ડિજિટલ ડિબેટ:સેનામાં અગ્નિપથ ભરતી યોજનામાં યુવાનોની અગ્નિપરીક્ષા, આ ‘ઇન્સ્ટન્ટ’ અગ્નિવીરો કેટલા કાર્યદક્ષ હશે?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતના ગ્રામીણ વિસ્તારમાં રોજગારીનું કોઈ સાધન નથી હોતું ત્યારે યુવાન માટે સેનામાં જોડાઈ જવાનો વિકલ્પ આકર્ષક લાગે છે, કેમ કે સારી નોકરી અને દેશની સેવા કરવાની તક અને સન્માન પણ મળતું હોય છે. કોરોનાને કારણે બે વર્ષ દરમિયાન સેનામાં નવી ભરતી થઈ શકી નથી અને હવે ‘અગ્નિપથ’ એવું નામ આપીને અલગ પદ્ધતિએ ભરતીની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો તેની સામે યુવાનોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. છેલ્લાં બે ચાર વર્ષથી તૈયારીઓ કરી રહેલા યુવાનોમાં બે પ્રકારની હતાશા દેખાઈ છે- એક તો ઓછી ભરતી થવાની છે (46,000) અને તે પણ માત્ર ચાર વર્ષ માટે. ચાર વર્ષ પછી માત્ર 11,500 યુવાનો જ કાયમી થાય અને બાકીના 34,500 યુવાનોએ ફરી બેકાર બનીને નોકરી શોધવાનો વારો આવે. આ યોજના નવી છે અને પૂરતી માહિતી અને સ્પષ્ટતાઓ થઈ રહી નથી તે પણ સમસ્યારૂપ છે. વધારે યુવાનો સેનામાં હોય અને પેન્શનનો બોજ વધી રહ્યો છે તે ઘટાડવાની ગણતરી સાથે નવી ભરતી પ્રક્રિયા શરૂ થઈ રહી છે ત્યારે તેની બંને બાજુ જાણવાનો એક પ્રયાસ.

કેપ્ટન જયદેવ જોશી (JJ): અગ્નિપથ યોજનાથી દેશને અગ્નિવીરો મળશે, ટેક સાવી યુવા સૈનિકો મળશે એ પ્રકારનું આ યોજના વિશે બહુ બોલાયું છે, પણ તેના કરતાંય ઝાઝું આ યોજનાનું ‘જો અને તો' પ્રકારનું સોશ્યલ મીડિયા ટાઇપનું વધારે બોલાયું છે. ‘ટુ મિનિટ નૂડલ્સના ફાસ્ટ ફૂડ કલ્ચરમાં મોટા થયેલા આ 'ઇન્સ્ટન્ટ' અગ્નિવીરો હોવા જોઈએ તેવા કાર્યદક્ષ નહીં હોય’; ‘અગ્નિવીરો 25-26ની ઉંમરે રીટાયર થઈને આવે એટલી વાર- કોર્પોરેટ કંપનીઓ તેમને નોકરીએ રાખવા પડાપડી કરશે’; ‘ભારતીય સેનાની સરેરાશ ઉંમર 26ની થશે, સૈન્યનું યૌવન નિખરી ઊઠશે’. આવાં ઉપરછલ્લાં વાક્યો જ વધારે સાંભળવા મળ્યાં છે, જ્યારે ખરેખર આ બાબત ગંભીર છે અને દેશદાઝ ધરાવતા યુવાનોની ભરતીની વાત છે.

દિલીપ ગોહિલ (DG): ચિંતાનું કારણ જ એ છે કે એક ગંભીર બાબત પર નાહકનો વિવાદ થયો. અચાનક એક યોજના જાહેર કરવામાં આવી અને આવતા મહિનેથી તેના આધારે ભરતી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત પણ કરી દીધી. સેનામાં આ એક અગત્યનો સુધારો છે અને તેને આવકાર્ય બનાવી શકાયો હોત, પણ અપૂરતી વિગતો અને અસ્પષ્ટતાઓ સાથે યોજાનાની જાહેરાત થઈ છે તે મુખ્ય સમસ્યા છે. કોરોનાને કારણે બે વર્ષથી ભરતી બંધ છે અને યુવાનો તૈયારી કરી રહ્યા હતા ત્યાં અચાનક જાહેર કરી દેવાયું કે હવે માત્ર ચાર વર્ષ માટે જ ભરતી થશે તેનાથી હતાશા ફેલાઈ છે. આ યોજના વિશે સૂચનો મગાવીને, તેની વિગતો જાહેરમાં મૂકીને ચર્ચાનો માહોલ ઊભો કરીને એક કે બે વર્ષ બાદ આનો અમલ કરાશે તેવી જાહેરાત કરવાની જરૂર હતી.

JJ: એ મુદ્દે જ વાત કરીએ તો અગ્નિપથ યોજના સમજવા સાથે એ પણ સમજવું જોઈએ કે સૈન્યમાં કોઈ પણ ઓપરેશન પહેલાં એઇમ (ઈરાદો) નક્કી થાય છે અને ક્લેરિટી અને કન્સાઇસનેસ ઓફ એઇમ (ઈરાદાની સ્પષ્ટતા અને સારરૂપ ચોકસાઈ) નક્કી થાય છે. આનું ખૂબ મહત્ત્વ છે. આ બે બાબતો જેટલી સ્પષ્ટ તેટલું મિશન કામયાબ. અગ્નિપથ યોજના વિશે પણ ક્લેરિટી અને કન્સાઇસનેસની જરૂર છે, યોજનાની અતથી ઇતિ સુધીની સ્પષ્ટતા કરવાની જરૂર છે. આવી પારદર્શિતા હોવી જોઈએ કેમ કે દરેક યુનિટની વર્દી, વર્દી ઉપરની પાઘડી, માત્ર શોભાની નહીં, પણ પ્રતીકાત્મક એવી ‘સિસોટી ટાંગવાની દોરી’થી નાની વાતોથી શરૂ કરીને જીતનો ઉદઘોષ, પોતાની યુનિટના નામ - નમક - નિશાન અને યુનિટના બહાદુર સૈનિકોની વીરતાની ગાથાના અભિમાનની હદ સુધીનું ગૌરવ જવાનને હોય છે. આ વિલક્ષણતા જ ભારતીય સૈન્યની ટુકડીઓને આગવી ઓળખ અપાવે છે. કોઈપણ ભરતી યોજના આ વિલક્ષણતા જાળવી રાખનારી હોવી જોઈએ.

DG: મને ભારતીય સેના, જવાનો અને અફસરો ઉપર ભરોસો છે, કેમ કે આજ સુધી ભારતીય લોકતંત્રને મજબૂત કરવાનું કામ ભારતીય સેનાએ કર્યું છે. સેનાના સમર્પણ સામે સવાલો નથી, સવાલો સરકારના નિર્ણય સામે છે. તગડી બહુમતી હોય એટલે કોઈને પૂછ્યા વિના નિર્ણયો લઈ લેવા, અસલી કારણોની ચર્ચા ના થાય એટલે ભળતી વાતો કરવાની અને વિરોધ કરનારાને બદનામ કરવા - આ પેટર્ન અજાણી રહી નથી. સેનાના બજેટમાંથી પગાર અને પેન્શનમાં જ અડધી રકમ જતી રહે છે. પેન્શનનો ખર્ચ ઓછો કરીને સેનાનું આધુનિકીકરણ કરવા માટે ફંડ ફાળવવું જરૂરી છે. તેથી આ યોજના આવી છે. ચાર વર્ષ પછી સાડા અગિયાર લાખ રૂપિયા આપીને યુવાનને છુટ્ટો કરી દેવાનો અને પેન્શનની કોઈ જવાબદારી નહીં. શું સેનાનું પેન્શન જ સરકારને ભારે પડે છે? સાંસદો અને ધારાસભ્યો તગડા પગારો અને પેન્શનો ગુંજામાં ઘાલી દે છે તે બચાવવાની વાત કેમ નથી થતી? શાહી ભપકા સાથેના સમારંભો કરીને અબજો રૂપિયા વેડફી નખાય છે તે બચાવો, સૈનિકોનું ભવિષ્ય કેમ ડામાડોળ કરો છો? ચાર વર્ષ પછી બીજે નોકરી મળશે એવી લોલીપોપ આપી દેવાઈ છે - પણ કેવી રીતે મળશે તેની કોઈ સ્પષ્ટતા નથી કરાઈ.

JJ: બજેટની બાબત હશે ખરી, પરંતુ સેનાની તાલીમ પામીને યુવા બહાર આવે તેને વિવિધ ક્ષેત્રોમાં નોકરી માટેની તક મળશે તે વાત સાવ નકારી કાઢવા જેવી પણ નથી. સૈન્યનું સૌથી નાનું એકમ એટલે સેક્શન - રિક્રૂટ ટ્રેનિંગ પછી સૈનિકને પોતાના સેક્શનની નેતૃત્વ કરવાની તાલીમ અપાય છે. વિષમ પરિસ્થિતિમાં, વિવિધ રાજ્યોના લોકો વચ્ચે અને સમયબદ્ધ અને શિસ્તબદ્ધ રીતે કાર્યવાહીના માહોલમાં આ યુવાનો તૈયાર થશે. ચાર વર્ષ પછી પોતે જે પણ ક્ષેત્રમાં જશે ત્યાં બેનમૂન પ્રતિભા તરીકે ઊપસી આવશે.

DG: તર્ક તરીકે આ મુદ્દાનો સ્વીકાર છે, પણ નોકરીઓ છે ખરી? આજે દેશમાં બેકારીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ચાર વર્ષ પછી કોઈ નોકરી માટે સ્પર્ધા કરવાની હોય તો પછી શા માટે અત્યારથી જ તેમાં ના લાગી જવું? અર્ધલશ્કરી દળો, પોલીસ ભરતીમાં પ્રાયોરિટી આપવાની વાત કરાઈ છે, પણ શું તેની કોઈ કાયદાકીય જોગવાઈ થઈ છે ખરી? સીધા પોલીસમાં ભરતી થવા માગતા યુવાનો શું વિચારશે? આવી બહુ બધી બાબતો છે, જેનો પૂરતો વિચાર કર્યા વિના યોજના જાહેર કરી દેવાઈ તેવું લાગે છે. સરકારનાં હવે બે વર્ષ બાકી છે ત્યારે સરકારી નોકરીઓમાં ભરતી મેળા કરીને વાહવાહ કરવાની ગણતરી છે. છેલ્લાં દોઢ વર્ષમાં ભરતીઓ કરીને વાહવાહ કરાવવા સામેય વાંધો નથી, પણ સેનામાં ભરતી જેવા મુદ્દાને ગંભીરતાથી લઈને ચર્ચા પછી નિર્ણય લેવાની જરૂર હતી. તોફાનો પછી બીજા દિવસે જાહેરાત કરવી પડી કે હવે ભરતી માટેની ઉંમર બે વર્ષ વધારવામાં આવી છે. આ દર્શાવે છે કે લાંબો વિચાર કર્યા વિના જાહેરાત થઈ છે.

JJ: ના, એવું પણ નથી. ભારતીય સેનામાં આધુનિકીકરણ માટેના પ્રયાસો સતત ચાલતા રહ્યા છે. વિશ્વના ઘણા દેશોમાં ટૂંકા ગાળા માટે યુવાનોની ભરતી થાય છે. ભારત પણ ટેક સાવ્વી યુવાનો સેનામાં થોડો સમય તાલીમ લે અને પછી તેમાંથી જરૂરિયાત મુજબના જવાનોને કાયમી રાખીને બાકીના પોતાની કરિયર પસંદ કરી શકે તેવો વિચાર ખોટો નથી. ચાર વર્ષમાં જ સૈનિક કેવી રીતે તૈયાર થશે કે તેના જુસ્સા પર શું અસર થશે તે દલીલ વાજબી નથી. બહાદુરીનું સર્વોચ્ચ પદક - પરમવીર ચક્ર જીતનાર કેટલાયની ઉંમર 24થી નીચેની રહી છે. એ પણ સાચું છે હાલની સૈનિકની સરેરાશ ઉંમર 36 છે, તે સાથે પણ ભારતીય સૈન્ય ફાઇટિંગ ફિટ છે. બીજું કે પરંપરાગત રીતે થતી ભરતી સાથોસાથ અગ્નિપથ યોજના પૂરક એન્ટ્રી સ્કીમ તરીકે હિતાવહ સાબિત થઈ શકે છે.

DG: વિશ્વના કયા દેશોમાં કેવી રીતે ભરતી થાય છે તેની વિગતો આ દિવસો દરમિયાન અખબારોએ આપી છે. અમેરિકા, રશિયા, ચીન, ઇઝરાયલ જેવા દેશોમાં પણ ટૂંકાગાળા માટે સેનામાં ભરતી થાય છે. કેટલાક યુરોપિયન દેશોમાં દરેક યુવાન માટે સૈનિક તાલીમ ફરજિયાત છે. પણ આ બધી બાબતો જે તે દેશની સ્થિતિ મુજબ છે. ઘણા દેશોને સૈનિકો મળતા નથી એટલે તેમણે ફરજિયાત તાલીમ કરવી પડે. ભારતમાં વિશાળ યુવા વર્ગ હોવાથી (અને સેનામાં જોડાવાની કેટલીક પરંપરાને કારણે પણ) મોટી સંખ્યામાં ભરતી થવા માટે યુવાનો તૈયાર હોય છે. બીજા દેશોનાં મોડેલને સીધું અપનાવી શકાય નહીં. કેટલાક જાણકારોએ શોર્ટ ટર્મ સર્વિસીઝની પદ્ધતિ એટલી અસરકારક રહી નથી એવું પણ કહ્યું છે. ઘણા નિવૃત્ત અફસરોએ પણ ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને બધાનો મત એવો થયો છે કે પૂરતી સ્પષ્ટતા સાથે યોજનાની જાહેરાત કરવાની જરૂર હતી અને સીધો જ તેનો અમલ કરવાના બદલે પ્રથમ તેના વિશે અભિપ્રાય ઊભો કરવાની જરૂર હતી. બે વર્ષથી ભરતી માટેની રાહ જોઈ રહેલા યુવાનોનો રોષ આઠથી વધુ રાજ્યોમાં જાગ્યો છે તેની અવગણના ના કરી શકાય. દેશની સુરક્ષાની બાબતમાં વિવાદ કે વિખવાદ નહીં, પણ સંવાદને જ સ્થાન હોવું જોઈએ.

JJ: તોફાનો થયાં તે દુઃખદ છે. યુવાન સૈનિક બની જાય ત્યારબાદ નહીં, પણ સૈનિક બનવાનો અભિલાષી યુવાન પણ ક્યારેય તોફાની અને હિંસક વિરોધ પ્રદર્શનો ના કરે. શિસ્ત એ જ સેનાનો મંત્ર છે. ભારતીય સૈન્ય આવી પ્રવૃત્તિ અને ‘યુનિયનબાજી'થી આજ સુધી દૂર રહ્યું છે. સૈનિક દેશની સુરક્ષા માટે બલિદાન આપનારો હોય છે અને દેશની સંપત્તિ, સુખાકારી, શાંતિ માટે પણ લડનારો હોય છે. તેથી વિરોધ કરે તો પણ બહુ શિસ્તમય અને શાંતિમય રીતે કરે તે જ સાચો ભાવી સૈનિક બનશે. સમયાંતરે સુધારો અને પ્રયોગો કરવા જોઈએ અને આ યોજનાને પણ એક તક આપવી જોઈએ. હાલમાં ઓછી સંખ્યામાં ભરતી થવાની છે એટલે કુલ સેનામાં અગ્નિવીરોની સંખ્યા ઓછી હશે. કોઈ મોટું નુકસાન થવાનું નથી. હા, થોડી વધારે સ્પષ્ટતા, પારદર્શિતા અને સૌ સ્ટેક હોલ્ડર સાથે વધારે ચર્ચા થાય તો સૌને વિશ્વાસ પણ બેસશે.

(કેપ્ટન જયદેવ જોશી (નિવૃત્ત) સુરક્ષાની બાબતોના જાણકાર છે અને દિલીપ ગોહિલ વરિષ્ઠ પત્રકાર અને સાંપ્રત બાબતોના વિશ્લેષક છે)