી સંભાવના ઓછી હોત. દર વખતની જેમ ગમે તેમ કરીને કેટલાક MOU અને કેટલાક આંકડા તૈયાર કરી દેવાયા હોત, પણ વાસ્તવિક મૂડીરોકાણ દેખાવાનું નહોતું. તે સંજોગોમાં વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવાની જ જરૂર નહોતી તે સ્પષ્ટ થાય છે. મોકૂફ રાખવાનો નિર્ણય તો મહાપરાણે લેવો પડ્યો છે.

SJ: આ પ્રકારના નિર્ણયો સમયસર લેવા જોઈએ. દાખલા તરીકે, ફ્લાવર શૉ અને અમુક કાર્યક્રમો રદ થયાની જાહેરાત થઈ, પણ એક મોટા સામાજિક મેળાવડામાં શું થશે તેની (આ લખાય છે ત્યારે) હજીય અસ્પષ્ટતા છે. શિક્ષણ, પ્રવેશ પ્રક્રિયા અને પરીક્ષાનો મામલો તો લટકેલો છે જ. તેનો નિર્ણય જ્યાં સુધી નહીં લેવાય ત્યાં સુધી વિદ્યાર્થીઓ અને વાલીઓએ અવઢવમાં રહેવાનું. નિર્ણય આવશે ત્યારે એવો આવશે કે અફસોસ કરવાનું થશે. બીજી લહેરમાંથી રાજ્ય સરકાર કંઈ ન શીખી. કોરોનાની ત્રીજી લહેર દેખાવા માંડી તેના એક અઠવાડિયા પછી સરકાર જાગી છે. અફસોસની વાત એ છે કે આપણે કોઈ બીજી લહેરમાંથી કંઈ જ ન શીખ્યા. ન રાજા ન પ્રજા, ન સાધુ ન સંત, ન કથાકારો ન ભક્તો, ન કામદાર ન વેપારી, એટલે કે શાસકો અન નાગરિકો સૌ જવાબદાર છીએ. રૂપાણી સરકાર રાતોરાત ઘર ભેગી થઈ તેની પાછળનું એક કારણ બીજી લહેરમાં ગુજરાતની પ્રજાને હેરાન હેરાન કરનારી શાસનની અણઆવડત હતી.
DG: અણઆવડત અખંડ છે. નવા સીએમ, નવા પ્રધાનો એ જ રીતે ટોળાં ભેગાં કરી રહ્યા છે. રાજકોટમાં સુશાસન રોડ શો યોજાયો - ત્રીજી લહેર સ્પષ્ટપણે શરૂ થઈ ગયેલી છે છતાં ટોળાં ભેગા કર્યાં. નવા સીએમ ભૂપેન્દ્ર પટેલે તો વળી કહ્યું કે હજી કંઈ ચિંતા કરવા જેવું નથી. ગાંધીનગર પરત ફરીને સ્થિતિની સમીક્ષા કરવાની બેઠક બોલાવવી પડી, કારણ કે આંકડો વધી નથી રહ્યો, દ્વિગુણિત થઈ રહ્યો છે, તો પણ વાઇબ્રન્ટ સમિટ રદ કરવાની જાહેરાત કરી તે સારું કર્યું. આવી બાબતમાં ભૂતકાળમાં ભાજપ સરકારે જીદ કરેલી છે. તેથી સમિટ રદ નહીં થાય અને નિયમોનો ભંગ કરીને પણ યોજાશે એમ લાગતું હતું. એટલે મોડેમોડે પણ સારો નિર્ણય લીધો. સાથે જ ફ્લાવર શો રદ કરવાનો અને યુવાપ્રધાન હર્ષ સંઘવીએ જન્મદિનની ઉજવણી સુરતમાં ટાળી એટલું સારું કર્યું. વાઘાણીએ હિંમત કરીને શાળા, કોલેજ, પરીક્ષા વિશે (સ્થિતિની મોવડીને જાણ કરીને) નિર્ણય લઈ લેવાની જરૂર હતી. એ ખરું કે વિદ્યાર્થીઓને રસી આપવાનો કાર્યક્રમ ચાલે છે. તેથી શાળા કોલેજ ખુલ્લી રહે તો એક જ સ્થળે રસી આપી શકાય.

SJ: એવી રીતે રાજ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવાતા હોત તો આપણે પણ રાજી થાત અને કદર કરત. પરંતુ દુઃખની વાત છે કે નરેન્દ્રભાઇ મોદી ગુજરાતમાંથી દિલ્હી ગયા બાદ વાસ્તવમાં ગુજરાતને કિંગ સાઇઝ મુખ્યમંત્રીઓ મળ્યા જ નથી. કોંગ્રેસમાં હતું તેમ ભાજપમાં પણ હાઇકમાન્ડ કલ્ચર સજ્જડ જામી ગયું છે. ગુજરાતના નાથ દિલ્હીના સમ્રાટને પૂછ્યા વિના ડગલું પણ માંડી શકતા નથી. પોલિસી લેવલની બાબતમાં સંગઠન અને નેતૃત્વ સાથે ચર્ચા થતી હોય તો ઠીક છે પણ રાજ્યની પોતાની સ્થિતિ હોય ત્યારે સામેથી તાકીદની જાણ કરીને નિર્ણય લેવાની હિંમત સીએમ અને પ્રધાને કરવી પડે. ગુજરાતના હિતની જ વાત હોય ત્યારે મોવડીમંડળ શા માટે ન સ્વીકારે?
DG: વાત વાજબી છે. ગુજરાતની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ દરેક નિર્ણય લેવાવા જોઈએ અને તે માટે ભલે મોવડીમંડળને પૂછવું પડે. એ રીતે નિર્ણયો લેવાયા તેથી રાજ્ય માટે સારું જ છે. જો કે, કદાચ મોવડીમંડળના કલ્ચરને કારણે વધારે સક્રિયતા ન દેખાય તે માટેની સાવધાની હશે. તેમ છતાં લાગે છે કે અત્યારે સંગઠન અને સરકાર વચ્ચે થોડો તાલમેલ છે ત્યારે સ્થાનિક કાર્યક્રમો રદ કરી દેવાયા તેની પણ નોંધ લેવી પડે. આ જ ધોરણે સંગઠનના અને સરકારી મેળાવડાના બીજા કાર્યક્રમો હાલ ન થાય તેની કાળજી લેવાશે તો સારું રહેશે. પરીક્ષા અંગે કદાચ તાત્કાલિક નિર્ણય લેવાય અને વળી ફેરવવો પડે તેના કારણે વિમાસણ થાય. તેથી કદાચ સૌ સાથે ચર્ચા કરીને નિર્ણય લેવાય, ભલે થોડો મોડો લેવાય તો તેમાં પણ વાંધો નથી. કેટલાક નિષ્ણાતો કહી રહ્યા છે કે ઓમિક્રોન વધવાની ઝડપ વધારે છે એટલે પીક ઝડપથી આવી જશે. તેથી જો જાન્યુઆરીના અંતમાં જ પીક આવી જાય તો ફેબ્રુઆરીના અંત સુધીમાં ફરી રાહતની સ્થિતિ સ્પષ્ટપણ થવા લાગે. તે સંજોગોમાં ઓવરઓલ શિક્ષણ, પ્રવેશ અને પરીક્ષાઓ વિશે વિચારી શકાય.
(સુનીલ જોષી અને દિલીપ ગોહિલ વરિષ્ઠ પત્રકારો અને રાજકીય વિશ્લેષકો છે)

અન્ય સમાચારો પણ છે...