ડિજિટલ ડિબેટ:ગાંધીનગર મહાપાલિકાનાં પરિણામોના પડઘા ગુજરાતના રાજકારણમાં કેટલે દૂર પડશે?

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિક્રમ વકીલ (VV): ગુજરાતમાં એક નવા પક્ષનો ઉદય થઈ રહ્યો છે એવું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ સાચી વાત એ છે કે આમ આદમી પાર્ટી (આપ) ગુજરાતમાં નવી નથી. વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી વખતથી ઘણી ચૂંટણીઓમાં આપે ઉમેદવારો ઊભા રાખ્યા છે. લોકસભાની ચૂંટણી અને તે પછી વિધાનસભાની ચૂંટણીઓમાં આપના બધા ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી હતી. એટલે આટલાં વર્ષો પછી પણ આપનું ઠેકાણે પડતું હોય એવું દેખાતું નથી. આ તો સુરતમાં છેલ્લે મનપામાં એક સાથે 27 બેઠકો મળી એટલે સૌનું ધ્યાન ખેંચાયું. પરંતુ ગાંધીનગર મહાપાલિકામાં નામ માત્રની એક જ બેઠક જીતી શક્યો છે. એટલે વિકલ્પરૂપે કોઈ પક્ષનો ઉદય ગુજરાતમાં આ વખતે થઈ રહ્યો છે એવું કહેવું વહેલું ગણાશે.
દિલીપ ગોહિલ (DG): વિકલ્પ, નવો પક્ષ, ત્રીજો પક્ષ આવા શબ્દો આમ આદમી પાર્ટી માટે વાપરવામાં આવી રહ્યા છે. વહેલું કે મોડું એ વાત સ્થિતિ પર નિર્ભર કરે છે, પણ શરૂઆત હંમેશાં નાની જ હોય છે. સુરતમાં એકસાથે બેઠકો મળી એ નોંધપાત્ર હતું. ભલે તેના માટે કારણો અને પરિબળો સ્થાનિક અને વિશિષ્ટ હતા. બીજું કે છેલ્લે જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પણ આપના ઉમેદવારોએ મોટી સંખ્યામાં ડિપોઝિટ ગુમાવી એ વાત સાચી, તો સાથે એ વાત પણ સાચી કે ઘણી બેઠકો પર તેના ઉમેદવારો જીત્યા પણ ખરા અને ઘણી જગ્યાએ બીજા નંબરે પણ આવ્યા. એટલે ત્રીજા પરિબળ તરીકે ગંભીરતાથી ચર્ચા કરવી એટલી હાજરી હવે ગુજરાતમાં પણ આપની પુરાણી છે. દિલ્હીમાં શરૂઆત કરી તે વધારે ધમાકેદાર હતી અને તે પછી બીજા રાજ્યોમાં પંજાબને બાદ કરતાં ખાસ કંઈ ઉકાળ્યું નથી પણ ધીમી તાપે પણ પાણી આખરે ઊકળે તો ખરું જ.

VV: રાજકારણમાં અને ચૂંટણીમાં સત્તા કોણ મેળવે છે એ અગત્યનું છે. મતોની ટકાવારીની ગણતરી થાય ખરી. પરંતુ સારી ટકાવારીમાં મતો મેળવ્યા પછીય જો ઉમેદવાર જીતી શકે એટલા મતો નહીં મેળવે તો મેળવેલા મતોનું કોઈ મહત્ત્વ રહેતું નથી. એક-બે બેઠક પર વિજય મેળવીને સંતોષ માનનારી પાર્ટી ક્યારેય સત્તા પર આવી શકે નહીં. આટલું જ નહીં, કોંગ્રેસની જેમ અઢી દાયકાથી મતોની ટકાવારી પણ ઠીકઠીક અને થોડી સંખ્યામાં બેઠકો પણ જીતતી આવી છે પણ સત્તાની નજીક પહોંચવાની ભૂખ કે ક્ષમતા તેનામાં હોય એવું દેખાતું નથી. વર્ષ 2017માં ભાજપને બે આંકમાં એટલે કે 99 બેઠકો જ મળી ત્યારે કોંગ્રેસ જાણે એવો સંતોષ માની રહી હતી કે ભાજપને બે આંકડામાં લાવી દીધી. રાજકારણમાં આંકડાની ગણતરી એક સુધી બરાબર છે પણ આખરે તો જીત મેળવવી અને સત્તા મેળવવી એ જરૂરી છે.
DG: સત્તા અને જીત એ રાજકીય પક્ષનું લક્ષ્ય હોય જ અને આમ આદમી પાર્ટીમાં તે નથી એવું મને લાગતું નથી. કોંગ્રેસમાં પણ સત્તા કે જીત માટેનું લક્ષ્ય ન હોય એવું સાવ કહી શકાય નહીં, પણ ગુજરાતમાં નથી મળતી એ વાતનો ઇનકાર થાય એમ નથી. આ ઉપરાંત, જે રાજ્યોમાં પ્રાદેશિક પક્ષ મજબૂત બન્યો અને કોંગ્રેસ ત્રીજા સ્થાને ગઈ પછી સત્તા અને જીત મુશ્કેલ બની છે પણ એથી જ ગાંધીનગરમાં કોંગ્રેસને જ નુકસાન કરનારા આપ માટે ગુજરાતમાં તક ગણાય. તે બીજા નંબરે આવવાની તૈયારીમાં હોય અને ભાજપને સીધી ટક્કર આપવાનો હોય એવું વિશ્લેષણ કદાચ ખોટું ના પણ પડે.

VV: ચાલો માની લઈએ કે મુખ્ય પક્ષ ભાજપને ટક્કર આપીને બીજા સ્થાને આવવા તૈયાર થઈ ગયો છે પણ અત્યારે પહેલો સવાલ એ પૂછવો પડે કે આપ કોંગ્રેસના જ મત કેમ તોડે છે? સત્તા માટે આંકડાકીય ગણતરી માંડીએ તો પણ ગુજરાતમાં તેણે ભાજપના ટેકેદારો તોડવા પડે. શા માટે ભાજપના વફાદાર મતદારોને આપ હજી સુધી આકર્ષી શક્યું નથી સુરતનાં પરિણામો યાદ કરો - કોંગ્રેસ અને પાસ વચ્ચે ટિકિટની વહેંચણીમાં વિખવાદ થયો અને કોંગ્રેસનું ધોવાણ થઈ ગયું. ભાજપને કોઈ ફરક પડ્યો નથી. એ જ રીતે ગાંધીનગરના આંકડા પણ દર્શાવે છે કે ભાજપના મતો બે ટકા વધ્યા છે અને કોંગ્રેસનું જ ધોવાણ થયું છે.
DG: પરંતુ આ જ ગાંધીનગરના આંકડા દર્શાવે છે કે કોંગ્રેસ વત્તા આપના મતોની ટકાવારી ભાજપના વધેલા બે ટકા કરતાંય ત્રણ ટકા વધારે છે. ભાજપને વર્ષ 2021માં ગાંધીનગર કોર્પોરેશનમાં મળેલા મતોની ટકાવારી છે 46-39%, જે વર્ષ 2016ના મતો 44.66 કરતાં વધારે છે. પરંતુ હવે કોંગ્રેસ-27.99% અને આપના 21.72%નો સરવાળો કરીએ એટલે 49.71% થઈ જાય છે, જે 3% વધારે છે પણ આપણી સંસદીય પદ્ધતિમાં ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ જીતે એટલે ભાજપને ખૂબ સારી સફળતા મળી ગઈ. આ સરવાળા કરતાંય આપના પોતાના 22% જેટલા મતો ધ્યાને લેવા પડે કારણ કે, અગાઉ જ્યારે પણ શંકરસિંહે અથવા કેશુભાઈએ 'મોરચા માંડ્યા' ત્યારે 8%થી 12% મતો તોડીને ભાજપને ફાયદો કરાવ્યો હતો. ફાયદો આ વખતે પણ થયો પણ ત્રીજો પક્ષ ટ્વેન્ટી પ્લસ વોટ મેળવે તેની અવગણના મજબૂત પક્ષ પણ ના કરી શકે. યુપી સહિતના જે રાજ્યોમાં ત્રિપાંખીયો જંગ હોય છે, ત્યાં પ્રાદેશિક પક્ષો 20%એ બહુ મજબૂત ગણાય છે અને 28થી 30% મતો મેળવીને સત્તા પણ મેળવે છે. 22% પછી હવે વધારે મતો આપ મેળવશે ત્યારે તે માત્ર કોંગ્રેસના નહીં હોય પણ ભાજપના પણ થોડા ઘણા હશે એટલે આગળ આપ ભાજપના ટેકેદારોને પણ નહીં આકર્ષે એમ કહી શકાય નહીં.

VV: મને એવું લાગતું નથી કારણ કે, ગુજરાતના મતદારોના મનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને સરવાળે સરખા જ રાજકીય પક્ષો છે. બંને પક્ષોની ઇમેજ હિન્દુવિરોધી પક્ષ તરીકેની છે. ગુજરાતમાં આવી ઇમેજ ધરાવતો કોઈપણ પક્ષ ક્યારેય સત્તાસ્થાને બેસી નહીં શકે. ગુજરાતને કંઈ અમસ્તા જ હિન્દુત્વની લેબોરેટરી નથી કહેવાતી. હિન્દુત્વ, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, દેશ પહેલાં અને પક્ષ પછી એ બધા મુદ્દા ગુજરાતમાં માત્ર સૂત્રો નથી પણ તેના વ્યાપક સૂચિતાર્થો ગુજરાતનો મતદાર સમજતો થયો છે. ગુજરાતી વેપારી પ્રજા છે અને વિચારસરણીની બાબતમાં પણ ચોખલી નહીં, વ્યવહારુ હોય. બીજું કે ભાજપને રૂઢિચુસ્ત પક્ષ કહો કે સ્વદેશી પક્ષ કહો તો પણ વેપારીને ફરક નથી કારણ કે, ગુજરાતમાં અને સાડા સાત વર્ષથી કેન્દ્રમાં ભાજપનું શાસન જોયું છે. ભાજપ સરકારમાં બેસે ત્યારે બિઝનેસની બાબતમાં. ઉદારીકરણની બાબતમાં, ખાનગીકરણની બાબતમાં કોંગ્રેસ જેવું કે તેના કરતાંય સારું કામ કર્યું છે. એટલે ભાજપના ટેકેદાર વર્ગને આપ તરફ ખેંચાવાનું કોઈ કારણ નથી.
DG: પણ સુરતમાં ભાજપનો જ ટેકેદાર વર્ગ હતો તે અનામત આંદોલનથી વિમુખ થયો અને પછી તે જ ટેકેદાર વર્ગ થોડો કોંગ્રેસ તરફ ઢળ્યો એ પણ ક્યાં અજાણ્યું છે. ટિકિટની વહેંચણી ઠીક થઈ હોત તો કદાચ ભાજપનો ટેકેદાર વર્ગ આપને બદલે કોંગ્રેસને જ મત આપવા પ્રેરાયો હોત. બીજું કે રાષ્ટ્રીય સ્તરે તમે જુઓ તો આપનો ટેકેદાર વર્ગ કોંગ્રેસ કરતાંય ભાજપને વધારે મળતો આવે છે. શહેરી, શિક્ષિત, જ્ઞાતિવાદથી જરાક પર અને મોટા મુદ્દાઓને માનનારો વર્ગ આપનું ટાર્ગેટ ઓડિયન્સ છે. બીજું કે આપને હિન્દુવિરોધી કહેવો કે ગણાવવો મુશ્કેલ છે કારણ કે, આ પક્ષના નેતાઓ જય બજરંગબલી બોલીને ભાજપના IT સેલના ફેંકમફેંક કરનારા ફેકન્યૂઝિયાની બોલતી બંધ કરી દે છે. કોંગ્રેસનું સોફ્ટ હિન્દુત્વ કદાચ ટાર્ગેટ કરી શકાય પણ આપની સામે ભાજપના પ્રચારનું સૂરસૂરિયું થઈ જાય તેવું છે.

VV: સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં આપને 27 બેઠકો મળી. તેમાં કારણ કોંગ્રેસ અને પાસ વચ્ચેનો ઝઘડો હતો તેની વાત ઉપર થઈ પણ આ ટેકેદાર વર્ગ તો વર્ષ 2015થી અનામત આંદોલનથી ભાજપથી વિમુખ થયાનું કહેવાતું રહ્યું છે પણ તેનાથી ભાજપને કોઈ નુકસાન થયું નથી. વર્ષ 2017 પહેલાંની જિલ્લા પંચાયતો અને 2017ની વિધાનસભાની પણ વાત કરો તો સત્તા તો ભાજપની નથી જ ગઈ. બેઠકો ઓછી થઈ શકે પણ તે પછી પેટાચૂંટણીઓ, કોરોનાના કપરાકાળ છતાં જિલ્લા પંચાયતોની ચૂંટણી બધામાં ફરી મતોની ટકાવારી વધી છે. એટલે રાજ્યના એક નગરની મહાપાલિકામાં થોડી બેઠકો મળી અને બીજા નગરની મહાપાલિકામાં મતોની ટકાવારી મળી તેને ફ્લૂક જ ગણાય. સત્તા રાતોરાત મળી જશે એવાં સપનાં સાથે જોડાયેલા લોકોને એક વર્ષ સુધી સાચવી રાખવા મુશ્કેલ છે. સત્તા મળશે તેની લાલચમાં નવા નેતાઓને આકર્ષવા અને તેમને ટિકિટ આપવાની વાત પણ એક હદથી વધારે ચાલશે નહીં. એટલે ત્રીજા પરિબળની હાજરી થોડી હશે એટલું બહુ થયું, ત્રીજા પરિબળનો ઉદય કહેવા જેવો સમય હજી આવ્યો નથી.
DG: કદાચ આગામી વિધાનસભાની ચૂંટણી ત્રીજા પરિબળના ઉદયનું પરોઢ બને એવું પણ બને. ક્યાંકથી તો શરૂઆત કરવાની જ હોય છે અને શરૂઆત હંમેશાં નાની જ હોય. દિલ્હીમાં મળી એવી ધમાકેદાર સફળતા માત્ર ભારતમાં નહીં, વિશ્વમાં ઐતિહાસિક ઘટનામાં આવે છે. તે અપવાદ જ હોય અને તેનું પુનરાવર્તન ન થાય પણ પંજાબમાં પણ 22 જેટલી બેઠક વિધાનસભામાં મળી ગઈ હતી. પંજાબમાં સત્તા ન મળી પણ આ વખતે પંજાબમાં સત્તા ઢૂંકડી દેખાય છે અને જો પંજાબમાં સત્તા અને ઉત્તરાખંડમાં સારી એવી બેઠકો મળી તો ત્રીજા પરિબળ તરીકે આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ગણતરીમાં લેવો પડશે એમ મને લાગે છે.
(વિક્રમ વકીલ અને દિલીપ ગોહિલ બંને વરિષ્ઠ પત્રકારો અને રાજકીય વિશ્લેષકો છે)

અન્ય સમાચારો પણ છે...