ડિજિટલ ડિબેટ:નરેન્દ્ર મોદીનો અમેરિકા પ્રવાસ કેટલો ફળદાયી નીવડશે?

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુનીલ જોષી (SJ): કોરોના કાળના અંતિમ તબક્કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસે, ખાસ કરીને અમેરિકામાં વસેલા એનઆરઆઇ વર્ગમાં ભારે ઉત્કંઠા જગાવી છે. અમેરિકા પોતાનો સુપરપાવરનો દરજ્જો યથાવત રાખવાની મથામણમાં છે, જ્યારે ભારતની મહત્ત્વાકાંક્ષા વિશ્વગુરુ બનવાની છે. હિતોના આ ટકરાવ વચ્ચે અમેરિકા પ્રવાસે પહોંચેલા ભારતના વડા પ્રધાન ટ્રેડ ડીલ, બિઝનેસ, એફડીઆઈ, અને સુરક્ષા તથા જિયો પૉલિટિકલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમેરિકા સાથે સ્ટ્રેટેજિક રિલેશન્સને નવો આયામ આપવાની કોશિશ કરશે તેવી અપેક્ષાઓ છે.
કોરોના મહામારી બાદ વિશ્વ બદલાઈ ગયું છે અને યુએસએમાં પ્રેસિડન્ટ પણ બદલાઈ ગયા છે. એક વખતના નરેન્દ્ર મોદીના મિત્ર ગણાયેલા ડોનાલ્ડ ટ્રમ્પની જગ્યાએ, જરાક જુદી વિચારસરણી ધરાવતા જૉ બાઇડન અને વાઇસ પ્રેસિડન્ટ તરીકે મૂળ ભારતીય માતાની પુત્રી, (કમલા હૅરિસ, પણ તેનો વિશેષ કોઈ લાભ નથી) ત્યારે નરેન્દ્ર મોદીની આ મુલાકાત, અગાઉની મુલાકાતોની જેમ જ શું પરિણામો લાવશે તે પ્રશ્નાર્થચિહ્ન છે.

દિલીપ ગોહિલ (DG): દરેક પ્રવાસ પછી પ્રશ્નાર્થ મૂકાતા જ હોય છે, એટલે એ નવું નથી અને અપેક્ષાઓ પણ હોય - એય નવું નથી. પરંતુ આ વખતની મુલાકાતમાં સંજોગો નવા અને તાજા અને તાકીદના છે. અફઘાનિસ્તાનના મામલા સાથે બે દેશો જોડાયા છે - પાકિસ્તાન અને ચીન. ભારત અને અમેરિકા બંને માટે આ બંને દેશો અગત્યના ખૂણા રચી રહ્યા છે. ભારત માટે આ બંને દેશો દુશ્મન છે, જ્યારે અમેરિકા માટે એક દુશ્મન, એક પ્યાદું. ભારતે આ વખતે અમેરિકાને બહુ સ્પષ્ટપણે કહેવાની જરૂર છે (અને તક પણ છે) કે પાકિસ્તાનને તમે અમારી સામે પ્યાદા તરીકે ઉપયોગ કરવાનું બંધ કરો. પાકિસ્તાન અને ચીન એક જ પલ્લામાં છે અને તમારે હવે અમારા પલ્લામાં વજન મૂક્યા સિવાય છૂટકો નથી. ચીને પાકિસ્તાનથી શરૂ કરીને છેક તુર્કી સુધી પ્રભાવનો આખો પટ્ટો પાથરવાનું શરૂ કર્યું છે, તેને અમેરિકા ગંભીરતાથી નહીં લે તો ચીનનો સામનો થઈ શકવાનો નથી. કોરોનામાં માત્ર ચીનનું અર્થતંત્ર તેજીમાં રહ્યું, ભારત અને અમેરિકાનાં અર્થતંત્ર ડામડોળ છે. અહીં પણ સમાન ગરજ છે. ભારતે ફોડ પાડીને કહી શકે તેમ છે કે વેપાર અને સુરક્ષાના મુદ્દે સાથે રહેવાનો સમય છે. તમે ચીન અને પાકિસ્તાનને એક ગણો - એકથી અમને ડરાવો નહીં અને એકને પ્યાદું ના બનાવો. જો આ વાત અમેરિકાના ગળે ઉતારી શકાય તો આ મુલાકાત માત્ર શબ્દોમાં સ્ટ્રેટેજિક નહીં, પણ વ્યવહારમાં પણ સ્ટ્રેટિજિક રિલેશન્સ માટે સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે.

SJ: આ પ્રવાસમાં અમેરિકાની વિરાટ કંપનીઓ ભારતમાં જંગી રોકાણ કરે તે માટેના પ્રયાસોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે તેવું લાગે છે. એ પણ ખરું કે હાલમાં અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ જે રીતે કબજો લઈ લીધો છે, ત્યારબાદની સ્થિતિમાં વ્યૂહાત્મક રીતે ભારતની ગરજ પણ અમેરિકાને છે. લાંબા સમય પછી ચતુર્ભૂજ દેશો (ક્વૉડ - અમેરિકા, ઑસ્ટ્રેલિયા, જાપાન, ભારત)ની બેઠક મળી રહી છે. પણ અહીં જુઓ કે થોડા વખત પહેલાં જ અમેરિકાએ એક નવા સમૂહની જાહેરાત કરી દીધી છે. તેનું નામ છે ઑકસ (AUKUS - ઑસ્ટ્રેલિયા, યુકે, યુએસએ) - આ સંગઠનને સ્પષ્ટપણે મિલિટરી સંગઠન ગણાવાયું છે અને ઑસ્ટ્રેલિયાને અણુ સબમરીન આપવાની વાત પણ અમેરિકાએ જાહેર કરી છે. ફ્રાન્સે સબમરીન સોદાનો જે રીતે વિરોધ કર્યો છે તે જોતાં સમજાઈ જશે કે આ ઑકસ પર કેટલું ફોકસ છે. એટલે ભલે આપણે માનીએ કે ચીન સામે અમેરિકાને ભારતની ગરજ છે, (છે જ), પણ અમેરિકાએ ભારત અને જાપાન સિવાયના વિકલ્પો પણ અમલમાં મૂકી દીધા છે. એટલે ક્વૉડ સામે પણ ક્વેશ્વન માર્ક!

DG: ઑકસ પર ફોકસ રહેશે એ ખરું, પણ તે લશ્કરી સંગઠન વધારે છે, જ્યારે ક્વૉડ વધારે વ્યાપક વિષયો સાથેનું ગઠબંધન છે. તેથી સુરક્ષા સાથે વેપાર અને સહકાર પણ તેમાં આવી જાય છે. ભારતને કમસે કમ જાપાન સાથે સારા સંબંધો છે અને ઑસ્ટ્રેલિયા સાથે પણ ખરાબ સંબંધો તો નથી જ. એટલે તે સંગઠનનું પણ મહત્ત્વ છે. બીજું કે ભારતે સમજીવિચારીને, પોતાના હિત ખાતર ક્વૉડને ચીન વિરુદ્ધનું લશ્કરી સંગઠનનું સ્વરૂપ આપવાનું પસંદ નથી કર્યું. અમેરિકા જે કંઈ કરે, પાકિસ્તાનનું પ્યાદું ઉડાવી દે કે ના ઉડાવી દે, ભારતે પોતાની તૈયારી રાખવાની જ છે અને રાખી પણ છે. મને લાગે છે કે આ વખતે શબ્દો ચોર્યા વિના આ જ વાત કરવાની છે - અમારે અમારા હિતો જોવાના છે, લાંબા ગાળાનું વિચારવાનું છે અને ચીન અને પાકિસ્તાનને અમે એક જ ટોળી માનીએ છીએ. તમે પાકિસ્તાને જરાક જુદું ગણીને ચાલવા માગતા હો તો વિચારી લો - વર્તમાન સંજોગોમાં આ દલીલો થઈ શકે તેવી છે એટલે હું આ મુલાકાતને મહત્ત્વની ગણું છું અને કંઈક તો પરિવર્તન લાવનારી બનશે એમ મને લાગે છે.

SJ: ભારતને લાગેવળગે છે ત્યાં સુધી અફઘાનિસ્તાનમાં સીધી રીતે ભારતનું મોટું રોકાણ હતું. ભારતના સીધા સંબંધો પણ અફઘાન સરકાર સાથે હતા. વિશેષ કરીને સમાજના એક મોટા વર્ગમાં ભારતની સારી છાપ રહી છે. આ બધું જાણતું હોવા છતાં અમેરિકા અફઘાનિસ્તાનમાંથી ઉચાળા ભરતી વખતે જે રીતે વર્ત્યું તે જોતાં તેનો ભરોસો કેટલો કરવો તેની સામે પણ પ્રશ્નાર્થ. પાકિસ્તાન અને ચીન આ સ્થિતિમાં ફાવી જવાના છે તેનો અંદાજ તેને ના આવ્યો તો નવાઈની વાત કહેવાય. અમેરિકાએ પારોઠનાં પગલાં ભર્યાં છે ત્યારે તાલિબાનની બાબતમાં અમેરિકા ભારતને કઈ રીતે મદદરૂપ થશે?

DG: આ મુલાકાતમાં તાલિબાનનો મુદ્દો અગત્યનો છે અને અમેરિકા તેમાં ભારતને ક્યાંય કામ આવે તેવું લાગતું નથી એ વાત સ્વીકારીને પણ કહી શકાય એમ છે કે આ વખતની અમેરિકી સત્તાધીશો સાથેની મુલાકાતો થોડી અલગ રહેશે. તાલિબાનના આવવાથી ઊભા થનારા કોઈ પણ સંજોગોને પહોંચી વળવા ભારતે સ્વયં પ્રયાસો જ કરવાના છે. આ વાત આપણે સૌ સમજીએ છીએ. ફક્ત ધારવા ખાતર ધારી લો કે તાલિબાન ત્રણેક ટકા સુધરી ગયા, તે પછીય પાંચ ટકા સુધરેલા પાકિસ્તાન જેટલી જ સમસ્યા આપણે માટે રહેવાની છે. આટલા દાયકાથી આપણે પાકિસ્તાન સાથે પનારો પાડતા આવ્યા છીએ અને ભાંગફોડ સામે ભરી પીવાનું શીખ્યું છે. તેથી તાલિબાનના મુદ્દે અમેરિકા જે વિચારતું હોય, આપણે મુખ્યત્વે પાકિસ્તાન અને ચીનના સંદર્ભમાં વિચારવાનું છે. તાલિબાનને કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં આપણે વધુ વજૂદ સાથે આર્ગ્યૂમેન્ટ્સ કરી શકીએ એમ છીએ - એ આ વખતની મહત્ત્વની વાત છે.

SJ: ભારતના મૂડીબજારમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવતું રહે છે. એમેઝોન અને વૉલમાર્ટ સહિતની કંપનીઓ આવી છે, પરંતુ તે સિવાયની ઘણી કદાવર કંપનીઓ છે. અમેરિકામાં જેનું જોઈએ તેટલી માત્રામાં રોકાણ હજી આવ્યું નથી. ઍપલનું વેચાણ ભારતમાં વધ્યું છે અને હવે તે ચીનના બદલે અહીં વધારે ઉત્પાદન કરતું થાય તે પણ જરૂરી છે. આ કંપનીઓએ હજી ચીનને તદ્દન છોડ્યું નથી. મેન્યુફેક્ચરિંગમાં ભારતે મલ્ટિનેશનલ્સને આકર્ષવા માટે ઘણું કરવાનું બાકી છે અને તેથી આ એક મુલાકાતથી ફરક પડી જાય તેવું માનવાને કારણ નથી. હા, સીઈઓ સાથે દેશના વડા સીધી ચર્ચા કરતા હોય તો ફરક પડતો હોય છે. ઍપલ, ટેસ્લા જેવી કંપનીઓના સીઈઓ સાથે મુલાકાતથી પ્લેટફોર્મ બનતું હોય છે, જેના પર આગળ બ્યૂરોક્રેટ્સ કામ કરી શકે એની ના નથી.

DG: ટેસ્લાની ફૅક્ટરીની મુલાકાત નરેન્દ્ર મોદીએ અગાઉના યુએસએના પ્રવાસ વખતે લીધી હતી. યાદ રહે કે હાલમાં જ ટેસ્લાએ માગણી કરી છે કે કસ્ટમ્સ ડ્યુટી ઘટાડવામાં આવે. ટેસ્લા ગુજરાત અથવા તામિલનાડુ બેમાંથી એક રાજ્યમાં ફૅક્ટરી નાખવા માગે છે. ટેસ્લા માત્ર ઇલેક્ટ્રિક કાર નથી બનાવતી, પણ સોલર પેનલ સાથે લેટેસ્ટ બેટરી ટેક્નોલૉજી ધરાવે છે. ગુજરાત સોલર એનર્જીથી માંડીને બેટરી અને ઇલેક્ટ્રિક વેહિકલ સુધીની સમગ્ર ચેઈન માટે આકર્ષક સ્ટેટ બની શકે છે. તામિલનાડુ કે ગુજરાત જેની પણ પસંદગી થાય તે અગત્યનું નથી, પરંતુ તાતા નેનો માટે જે રીતે ફાસ્ટ ટ્રેક પર નિર્ણયો લેવાયા હતા તેવું થઈ શકે છે તેનો અણસાર નરેન્દ્ર મોદી આપી શકે છે.

SJ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતથી અમેરિકાના એનઆરઆઈ ઉત્સાહમાં હોય અને ભવ્ય સ્વાગત કરવા માટે તત્પર હોય તે પણ છે. જોકે આ વખતે વિશાળ મેદની સાથે કાર્યક્રમો થઈ શકે તેમ નથી. સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાને ધ્યાનમાં રાખીને અમેરિકાએ પ્રવાસ માટે કોરોના ગાઇડલાઇન અને પ્રોટોકોલ સાથે છુટછાટો જાહેર કરી છે. એટલે આ વખતે ભવ્ય કાર્યક્રમની ઝલક નહીં હોય, પણ એની વૅ, વધારે અગત્યનું એ છે કે અમેરિકા સાથે ટ્રેડ કરારની વાત આગળ વધે; અમેરિકન મલ્ટિનેશનલ કંપનીઓને આકર્ષી શકાય; તાલિબાનના ત્રિભેટે પાકિસ્તાન અને ચીનની વાત મક્કમતા સાથે મૂકી શકાય; વ્યૂહાત્મક રીતે આજે ભારત અને અમેરિકાએ વિશ્વના તખતા પર અદ્દલ દોસ્તી દાખવવાની છે તે વાત ભારપૂર્વક કહી શકાય. આ બધા આપણા દૃષ્ટિકોણ છે, પણ અમેરિકાનો દૃષ્ટિકોણ શું હશે, રહેશે તેના આધારે જ મુલાકાતની ફળશ્રુતિ નક્કી થશે.

DG: અગત્યનું એ છે કે આપણો દૃષ્ટિકોણ સ્પષ્ટ છે. વિદેશ નીતિને મોદી સરકાર મહત્ત્વ આપતી રહી છે એટલે સ્પષ્ટ દૃષ્ટિકોણથી રજૂઆત થશે તેમાં મીનમેખ નથી. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં સંબોધન પણ ભારતના એ દૃષ્ટિકોણને સ્પષ્ટ કરશે કે આજના વૈશ્વિક પ્રવાહમાં, આગામી સમયમાં કોરોના વેક્સિન પૂરી પાડવાના સંજોગોમાં, આતંકવાદ સામેની લડાઈમાં મક્કમતામાં, ચીનના વધતા વર્ચસ્વ સામે બેલેન્સિંગ માટેના પ્રયાસોમાં, બધામાં ભારતની અવગણના નહીં થઈ શકે. અંતે એમ પણ કહી શકીએ કે કોરોનાની મહામારી પછી બદલાયેલી દુનિયામાં, દુનિયાના દેશોના દૃષ્ટિકોણ કેટલા બદલાયા તે પણ આ મુલાકાતથી સમજી શકાશે. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં સૌનાં મંતવ્યોથી સ્પષ્ટતાઓ થશે. ખાસ કરીને અમેરિકાનો દૃષ્ટિકોણ પણ આપણે જાણી શકીશું, મલ્ટિનેશનલ્સના માંધાતાઓ શું વિચારી રહ્યા છે તેનો પણ અંદાજ મળશે. એટલી રીતે પણ અમેરિકાની આ વખતની નરેન્દ્ર મોદીની મુલાકાત વ્યૂહાત્મક બની રહેશે.

(સુનીલ જોષી અને દિલીપ ગોહિલ બંને વરિષ્ઠ પત્રકારો અને રાજકીય વિશ્લેષકો છે)

અન્ય સમાચારો પણ છે...