મનન કી બાત:ફ્રેન્ચ રિનેસન્સનું મનોવિજ્ઞાન આજની તારીખના ચીન અને અફઘાનિસ્તાન સાથે કેવી રીતે સંકળાયેલું છે?

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

છેલ્લાં છ મહિનાથી હું બ્રિટન ખાતે રહું છું અને અહીંયાની એન.એસ. હોસ્પિટલમાં મનોવૈજ્ઞાનિક તરીકે પ્રેક્ટિસ કરું છું. અહીંયા રોજબરોજ લોકોને તમે મળો તો ફ્રાન્સ માટે એક જાતનો અનોખો લગાવ છે. અહીંયા વેચાતાં સૌથી વધુ મોંઘા પેઇન્ટિંગ પણ ફ્રેન્ચ રિનેસન્સ (renaissance) સમયના છે. એ સમયે લખાયેલાં લોકગીતો સૌથી વધારે પ્રખ્યાત છે. એવું શું હતું ફ્રેન્ચ રિનેસન્સ કે દુનિયાના ખૂણે ખૂણા સુધી આ વિદ્રોહ નોંધાયો અને આટલો પ્રખ્યાત થયો? રિનેસન્સ વિષય રસપ્રદ છે. વાત એમ છે કે એ શરૂ થયું રાજાશાહી મિટાવવાના હેતુથી અને એનો અંત થયો નેપોલિયન કે જે દુનિયાના સૌથી મોટા તાનાશાહોમાંનો એક કહેવાય એવા તાનાશાહની રાજાશાહીથી.

તો જૂના ફ્રાન્સમાં 3 લેવલના લોકો રહેતા હતા. પહેલા લેવલના લોકો એટલે કે ક્લરજીમેન. આ એવા લોકો હતા કે જે ચર્ચનું બધું સંભાળતા અને સામાજિક સીડીમાં સૌથી ઉપરની જગ્યા કોઈ ધરાવતું તો એ આ વ્યક્તિઓ હતા. બીજા લેવલના લોકો એટલે જમીનદારો. જમીનદારો એવી વ્યક્તિઓ હતા કે જે મોટાભાગની જમીન પચાવી પાડતા અને એ જમીનમાં મજૂરોએ કામ કરી અને એની ઉપર પોતાના જમીનદારોને આપી દેવાની રહેતી. ત્રીજી અને છેલ્લી કક્ષા કે જેમાં 95 ટકા આબાદીનો સમાવેશ થતો એટલે કે સામાન્ય લોકો. આ કક્ષામાં આખો નોકરિયાત વર્ગ એટલે કે ડોક્ટર, એન્જિનિયર, ખેડૂત એ બધા આવી જાય. તકલીફ ત્યારે પડી જ્યારે ફ્રાન્સે પોતાની જેટલી પણ જમા પૂંજી હતી એ બ્રિટનને હેરાન કરવા માટે અમેરિકાના ક્રાંતિકારીઓને આપી દીધી. ક્રાંતિકારીઓ પાસે ફ્રાન્સની મદદથી મેળવેલા પૈસાના જોર પર ક્રાંતિ કરી અને અમેરિકાને તો ચોક્કસ આઝાદી અપાવી દીધી. પરંતુ લોનના નામે મળેલા ફ્રાન્સ પાસેથી પૈસા ક્યારેય એ લોકોએ ચૂકવ્યા નહીં. આના કારણે ફ્રાન્સનું અર્થતંત્ર દિવસે દિવસે વધુ ને વધુ નબળું થતું ગયું. જ્યારે પણ અર્થતંત્ર નબળું થાય ત્યારે ત્રીજી કક્ષાના લોકો એટલે કે મજૂર વર્ગ પાસેથી વધારે ને વધારે ટેકસ વસુલ કરવામાં આવે. પહેલી બે કક્ષાના લોકો ક્યારેય ટેક્સ વધારે આપવાનું વિચારે પણ નહીં.

જેમ ટેક્સ વધતો ગયો તેમ તેમ ત્રીજી કક્ષાના લોકોનો વિદ્રોહ પણ વધતો ગયો. રાજાશાહી અને શ્રીમંતોની સામે એક બહુ મોટી ક્રાંતિ ઊભી થઈ અને એના કારણે ત્યાં આજે રાજા લુઈ 16ને ફાંસીના ફંદા પર પણ લટકાવવામાં આવ્યા. પછી જ્યારે સાચી સરકાર બની તો એમાં સતત ઝઘડા અને ગોટાળાઓ ચાલુ થયા. આ રીતે સતત તકલીફોની વચ્ચે લોકો વધુ ને વધુ હેરાન થતા ગયા. આવા સમયે નેપોલિયન મસીહા તરીકે ઊભર્યા અને એમણે દેશની કમાન સંભાળી.

આજના અફઘાનિસ્તાનમાં આપણે જોઈએ તો કંઇક એવી જ સ્થિતિ ઊભી થઈ છે. અફઘાન સરકારના વડા જ્યારે અમેરિકાએ ઘોષણા કરી કે અમે અમારી સેના પાછી ખેંચીશું તો બગાવતના સંદેશ મળતાં જ દેશના વડા દેશ છોડીને ભાગી ગયા કે જેથી કરીને લુઈ 16ની જે હાલત થઈ હતી એ એમની ન થાય. પરંતુ હવે તાલિબાનની જે સરકાર બનશે તે વિદ્રોહની સરકારમાં પણ ઇતિહાસ એવું કહે છે કે ભાગલા પડશે. આ ભાગલાને કારણે એકજૂટ સમૂહ છે, એ સમૂહના ટુકડાઓ એકબીજા જોડે લડશે અને ગલીઓમાં વધારે લોહી વહેશે.

ચીન વિશે પણ કંઇક એવું જ કહી શકાય. જ્યાં સુધી લોકોને ગરીબીની રેખામાંથી બહાર કાઢવાની વાત હતી ત્યાં સુધી લોકો તાનાશાહી ચોક્કસ સ્વીકારતા હતા. પરંતુ અત્યારે ચીન સામે બે મોટા ચેલેન્જ ઊભા થઇ રહ્યા છે. પહેલું કે જે ગતિએ પ્રગતિ કરી રહ્યું હતું એ ગતિ નેચરલી ધીમી પડી રહી છે. એના કારણે જેટલા લોકોને જેટલા ઝડપથી શ્રીમંત બનાવવાના વાયદાઓ ચીને કર્યા હતા એ પાડી નથી શકતાં. બીજું કે એક વાર લોકોની ખાવા-પીવાની અને ઘરની વ્યવસ્થા સચવાઈ જાય એ પછી લોકોને સ્વતંત્રતા ચોક્કસ જોઈતી હોય છે, જે ચીનના લોકો પાસે ઘણા સમયથી રહી જ નથી.

આપણો ભૂતકાળ આપણા વર્તમાન અને આપણા ભવિષ્ય વિશે ઘણું બધું કહે છે. આપણે બધા એવું ચોક્કસ માનતા હોઈએ છીએ કે તાનાશાહીવાળા દેશમાં વિદ્રોહ ન હોવાને કારણે નિર્ણય પણ ઝડપથી લેવાય છે અને ઘણા નિર્ણયો જે લોકશાહીમાં ન લઈ શકાય એ પણ લેવાઈ જતાં હોય છે. પરંતુ જે દેશોએ ઇતિહાસમાં આવી રીતે તાનાશાહીથી ખૂબ જ ઝડપ મેળવેલી છે, જેમ કે, રશિયા એ ઝડપ લાંબા ગાળે સાચવી નથી રાખી શક્યું. એના કારણે દેશોમાં બહુ મોટા વિદ્રોહ પણ ઉપજ્યા છે અને એ વિદ્રોહના કારણે રસ્તાઓ ઉપર ખૂબ લોહી વહ્યું છે.

મનઃ જો આપણા ભૂતકાળે શીખવેલા પાઠો આપણે યાદ નહીં રાખીએ તો આપણે ભવિષ્યમાં પણ એ જ ભૂલ કરીશું.

mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)