• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • 'Hello, I'm Kusumakar. Suicide Prevention I Am Committing Suicide But You Can't Save Me ... Only Seven Minutes And My Beating Heart Will Stop

મારી વાર્તા:‘હેલ્લો, હું કુસુમાકર, હું આપઘાત કરી રહ્યો છું પણ તમે મને નહીં બચાવી શકો... ઓન્લી સેવન મિનિટ્સ અને મારું ધબકતું હૃદય બંધ થઈ જશે’

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કુસુમાકરે બારીમાંથી નજર ઉપર ઉઠાવી. સૂરજ એને પીળીયાના દર્દી જેવો લાગ્યો. પંખીઓના ટહુકાઓમાં એકાએક કર્કશતા પેસી ગયેલી લાગી. જરા દૂર રહેલા મંદિરની ફડફડતી ધજા બેરંગ દેખાઈ. સૂરજ હવે ઠીક ઠીક ક્ષિતિજ ઉપર આવી લાગ્યો છે. કુસુમાકર હવે કંટાળ્યો. બારી છોડી, એણે ઢીલા પગલે પ્રાતઃકાર્યો પતાવ્યાં. ચા બનાવી બે ઘૂંટ ભર્યા ને સિંકમાં ઢોળી દીધી. 'શિટ, આવી બેસ્વાદ ચા ક્યારેય લાગી નથી.' એ બબડતો વોશરૂમમાં ઘુસ્યો. ફટાફટ શરીર પર પાણી ઢોળ્યું. અડધો પડધો દેહ લૂછ્યો અને તુરંત સિંહના ત્રાડ પાડતાં મોઢાવાળું, લાલ-કાળા રંગનું ટીશર્ટ પહેર્યું અને મોડર્ન ડિઝાઈનવાળી, ભડકીલા કેસરી-લીલા રંગનો પોણિયાબર્મુડો પહેર્યો. સ્લીપર પગમાં નાખી, શેરીના નાકે આવેલા લવલી પાન-હાઉસમાંથી ગુટકા લાવવા ઘરની બહાર નીકળ્યો.

બહાર નીકળતાં એનો વિચાર બદલાયો - શું જરૂર છે માવો મોંમાં ઓરવાની? બધું જ ફાલતુ, ગંદુ-ગોબરું, માથાકૂટિયું. દુનિયા પણ આખી એવી જ. ખાસ તો એની દુનિયા નામ:શેષ થઈ ચૂકી છે. હવે એમાં તલભારેય ના જીવવાનો આનંદ બચ્યો છે ના ઉત્સાહ. બસ, આજનો દિવસ છેલ્લો. બહુ જીવી લીધું. એણે કાલે ખરીદેલા મજબૂત દોરડા ભણી ધારીને જોયું. પણ ભૂખ્યો જઈશ તો ભૂખથી જીવ ભૂત બનીને ભટકતો રહેશે.

એ પાછો ફર્યો. રસોડામાં ગયો. સિર્ફ દો મિનિટવાળું નૂડલ્સનું પેકેટ તોડ્યું. ગેસ પર ઊકળતું પાણી તપેલીની આમન્યા છોડીને બહાર. એ દાઝયો કે જાગ્રત થયો. પેકેટ તોડી તપેલીમાં ઠાલવ્યું. બે ને બદલે પાંચ-છ મિનિટ થઈ. એણે ગેસ બંધ કર્યો. નૂડલ્સ બાઉલમાં ઠાલવી ચમચી હાથવગી કરી. ખુરશીમાં બેઠો. એણે પંખો, દોરડું, ટેબલ પર વારાફરતી નજર કુદાવતા નૂડલ્સ પૂરાં કર્યાં. છેલ્લીવાર ભગવાનનું નામ લેવું - નો, નો, છેલ્લે હરિનામેય છોડ્યું. દુનિયા છોડી રહ્યો છે જ્યાં તો મમ્મી-પપ્પા, બહેન, મિત્રોની બનેલી એની દુનિયા શું આવતા જન્મે આના આ જ સ્વજનો આવી મળવાનાં? રામ જાણે. ઠીક યાદ આવ્યું. એક ચાવી બાજુમાં જાનકીમાસીને આપી આવું. તો લગ્ન પ્રસંગ માણીને ફરી ઘરે આવતાં પપ્પા-મમ્મીને બારણું તોડવાની તકલીફ નહીં. બસ, હવે તૈયાર છે. પણ એ પહેલાં એક ફોન એણે અભાન પણે ધ્રુજતા હાથે નંબર જોડ્યા.

'હેલ્લો, હું કુસુમાકર. આત્મહત્યા નિવારણ સંસ્થાને ખબર પડે કે હું આપઘાત કરી રહ્યો છું, પણ તમે મને નહીં બચાવી શકો. તમારામાં એવું કરવાની તાકાત નથી. ઓન્લી સેવન મિનિટ્સ અને મારું ધબકતું હૃદય બંધ થઈ જવાનું. તમારી હેલ્પ-લાઈન નપુંસક સાબિત થવાની- હં કે.' વાક્ય પૂરું કરી એ વિલનની જેમ હસ્યો.

ફોનમાંથી મીઠો, મૃદુ અવાજ રેલાયો, ‘ઠીક છે. તમે ઈચ્છો એ કરી શકો છો. આખરે જિંદગી તમારી અમાનત છે પણ કારણ તો કહેશોને. હું તમારી હારાકીરી કરવાની ઈચ્છા વચ્ચે બિલકુલ આડી આવવાની નથી. અન્ડરસ્ટેન્ડ?'

'અન્ડરસ્ટૂડ, મેમ. લવ-પ્રેમ અને... 'કુસુમાકર પળવાર અટક્યો, ‘અને ધોખા. સો ટકા ધોખા. એમ આઈ રાઈટ?’

‘રાઈટ, મિસ. હવે એ મને લવ નથી કરતી. એ મારી મોટી નિષ્ફ્ળતા. હવે હું યુવાન નથી. મર્દ નથી. કોઈ યુવતી મને લાઈક કરતી નથી.’

‘બટ યંગમેન, હું તમને પસંદ કરું છું, ખૂબ જ લવ કરું છું. આ પળે તમને ચાહવાનો એકરાર.’

‘વોટ એ જોક. તમે મને નથી ઓળખતાં. મને જોયો જાણ્યો નથી અને સીધી લવની વાત? ફૂ-સ-સ-' કુસુમાકરનું હાસ્ય આર્દ્ર બની ઊભર્યું કે સામે ફોનમાંથી અવાજ અષાઢી વાદળની જેમ ગોરંભાયો.

‘હસો નહીં. હસો નહીં. આઇ'મ શ્યોર. મારા સ્વપ્નમાં આવેલા પુરુષ તમે જ છો. તમારો ઘેઘુર અમિતાભ બચ્ચન જેવો અવાજ ઓળખી ગઈ. લેટ મી સે, ઊંચો દેહ, ઘઉંવર્ણો રંગ, કાળી આંખો, હડપચીમાં ખાડો જાણો છો? સામુદ્રિક શાસ્ત્રમાં ખાડાવાળી હડપચી ધરાવતી વ્યક્તિને નસીબદાર ગણવામાં આવે છે.’

એક ક્ષણ કુસુમાકર રિસીવરને જોતો રહ્યો. બીજી પળે બોલ્યો, 'શું ખબર કેમ યંગ લેડી પણ તમે બોલો છો એ મને ગમે છે. જો કે, મારું વર્ણન તમારી કલ્પના સાથે બહુ ઓછું મળતું આવે છે. બટ હડપચીએ ખાડો? નો. દુર્ભાગ્ય મારા. જુઓને પ્રિયાએ સડેલા ઈંડાની જેમ મને ફેંકી દીધો.’

‘મેન, ખાડો નથી? તો પછી લાખું?’

'નહીં, નહીં.'

‘તલ? ગરદનની જમણી બાજુ. તપાસીને કહો.’

રિસીવર મૂકી કુસુમાકરે અરીસામાં જાતતપાસ આદરી. ઉતાવળે ફોન ઉઠાવી બોલ્યો, 'ડાબી સાઈડ તલ છે. રાઇટમાં નહીં. પણ એનાથી શું મારું નસીબ ધી બેસ્ટ બની જવાનું? તો પ્રિયાએ મને...'

‘અરે, પ્રિયા નહીં તો હું છું ને! વર્ષો નહીં સદીઓથી તમારી રાહ જોઈ રહેલી પ્રિયા. વીતેલી ક્ષણોને ભૂલી જાવ. નવાં સ્વપ્નો, નવી રાહ, નવી આશા સાથે નવી જિંદગી તમારું નામ કુસુમાકર, બરાબર? તમારા નામનો અર્થ વસંત થાય છે. જાણો છો? એની વે, નવી રાહ, નવી ચાહ, નવી પ્રિયા એટલે કે હું. મારી સાથે સ્વપ્નો સજાવો. યુવાની જશે. વૃદ્ધાવસ્થા આવશે. આંગણના ઝૂલા પર બેઠાં બેઠાં આપણે દર વર્ષે આવતી વસંતના વધામણાં કરતાં, સ્નેહ-ગીતોને આલાપીશું. રવિશંકરજીની સિતાર સાંભળતાં કેસૂડાં સમી ખીલેલી વાસંતી સાંજોને સજોડે માણીશું. શાશ્વત સુખનું સરનામું એ પળે મળી જવાનું. મને ખાત્રી છે.'

'પણ મારા સુખનું સરનામું ખોવાઈ ગયું છે. એક પ્રિયા ના મિલી, સારી દુનિયા મિલે તો ક્યા?'

'તમારી વાત સાચી. પ્રિયા બિન જિંદગી કંઈ જિંદગી કહેવાય? સુસાઇડ ઉત્તમ હથિયાર. પણ માતાપિતાનો વિચાર કર્યો?’

‘તમે મારો સમય બગાડો છો. મારે હવે એક્ઝિટ લઈ લેવી જોઈએ.’

‘સાંભળો, સાંભળો, મારું દિલ ન તોડશો. બસ, ફક્ત એકવાર માત્ર એકવાર મળવાની ઈચ્છા છે. પ્લીઝ, ના કહેશો નહીં.’

‘બ્યુટીફૂલ બડી, આઈ થિંક તું-તમે સુંદર જ હશો. હું તમારો સ્વપ્ન પુરુષ છું એને મને મળવાની તમારી તીવ્ર ઈચ્છા છે, રાઈટ? નો પ્રોબ્લેમ. જતાં પહેલાં એક ભલાઈનું કામ કરતો જાઉં. તમારી ઈચ્છા પૂરી કરીશ. બોલો, ક્યાં મળીશું?’

'કુસુમાકરજી, લૉ ગાર્ડનના ગેટની રાઈટ સાઈડ એક ખખડધજ બેન્ચ પર મળીએ. કાલે સાંજે છ વાગ્યે, ગોડ પ્રોમિસ?’

‘પ્રોમિસ. બાય એન્ડ સ્વીટ ડ્રીમ્સ.’

બીજે દિવસે ઓગણીશ વર્ષીય કુસુમાકર લૉ ગાર્ડન પર સમયસર પહોંચી ગયો. જૂના બાંકડા પર તો એક આધેડ વયની સ્ત્રી બેઠી છે. કુસુમાકર ફાટી આંખે એને જોઈ રહ્યો. પ્રૌઢા ઊભી થઈ. ‘લુક, કુસુમાકર. તારા જીવનની જેમ બાગમાંય વસંત મ્હોરી ઊઠી છે. હસીને તને વેલકમ કરી રહી છે. બીજું સત્ય એ છે કે હું તને ચાહું છું. એઝ અ સન. દીકરા રૂપે. પ્રેમનું એ શુદ્ધ, સાત્ત્વિક, વૈશ્વિક રૂપ છે, સમજ્યો દીકરા? મારું નામ ઈવા. ટીચર છું. સરતચૂકથી તારો ફોન આપઘાત નિવારણ સંસ્થાને બદલે મારા નંબર પર લાગી ગયો, પણ પ્રભુ કૃપાએ બાજી સંભાળી લીધી. માય બોય, પ્રેમની નિષ્ફ્ળતા એ તો જીવનનો એક અકસ્માત છે. આખું જીવન નહીં. તારો પરિવાર, જેના વ્હાલથી તું સિંચાયો. એમના અધિકારો તારા પર જમા છે. જે માતૃભૂમિનાં જળ, વાયુ, રજ, અન્ન થકી તું પોષાઈને યુવાન થયો એ જનમભોમનો તારા પર અધિકાર છે. હે કુસુમાકર, થોભી જા વસંત હજુ મ્હોરે છે. વચન આપ. હવે પછી તું ક્યારેય.... તે છતાં તું તારા નિર્ણયમાં અડગ હોય તો લુક - આ પોઇઝન. આપણે બંને સાથે દુનિયાને અલવિદા...'

‘નો, બ્યુટીફૂલ લેડી, તમારા જેવું જ તમારું હૃદય બ્યુટીફૂલ છે અને દુનિયા પણ તમારા જેવી સુંદર છે. થેંક્યુ મેમ, આઈ થિંક, જિંદગી જુઠ્ઠા ઉન્માદો, લાગણીઓ પાછળ ફેંકી દેવા જેવી ચીજ નથી. એ તો અમૂલ્ય છે. મારે જિંદગી પાસેથી કંઈ કેટલુંય મેળવવાનું, પામવાનું, માણવાનું છે. એમાંથી થોડું મારાં સ્વજનો વચ્ચે વહેંચવાનું પણ છે.' બોલતાં કુસુમાકર ટટ્ટાર સીને ગાર્ડનની બહાર નીકળી ઘરની દિશામાં ચાલતો થયો. ઈવાએ ચશ્માં ઉતારી આંખો લૂછી.
(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)