મનન કી બાત:લોકોનાં મન-વિચારોને પ્રભાવિત કરીને આપણું કામ કઢાવવાનો ખેલ, ‘ઇન્ફ્લુઅન્સ’ પુસ્તકનું સિક્રેટ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શું કોઈ વ્યક્તિ તમને વારેવારે નાસ્તો કરાવે તો એનું કામ કરવાની ઈચ્છા તમને વધુ થતી હોય છે? શું કોઈ વ્યક્તિ ખૂબ જ મીઠી વાતો કરી અને તમારી પાસે પોતાનું કામ કઢાવી શકતું હોય છે? શું કોઈ વ્યક્તિ એવું બતાવી કે બીજા લોકો એનાથી ખૂબ જ પ્રભાવિત થાય છે, તમને પ્રભાવિત કરી દેતું હોય છે?

મોટાભાગના લોકો આમાંથી મોટા ભાગના પ્રશ્નોનો જવાબ ‘હા’ આપશે. રોબર્ટ કાલ્ડીની પણ આપણી જેમ જ લોકોથી ખૂબ જ પ્રભાવિત થઈ જતા હતા. ખાસ કરીને વ્યાપાર જગતમાં વપરાશમાં આવતી પ્રભાવિત કરવાની આવી ઘણી બધી ટેકનિકને મનોવિજ્ઞાન સાથે જોડી અને એમણે એક ખૂબ જ પ્રખ્યાત પુસ્તક લખ્યું જેનું નામ છે ‘ઈન્ફ્લુએન્સ’. આ પુસ્તક બેસ્ટ સેલર બન્યું અને વ્યાપાર અને માર્કેટિંગ જગતનું મનોવિજ્ઞાન સાથેનું ખૂબ જ ઊંડું કનેક્શન સમજવા અને વિકસવામાં એક લેન્ડમાર્ક પુસ્તક બન્યું.

આ પુસ્તક આપણને શીખવે છે કે એવી 4 વસ્તુઓ છે કે જેના કારણે લોકો આપણા વિચારોને પ્રભાવિત કરી શકે છે અથવા આ 4 ટેક્નિક ઉપયોગમાં લઈને આપણે લોકોના વિચારોને પ્રભાવિત કરી શકીએ.

1. પારસ્પરિક ફાયદો
કોઈપણ વ્યક્તિ કંઈ કારણ વિના જ્યારે આપણા માટે કંઈ સારું કરે તો આપણા મનમાં પારસ્પરિકતાનો ભાવ જાગી ઊઠે છે અને જાણ્યે-અજાણ્યે આપણે કંઈક ને કંઈક સારું અથવા તમને ફાયદો પહોંચાડનાર કંઈક કામ કરતા હોઈએ છીએ. જ્યારે કોઈ વ્યક્તિ આપણી ખૂબ જ આગતા-સ્વાગતા કરે અથવા આપણને ખૂબ જ આગ્રહ કરી અને નાસ્તો કરાવે, ત્યારે એ વ્યક્તિ સામે ચાલીને આપણા ઉપર પ્રેશર નથી નાખતું, પરંતુ એમને ફાયદો પહોંચાડનાર કામ જો આપણે નહીં કરીએ, તો આપણને એક સારા માણસ હોવાની અનુભૂતિ નહીં થાય, કારણ કે એ વ્યક્તિએ આપણા માટે ખૂબ સારું કર્યું છે. આપણા સમાજમાં એટલે જ મહેમાનગતિ અને એવા બીજા સોફ્ટ પાવરને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે.

2. કન્સિસ્ટન્સી
જ્યારે પણ આપણે ખૂબ જ આકર્ષક ઓફરમાં ગાડી મળતી જોઈ, ગાડીના શોરૂમમાં પહોંચી જઈએ છીએ, પરંતુ પછી એવી ખબર પડે છે કે એના ઉપર બીજા પણ ઘણા એવા ચાર્જ છે કે જે ઓફરમાં નહોતા બતાવવામાં આવ્યા, છતાં આપણે પોતાના મગજને મનાવી લઈએ છીએ કે ગાડી લઈ લઈશું. આનું કારણ છે કે જ્યારથી આપણે ઓફર જોઇ ત્યારથી આપણે હજાર વિચાર કરી લીધા હોય કે ગાડી કેવી લેશું, ક્યારે લઈશું અને એનું શું કરીશું. એ પછી આપણે માત્ર પોતાનું મન જ મનાવવાનું હોય કે જેટલા પણ ફેરફાર થાય છે તે છતાં આપણે ગાડી લેવી છે.

3. સામાજિક પ્રૂફ
આપણે એવી ઘણી કોમેડી સિરીયલ જોઈએ છીએ કે જેમાં સિરીયલ રેકોર્ડેડ હોય છતાં પણ હાસ્યવાળા સીનમાં બેકગ્રાઉન્ડમાં હસવાના અવાજ આવે. આવી સિરિયલોના નિર્માતાઓ જાણે છે કે હાસ્યવાળો સીન એટલો સારો નહીં હોય, તોપણ એ માણસની પ્રકૃતિ છે કે હસવાનો અવાજ સાંભળી આપણે પણ હસવાનું કોઈક ને કોઈક કારણ ગોતીશું. બધા તાળીઓ વગાડે તો આપણે પણ તાળીઓ વગાડીએ છીએ. આવી રીતે લોકો પોતાના વિશે સમાજમાં એક માન્યતા બનાવી અને બીજા લોકો કે જે એમનાથી પ્રભાવિત નથી એમને પણ આવી માન્યતાઓથી પ્રભાવિત કરતા હોય છે.

4. ઑફર ચૂકતા નહીં
આપણે કોઇ પણ ઑફર સ્વીકારીએ કે ન સ્વીકારીએ, આપણને બધાને FOMO એટલે કે Fear Of Missing Out (ચૂકી જવાનો ભય) હોય જ છે. કોઈ આપણને કહી દે કે આ ઑફર સ્ટોક હશે ત્યાં સુધી જ છે, તો આપણને વસ્તુની જરૂર નહીં હોય તો પણ આપણે વસ્તુ લેવા અંગે વિચારીશું અને મોટાભાગે લઈ પણ લઇશું. મોબાઈલ કંપનીઓ આ ટેક્નિકનો ખૂબ જ ઉપયોગ કરતી હોય છે. આપણે ઘણીવાર છાપામાં વાંચીએ છીએ કે કોઈક મોબાઈલ 30 સેકન્ડની અંદર આખો સ્ટોક વેચાઈ ગયો. આ રીતે કંપનીઓ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી આપણા મનને પ્રભાવિત કરતી હોય છે.

મન: શું તમને આવી પ્રભાવિત કરવાની બીજી કોઈ ટેક્નિક યાદ આવે છે? મને નીચેના ઈ-મેઇલમાં જણાવો.
mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)