• Gujarati News
 • Magazine
 • Rangat sangat
 • How Can A Person Who Keeps Him Tied Be Called A Relationship? Don't Build A True Relationship ... The More Freedom You Give To Your Lover, The Closer You Become ...

ઇટ્સ કોમ્પ્લિકેટેડ:વ્યક્તિને બાંધી રાખે એને સંબંધ કહેવાય જ કઈ રીતે? સાચો સંબંધ બાંધી ના રાખે... પ્રેમીજનને જેટલી સ્વતંત્રતા આપો એટલી નિકટતા વધે...

3 મહિનો પહેલા
 • કૉપી લિંક

નવાં નવાં પરણેલાં બે જણની વાત કરીએ. પરમ અને પ્રાપ્તિ આજની એકવીસમી સદીનાં છે. તેમના વિચારો પ્રગતિશીલ અને વિશાળ છે. તેઓ સંકુચિત રીતે વિચારતાં નથી અને જીવતાં પણ નથી. બોલ્ડ અને બિન્દાસ ટાઈપનાં સ્ત્રી-પુરુષ છે. પરણ્યા પહેલાં તેમણે ભરપૂર રોમાન્સ પણ માણ્યો. તેઓ એકબીજાને ગમતાં પણ ખરાં, એકબીજાને સમજતાં પણ ખરાં અને એકબીજામાં ભળતાં પણ ખરાં. આ રળિયામણો અને ઈર્ષા કરવાનું મન થાય એવો સંબંધ એક સ્ત્રી અને એક પુરુષનો પાકો અને સાચો મૈત્રી સંબંધ હતો. બંનેને હતું કે તેઓ મેડ ફોર ઈચ-અધર છે.

પરમ અને પ્રાપ્તિ આજના જમાનાનાં હતાં. સ્વતંત્ર મિજાજનાં હતાં તેથી તે બંનેને પોતપોતાના જુદા વિજાતીય મિત્રો પણ હતા જ. પરમને ઘણી સ્ત્રી મિત્રો હતી તો પ્રાપ્તિને નિકટના કહી શકાય એવા બોયફ્રેન્ડ પણ હતા. બંને જણ એકબીજાને સ્પેસ આપવામાં માનતાં હતાં. પતિ-પત્ની થયાં એટલે શું? એકબીજાના વિચારને પૂરતું સન્માન આપવાનું. એકબીજાના વિચારોને સમજવાના અને સ્વીકારવાના.

પરમ કહેતો કે પ્રેમ ક્યારેય મર્યાદા જોતો નથી. પ્રેમ તો અખિલાઈમાં માને છે. તે વિનોબા ભાવેના વિચારને રજૂ કરીને કહેતો કે આપણે પ્રેમને ઘરમાં પૂરી દીધો છે. માત્ર ઘરના સભ્યો સાથે જ પ્રેમ હોય તો એ પ્રેમનો નાનકડો અંશ છે. તેને પ્રેમ ના કહી શકાય. જો પ્રેમને પૂરેપૂરો વ્યક્ત કરવો હોય તો તમારા હૃદયમાં વિશ્વના દરેકે દરેક જીવ માટે પ્રેમ હોવો જોઈએ. પ્રાપ્તિને થતું હતું કે પોતાને કેવો સરસ જીવનસાથી મળ્યો છે! આટલા ઉચ્ચ અને વિશાળ વિચારો ધરાવનાર યુવાનો આજે કેટલા?

પ્રાપ્તિ કહેતી કે ફોરવર્ડ હોવું અને વિશાળ હૃદયના હોવું એમાં જમીન-આસમાનનો ફરક છે. પોતાને મળેલા સંદેશાઓને આગળ ધકેલી દેવાથી, ફોરવર્ડ કરી દેવાથી કંઈ વિશાળ હૃદયના થઈ જવાતું નથી. એના માટે તો સમજણ જોઈએ. પ્રેમની સાચી સમજણ. પ્રેમ કરવો અને પ્રેમની સમજણ હોવી એ બે જુદી જુદી બાબતો હોય છે. પરમમાં આ બંને બાબતો હતી તેનો પ્રાપ્તિને આનંદ તો હતો જ અને ગૌરવ પણ હતું.

લગ્ન કર્યાં પછી પરમ અને પ્રાપ્તિ એક પ્રોફેસરના આશીર્વાદ લેવા ગયાં હતાં. એ પ્રોફેસર પ્રાપ્તિના સૌથી પ્રિય શિક્ષક હતા. તેમનો પ્રાપ્તિ પર ખાસ્સો પ્રભાવ હતો. એ પ્રોફસર સાહેબે બંનેની સરસ આગતા-સ્વાગતા કરીને એક સોનેરી સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે પતિ-પત્ની તરીકે એકબીજાનાં મિત્રો બનજો. એકબીજાનાં માલિક ના બનતાં. આ વિશ્વમાં મોટાભાગે પતિ-પત્ની એકબીજા પર માલિકીભાવ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. જ્યાં માલિકી ભાવ આવે છે ત્યાં પ્રેમ ઝાંખો પડે છે. પ્રેમનું તેજ અખિલાઈમાં જ ખીલે છે.

પ્રોફેસરને મળીને આવ્યા પછી પરમ અને પ્રાપ્તિનો પ્રેમ વધારે મજબૂત થયો હતો તેના કરતાં મક્કમ થયો. લગ્નના એક વર્ષ પછી સ્થિતિમાં બદલાવ આવ્યો. આકાશ ચોખ્ખું હોય, સૂરજદાદા તપેલા હોય, એકપણ વાદળ ના હોય અને અચાનક હવામાન બદલાય એવું થયું. અચાનક પરમ અને પ્રાપ્તિના જીવનનું આકાશ ઘેરાયું. વાદળોએ સૂરજને ઢાંકી દીધો.

થયું એવું કે પરમનો એક મિત્ર હતો અર્થ. તે સારો ડાન્સર હતો. પ્રાપ્તિને ડાન્સ શીખવાનું મન થતાં તેણે અર્થ જોડે તાલીમ લેવા માંડી. ધીમે-ધીમે અર્થ અને પ્રાપ્તિનો સહવાસ વધતો ગયો. પહેલાં પ્રાપ્તિ અઠવાડિયાંમાં ત્રણ દિવસ નૃત્ય શીખવા જતી. એ પછી એ પાંચ દિવસ જવા લાગી અને પછી તો રવિવારે પણ જવા લાગી. એમાં નૃત્યની સાધના જેટલું જ મહત્ત્વ અર્થના સહવાસનું પણ હતું.

કલાનું કામ લોકોને જોડવાનું હોય છે પણ ક્યારેક એ બે લોકોને છૂટા પણ કરી શકે. અહીં પણ એવું જ થયું. પ્રાપ્તિનો અર્થ સાથેનો સહવાસ પ્રારંભમાં પરમને ગમ્યો. તેને થયું કે પ્રાપ્તિને આનંદ થાય એ જ મોટી વાત કહેવાય. જો કે, એક સ્થિતિ એવી આવી કે પરમની બ્રોડનેસ ઓગળી ગઈ. તેણે પ્રાપ્તિને ફરિયાદ કરી કે અર્થ સાથે તારી મૈત્રી કંઈક વધારે જ નિકટની થઈ રહી છે.

પ્રાપ્તિને તો પરમનું આ વર્તન એકદમ શોકિંગ લાગ્યું. એ તો એવું જ માનતી હતી કે પરમ એકદમ બ્રોડ માઈન્ડનો છે. એ પ્રેમને બરાબર સમજે છે. એ પ્રેમને વ્યાપકરૂપે ચાહે છે. પ્રાપ્તિ દ્વિધામાં આવી ગઈ. તેને આવું તો ક્યારેય વિચાર્યું જ નહોતું. પોતાનો સૌથી નજીકનો મિત્ર, જીવનસાથી પરમ પોતાના માટે આવું વિચારશે તેની તો તેને કલ્પના પણ નહોતી. તે ગૂંચવણમાં મુકાઈ ગઈ. તેને મૂંઝવણમાં આવી ગઈ. તેને સૂઝતું નહોતું કે તે હવે શું કરે? તેને સતત લાગતું હતું કે ઇટ્સ કોમ્પ્લિકેટેડ!

તે નૃત્ય શીખવાનું બંધ કરવા માગતી નહોતી. તે અર્થ સાથેની મૈત્રી છોડવા માગતી નહોતી. લગ્ન બરાબર છે, લગ્નસંસ્થામાં પ્રવેશ કર્યા પછી તેના નિયમોનું પાલન કરવું જોઈએ તે પણ બરાબર છે પણ લગ્ન કર્યાં તેનો હરગિઝ એવો અર્થ ન થાય કે સ્વની સ્વતંત્રતાને છોડી દેવાની. પ્રાપ્તિ માનતી હતી કે તેણે લગ્ન કર્યાં હતાં, તે લગ્નબધંનમાં જોડાઈ નહોતી.

પ્રાપ્તિ માનતી હતી કે સંબંધ ક્યારેય બંધાય નહીં. જે સંબંધમાં બંધન હોય તે ક્યારેય સાચો સંબંધ કહેવાય જ નહીં. અમે સંબંધ બાંધ્યો એવું કોઈ બોલતું તો પ્રાપ્તિને નહોતું ગમતું. પ્રાપ્તિ કહેતી કે સંબંધ એટલે મુક્તિનું આકાશ. સંબંધ એટલે વિશાળતાનો અખૂટ વાયરો. સંબંધ એટલે એવી વસંત ઋતુ જે બારમાસી છે. સંબંધમાં તો મુક્ત થવાનું હોય છે. જે બાંધે તે વહેવાર અને છૂટા કરે તે સંબંધ. સંબંધમાં જોડાઈને વ્યક્તિ મુક્ત થતી હોય છે.

પ્રાપ્તિ માટે નૃત્ય શીખવાનું બંધ કરવું કે અર્થની મૈત્રી છોડી દેવી એ સહેજે અઘરી વાત નહોતી પણ એ એવું કરવા માગતી નહોતી. એ એવું કરે તો પરમને સંતોષ થાય પણ પોતે પોતાની જાતને છેતરે. પ્રાપ્તિ પોતાની જાતને છેતરવા નહોતી માગતી. તે પરમને ચાહતી હતી તેટલી જ પોતાની જાતને પણ ચાહતી હતી. છેવટે તેણે પરમથી છૂટા પડવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય તેણે માંડ માંડ લીધો હતો, કચવાતા મને લીધો હતો પણ તેને લાગતું હતું કે આ જ યોગ્ય નિર્ણય હતો.

પરમ ઉપર તો જાણે કે વીજળી પડી. તેને તો કલ્પના પણ નહોતી કે પ્રાપ્તિ પોતાને છોડવાનો વિચાર પણ કરી શકશે. પરમ થોડો સમય તો ડિપ્રેશનમાં જતો રહ્યો. તે પોતાની જાતને ગુનેગાર માનવા લાગ્યો. તેને સતત એવું થતું હતું કે પોતે જ ખોટો છે. તેણે પ્રાપ્તિ અને અર્થની મૈત્રીને આગળ વધવા દેવા જેવી હતી.

તેણે એક વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. જો કે, તેની માતાની સમયસૂચકતાની તે બચી ગયો. પરમના મમ્મીએ તેને સમયસર હોસ્પિટલ પહોંચાડ્યો અને તરત સારવાર મળી એટલે તેને બચાવી શકાયો. એ પછી તો પરમનાં માતા-પિતા સતત તેની જોડે રહેવા લાગ્યાં. તેને બીજાં લગ્ન કરવા પણ સમજાવવા માંડ્યાં પણ પરમ કહેતો હતો કે પોતે પ્રાપ્તિ સિવાય બીજા કોઈનો વિચાર પણ ના કરી શકે.

બીજી બાજુ, પ્રાપ્તિએ નૃત્યમાં નામ કર્યું. તે શહેરની જાણીતી નૃત્યાંગના બની. તેણે નૃત્યને જ પોતાનું તમામ સમર્પિત કર્યું હતું. અર્થ સાથેની તેની મૈત્રી પ્રેમમાં અને પ્રેમ લગ્નમાં પરિણમ્યો. અર્થ સાથેના લગ્નની કંકોતરી આપવા તે પરમના ઘરે આવી. પરમે તેને શુભકામના આપી એટલું જ નહીં, તે તેના લગ્નમાં પણ ગયો. પ્રાપ્તિ અને અર્થનાં લગ્ન પછી પરમને જીવનનો અર્થ સમજાયો. તે જીવનને નિકટથી સમજી શક્યો. તે પ્રાપ્તિને આજે પણ ચાહતો હતો. તેને થયું કે, સાચો પ્રેમ સમર્પણ માગે છે. સાચો પ્રેમ ત્યાગ માગે છે. તેનું માંદુ પડી ગયેલું, વ્યગ્ર થયેલું મન પુનઃ બેઠું થયું અને તે પોતાના કારોબારમાં લાગ્યો.

જો કે, જિંદગીએ અણધાર્યો વળાંક લીધો. પ્રાપ્તિને લાગ્યું કે અર્થ સાથે લગ્ન કરીને ગંભીર ભૂલ કરી છે. અર્થ તો લફડાબાજ હતો. તેને એકસાથે અનેક સ્ત્રીઓ સાથે મુક્ત સહવાસના રોજિંદા સંબંધો હતા. સાચો પ્રેમ તો જવા દો, નોર્મલ પ્રેમ પણ ત્યાં ગેરહાજર હતો. પ્રાપ્તિને પારાવાર પસ્તાવો થયો. તેણે એક ઝાટકે અર્થ સાથેના સંબંધો તોડી નાખ્યા. તેને સમજાયું કે પરમથી છૂટા પડીને તેણે ગંભીર ભૂલ કરી હતી. થોડો સમય પસાર થયો અને પરમ તથા પ્રાપ્તિ પુનઃ એક થયાં. ***

પ્રાપ્તિને રોજનીશી એટલે ડાયરી લખવાની ટેવ હતી. તેની ડાયરીમાં તેણે લખેલા મનોભાવના આ રહ્યા કેટલાક અંશો..

 • સંબંધ એ ઉઘડતી સવાર છે. સંબંધો માણસના અંતરતરમાં નવો પ્રકાશ લઈને આવે છે. જેમ-જેમ સૂરજ ઉપર ચડતો જાય છે તેમ-તેમ સંબંધોમાં પણ ગરમી આવતી જાય છે. જે વ્યક્તિઓ મધ્યાહનના સૂરજની ગરમીને સહન કરી શકે છે તેને સંબંધોની સોહામણી સંધ્યા માણવાનો મોકો મળે છે.
 • સંબંધ એટલે છોડવું. સાચો સંબંધ પ્રેમના પાયા પર જ ઊભો હોય છે. પ્રેમ કાયમ છોડવાનો આગ્રહ રાખે છે. જો કે, જેમ આપવું એટલે પામવું એ જ રીતે છોડવું એટલે પણ પામવું. જે છોડે છે એ ખીલે છે. સંબંધોનો સૌથી મોટો લાભ છોડનારને જતું કરનારને જ મળે છે.
 • આદર્શ સ્થિતિ કાયમ વાસ્તવિકતા બની શકતી નથી. માણસનું મન અજબ છે. માણસને મુક્તિ ગમે છે એટલો જ માલિકીભાવ પણ ગમે છે. એક ગમે એટલે બીજું ના ગમે એવું ગણિત સંબંધોમાં ચાલતું નથી. સંબંધો મનોભૂમિનો વિષય છે. જુદા જુદા માણસે સંબંધની ભૂમિકા જુદી જુદી હોય છે. દરેક માણસનું સંબંધનું શાસ્ત્ર જુદું હોય છે. એક જ માણસ આખી જિંદગી સંબંધોને એક જ રીતે નિભાવી શકતો નથી.
 • સંબંધોનો આધાર મન સાથે પણ હોય છે. મન ભારે ચંચળ છે. મન કાચિંડાની જેમ રંગ બદલતું હોય છે. મન બદલાય ત્યારે સંબંધ પર તેની અસર થતી હોય છે.
 • દરેક સંબંધનું સત્ય હોય છે તેમ અસત્ય પણ હોય છે. જેમ સોનામાં તાંબુ નાખ્યા પછી જ અલંકારો બનતા હોય છે તેમ સંબંધોમાં પ્રેમની સાથે વ્યવહાર હોય જ છે. દુનિયાનો કોઈ સંબંધ સો ટકા શુદ્ધ હોઈ ના શકે. હા, માતા-પિતા, ભાઈ-બહેન જેવા લોહીના સંબંધોમાં શુદ્ધતા જોવા મળે.
 • દરેક સંબંધમાં બંધન હોય જ છે અને એ બંધન જ સંબંધને ટકાવી રાખે છે. બંધનને નેગેટિવ રીતે લેવાય જ નહીં.
 • આદર્શ સ્થિતિ તરફની ગતિ રાખીને જો વાસ્તવિકતા સાથે જીવન જીવાય તો જ સંબંધોની સાચી મજા લઈ શકાય. જેમ સંજોગોને કાપીને કોઈ વ્યક્તિત્વ ના હોય એ જ રીતે સાંપ્રત સંજોગોની ઉપરવટ જઈને કોઈ સંબંધ ટકી ના શકે.
 • કોઈપણ વ્યક્તિએ પ્રગતિશીલ, આધુનિક કે બોલ્ડ થવાની ફેશનમાં વાસ્તવિકતા સામે આંખ-મીંચામણાં ના કરવાં જોઈએ.
 • પતિ-પત્નીના સંબંધનું સાચું સૌંદર્ય એકબીજા માટેના પ્રેમભાવની સાથે સાથે એકબીજાના (માપના) માલિકીભાવમાં પણ પડેલું છે.
 • મુક્ત થવા માટે પહેલાં સંપૂર્ણ યુક્ત થવું પડે છે. જે વ્યક્તિ પૂર્ણપણે યુક્ત થાય છે તે આપોઆપ મુક્ત થઈ જ જાય છે. જો દરેક વ્યક્તિ સંબંધોના આ પરમ સત્યના સમજે તો ક્યારેક કોઈ સંબંધ બંધિયાર ના બને..

positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...