તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેક્નોહોલિક:મંગળ ઉપર ઉડ્યું હેલિકોપ્ટર: રાઈટ બ્રધર્સ સાંભરે રે!

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજથી એકસો અઢાર વર્ષ પહેલા રાઈટ બ્રધર્સે હવા કરતાં વધુ વજનદાર હોય એવી કોઈ વસ્તુને ફક્ત બાર સેકંડ માટે હવામાં અદ્ધર રાખી હતી. એક અઠવાડિયાં પહેલાં મંગળ ગ્રહ ઉપર એક હેલિકોપ્ટર પણ થોડી મિનિટો માટે હવામાં તરતું રહ્યું અને મંગળ ગ્રહની તસવીરો લીધી. આ બંને લેન્ડમાર્ક જેવી ઘટનાઓ વચ્ચે સામ્ય એ હતું કે મંગળ ગ્રહ પર ઉડનારા ઇન્જેન્યુઈટી કોપ્ટરમાં રાઈટ બ્રધર્સના વિમાનનો એક નાનકડો ભાગ પણ હતો. પરંતુ આ બંને ઘટના વચ્ચે પણ એક મહત્ત્વની ઘટના આજથી પાંત્રીસ વર્ષ પહેલાં બની ગઈ હતી, જેને ઈતિહાસકારોએ બહુ મહત્ત્વ આપ્યું નથી અને કદાચ એટલે જ વિજ્ઞાનના શોખીનોના ધ્યાનમાં તે ઘટના આવી નથી.

વર્ષ 1985ના સમયની વાત છે. સૂર્યમંડળમાં સૌથી વધુ તાપમાન ધરાવતો કોઈ ગ્રહ હોય તો તે સૂર્યની સૌથી નજીકનો બુધ નહીં પણ તેના પછીનો શુક્ર છે. શુક્ર એટલે લાવાથી ધગધગતો ગ્રહ. શુક્રને નર્કાગાર જ કહેવું પડે. (તો પછી જયારે એવું કહેવાય છે કે મેન આર ફ્રોમ માર્સ એન્ડ વીમેન આર ફ્રોમ વિનસ, તો સ્ત્રીઓએ તેની સામે વાંધો ન ઉઠાવવો જોઈએ શું? LOL.) શુક્રનો લગભગ આખો ગ્રહ ધગધગતા જ્વાળામુખીઓથી ભરાયેલો છે. ત્યાંનું તાપમાન ત્રણસો-ચારસો ડીગ્રી રહે છે. આવા પ્રલયકારી વાતાવરણમાં સોવિયેત રશિયાએ તેમના વેગા-વન નામનું બલૂનનું સફળતા પૂર્વક ઉતરાણ કર્યું હતું અને શુક્ર ગ્રહનો કિંમતી ડેટા મેળવ્યો હતો. પૃથ્વી સિવાય કોઈ બીજા ગ્રહ ઉપર ફ્લાઈટ થઇ હોય એવું તે પહેલું ઉદાહરણ હતું. તેના આટલા વર્ષો પછી અમેરીકા મંગળ ગ્રહ ઉપર એ સિદ્ધિ હાંસિલ કરી શક્યું. (આના પરથી એ સાબિત થાય છે રશિયનો કોરોનાની વેક્સિન પણ પહેલી બનાવી નાખે છે અને અવકાશમાં પણ ડંકો વગાડી દે છે. અમેરીકા હંમેશાં પાછળ રહ્યું છે તે હકીકત છે.)

હવે આપણે ઇંજેન્યુનીટીની અભૂતપૂર્વ ઘટના રાત ગ્રહ ઉપર બની તે જોઈએ. ટેક્નોલોજીની દૃષ્ટિએ તે એક લેન્ડમાર્ક સાબિત થઇ છે. અત્યારે જયારે જીવનથી ધબકતું આપણું ઘર યાને કી પૃથ્વી ગ્રહ એ તેના પર વસતા માનવોનું જીવન કોરોનાના કહેરથી બચાવવા સામે ઝઝૂમી રહી છે ત્યારે જ્યાં જીવન હોવાની સંભાવના હોવાની શક્યતા છે એ લાલ ગ્રહ મંગળ પર અવનવી ઘટના બની.

મંગળ પર પહેલેથી પ્રભાવશાળી બાયોડેટા ધરાવનાર 1.8 કિલોગ્રામ વજન ધરાવનાર મિનિ ચોપર એટલે કે હેલિકોપ્ટર 'ઇંજેનુંઈનિટી' એ 25 એપ્રિલે મંગળ ગ્રહ પર ત્રીજી ઉડાન ભરી અને આ ત્રીજી ઉડાન વધુ ઝડપી અને દૂર સુધી હતી, જેણે મિશન મંગળ ગ્રહ માટે ઘણી બધી સંભાવનાના દરવાજા ખોલી દીધા. ચંદ્ર પર માનવીએ પ્રથમ પગ મુક્યો અને આ નાનકડાં હેલિકોપ્ટર ઇંજેનુંઈનિટીએ મંગળ ગ્રહ ઉપર આજે ત્રીજી પ્રભાવશાળી ઉડાન ભરી ત્યાં સુધી દુનિયા ઘણી બદલાઈ ચૂકી છે.

અત્યારે જીવન ધરાવનાર એકમાત્ર સંભવિત ગ્રહ પૃથ્વી જયારે કોરોનાના કહેર સામે લડી રહી છે ત્યારે મંગળ પર ચોપર ઇંજેનુંઈનિટીની નાનકડી ઉડાન ઘણી આશાઓ અને શક્યતાઓ લઇને આવે છે. તો આ નવી સંભાવનાઓ અને શક્યતાઓ લઇને આવનાર નાનકડું ચોપર ઇંજેનુંઈનિટી છે શું? ઇંજેનુંઈનિટી એ નાનકડું રોબોટિક હેલિકોપ્ટર છે, જે 18 ફેબ્રુઆરી, 2021થી મંગળ ગ્રહ પર સ્થિત છે. આટલું જ નહીં, પણ પૃથ્વી બહારના વાતાવરણમાં એટલે કે મંગળ ગ્રહ ઉપરની પ્રથમ ફ્લાઇટ છે જેણે વાતાવરણીય લિફ્ટનો ઉપયોગ રાઈટ બ્રધર્સ ફિલ્ડ પરથી 19 એપ્રિલ 2021ના રોજ વર્ટિકલ લેન્ડિંગ અને ટેકઓફ કર્યું.

નાસાના મિશન મંગળ 2020નો એક ભાગ ઇંજેન્યુનીટી મંગળ ગ્રહના અલગ-અલગ વિભાગો ફેંદશે અને મંગળ રોવર્સના ભવિષ્યના રૂટ્સ માટેનો નક્શો બનાવવાની સગવડને ટેકો આપશે. ઇંજેન્યૂઇટી હેલીકોપટર જયારે મંગળ ગ્રહ ઉપર લેન્ડ થયું ત્યારે તે પારસીવરન્સ નામના રોવરની નીચેની બાજુ જોડાયેલું હતું અને મંગળ ગ્રહ પર એ પારસીવરન્સ રોવરે જયારે જેઝરો નામનો મોટો ખાડો જે ઓક્ટાવિયા ઈ. બટલર નામની સાઈટ પર આવેલો છે (મંગળ ગ્રહ ઉપરની એક સાઈટ) ત્યાં લેન્ડિંગ કર્યું ત્યારપછી 60 દિવસે તૈનાત કરાયું અને એ દિવસ હતો એપ્રિલ 3, 2021!

આમ મંગળ ગ્રહ પર ઉડાન શક્ય છે કે નહીં એની સંભાવના ચકાસવા ઉતારેલું નાનકડું હેલિકોપ્ટર ઇંજેનુંઈનિટી એના મંગળ પરના 30 દિવસના નિવાસ દરમિયાન લગભગ પાંચેક વખત નાની-નાની ઉડાન ભરશે એવી સંભાવના છે. દરેક ફ્લાઇટ ગ્રાઉન્ડથી ઉપર લગભગ ત્રણથી પાંચ મીટરની ઊંચાઈએ એ નેવું સેકન્ડ માટે ઉડશે એવી સંભાવના છે. આ નાનકડાં હેલિકોપ્ટરની દરેક ઉડ્ડયનની ચકાસણી જેટ પ્રોપ્યુલસન લેબોરેટરી (JPL) દ્વારા કરવામાં આવશે અને દરેક સફળ લેન્ડિંગ પછી આ હેલિકોપ્ટર એના પિતામહ સમાન પારસીવરન્સ રોવર સાથે સંવાદ સાધશે. આ હેલિકોપ્ટર નાસાના ભવિષ્યના મંગળ ઉપરના ઉડ્ડયનોની સંભાવના તૈયાર કરવા માટે ખૂબ અગત્યનું છે.

આ આખી ગૌરવશાળી ઘટનામાં વધુ ગૌરવ લેવાનું મન થાય એવી વાત એ છે કે આ આખો પ્રોજેક્ટ નાસા સ્થિત મહિલા ઈજનેર મિમિ ઓન્ગની આગેવાની હેઠળ JPL લેબોરેટરીમાં તૈયાર થયો. બીજી એક મજાની વાત એ છે કે, ઇંજેનુંઈનિટી પોતાની સાથે વર્ષ 1903 દરમિયાનની રાઈટ બ્રધર્સના વિમાન રાઈટ ફ્લાયર જે માનવ જાતિનું સૌપ્રથમ ઉડ્ડયન હતું એની પાંખ પરનું કપડું પોતાની સાથે મંગળ પર લઇ ગયું હતું અને યોગ્ય રીતે જ એની ટેક ઓફ અને લેન્ડિંગ ફ્લાઈટના સ્થળને રાઈટ બ્રધર્સ ફિલ્ડ એવું નામ આપવામાં આવ્યું છે.

આમ વર્ષ 1903માં રાઈટ બ્રધર્સ એ આપણી આ પૃથ્વી પરથી થોડી સેકંડો માટે કરેલું ઉડાણ અને મંગળ ગ્રહ પર 2021 પર ઇંજેન્યુનિટીએ કરેલા થોડી સેકંડો માટેનું ઉડાણ એ માનવજાતિ માટે ઘણી શક્યતાઓની ઉડાણ ભરી આપે છે...!! મંગળ ગ્રહ ઉપર કાયમ વસવાટ કરવા માટે આપણામાંથી કેટલા રેડી છે?
mindequity@gmail.com
(લેખિકા સિલિકોન વેલી, અમેરિકા સ્થિત એક મલ્ટિનેશનલ ટેક. કંપનીમાં કાર્યરત છે અને ટેક્નો-ઇન્થ્યૂસિએસ્ટ છે)