તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Holi Is The Festival Of Being Dyed In The Love Of Radhakrishna ... In The Tradition Celebrated For 5000 Years In Barsana Even Today Women Beat Men With Sticks !!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્સપ્લોર ઇન્ડિયા:રાધાકૃષ્ણના પ્રેમમાં રંગાઈ જવાનો ઉત્સવ એટલે હોળી; ચાલો, બરસાનાની 5 હજાર વર્ષથી ઉજવાતી ‘લઠમાર હોલી’ માણીએ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આપણો દેશ સમગ્ર વિશ્વમાં એની સાંસ્કૃતિક વિવિધતા અને ઉત્સવોની હારમાળા માટે હંમેશાં જિજ્ઞાસાનું કેન્દ્ર રહેલો છે. રોજબરોજના જીવનમાંથી વિરામ લઈને આનંદ અને ઉલ્લાસ કરવા એ આપણી આગવી ઓળખ છે માનવીના આનંદની અભિવ્યક્તિ અને ઊર્મિસાગરનાં મોતીઓ સમાન આપણા તહેવારો છે. આપણાં ઉત્સવો અને પરંપરા આપણને સમગ્ર વિશ્વમાં એક આગવી ઓળખ આપે છે અને વિશ્વભરમાંથી લોકોને આપણી સંસ્કૃતિ અને ઉત્સવોની વિવિધતા ભારતમાં ખેંચી લાવે છે.

આ સમગ્ર ઉત્સવો અને તહેવારોની હારમાળામાં લોકહૈયાં પર રાજ કરતો, દરેક જાતિ અને સમુદાયના દરેક લોકો હરખઘેલા થઈને જેમાં ઓતપ્રોત થઈને નાચી ઊઠે એ તહેવાર એટલે હોળી. આમ તો દેશનાં અલગ અલગ પ્રાંતમાં આ ઉત્સવને અલગ-અલગ રીતે ઉજવવામાં આવે છે. આપણાં માટે હોળી અને ધૂળેટીનો ઉત્સવ માત્ર બે જ દિવસનો હોય છે. જેમાં આપણે રંગો વડે ધૂળેટી રમીને, ખાઈ-પીને ઉજવણી કરીએ છીએ. પરંતુ ઉત્તરપ્રદેશનાં બરસાના અને વૃંદાવનમાં આ ઉત્સવનો માહોલ કંઈક અલગ જ જોવા મળે છે. આ સિવાય, રાજસ્થાનના પુષ્કરમાં હોળીનો ઉત્સવ મન મૂકીને ઉજવાય છે, જોધપુરમાં પણ આ ઉત્સવને અનોખી રીતે ઉજવવામાં આવે છે. પરંતુ બરસાનામાં એકદમ અલગ જ પરંપરા છે. હોળીનું નામ સાંભળીએ અને બરસાના યાદ ન આવે એ શક્ય જ નથી. બરસાનાની લઠમાર હોળી એ દેશ અને વિદેશના લોકોનું વર્ષોથી આકર્ષણનું કેન્દ્ર રહી છે.

શું છે લઠમાર હોળી અને કઈ રીતે અહીંની હોળી સમગ્ર દેશથી અલગ પડે છે?
શ્રીકૃષ્ણ અને રાધાજીનાં ગામો એવા વૃંદાવન અને બરસાનામાં સતત છ દિવસ સુધી રંગોનો ઉત્સવ ઉજવાય છે અને આ ઉત્સવનાં સાક્ષી બનવા વિશ્વભરમાંથી લોકો આવે છે. શ્રીકૃષ્ણનાં જીવનનાં એક પ્રસંગને આ પરંપરાથી અહીંના લોકો જીવંત રાખે છે. સામાન્ય રીતે શ્રીકૃષ્ણ અને બધી ગોપીઓ વચ્ચે રાસલીલા થતી રહેતી, હોળી વખતે નંદગામથી શ્રીકૃષ્ણ ગોવાળો સાથે રાધાજીનાં ગામ બરસાના રંગોથી રંગવા માટે આવતા અને બરસાનાની ગોપીઓ લાકડી મારીને તેમને હાંકી કાઢતા. ગોવાળો ગોપીઓને છેડવાનાં ભાગરૂપે ગીતો લલકારતા અને ગોપીઓ પણ એનો ઉત્તર ગીતોથી આપતી. ફરી બીજા દિવસે બરસાનાની ગોપીઓ નંદગામ જતી અને આ જ સંવાદ સાથે રંગોની હોળી રમાતી. રાધાકૃષ્ણના વાર્તાલાપોના આધારે બરસાનામાં હોળી ઉજવાય છે અને ત્યારે સાથોસાથ લોકગીત હોરી પણ ગવાય છે. ફાગણ મહિનાની નવમીએ સમગ્ર બ્રજ રાધાકૃષ્ણના પ્રેમમાં રંગાઈ જાય છે. રાધારાણીના જન્મસ્થળ બરસાનાની હોળીને ફાગુ ઉત્સવ અથવા હોરી પણ કહેવામાં આવે છે. આ 5000 વર્ષ જૂની પરંપરાને અહીં એ જ રીતે ઉજવાય છે અને આ રંગબેરંગી માહોલ અહીંની હોળીને વિશ્વભરનો સૌથી મોટો રંગોનો ઉત્સવ બનાવે છે. નંદગામના પુરુષો સજીધજીને અહીં આવે છે, બરસાનાની સ્ત્રીઓ લાકડીઓ લઈને આવે છે અને પુરૂષો ઢાલથી પોતાનો બચાવ કરે છે. દેશનાં એકમાત્ર રાધાજીના મંદિર એવા બરસાનામાં આ ઉત્સવની શરૂઆત થાય છે. આમ, કૃષ્ણના જીવન સાથે જોડાયેલો આ મીઠો ઝઘડો હવે એક પરંપરા બની ગયો, જે લોકોને પરસ્પરના મનદુઃખ ભૂલીને સાથે ખુશીઓ મનાવવાની એક રીત શીખવી જાય છે. બીજા દિવસે નંદગામમાં આ ઉત્સવ હોય છે જ્યારે એના પછીના દિવસે વૃંદાવનમાં ફૂલોની હોળી રમાય છે. એના પછીના દિવસે મથુરામાં હોળી રમાય છે. સૌથી અનોખી અહીં વિધવાઓની હોળી હોય છે. રંગોથી એક સમયે અળગી થનાર સફેદ વસ્ત્રોમાં સજ્જ વિધવાઓને વિવિધ રંગોના ફૂલો વડે કુદરતના સુંવાળા સ્પર્શની હોળીને જોવી એ મનને આનંદિત કરી દે છે. હોળીએ મોજ મસ્તી અને આનંદ ઉલ્લાસનો તહેવાર છે અને કોઈપણ મનુષ્ય એ આનંદથી વંચિત રહી ન જાય એનું ઉત્તમ ઉદાહરણ આ વિધવાઓની હોળી પૂરું પાડે છે.

દર વર્ષે આ ઉત્સવ વસંતપંચમીથી જ શરૂ થઈ જાય છે. સૌથી છેલ્લે બલરામના ગામ એવા હુરંગામાં રંગોની હોળી ઉજવાય છે. આ બધું જ હોળીના તહેવારના 8 દિવસ પહેલાંથી જ શરૂ થઈ જાય છે. આ વર્ષે આ ઉત્સવ 23મી માર્ચથી શરૂ થશે.

પ્રમુખ મંદિરઃ રાધારાણી મંદિર
હોળીના અવસર પર અહીં સુંદર નજારો જોવા મળે છે. હોળીના અવસર પર અહીં રાધારાણીની ઝાંખી નીકળે છે. સાથોસાથ ચોપાઈ પણ નીકળે છે, જે બરસાનાની ગલી ગલીમાં ફરીને રંગોની છોળો ઉડાડે છે અને ગીતો ગાય છે. આ ઉપરાંત, મન મંદિર, શંકરી ખોર, મોર કુરીટ મંદિર, રંગીલા મહેલ, નંદભવન જેવા જોવાલાયક સ્થળો આવેલાં છે.

બરસાના આસપાસ ચાર સરોવર/તળાવ આવેલાં છે. પૂર્વમાં વૃષભાનું કુંડ, ઉત્તર પૂર્વમાં કીર્તિદા કુંડ, દક્ષિણ-પશ્વિમમાં વિહાર કુંડ અને દક્ષિણભાગમાં દોહની કુંડ છે.

શું છે અહીંની અનોખી પરંપરા?
અહીં બરસાના અને નંદગામનાં લોકો વચ્ચે લગ્ન કર્યા વિના જ શ્વસુર - વેવાઈ જેવાં માન સન્માન જળવાય છે. આ બે ગામ વચ્ચે અહીં ક્યારેય એકબીજા સાથે લગ્ન વ્યવહારો થતા નથી. આશરે 5000 વર્ષ જૂની આ પરંપરાને આજની પેઢી શ્રીકૃષ્ણના માનમાં નિભાવતી આવે છે. બરસાનાના જમાઈ માત્ર શ્રીકૃષ્ણ જ હોઈ શકે એના સિવાય એ જગ્યા બીજું કોઈ ન લઈ શકે એવી માન્યતાને લઈને આજે પણ નંદગામને બરસાનાનાં લોકો જમાઈ પક્ષ જેટલું જ માન સન્માન આપે છે અને એ બધા જ સંબંધો નિભાવે છે. રાધા-કૃષ્ણનાં પ્રેમને સન્માન આપીને બરસાનાની દીકરીઓનાં લગ્ન નંદગામમાં ક્યારેય નથી કરતા અને આજે પણ તેઓ શ્રીકૃષ્ણને બરસાનાના જમાઈ અને નંદગામને રાધાનું સાસરું માને છે અને તેઓ નંદગામનું પાણી સુદ્ધાં નથી પીતા. સામે નંદગામના લોકો જ્યારે બરસાના જાય ત્યારે તેઓને ક્યારેય ખાલી હાથે પાછા નથી મોકલતા. વર્ષો જૂની આ પરંપરા હજી પણ સચવાઈ રહી છે.

બરસાના ઉત્સવને માણવો એ ખરેખર જીવનમાં ક્યારેય ન જતી કરી શકાય એવી તક છે. અહીં કેસુડો અને બીજાં ફૂલોથી બનાવેલા રંગોથી હોળી રમાય છે અને સતત આઠ દિવસ સુધી આ ઉત્સવનો માહોલ જામેલો રહે છે. બાંકે બિહારી મંદિરમાં ઠાકોરજીને સફેદ કપડાં પહેરાવીને ભક્તો સાથે હોળી રમવા લઇ આવે છે. અહીં વિવિધ જાતના મિષ્ટાન્ન અને ઠંડાઈનો આનંદ માણી શકાય છે. રહેવા માટે મથુરામાં વ્યવસ્થા મળી રહે છે પણ બરસાના જવા માટે ટેક્સી કરવી હિતાવહ છે કારણ કે, જાહેર વાહનોમાં એ દિવસોમાં જગ્યા મળવી લગભગ અશક્ય હોય છે. એટલે હોળીના વિવિધ રંગો અને સાથે-સાથે ભાતભાતનાં મિષ્ટાન્ન તેમજ ઠંડાઇ અને ગુજીયાને માણવા એ એક અદભુત લહાવો છે. ચારે તરફ પ્રેમના રંગછાંટણાં ઊડી રહ્યા હોય, વાતાવરણમાં આનંદ જ આનંદ હોય છે. આમ, સદીઓથી આ પરંપરા ચાલતી આવે છે અને આપણે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આ હર્ષોલ્લાસનો વારસો રૂપાંતરિત કરતા આવી રહ્યા છીએ અને આગળ પણ કરતા રહીશું. જીવનમાં એકવાર જરૂરથી રાધારાણીના ગામની મુલાકાત લઈને આ પ્રેમ અને રંગોના સૌંદર્યને અચૂકથી માણવું. આવા ઉત્સવો મનને હળવું ફૂલ બનાવી એક નવી જ તાજગી આપે છે.
creativearyans3@gmail.com
(‘આરણ્યક’ તરીકે જાણીતા કૌશિક ઘેલાણી અલગારી રખડપટ્ટી કરીને કુદરતને પોતાના અસ્સલ મિજાજમાં જોતા અને કેમેરામાં કેદ કરતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો