ઇટ્સ કોમ્પ્લિકેટેડ:પિયર-સાસરાંમાં સંબંધોની સમતુલા કેવી રીતે રાખશો? જો નાનકડી ભૂલ થાય તો ગંભીર પરિણામ આવે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદની વાત છે. એક હોનાહાર યુવતીએ લગ્ન ન કરવાનું નક્કી કર્યું. સરસ સરકારી નોકરી હતી. સારો પગાર હતો. આજના જમાનામાં હવે લગ્ન કરવાં જ જોઈએ તેવી માનસિકતા રહી નથી. અનેક યુવક-યુવતીઓ સિંગલ રહીને સુંદર જીવન જીવવાનું પસંદ કરે છે. લગ્ન એક જવાબદારી છે તેથી ઘણાને આ જવાબદારી ભારરૂપ પણ લાગે છે. વળી, ઘણાં યુવક કે યુવતીઓ એવું માનતાં હોય છે કે, અમારે અમારી રીતે જીવવું છે. કોઈ અમારા પર હુકમ ચલાવે એ અમને મંજૂર નથી. અમે અમારી મરજીના માલિક. ઈચ્છા થાય તે રીતે જીવીશું. આ યુવતીએ પણ પોતાની રીતે જીવન જીવવાનું નક્કી કર્યું હતું. જોકે, ચાલીસી પછી સ્થિતિ થોડી બદલાઈ. તેને એવું થયું કે, જો યોગ્ય પાત્ર મળી જાય તો લગ્ન કરી લઉં. યોગ્ય પાત્ર પણ મળી ગયું. એક વેપારી સંપર્કમાં આવ્યા. એ પણ 45-47 વર્ષના હતા. તેમને પણ હવે એવું થતું હતું કે, લગ્ન કરી લેવામાં કાંઈ ખોટું નથી.

ઘણીવાર લગ્નસંસ્થામાં જેમણે પ્રવેશ કર્યો હોય તે લોકોને 15-20 વર્ષ પછી એવું લાગતું હોય છે કે, આપણે ખોટા આ રસ્તે આવી ગયા. ઘણાને તો પોતે ભરાઈ પડ્યા હોય તેવી પણ લાગણી થતી હોય છે. આમેય ગુજરાતીમાં કહેવત છે કે લગ્નના લાડુ જે ખાય તે પસ્તાય અને જે ન ખાય તે પણ પસ્તાય. સમગ્ર વિશ્વમાં લગ્ન જ એક એવી વ્યવસ્થા છે જેમાં વ્યક્તિને સુખ અને દુઃખ બંને પ્રકારની લાગણીનો અનુભવ થતો હોય છે. જોકે, મોટાભાગે તો આ લાગણી વ્યક્તિલક્ષી હોય છે. ઘણા લોકો લગ્નને માણે છે, વખાણે છે તો ઘણા લોકો ફરિયાદ પણ કરે છે.

જેમ લગ્નમાં પ્રવેશ કરેલા પસ્તાય છે તે રીતે ઘણા એવા હોય છે કે, લગ્ન સંસ્થામાં પ્રવેશ ન કર્યો હોય તેનો વસવસો જાહેર કરતા હોય છે. તક મળે તો તેઓ માંડવામાં બેસી જવા થનગનતા હોય છે.

ચાલીસ વર્ષની યુવતી અને 45 વર્ષના યુવકનું લગ્ન થયું. મોડી ઉંમરે લગ્ન કર્યું હોવા છતાં ઉત્સાહ, આનંદ અને પ્રેમ સહેજેય ઓછાં નહોતાં. બરાબર લગ્ન માણ્યું. એક કે બે વર્ષ તો સ્થિતિ બરાબર ચાલી, પરંતુ પછી તણખા ઝરવા લાગ્યા.

પતિ અને પત્ની બંને વચ્ચે જે વૈચારિક સંઘર્ષ થતો હતો તેનાં આમ તો ઘણાં કારણો હતાં, પરંતુ મુખ્ય કારણ હતું, પત્નીની મમ્મી. પત્નીની મમ્મીનો સ્વભાવ જ વિશિષ્ટ પ્રકારનો હતો. તમે એકવાર દીકરીને વળાવી દો પછી વાત પતી ગઈ. હા, તમે ચોક્કસ ધ્યાન રાખો કે તમારી દીકરી દુઃખી તો નથી ને? તેને કોઈ તકલીફ તો નથી ને? એ વાત બરાબર છે. દીકરીને સાસરે વળાવી દીધી એટલે પછી તેનું બિલકુલ ધ્યાન જ નહીં રાખવાનું એ વાત યોગ્ય નથી, પરંતુ તમે તમારી દીકરીનાં ઘર અને જીવનમાં સતત હસ્તક્ષેપ કરો તો જોખમ ઊભું થાય. અહીં પણ એવું જ થયું. મમ્મી દિવસમાં દસ વખત ફોન કરીને પોતાની દીકરી જોડે વાત કરે. ઝીણી ઝીણી વાતમાં રસ લે. રસ લે ત્યાં સુધી તો વાંધો નહીં, પરંતુ દીકરીને કેવી રીતે વર્તન કરવું શિખામણ આપે. પતિ સાથે કઈ રીતે રહેવું, તેને કઈ રીતે દાબમાં રાખવો, કઈ રીતે મનગમતું કામ કરાવવું, કઈ રીતે જીદ કરવી આવી નાની નાની બાબતોનું ઓનલાઈન ગાઈડન્સ મમ્મી દ્વારા દીકરીને સતત મળતું જ રહે. પતિ જેવો દુકાને જાય કે મમ્મીનો ફોન આવી જાય. દિવસમાં પહેલીવારનો ફોન 10-15 મિનિટ તો ચાલે જ.

વળી, બપોરે ફોન આવે, અધૂરી વાતો પૂરી કરવા માટે બપોર પછી ફોન આવે અને સાંજે તો રસોઈ પહેલાં અચૂક ફોનાફોની થાય જ.

શું થયું આને કારણે?

એ યુવતિનું લગ્નજીવન તકલીફમાં આવી ગયું. યુવતીની મમ્મીની ભાવના સારી હતી. પોતાની દીકરી દુઃખી ન થાય એવી ભાવનાથી જ એ સતત દીકરીના સંપર્કમાં રહેતાં હતાં. તેમને પોતાની દીકરી માટે ખૂબ જ પ્રેમ હતો. એ પ્રેમને કારણે જ તેઓ આવું વર્તન કરતાં હતાં. બીજી વાત એ હતી કે, તેમણે પોતે સાસરામાં આવીને ખૂબ જ સહન કર્યું હતું. એમને સતત બીક લાગતી હતી કે, મેં જે સહન કર્યું હતું તે બધું મારી દીકરીને સહન ન કરવું પડે. એને કારણે તેઓ વધારે પડતાં લાગણીશીલ અને સતર્ક બની ગયાં હતાં. દીકરીની યાદ આવે ત્યારે તેઓ ખૂબ રડતાં હતાં. આંસુઓની ધારા વહે. બીજી બાજુ જ્યારે જમાઈને બોલવા ચડે ત્યારે કોઈનાં રોક્યાં રોકાય નહીં. ખૂબ બોલે. માપ ન રહે.

ખરેખર તો આ એક માનસિકતાનો પ્રશ્ન હતો. જો તેમનામાં પરિપક્વતા અને સ્વસ્થતા હોય તો તેઓ આવું વર્તન કરે જ નહીં.

તેઓ પોતાની દીકરીને સુખી જોવા અને કરવા માગતાં હતાં અને દીકરી દુઃખી થતી હતી. વળી, દીકરીને દુઃખી કરવામાં જાણે-અજાણે તેમનું પણ પ્રદાન હતું.

જિંદગીમાં આવું જ થતું હોય છે. દુલા કાગ કહેતા હતા તેમ, આધુનિક માણસ સુખી થવા માટે ખૂબ દુઃખી થાય છે. અહીંયા પણ એવો જ ઘાટ હતો.

જ્યાં સુધી મમ્મીની માનસિક સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી તેમની દીકરીનું દામ્પત્ય સમતોલ બને નહીં. અત્યારે સ્થિતિ પ્રવાહી છે અને યુવતી ઝોલાં ખાઈ રહી છે. એકબાજુ તેને પોતાનું લગ્નજીવન બચાવવું છે તો બીજી બાજુ દુઃખી થતી મમ્મીને પણ રાજી રાખવી છે.

આ બંને કેવી રીતે થઈ શકે, કેવી રીતે કરી શકાય તેની તેને ખબર નથી. સમાજમાં તમે નજર કરશો તો ઠેર ઠેર આવું જોવા મળશે. લાગણીવેડામાં તણાતી અનેક મમ્મીઓ સાસરે ગયેલી પોતાની દીકરીઓનું ઓવર એટેચમેન્ટ છોડી શકતી નથી અને તેને કારણે દીકરીના સંસારમાં જાણે-અજાણે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. આ વાસ્તવિકતા છે.

અનેક પુરુષો તમને એવા જોવા મળશે જે આવા પ્રશ્નોથી પીડાતા હોય છે. સાસરિયાંઓ સાથે સમતોલ અને સ્વસ્થ સંબંધો રાખવા એ નાજુક બાબત હોય છે. એમાં પરિપક્વતા, સ્વસ્થતા, ધીરજ, પૂર્વગ્રહ વગરનો સ્વભાવ આ બધાની જરૂર પડતી હોય છે. સાસરીમાં રહેતી દીકરી અને તેની માતા વચ્ચેના સંબંધ વિશે એક આખું પુસ્તક લખાય. ભગવાને સ્ત્રીને લાગણી, પ્રેમ, સંવેદના વગેરે સવિશેષ આપ્યાં છે.

લાગણી ભલે માપી શકાતી નથી, પરંતુ જો લાગણીને તમે માપમાં ન રાખો તો લાગણીવેડાનું સર્જન થાય અને એ સંબંધોમાં અસમતુલા ઊભી કરે. માત્ર અસમતુલા નહીં, પરંતુ અનેક સમસ્યાઓ પણ ઊભી કરે છે. દરેક માતાએ આ વાતને સમજવી જોઈએ. સાસરે ગયેલી દીકરીને સુખી રાખવી હોય તો તમારે તમારી લાગણીઓને માપમાં રાખવી પડશે. આ સનાતન સત્ય છે.

તમે સાસરે ગયેલી દીકરીનું રિમોટ કંટ્રોલ ન બની શકો. જો એવો પ્રયત્ન કરો તો અસલ અને સુંદર દૃશ્યોને બદલે જિંદગીરૂપી ટીવીમાં ઝરમરિયાં જ દેખાય.

અનેક માતાઓનાં ખોટાં વલણને કારણે, વેવલાવેડાને કારણે, અમંગળ વિચારોને કારણે, ખોટું થશે એવા ભયને કારણે અનેક યુવતીઓનાં જીવન બરબાદ થયાં છે. માતાની ભાવના સારી હોય, પરંતુ વર્તન અને વલણ જોખમી હોય.

પિયર અને સાસરાંમાં બેલેન્સિંગ કરવું એ અઘરી વાત હોવા છતાં જો મનમાં સ્પષ્ટતા હોય અને પરિપક્વતા હોય તો કરી શકાય છે.

અમારા એક વડીલ મિત્ર છે. એમણે એવો નિયમ રાખ્યો છે કે, રવિવારે જ્યારે તેઓ સગાં સંબંધીઓનાં ત્યાં મળવા નીકળે ત્યારે અચૂક બે પોતાનાં સગાં અને બે પિયરનાં સગાં એમ બેલેન્સ કરે. ઘણાને આ વાત સાંભળીને નવાઈ લાગશે, પરંતુ વર્ષોથી તેઓ આ ક્રમ પાળી રહ્યા છે અને ચૂક્યા વગર પાળી રહ્યા છે. પોતાનાં સગાંને ત્યાં ગયા હોય તો કોઈ પણ રીતે પત્નીના પિયરિયાંને ત્યાં જવાનું જ. તેઓ કહે છે કે, મારા આ નિયમે મને ફાયદો કરાવ્યો છે. મારે કદી સાંભળવું પડતું નથી.

આ સ્થૂળ વાત છે, પરંતુ તેમાં ગર્ભિત અને સૂક્ષ્મ અર્થ પણ ભળેલો છે. એ વડીલ સાસરી અને પિયરના બેલેન્સિંગ માટે સભાન છે. એટલી વાત તો ચોક્કસ છે જ.

ભગવાને દરેકને સુંદર જીવન આપ્યું છે ત્યારે સમજણ સાથે આ જીવન જીવવામાં જ બધાનું ભલું છે. એ વખતે આપણાં સંતાનોની વધારે પડતી ચિંતા કરીને, એમના જીવનમાં બિનજરૂરી હસ્તક્ષેપ કરીને આપણે સમસ્યા ઊભી ન કરીએ તેનું દરેક વડીલે ધ્યાન રાખવું જોઈએ.

positivemedia2015@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)