ડિજિટલ ડિબેટ:જગન્નાથ રથયાત્રા કાઢવાનો નિર્ણય કેટલો યોગ્ય?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વર્ષા પાઠક (VP): સમાચાર જાણ્યા કે ગુજરાત સરકારે આ વખતે અમદાવાદમાં પરંપરા પ્રમાણે નીકળતી જગન્નાથ રથયાત્રાને મંજૂરી આપી છે, પણ ગાઇડલાઇન્સ સાથે. 12 જુલાઈએ રથયાત્રા કાઢવામાં આવશે અને પ્રોટોકોલ પ્રમાણે નીકળશે એમ રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું છે. પ્રોટોકોલ એટલે કોવિડ પ્રોટોકોલ એટલું તો આ પેન્ડેમિકમાં સૌ સમજી જાય, પણ બીજાય ઘણા પ્રતિબંધો અને નિયમો રહેશે. મર્યાદિત સંખ્યામાં ખલાસીઓ જોડાશે, કર્ફ્યૂ રહેશે અને બપોર સુધીમાં રથયાત્રા પૂર્ણ થઈ જાય તે રીતે કાઢવામાં આવશે. આ બધું બરાબર પણ મારો એક જ સવાલ છે કે બધા નિયમોનું પાલન થશે?
દિલીપ ગોહિલ (DG): પાલન કરાવવું પડશે. આ વર્ષે રથયાત્રાને મંજૂરી આપ્યા સિવાય સરકાર પાસે છૂટકો જ નહોતો. એટલે રથયાત્રા સુખરૂપ પાર પડે એ માટે પ્રયાસો થશે. આ વખતે ભક્તોમાં વધારે આક્રોશ હતો. આ વર્ષે રથયાત્રાની મનાઈ સરકાર કરે તો ભારે પડે તેવું હતું. વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ બાકી છે પણ માહોલ અત્યારથી બનવા લાગ્યો છે. ભક્તોને નારાજ કરીને, હાઈકોર્ટ કે સુપ્રીમકોર્ટનું બહાનુ કાઢીને પણ રથયાત્રાને આ વખતે સરકાર અટકાવી શકે તેમ નહોતી.

VP: સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે પુરીની રથયાત્રાને મંજૂરી આપી જ હતી. આ વખતે પણ મંજૂરી મળી જ હોત. પણ સવાલ રહેવાનો જ છે કે નિયમો સરકારે જાહેર કર્યા. પરંતુ ધારો કે રથયાત્રા આગળ વધી અને દર્શન માટે શ્રદ્ધાળુઓ આવશે ત્યારે પોલીસ કેવી રીતે રોકશે? બધા બ્રીજ બંધ રહેશે એટલે કદાચ બહારનો ટ્રાફિક ન આવે. પરંતુ અમદાવાદના પોળવાસીઓ દર્શન કરવા બહાર નીકળશે ત્યારે શું પોલીસ તેમને દંડા મારશે?
DG: આ સરકાર તો શું, કોઈપણ સરકાર જગતના નાથના ભક્તોને દંડા મારવાની હિંમત ન કરી શકે. આ પ્રશ્ન રહેવાનો ખરો, પણ રથયાત્રાને મંજૂરી આપવાના નિર્ણય પછી મંદિરના ટ્રસ્ટીઓ સાથે પોલીસ તથા અધિકારીઓ ચર્ચા કરશે અને આયોજન થશે. સામાન્ય રીતે વહેલી સવારે નિજમંદિરથી ત્રણેય રથો નીકળે અને સરસપુર બપોર સુધીમાં પહોંચે. અહીં મોસાળે ભોજન માટે વિરામ હોય. તે પછી પણ લાંબો રૂટ છે અને સાંજ ઢળે તે પછી બળભદ્ર અને સુભદ્રા સાથે ભગવાન નિજમંદિર પરત ફરે. સમગ્ર દિવસ રથયાત્રા ચાલે છે, તેની જગ્યાએ આ વખતે બપોર સુધીમાં પૂર્ણ થઈ જાય એવું આયોજન છે. રથયાત્રા સાથે ગજરાજો, ટ્રક્સ, ભજનમંડળીઓ, અખાડા વગેરેને આ વખતે મંજૂરી નથી. એટલે યોગ્ય આયોજન સાથે યાત્રા પાર પાડી શકાય છે. ગયા વર્ષે પુરીમાં એ જ રીતે રથયાત્રા નીકળી શકી હતી.

VP: ગયા વર્ષે ઓડિશા સરકારની ખાતરી પછી પુરી રથયાત્રા માટે મંજૂરી મળી હતી. 500 લોકોને જ હાજર રાખવાની મંજૂરી આપી હતી પણ ટીવીમાં અને તસવીરોમાં થોડી ભીડ તો દેખાઈ હતી. પુરીનો રૂટ નાનો પણ છે અને પહોળો રોડ છે. આપણે અમદાવાદની પોળની સાંકડી ભૂગોળને નથી જાણતા? તેમાં પોલીસની જ ભીડ નહીં થઈ જાય? 20,000 પોલીસ, હોમ ગાર્ડ્ઝ, પેરામિલિટ્રીના જવાનો પણ ગોઠવાશે - હવે આ ભીડ ના કહેવાય? એક તરફ સરકાર સતત કહે સોશિયલ ડિસ્ટન્સ રાખો અને બંદોબસ્ત ગોઠવે આટલી મોટી સંખ્યામાં...
DG: પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત રાખવાનું કારણ જ એ છે કે કોઈ જગ્યાએ શ્રદ્ધાળુઓ એકઠા ના થઈ જાય. 7 પોલીસ સ્ટેશનની હદમાં સવારના 7થી 2 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. કર્ફ્યૂ કરતાંય સૌ કોઈની સલામતી માટે સૌને ઘરે રહેવા વિનંતી થઈ રહી છે. આ દિવસો દરમિયાન ટીવી ચેનલો પર સતત ભક્તોને વિનંતી કરવામાં આવી રહી છે કે તમે જીવંત પ્રસારણમાં ઘરે બેસીના જગતના નાથનાં દર્શન કરજો. પૂરતો બંદોબસ્ત અને સમગ્ર રૂટ પર સોશિયલ ડિસ્ટન્સ સાથે પોલીસની હાજરી રાખીને નિયમોનું પાલન કરાવીશું એવી ખાતરી અત્યારે પોલીસ તંત્ર આપી રહ્યું છે.

VP: લોજિક, વિનંતીઓ વગેરે ધર્મની બાબતમાં એટલા ચાલતા નથી. શ્રદ્ધાળુઓને સરકારી ચેતવણીઓ કરતાંય ભગવાન જગન્નાથ પર વધારે શ્રદ્ધા હોય. હું દેવને શરણે જઈશ અને ઇશ્વર આપણને સાજાસારા રાખશે એવી તેમની લાગણીને કેવી રીતે અટકાવવી? નિયમો કંઈ આજકાલના થોડા છે, કોરોના પેન્ડેમિકની જાહેરાત થઈ ત્યારથી રેગ્યુલેશન્સનું સાંભળતા આવીએ છીએ પણ ચૂંટણીઓ વખતે ક્યાં કોઈ વસ્તુનું પાલન થયું હતું? સેકન્ડ વેવની વચ્ચે પણ સભાઓમાં લાખોની ભીડ એકઠાં કરનારા પોલિટિશિયન્સની વાતો ભક્તો ક્યાંથી માનવાના?
DG: આ ચૂંટણીમાં બેફામ વર્તન અને સભાઓમાં ભીડ - હકીકતમાં એમાં જ રથયાત્રાની મંજૂરીનાં સાચાં કારણો રહેલાં છે. પશ્ચિમ બંગાળ પહેલાં ગુજરાતમાં નેતાઓએ ટોળાં ભેગા કરેલા. પેટાચૂંટણી વખતે નિયમો નેવે મુકાયા હતા. પંચાયતોની ચૂંટણીએ તો દાટ વાળી દીધો હતો અને તેનું કરૂણ પરિણામ બીજી લહેરમાં ગુજરાતની જનતાએ ભોગવ્યું. આ જ મુદ્દે હકીકતમાં પ્રજામાં ભારે આક્રોશ છે - તમે બેફામ રીતે વર્તો, ટોળાં ભેગાં કરો અને અમને અમારા ઇષ્ટદેવનાં દર્શન પણ ના કરવા દો? ગયા વખતે રથયાત્રા ના નીકળી ત્યારે પણ ભક્તો સમસમીને બેસી રહ્યા હતા, પણ આ વખતે શ્રદ્ધાળુઓને કોઈ સંજોગોમાં અટકાવી શકાય તેમ નહોતા. સરકારે મજબૂરીમાં મંજૂરી આપી છે.

VP: સરકારે મજબૂરીમાં કામ ના કરવાનું હોય. જરૂરી હોય તે સરકારે કરવું પડે. ગયા વર્ષે મેડિકલ અસોસિએશન તથા ડૉક્ટર્સે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે ભીડ કરશો તો કેસિસ વધશે. અત્યારે પણ એક્સપર્ટ્સ ચેતવણી આપી જ રહ્યા છે કે સેકન્ડ વેવ પછી બેદરકારી જેટલી જલ્દી વધશે એટલી ઝડપથી થર્ડ વેવ આવશે. વેક્સિનેશન થવા લાગ્યું છે પણ તેની ઝડપ કેટલી છે? વચ્ચે-વચ્ચે થોડા દિવસે વેક્સિન નથી એવાં બોર્ડ લાગી જાય છે એ શું નથી જોયાં?
DG: એ વાત સાચી છે પણ સમજવાનું એ છે કે રથયાત્રાને મંજૂરી પાછળના મુદ્દા જુદા છે. મેં કહ્યું તે પ્રમાણે મજબૂરી છે અને ભક્તોને નારાજ કરી શકાય તેમ નથી. ગયા વખતે ભારે રોષ વચ્ચે હાઈકોર્ટનો આદેશ છે એવું બહાનુ સરકારે કાઢ્યું હતું. ગુજરાત સરકારે ધાર્યું હોત તો સુપ્રીમકોર્ટમાંથી મંજૂરી મળી શકી હોત. ઓડિશા સરકારે એ રીતે જ સુપ્રીમ કોર્ટમાંથી મંજૂરી મેળવી હતી. તબલિગી જમાતને બદનામ કરાઈ હતી. જમાતને કારણે કેસો ફેલાયા હતા તે વાત પણ સાચી. પરંતુ તે વખતે એટલો જોરશોરથી પ્રચાર થયો હતો કે રથયાત્રાની મંજૂરીનું જોખમ લઈ શકાય તેમ નહોતું. ગુજરાતમાં જૂનના અંત સુધીમાં કેસો ઝડપથી વધી રહ્યા હતા. અમદાવાદમાં સૌથી વધુ ઝડપથી કેસ વધી રહ્યા હતા. બીજું કે ગયા વર્ષે જૂનના અંત ભાગમાં પુરી નગરમાં કેસો મર્યાદિત સંખ્યામાં હતા. ઓડિશાના કુલ કેસીસમાં વધારે ગજપતિ અને ગજનમ જિલ્લામાં હતા, પુરીમાં નહોતા. વધતા કેસો અટકવાના નથી તે સમજાઈ ગયું હતું અને તે વચ્ચે રથયાત્રા કાઢવામાં આવે, મર્યાદિત સંખ્યા સાથે તો પણ યાત્રાને કારણે કેસો વધ્યા તેવો પ્રચાર કરનારાને રોકવા મુશ્કેલ બન્યા હોત.

VP: રાજકાણમાં ધર્મ અને ધર્મમાં રાજકારણ - આ યુગમાં પણ આપણો તેમાંથી છુટકારો નથી પણ આશા રાખીએ કે નિયમોનું પાલન કરીને રથયાત્રા નીકળે.
DG: એ જ અગત્યનું છે. રથયાત્રાની 143 વર્ષની પરંપરાને ગયા વર્ષે પણ જાળવી રાખવાની જરૂર હતી. કોરોના મહામારીનું રાજકારણ ન ખેલ્યું હોત તો ભગવાન જગન્નાથની ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળવાની પરંપરા પુરીની જેમ અમદાવાદમાં જળવાઈ હોત. ગયા વર્ષે મંદિરના પરિસરમાં જ રથોને ફેરવાયા હતા. આ વખતે નગરના માર્ગો પર આખરે ત્રણેય રથ નીકળશે. શ્રદ્ધાળુઓ ગેલેરીમાંથી, અગાસીમાંથી, બારીઓમાંથી દર્શન કરી શકશે અને લાખો લોકો ઘરે બેસીને ટીવી પર જીવંત પ્રસારણ જોઈ શકશે. ‘દિવ્ય ભાસ્કર’ પણ સૌને વિનંતી કરે છે કે નગરચર્યાની પરંપરા જાળવવાનો નિર્ણય લેવાયો છે ત્યારે ભક્તજનો નિયમો પાળવાનો નિર્ણય લે અને યાત્રા વિનાવિઘ્ને નિજમંદિરે સમયસર પરત થાય તે માટે જગન્નાથને જ પ્રાર્થના કરે.
(વર્ષા પાઠક અને દિલીપ ગોહિલ વરિષ્ઠ પત્રકારો અને રાજકીય વિશ્લેષકો છે)

અન્ય સમાચારો પણ છે...