• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Hemant's Corona Report Came Positive But You Have To Be More Positive Than That ... If The Patient And His Relatives Are Positive Then Understand That They Have Lived And Won !!

મારી વાર્તા:હેમંતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો પણ તમારે એનાથી વધારે પોઝિટિવ થવાનું છે... દર્દી અને એનાં સગાં મનથી પોઝિટિવ હોય એટલે જીવી ગયા ને જીતી ગયા સમજો!

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

‘ડોક્ટરસાહેબ, હેમંતને હવે કેવું છે? ગમે એટલા પૈસા થાય, બસ મારા હેમંતને બચાવી લેજો.’ શારદાએ ડો. સાગરને આજે ફરી આજીજી કરી. ડોક્ટરની કેબિન બહાર રહેલા એક બોર્ડ પર ‘જીવસેવા એ શિવસેવા’ વાક્ય લખેલું હતું, જેની બાજુમાં શ્રી રામકૃષ્ણ પરમહંસ, મા શારદામણિ દેવી અને સ્વામી વિવેકાનંદની છબિઓ હતી.

‘શારદા, હિંમત રાખ. આપણા દીકરાને સારું થઈ જ જશે. આ ડોક્ટર સાહેબના હાથમાં જાદુ છે અને દિલમાં દયા એટલે તો આપણે એમની પાસે આવ્યા છીએ. બી પોઝિટિવ.’ જયેશે પત્નીના ખભે મૃદુતાથી હાથ મૂકતાં કહ્યું.

ડો. સાગર એક કુશળ તબીબ ઉપરાંત પ્રામાણિક અને દયાળુ માણસ પણ હતા. નબળી આર્થિક હાલત ધરાવતા લોકોની એ વ્યાજબી ફી લઈને તો ક્યારેક સેવાભાવે વ્યાજબી ભાવ લીધા વિના પણ સારવાર કરતા! શહેરમાં જ નહીં, સમગ્ર રાજ્યમાં એ પ્રખ્યાત. એમનું નામ અને કામ એવું શાનદાર કે અનેક શ્રીમંત પરિવારોના સભ્યો પણ એની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનું પસંદ કરતા. એનું નિદાન સચોટ અને કોઈને ચોટ ન પહોંચે એવા હેતાળ એના શબ્દો, જેની સામે દર્દીની અડધી પીડા તો પહેલાં જ ગાયબ! દર્દી એની ટ્રીટમેન્ટ ને દવા દલીલ કે શંકા કર્યા વિના સ્વીકારતો. ડો. સાગર ધારે તો દર્દીના આ વિશ્વાસનો ગેરલાભ ઉઠાવી, ડરાવી-ભરમાવી લાખો રૂપિયા કમાઈ શકે. પરંતુ એને મન આ લૂંટનો ધંધો નહીં પણ પૂજા હતી. દર્દી અને એના પરિવારને પાયમાલ કરી માલામાલ થઇ જવાનો વિચાર એને સપનામાંય ન આવે. માનવતાનું તોરણ એના હૃદયદ્વારમાં સદા લટકતું, જે કેટલાક લોકોને ખટકતું પણ એ તો..! એની હોસ્પિટલનું નામ પણ કેવું મજાનું? ‘આશાકિરણ હોસ્પિટલ’. દર્દીને અહીં આશાનું કિરણ દેખાતું. નિરાશા ભાગી જતી અને હકારાત્મકતા જાગી જતી.

ડો. સાગર અંગૂઠો ઊંચો કરી નિરાશાને અંગૂઠો બતાવતા હોય એમ કહી રહ્યા, ‘જયેશભાઈ, યે હુઈ ના બાત! શારદાબહેન, જાગૃતિ અને હિંમત રાખો, ડર નહીં. યુ સી, ઘણીવાર માણસને રોગ નહીં, અજ્ઞાન કે એનો ડર મારી નાખે છે. હેમંતનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો પણ તમારે એનાથી વધારે પોઝિટિવ થવાનું છે. દર્દી અને એનાં સગાં મનથી પોઝિટિવ હોય એટલે જીવી ગયા ને જીતી ગયા સમજો. હિંમત ઔર મુસ્કાન મત ખોના, ફિર કોરોના કો પડેગા રોના. મને જુઓ, હું ઘણા દર્દીઓની સારવાર કરું છું. મને કંઈ થાય છે? જાત પર વિશ્વાસ ને દિલમાં માનવતા હોય તો સૌ સારાં વાનાં થાય જ. પૈસા પછી આપજો, પહેલાં મને વચન આપો કે તમે મનથી પોઝિટિવ રહેશો. હસતાં-હસાવતાં રહેશો. મારામાંથી થોડી પ્રેરણા લો.’

‘સાહેબ, થોડી શું કામ? હું તો પૂરી પ્રેરણા લઈશ. મારી પુત્રવધૂનું નામ પ્રેરણા છે.’ શારદા બોલી. સૌ હસી પડ્યા. શારદાની ચિંતા ઘટી. એ હળવીફૂલ. ડોક્ટરની વાત એના હૃદયમાં ઊતરી. એણે વચન આપ્યું.

‘હવે બરાબર શારદાબહેન, ધેટ્સ ધ સ્પિરિટ. હવે જાઓ ઘર તરફ, ડરને કરો બરતરફ.’ ડો. સાગરે સસ્મિત આમ કહી દર્દીઓ માટે હોસ્પિટલમાં રાઉન્ડ લેવા જવાની તૈયારી કરી.

ત્યાં જ જયેશ કહી રહ્યો, ‘સાહેબ, એક મિનિટ. મને ખબર છે કે તમારે દર્દીઓને તપાસવાના છે અને ઘરના માણસોનેય કોરોનાના દર્દીને મળવાની મનાઈ છે, પણ મારે એક સંદેશો મારા દીકરા હેમંતને રૂબરૂ કહેવો છે, જેનાથી હેમંતની હિંમત આળસ મરડી બેઠી થઈ જાય. સ્વજનની હુંફ અને બે મીઠા શબ્દો દર્દી માટે સંજીવનીનું કામ કરે છે. સાહેબ, હું બધા નિયમો પાળીશ. મને માત્ર એક જ મિનિટ એને..’

‘જયેશભાઈ, એ જરા મુશ્કેલ છે પણ કોરોના ભાગે એ પહેલાં કોરોનાની બીક ભાગે એ જરૂરી છે એટલે..! એક કામ કરો, પેલી કોરોનારક્ષક કીટ પહેરી લો અને સાવ નજીક નહીં પણ તમારા દીકરાથી દૂર ઊભા રહીને જે કહેવું હોય એ કહી આવો. પણ માત્ર એક જ મિનિટ હોં! બી ક્વિક.’ ડો. સાગર સૂચના આપે છે, જેનો આભાર માની જયેશ હેમંતના વોર્ડમાં જાય છે.

‘હેમંત બેટા, અરે વાહ! તારી તબિયત તો ઝડપથી સુધરવા લાગી! તારો હસતો ચહેરો જ એમ કહી દે છે. બસ આમ જ હિંમતમાં રહેજે. તું થોડા જ દિવસમાં સાજો થઈ ઘરે આવી જઈશ. હું તારો વાળ પણ વાંકો નહીં થવાં દઉં. મારો વાળ તો વાંકો થવાનો સવાલ જ નથી કારણ કે, મારા માથે તો ટાલ છે!’ આમ કહીને જયેશ હસે છે. હેમંત સહિત ત્યાં રહેલા બીજા બધા પણ મોકળા મને હસી પડે છે.

ત્રણ દિવસ બાદ હેમંત હેમખેમ સાજો થઈ પોતાના ઘરે આવી ગયો. એના પાંચ દિવસ પછી શારદા ફરી પાછી... ‘ડોકટરસાહેબ, ગમે એટલા પૈસા થાય હવે આ સમીરનેય બચાવી લો. એનેય કોરોના..’

ડો. સાગરના ચહેરા પર ગુસ્સો તરી આવ્યો. ‘મેં તમને કહ્યું હતું કે દર્દી ભલે સાજો થઈ ગયો હોય પણ કોરોનાના કેસમાં એને થોડા દિવસ તો એકલો, જુદો જ રાખવાનો હોય, નહીંતર ઘરના બીજા સભ્યોને એનું ઈન્ફેક્શન લાગી શકે. તોય તમે..! તમારા જેવા ભણેલા-ગણેલા માણસો આવી ભૂલ કરે અને હાથે કરીને પોતાનું અને અમારું કામ વધારે? વેરી બેડ. આ ડર ને બેદરકારીને લીધે જ બધી હોસ્પિટલમાં બેડ ફૂલ થઇ જાય છે.’

‘સાહેબ, એવું નથી. હેમંતને તો અમે જુદા ઓરડામાં અને એકલો જ રાખ્યો છે. એ અને અમે બધાં બધા નિયમો પાળીએ છીએ. આ તો..! અને આ સમીરને અમે અહીં અમારી ભેગો નહીં, જુદા વાહનમાં લઈ આવ્યા છીએ. તમારા હાથમાં જશ છે એટલે હું એણે ના પાડી હોવા છતાં એને ધરાર તમારી પાસે લઈ આવી. હવે સમીરનેય સાજો કરી દેજો. એ તો...’

જયેશ કહે, ‘ડોક્ટરસાહેબ, તમે ઉત્તમ સારવાર કરો છો, ‘જીવસેવા’ ટ્રસ્ટ બનાવી નબળા માણસોને ઘણી મદદ કરો છો, એ જોઈને અમનેય તમારા આ યજ્ઞમાં સાથ આપવાનું મન થયું. લો આ રૂપિયા એક લાખનો ચેક. સાહેબ, તમારી બધી વાતો અમે માની, હવે તમારેય અમારી આ વાત માનવી જ પડશે. ભવિષ્યમાં પણ આ માટે મને યાદ કરશો તો મને ગમશે. આ સમીરની સારવારની ફી નથી હો! એ તો હું અલગથી જ આપીશ. આ લાગણી તો પહેલેથી અંદરથી જ ઊગી હતી કે એના માટે..! બીજું, ઓક્સિજનના અભાવે કેટલાય દર્દીઓ હેરાન થયા હોય એવા ઘણા કિસ્સા બન્યા છે એ જોઈ અમે નક્કી કર્યું છે કે અમે કુટુંબીજનો એક હજાર નવાં વૃક્ષો વાવીશું, એનું જતન કરશું અને બીજાઓને પણ આ માટે સમજાવશું.’

‘વાહ જયેશભાઈ, ધન્ય છે તમને. આ હોસ્પિટલની ખુલ્લી જગ્યામાં આમેય ઘણાં વૃક્ષો વાવ્યાં છે. હા, પેલો ખૂણો ખાલી છે. ત્યાં એક છોડ તમારા તરફથી રોપો એવી મારી લાગણી છે. વૃક્ષો જનજનને ઓક્સિજન આપે છે અને બીજું ઘણુંબધું. કુદરત રહેશે તો માણસજાત ટકશે, સ્વસ્થ રહેશે.’ ડો. સાગર લીલુંછમ હસીને બોલ્યા.

સદનસીબે સમીર પણ થોડા દિવસમાં સાજો થઈને ઘરે આવી ગયો. એનો કોરોના રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો એ જોઈ જયેશ સહિત સૌ ખુશ..! શારદાના પરિવારજનો અને ડો.સાગરના જીવનનો રીપોર્ટ પોઝિટિવ..! એ સ્થૂળપણે વંચાતો નહોતો, હૃદયથી અનુભવાતો હતો. રાધાના પરિવારની સ્થિતિ પૈસેટકે સાવ સાધારણ. એની પડોશમાં શારદા-જયેશનો પરિવાર રહેતો હતો. સમીર રાધાનો દીકરો હતો.
(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)