મનન કી બાત:શું તમે નવી સદીનો સુપરમેન 'ઊબરમેન્શ' જોયો? ત્રણ સ્ટેપ ફોલો કરો અને તમે પણ બની જાઓ પાવરફુલ પર્સન!

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જો તમને દૂર દૂર સુધી પણ ફિલોસોફીમાં રસ પડતો હોય તો તમે નિટ્ઝેનું નામ સાંભળ્યું જ હશે. નિટ્ઝે એક એવા ફિલોસોફર હતા કે જેમણે માનવતાના અને એ સમયે ઈસાઈ પરંપરાનાં મૂળ તત્ત્વોને ચેલેન્જ કરીને હલાવી નાખ્યાં હતાં. નિટ્ઝે જર્મનીના એક સામાન્ય ઘરમાં એક સામાન્ય પરિવારમાં જન્મેલ વ્યક્તિ હતા. બાળપણથી તેમણે પોતાના પિતાને ચર્ચના પાદરી તરીકે કામ કરી અને ઈશ્વરમાં સખત શ્રદ્ધા રાખતા જોયા હતા. પરંતુ નાની ઉંમરે ઈશ્વરમાં આટલો વિશ્વાસ રાખનાર પોતાના પિતાના મૃત્યુ અને પછી પોતાના ભાઈનું મૃત્યુ જોઈએ નિટ્ઝેને ઈશ્વર માટે એક જાતનો ગુસ્સો મનમાં બેસી ગયો. તેમણે લોકોને એ જ સમજાવવાનું શરૂ કર્યું કે ઇશ્વર જેવું કંઈ છે જ નહીં. જો આપણે સાચા અર્થમાં સારી જિંદગી જીવવી હોય તો એના માટે એક જ રસ્તો છે કે ઈશ્વરના કન્સેપ્ટને જ નકારી દેવો.

'ઈશ્વર મરી ચૂક્યા છે. ઈશ્વર મૃત અવસ્થામાં જ રહેશે. ઈશ્વરને આપણે મારી નાખ્યા છે અને આ સૌથી સારું કામ કર્યું છે. હવેની આપણા પછીની પેઢીઓ ઈશ્વર પછીનું અને એના કરતાં મોટું કામ કરશે. જગતના ઇતિહાસમાં હવેની પેઢીઓ આપણી પેઢી કરતાં ઊંચું અને મોટું કામ કરશે.'

નિટ્ઝેનું આ વાક્ય તમે ચોક્કસ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે. એમના લખેલા આ વાક્યે દુનિયાભરમાં હલ્લો મચાવી નાખ્યો હતો પણ જ્યારે પણ કોઈ ફિલોસોફર અથવા ધાર્મિક વ્યક્તિ ભગવાનને નકારે છે તો ત્યારે લોકોને પૂજવા માટે કંઇક ને કંઇક આપવાની જગ્યા ખાલી પડતી હોય છે. મોટાભાગના ફિલોસોફર આવા ટાઈમે લોકોને પોતાની પૂજા કરવા માટે મજબૂર કરતા હોય છે. ડર, ખુશી, સેક્સ, આનંદ આ કોઈપણ રસ્તો લઈ અને પોતાની પૂજા કરાવવાનો પ્રયત્ન કરતા લોકો ઇતિહાસે ખૂબ જોયા છે. પરંતુ નિટ્ઝેએ કંઈક નવું કર્યું. એમણે એક નવો કન્સેપ્ટ આપ્યો ‘ઊબરમેન્શ’ (Ubermensch) એટલે કે સુપરમેનનો.

ઊબરમેન્શ નવી સદીનો સુપરમેન છે. આપણે એવી કલ્પના કરી શકીએ કે જે શારીરિક કળા અને તાકાત સુપરમેન પાસે છે એ જ લેવલની માનસિક તાકાત ઊબરમેન્શ પાસે છે. ઊબરમેન્શ બનવાનાં ત્રણ સ્ટેપ અથવા સ્ટેજ હોય છેઃ

1. ઊંટ બનવાનું સ્ટેજ: આ સ્ટેજમાં કોઈપણ વ્યક્તિ ઊંટના જે બધા સારા ગુણો છે એ અપનાવવાનો પ્રયત્ન કરે છે. એક ઊંટ કેટલી પણ ગરમીમાં રણમાં પણ એક સાથે 100થી પણ વધુ કિલોમીટર ચાલી અને પોતાનું કામ પૂરું કરવાની કળા ધરાવે છે. ઊંટ પોતાને કહેવામાં આવેલા નિયમોની વિરુદ્ધ જવા વિશે વિચારતું પણ નથી. એ બસ પોતાનું કામ સખત ગરમીમાં પણ કર્યા કરે છે. ઊબરમેન્શ બનવાના પહેલા સ્ટેજમાં વ્યક્તિ આ ગુણો સ્વીકારે છે.

2. વાઘ બનવાનું સ્ટેજ: આ સ્ટેજમાં વ્યક્તિ સમાજ અને ધર્મ દ્વારા પ્રસ્થાપિત નિયમો સામે એકલા હાથે લડવા માટે તૈયાર થતી હોય છે. સમાજ અને ધર્મ જે પણ વ્યક્તિને સારી વ્યક્તિ અથવા ખરાબ વ્યક્તિ કહે છે એ પરિભાષાઓમાં વાઘવાળું વ્યક્તિત્વ વિશ્વાસ નથી રાખતું. વાઘવાળું વ્યક્તિત્વ પોતે નક્કી કરે છે કે સાચું શું છે અને ખોટું શું છે. વાઘવાળું વ્યક્તિત્વ પોતે કહે છે કે હું જે માનું છું એ જ સાચું છે.

3. બાળક બનવાનું સ્ટેજ: આ સ્ટેજમાં વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરી અને પછી બાળકની નિર્દોષતા માફક નવી શરૂઆત કરવાનો પ્રયત્ન કરતું હોય છે. માત્ર વિરોધ કરી દેવાથી અથવા સમાજના નિયમોનું પાલન ન કરવાથી કોઈ વ્યક્તિ ઊબરમેન્શ નથી બની જતું. ઊબરમેન્શ બનવા માટે એક વ્યક્તિએ સમાજને નવા સારા નિયમો અને નવી સારી પ્રથાઓ પૂરી પાડવી પડતી હોય છે.

ઊબરમેન્શની બનવાની પ્રક્રિયા તો આપણે સમજી. પરંતુ ઊબરમેન્શનાં અમુક કેરેક્ટર આવાં હોય છે:

  • ઊબરમેન્શ ઘણા લોકોને સ્વાર્થી પણ લાગતા હોય છે. લોકોને એવો આભાસ થતો હોય છે કે આ વ્યક્તિ પોતાનું જ વિચારે છે અને સૌથી વધારે પ્રાધાન્ય પોતાના વિચારોને અને પોતાના જીવનને આપે છે.
  • ઊબરમેન્શના જીવનનું ધ્યેય અત્યંત વધારે પૈસા કમાઈ લેવાનું નથી હોતું. એના જીવનના ધ્યેયમાં માનવતાને કેવી રીતે બદલી કાઢવી અને એક નવી પદ્ધતિ કઈ રીતે પ્રસ્થાપિત કરવી એનાથી મોટું કોઈ બીજું ધ્યેય નથી હોતું.
  • ઊબરમેન્શ બીજા લોકોની સફળતાને પોતાની જાતને જરા પણ નાની મહેસૂસ કર્યા વગર બચાવી શકવાની ક્ષમતા ધરાવે છે.
  • ઊબરમેન્શને બહુ સારી રીતે ખ્યાલ હોય છે કે જીવનમાં કોઇપણ મોટી વસ્તુ મેળવવા માટે તકલીફમાંથી પસાર થવું પડશે જ અને પડશે જ. અને એક વસ્તુ સ્વીકૃત છે કે સફળતા સહેલાઈથી નહીં મળે.
  • ઊબરમેન્શ સમાજને સમજવા ખૂબ અઘરા પડશે અને એટલે એમને પોતાને જ ખ્યાલ હોય છે કે હું મોટાભાગે જીવન એકલા જ વ્યતીત કરીશ.
  • તેમને પોતાની જાત અને પોતાની સફળતા ખૂબ વહાલી હશે.
  • સમાજમાં પ્રસ્થાપિત સેક્સ માટેના નિયમોની એ ચોક્કસ વિરુદ્ધમાં હશે.
  • સમાજમાં લાગુ પડતા કોઇપણ વસ્તુના નિયમો એ તોડ્યા વિના નહીં રહે.

મનઃ ઊબરમેન્શ વિશે આ બધું વાંચ્યા બાદ આપણા સમાજમાં અથવા આપણી લોકકથાઓમાં કઈ વ્યક્તિ અથવા કયા ભગવાન તમને ઊબરમેન્શ આ કોન્સેપ્ટથી સૌથી નજીક લાગે છે?

mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)