પોઝિટિવ પેરેન્ટિંગ:રિપોર્ટ કાર્ડની કેદમાંથી બાળકોને આઝાદ કરશે ‘હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ’: ઉડને કો તૂ આઝાદ હૈ, બંધન કોઈ અબ હૈ કહાં...

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

રિપોર્ટ કાર્ડના માધ્યમથી બાળકની ક્ષમતા નથી મપાતી, પણ કમનસીબે આ સત્યને સમજનાર વાલીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. જો તમે ખરા અર્થોમાં તમારા બાળકનાં સર્જનાત્મક કૌશલ્યને ઓળખી તેને રિપોર્ટ કાર્ડની જેલમાંથી બહાર કાઢવા માગતા હો તો આ લેખ તમારા માટે છે...!

કેન ડુ બેટર (વધુ સારું કરી શકે છે)…

શિક્ષણના વર્ષનો અંત એટલે અસેસમેન્ટ, પરીક્ષાઓ અને રિપોર્ટ કાર્ડ. અને તે લાવે છે –

  • શિક્ષકો માટે ટેન્શન - રિપોર્ટ કાર્ડ સમયસર પૂરાં કરવાનું
  • બાળકો માટે ચિંતા અને બેચેની - કે તેમને કેવા માર્ક્સ મળશે
  • અને વાલીઓ માટે માથાનો દુખાવો - કે તેમનાં બાળકો પરીક્ષામાં સારું કરશે કે નહિ

જૂના જમાનામાં...
એક સમયે એવા રિપોર્ટ કાર્ડ હતા જેમાં આ વાક્ય હંમેશાં લખેલું રહેતું - કેન ડુ બેટર (વધુ સારું કરી શકે છે); અને સાચું કહું તો આ કમેન્ટનો અર્થ કોઈને સમજમાં આવતો નહીં! એક બાળક તરીકે હું પણ હંમેશાં વિચારતી કે કેમ સ્ટુડન્ટ ટીચરને અસેસ કરીને એવું ના લખી શકે - કેન ડુ બેટર! આટલાં બધાં વરસો પછી મને એવું લાગે છે કે જો મને સારી રીતે ગણિત ભણાવવામાં આવ્યું હોત તો કદાચ હું એમાં સારું કરી શકી હોત. ખરું કહું તો આપણે બધા જીવનના કોઈ પણ સ્ટેજે 'કેન ડુ બેટર' (વધુ સારું કરી શકીએ છીએ) એટલે આવી કમેન્ટ કોઈ બહુ મોટું રહસ્ય ઉજાગર નથી કરતી!

હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ
હવે NEP (નેશનલ એજ્યુકેશન પોલિસી) 2020 અને શિક્ષણના નવા સુધારાના લીધે આપણને એક હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ મળશે જે -

  • આપણને બાળકની સ્ટ્રેન્થ (સામર્થ્ય) વિશે ગુણાત્મક ફીડબેક આપશે
  • બાળકની અનેરી ક્ષમતાઓને ઉજાગર કરી તેની ઉજવણી કરશે
  • બાળકને એક જજમેન્ટ આપીને લેબલ નહિ કરે

હું શિક્ષણના ક્ષેત્રમાં ચાલી રહેલા સુધારાની ઘણી કમિટીઓમાં છું, તે કારણસર હું આવા ઘણા પ્રશ્નોનો સામનો કરવાથી ટેવાયેલી છું. જેમ કે, કઈ રીતે પેરેન્ટ્સમાં આ વિશે જાગૃતિ કેળવવી? શું પેરેન્ટ્સ આવા માર્ક્સ વગરના પ્રોગ્રેસ રિપોર્ટને સ્વીકારી શકશે?

હાલની રિપોર્ટ કાર્ડની સિસ્ટમ
હું અહીં આપણી હાલની રિપોર્ટ કાર્ડની સિસ્ટમ વિશે થોડીક ચર્ચા કરીશ. ખાસ કરીને એ - કે કેમ જરૂરી છે કે આપણે તેને બદલી નાખીએ અને આ કઈ રીતે થઇ શકે છે.

હાલની માર્ક્સવાળી રિપોર્ટ કાર્ડની જે સિસ્ટમ છે તે એક નિર્ધારિત સંખ્યાની એવરેજ કામગીરી કાઢવા પર આધારિત છે. એટલે જે પણ નક્કી કરેલ એવરેજ કામગીરી હોય છે તેની સામે બાળકની કામગીરીને તોલવામાં આવે છે. એટલે બીજા શબ્દોમાં કહું તો જો તમારું બાળક અનોખું હોય તો તે આ ફોર્મ્યૂલામાં ફિટ નહિ થાય અને એની સીધી અસર તેના રિપોર્ટ કાર્ડમાં દેખાશે.

નિખાલસ રીતે કહું તો આ એક સરખામણી કરવાની સિસ્ટમ છે, જે બાળકો પર પ્રેશર લાવે છે અને એક બાળકને બીજા બાળક સામે ઊભું કરી દે છે. માર્ક્સ તો આર્મીમાં ચાલતા રેન્કિંગ તંત્ર જેવું છે જે દરેક બાળકને હાયરાર્કી (અધિક્રમ) સિસ્ટમમાં મૂકી દે છે. તે ખૂબ જ મર્યાદિત માપદંડો પર બાળકનું વર્ગીકરણ કરે છે; અને વળી, આ માપદંડો બાળકને કોઈ પણ રીતે જીવનમાં ઉપયોગી પણ નથી થતા! કોઈ પણ ટેસ્ટમાં ૧૦માંથી ૪ મેળવવા તે ફક્ત બાળકને તેનો રેન્ક દર્શાવી શકે છે. આનાથી એ નથી ખબર પડતી કે બાળકે કયાં ક્ષેત્રોમાં પોતાનામાં સુધારો લાવવાની જરૂરિયાત છે. ખરું કહું તો પરીક્ષાઓ તે ફક્ત બાળકની તેને જે કન્ટેન્ટ આપેલું હોય છે તેને યાદ રાખવાની ક્ષમતાને ચકાસે છે. અને ઘણી વખત આ કન્ટેન્ટ જ નકામું અને મર્યાદિત હોય છે. એટલે બાળકો પોતાની શોર્ટ ટર્મ મેમરી વાપરીને તેને ગોખી નાખે છે; અને જેમ પરીક્ષા પતે તેમ આ કન્ટેન્ટ તેમની મેમરીમાંથી ભૂંસાઈ જાય છે.

સાચું કહેજો, તમને તમારી સ્કૂલની ચોપડીનાં ચેપ્ટર (પ્રકરણ)માંથી કેટલાં ચેપ્ટર યાદ છે? અને જ્યારે તમે પાછળ વળીને જુઓ છો તો તમે પ્રાઈમરી અને સેકન્ડરી ધોરણોમાં જે માર્ક્સ મેળવ્યા હતા શું તે આજે કોઈ કામના છે? કોઇએ તમને તે વિશે કંઈ પૂછ્યું જ નથી, હેં ને?

આવી પરીક્ષાઓ જોડે જે બીજો મુદ્દો છે તે એ છે કે આ પરીક્ષાઓ બાળકના પોતાના હુનર અને ગુણોને મહત્તા નથી આપતી. તમે જ કહો ૧૦૦ માર્ક્સમાંથી ૧૦૦ માર્ક્સ લાવવાનો શું ફાયદો જો બાળક અપ્રામાણિક કે નિર્દયી હોય અથવા તેને પોતાના ગુસ્સા પર કાબુ જ ના હોય? સામે બીજી બાજું એવું બાળક છે જેનામાં નેતૃત્વનું કૌશલ્ય છે, જેને બીજા માટે લાગણી છે અને જે નવીન પદ્ધતિથી વિચારીને પ્રોબ્લેમનાં સોલ્યુશન લાવી શકે છે; પણ કમનસીબે તેને તે પ્રશંસા નથી મળતી જેનું તે હકદાર છે, કેમ કે હાલની જે પરીક્ષાની સિસ્ટમ છે તે આ બધા ગુણોને ચકાસી નથી શકતી અને તેનું મૂલ્યાંકન નથી કરી શકતી.

આ રિપોર્ટિંગ સિસ્ટમ બાળકોને ડિસ્ટિંક્શન, ફર્સ્ટ ડિવિઝન, એવરેજ અને બિલો-એવરેજનાં ખાનાંમાં પૂરી દે છે. કેટલાં બધાં બાળકો આજીવન પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. આમાંથી કેટલાંયે બાળકોમાં ક્ષમતા હોય છે કે આગળ જઈને તેઓ સર્વોત્તમ નેતા કે કલાકાર કે રમતજગતના ખેલાડી કે ઇન્વેન્ટર (શોધક) બની શકે. પણ કમનસીબે માર્ક્સની જેલમાં પુરાઇને આ બાળકો એવું માનીને બેસી જાય છે કે તેઓ 'સારાં નથી' એટલે તેઓ એક્સપ્લોર કરવાનું જ બંધ કરી દે છે.

અંતમાં...
એટલે હવે સમય છે કે પેરેન્ટ્સ આ પરીક્ષા અને રિપોર્ટિંગની કોલોનિયલ (વસાહતી) વારસામાં મળેલી સિસ્ટમથી દૂર થવાની જરૂરિયાત વિશે જાગરૂક થાય. અને શિક્ષણ, લર્નિંગ અને અસેસમેન્ટના એવા સર્જનાત્મક માર્ગ તરફ વળે, જેમાં દરેક બાળકના અનોખા ગુણોની પરખ અને પછી તેની ઉજવણી કરવામાં આવે છે.

જો પેરેન્ટ્સ અને શિક્ષકો - એક સોસાયટી તરીકે - બાળકો માટે આ પરિવર્તનને સપોર્ટ કરશે તો ચોક્કસ તેઓ 'કેન ડુ બેટર' (વધુ સારું કરી શકે છે)!

(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)