તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિન્જ વૉચ:તમે કોઈ ગુજરાતી સાઇલન્ટ ફિલ્મ જોઈ છે? પહેલી બોલતી ભારતીય ફિલ્મ ક્યાં ગઈ?

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

પિકનિકમાં જતા હોઇએ એ રીતે ફિલ્મો જોવાનો પ્લાન બનાવવો, પોપકોર્ન-સમોસા-પિત્ઝા-કોલ્ડ ડ્રિંક્સ વગેરેનો સરંજામ લઇને સીટ પર બેસવું, સબડકા લેતાં લેતાં ફિલ્મો જોવી, વચ્ચે વચ્ચે વાતો કરવી- ફોન ઉપાડવા... ઇન્ટરવલમાં એકી-પાણી પતાવીને ફરી પાછો એ જ ક્રમ રિપીટ કરવો. (કોરોનાકાળ ન હોય તો) ફિલ્મો આપણા માટે આ ટાઇપના ટાઇમપાસ મનોરંજનથી વિશેષ ખાસ કશું રહ્યું જ નથી. પરંતુ ફિલ્મ પૂરી થાય, ‘ધ એન્ડ’નું પાટિયું કે ‘નંબરિયાં’ પડવા માંડે એટલે કચરો ખંખેરીને આપણે મલ્ટિપ્લેક્સમાંથી ઘર (કે રેસ્ટોરાં) તરફ પ્રયાણ કરી જઇએ, એ પછી તે ફિલ્મો વિશે ખાસ કશું વિચારતા નથી. અત્યારના ડિજિટલ જમાનામાં, જ્યાં ફિલ્મો યુટ્યુબ, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ આણિ OTT પ્લેટફોર્મ્સ પર લિટરલી ક્લિકવગી (કે ‘ટચવગી’) હોય, ત્યાં કોઇને ફિલ્મો લુપ્ત થઈ જવાનો કે તેને પ્રિઝર્વ કરવાનો વિચાર તો ક્યાંથી આવે? પરંતુ રિયાલિટી શું છે?

કોઈ ગુજરાતી સાઇલન્ટ ફિલ્મ જોઇ છે ક્યારેય?
આપણે ભલે વિશ્વની સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોવાનું ગૌરવ લેતા હોઇએ, પરંતુ ફિલ્મો અને તેને એક વારસો ગણીને સાચવવાની બાબતમાં આપણે જેની શોધ કરી હોવાનું ગૌરવ લઇએ છીએ તેવા શૂન્ય છીએ. ભારતની પહેલી બોલતી ફિલ્મ ‘આલમ આરા’ (1931) આપણે કાયમ માટે ગુમાવી ચૂક્યા છીએ. તેની કોઈ કોપી અસ્તિત્વ ધરાવતી નથી. દાદાસાહેબ ફાળકેએ 1913માં બનાવેલી ભારતની પહેલી ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ ભારે પ્રયાસો પછી અનેક ટુકડાઓ જોડીને રિસ્ટોર કરી શકાઈ છે, છતાં તેમાં ઘણે ઠેકાણે ખૂટતી કડીઓ જોડી શકાઈ નથી. 1950ના દાયકા સુધીમાં બનેલી ફિલ્મોમાંથી 70 ટકાથી વધુ ફિલ્મો આપણે કાયમ માટે ગુમાવી ચૂક્યા છીએ. ફિલ્મ ઇતિહાસનાં પુસ્તકોમાં દર્જ થયેલું છે કે 1913થી દેશમાં બોલતી ફિલ્મોનો યુગ શરૂ થયો એટલે કે 1931 સુધીમાં દેશમાં એટલિસ્ટ 20 ફિલ્મ કંપનીઓ અને સ્ટુડિયોઝ ગુજરાતીઓની માલિકીના હતા અને ચાલીસ જેટલા અગ્રણી ગુજરાતી ફિલ્મમેકરો સેંકડો સાઇલન્ટ ફિલ્મો બનાવી ચૂક્યા હતા. અત્યારે એમાંની એક પણ ગુજરાતી મેકરની સાઇલન્ટ ફિલ્મ અસ્તિત્વમાં હોવાનું જાણમાં નથી. ફિલ્મ રિસ્ટોરેશનમાં લાગેલા જૂજ મરજીવાઓ આખા દેશમાં ફરી ફરીને ક્યાંક કોઈ ખૂણે ધૂળ ખાતી આવી ફિલ્મોની પ્રિન્ટ શોધતા રહે છે.

આપણે ત્યાં ફિલ્મોની સાચવણીની સ્થિતિ શું છે તેનો ખ્યાલ એ વાત પરથી જ આવી જાય કે દિગ્ગજ ફિલ્મમેકર-એક્ટર ગુરુદત્તની 1953માં આવેલી ફિલ્મ ‘ભરોસા’ની ઓરિજિનલ કેમેરા નેગેટિવ પ્રિન્ટ ગોરેગાંવના એક ભંગારવાળા પાસેથી મળી આવી હતી. ત્યાંથી જ દેશની પહેલી કોંકણી ફિલ્મ ‘મોગાચો ઔંડો’ની પ્રિન્ટ પણ મળી આવી હતી. 1950માં રિલીઝ થયેલી તે પહેલી કોંકણી ફિલ્મ પોર્ટુગીઝ યુગમાં બની હતી.

ફિલ્મોને પણ સાચવવી પડે?
કોઈ દાંત ખોતરતાં ખોતરતાં એવી કમેન્ટ કરી શકે કે, ‘જૂની ફિલ્મો ગઈ તો ગઈ, એમાં આટલું પિષ્ટપેષણ શીદને કરવાનું? આમેય ફિલ્મો મનોરંજન માટે જોઈને ભૂલી જવાની હોય, રાઇટ? રોંગ. ફિલ્મો એ માત્ર મનોરંજનનું માધ્યમ નથી. બલકે તે હાલતો ચાલતો ઐતિહાસિક દસ્તાવેજ છે. તેમાં જે તે સમયની દેશ-દુનિયાની સ્થિતિ, ત્યારની રહેણી કરણી, પહેરવેશ અને બીજી અનેક બાબતો કાયમ માટે અંકિત થયેલી હોય છે. માણસ માટે હજુ ટાઇમ ટ્રાવેલ તો શક્ય બન્યું નથી, પરંતુ એ ફિલ્મો વર્ચ્યુઅલી આપણને એ તક પૂરી પાડે છે. પ્લસ, દેશના દિગ્ગજ અને મોસ્ટ ટેલેન્ટેડ લોકોએ મળીને કળાના સંગમ જેવી ફિલ્મકૃતિઓ સાચવી રાખવાની આપણી સહિયારી ફરજ પણ છે. દરિયાપારના દેશોમાં તો કેવી સંસ્થાઓ અને દિગ્ગજો ફિલ્મ પ્રિઝર્વેશનના કામમાં લાગેલાં છે તેની વાતો કરવા માટે તો અલગ આર્ટિકલ કરવો પડે. માત્ર ઉલ્લેખ ખાતર કહીએ તો અમેરિકામાં ‘વર્લ્ડ સિનેમા પ્રોજેક્ટ’ ચાલે છે, જેની સ્થાપના ધરખમ ફિલ્મમેકર માર્ટિન સ્કોર્સેસીએ અન્ય સર્જકો સ્ટિવન સ્પીલબર્ગ, સ્ટેનલી કુબરિક, જ્યોર્જ લુકાસ અને ક્લિન્ટ ઇસ્ટવૂડે મળીને કરેલી (ઋત્વિક ઘટકની ‘મેઘે ઢાકા તારા’ અને ‘સુવર્ણરેખા’ તથા ઉદય શંકરની ‘કલ્પના’ આ સંસ્થાએ જ રિસ્ટોર કરેલી). એટલે જ યુટ્યુબ જેવાં પ્લેટફોર્મ્સ પર એકથી એક ચડિયાતી વિદેશી સાઇલન્ટ ફિલ્મો હાજર છે, જ્યારે ભારતીય સાઇલન્ટ ફિલ્મોનો આખો યુગ શોધ્યોય જડતો નથી.

‘નેશનલ ફિલ્મ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા’ (NFAI)ના સ્થાપક પી. કે. નાયર પરની ડોક્યુમેન્ટરી ‘સેલ્યુલોઇડ મેન’ કોઇપણ સિનેરસિક માટે મસ્ટ વૉચ છે
‘નેશનલ ફિલ્મ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા’ (NFAI)ના સ્થાપક પી. કે. નાયર પરની ડોક્યુમેન્ટરી ‘સેલ્યુલોઇડ મેન’ કોઇપણ સિનેરસિક માટે મસ્ટ વૉચ છે

ભારતીય ફિલ્મ પ્રિઝર્વેશનના પિતામહઃ પી. કે. નાયર
ભારતમાં ફિલ્મ પ્રિઝર્વેશનનું નામ લઇએ એટલે તેના પાયાના પથ્થર એવા જનાબ પી. કે. નાયરની વાત કર્યા વિના ચાલે જ નહીં. 1964માં ફિલ્મ પ્રિઝર્વેશન માટેની દેશની પાયોનિયર સંસ્થા ‘નેશનલ ફિલ્મ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા’ (NFAI), પુણેની સ્થાપના કરનારા પી. કે. નાયરે એકલે હાથે 12 હજારથી વધુ ફિલ્મો પ્રિઝર્વ કરી હતી, જેમાંથી 8 હજાર તો ભારતીય ફિલ્મો હતી. જો નાયરસાહેબ ન હોત તો ‘દાદાસાહેબ ફાળકે ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતામહ છે’ એવી કોઇને ખબર સુધ્ધાં ન પડી હોત. કેમકે એમણે જ ‘રાજા હરિશ્ચંદ્ર’ની પ્રિન્ટ્સ મેળવીને રિસ્ટોર કરી હતી.

ભારતીય સિનેમાના વારસાને જીવંત રાખવામાં પી. કે. નાયરનું પ્રદાન કેવું જંગી છે તે જાણવા માટે તેમના પર શિવેન્દ્ર સિંહ ડુંગરપુરે બનાવેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘સેલ્યુલોઇડ મેન’ જોવી જોઇએ. તે ફિલ્મમાં ગુલઝાર, જયા બચ્ચન, શ્યામ બેનેગલ, બાસુ ચૅટર્જી, દિલીપ કુમાર, સઈદ મિર્ઝા, કમલ હાસન, અદૂર ગોપાલકૃષ્ણન્, વિધુ વિનોદ ચોપરા, રાજકુમાર હિરાણી… ઇવન યશ ચોપરા, મહેશ ભટ્ટ… સરીખી હસ્તીઓ નાયર સાહેબ વિશે જે વાતો કરે છે, એના પરથી તેમના પ્રદાનના વ્યાપ વિશે ખબર પડે. પી. કે. નાયરના પ્રયાસોથી જ દાદાસાહેબ ફાળકેની ફિલ્મો, તથા ભારતીય ફિલ્મ ઉદ્યોગના ઉષાકાળમાં પાંગરેલી ન્યૂ થિયેટર્સ, બોમ્બે ટોકિઝ, મિનર્વા મુવીટોન, વાડિયા મુવીટોન, જેમિની સ્ટુડિયોઝ, AVM પ્રોડક્શન્સ વગેરેની અઢળક ફિલ્મો સચવાઈ શકી. જ્યારે ફિલ્મો જોવા માટે સિનેમાઘર સિવાય કોઈ વિકલ્પ નહોતો ત્યારના સમયમાં વર્લ્ડ સિનેમાના ધુરંધર સર્જકો જેવા કે ઇંગમાર બર્ગમેન, અકીરા કુરોસાવા, વિટ્ટોરિયો દ સિકા, ફ્રેડરિકો ફેલિની અને ભારતના સત્યજિત રાય, ઋત્વિક ઘટક, મૃણાલ સેન, વી. શાંતારામ, ગુરુદત્ત, રાજ કપૂર વગેરેની ફિલ્મો પ્રિઝર્વ થઈ શકી. ફિલ્મો ઉપરાંત તેનાં ઓરિજિનલ પોસ્ટર, લોબી કાર્ડ વગેરે પણ તેમણે પ્રિઝર્વ કર્યાં. 2016ની 4 માર્ચે 82 વર્ષની વયે પી. કે. નાયરનું અવસાન થયું હતું.

પી. કે. નાયરે NFAIમાંથી નિવૃત્તિ લીધી તે પછી બાબુશાહીની ચુંગાલમાં આવી પડેલી તે સંસ્થામાં 31 હજારથી વધુ બેશકીમતી ફિલ્મોની દુર્લભ પ્રિન્ટ્સ નષ્ટ થઈ ગયાનો સ્ફોટક ખુલાસો CAGના રિપોર્ટમાં થયો હતો.

ફિલ્મ પ્રિઝર્વેશન અને રિસ્ટોરેશન માટે ફિલ્મમેકર શિવેન્દ્ર સિંહ ડુંગરપુરે ‘ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન’ નામની સંસ્થા સ્થાપી છે
ફિલ્મ પ્રિઝર્વેશન અને રિસ્ટોરેશન માટે ફિલ્મમેકર શિવેન્દ્ર સિંહ ડુંગરપુરે ‘ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન’ નામની સંસ્થા સ્થાપી છે

ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન
સેલ્યુલોઇડ મેન ડોક્યુમેન્ટરી બનાવતાં બનાવતાં તેના મેકર (અને FTII, પુણેના પાસઆઉટ) શિવેન્દ્ર સિંહ ડુંગરપુરને પોતાને પણ ફિલ્મ રિસ્ટોરેશન અને પ્રિઝર્વેશનની લગની લાગી. એમણે ‘ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન’ નામની નોન-પ્રોફિટ સંસ્થા શરૂ કરી. માત્ર ફંડ્સ અને ચેરિટી પર ચાલતી આ સંસ્થા દુર્લભ અને ખોવાયેલી ફિલ્મો શોધીને તેને પ્રિઝર્વ કરવાનું, રિસ્ટોર કરવાનું કાર્ય કરવા ઉપરાંત ફિલ્મો સાચવવાનું પણ કામ કરે છે. યાને કે, કોઈ ફિલ્મમેકર પોતાની ફિલ્મ સાચવવા માગતા હોય, તો દર મહિનાની નોમિનલ ફી આપીને તેને આ સંસ્થાની યોગ્ય ટેમ્પરેચર-વેધર કંટ્રોલ ધરાવતી ફેસિલિટીમાં સાચવી શકે છે. અમિતાભ બચ્ચન જેના બ્રાન્ડ એમ્બેસેડર છે તેવી આ સંસ્થા કોઇપણ સિનેમારસિક પાસેથી નાનામાં નાનું દાન પણ સ્વીકારે છે. ફિલ્મોના વારસાને સાચવવામાં રસ ધરાવતી કોઇપણ વ્યક્તિ https://filmheritagefoundation.co.in/donate લિંક પર જઇને ડોનેટ કરી શકે છે.

સેલ્યુલોઇડનો વિલન નાઇટ્રોસેલ્યુલોસ
અગાઉની ફિલ્મો નષ્ટ થવા પાછળ વિલનરૂપ એક કારણ હતું નાઇટ્રોસેલ્યુલોસ નામનું રસાયણ. અત્યંત જ્વલનશીલ એવું આ રસાયણ ભૂતકાળમાં ફિલ્મ રીલમાં વપરાતું હતું, જે ગમે ત્યારે ભીષણ આગ પકડી લેવા માટે કુખ્યાત હતું. તેને કારણે જ 1920 પહેલાં બનેલી અમેરિકાની 90 ટકા સાઇલન્ટ ફિલ્મો નાશ પામી હતી. અરે, ખુદ દાદાસાહેબ ફાળકે જ્યારે પોતાની ફિલ્મ બતાવવા માટે એક ગામથી બીજે ગામ જતા હતા ત્યારે તેમની ફિલ્મ પણ આ જ રીતે આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી. ‘સેલ્યુલોઇડ’ તરીકે ઓળખાતી નાઇટ્રેટ ફિલ્મો પરથી જ ફિલ્મો માટે ‘સેલ્યુલોઇડ’ શબ્દ આવ્યો છે. વળી, આ પ્રિન્ટ્સ પડી પડી એસિટિક એસિડ છોડતી હતી અને જેને કારણે પ્રિન્ટ્સ આપમેળે ખરાબ થઈ જતી હતી (આ સ્થિતિને ‘વિનેગર સિન્ડ્રોમ’ કહે છે, કેમ કે વિનેગરમાં મુખ્ય તત્ત્વ એસિટિક એસિડ હોય છે).

જૂની ફિલ્મની ખરાબ થઈ ગયેલી પ્રિન્ટને રિસ્ટોર કરવા માટે જે તે ફિલ્મમેકરે શું વિચારીને કોન્ટ્રાસ્ટ, બ્રાઇટનેસ, લાઇટિંગ વગેરે રાખ્યું હશે તેને ધ્યાનમાં રાખવું પડે છે
જૂની ફિલ્મની ખરાબ થઈ ગયેલી પ્રિન્ટને રિસ્ટોર કરવા માટે જે તે ફિલ્મમેકરે શું વિચારીને કોન્ટ્રાસ્ટ, બ્રાઇટનેસ, લાઇટિંગ વગેરે રાખ્યું હશે તેને ધ્યાનમાં રાખવું પડે છે

જૂની ફિલ્મ રિસ્ટોર કરતાં પહેલાં
વળી, ખરાબ થઈ ગયેલી જૂની ફિલ્મોની પ્રિન્ટને રિસ્ટોર કરવાનું કામ પણ મેમથ છે. જૂની ફિલ્મની ખરાબ થઈ ગયેલી પ્રિન્ટને રિસ્ટોર કરવા માટે જે તે ફિલ્મમેકરે શું વિચારીને કોન્ટ્રાસ્ટ, બ્રાઇટનેસ, લાઇટિંગ વગેરે રાખ્યું હશે તેને ધ્યાનમાં રાખવું પડે છે. પ્લસ, એ વખતે કેવી ટેક્નોલોજી હતી અને નવેનવી રિલીઝ થઈ ત્યારે તે ફિલ્મ કેવી દેખાતી હશે તે ધ્યાનમાં રાખીને ફિલ્મની રીલની એકેએક ફ્રેમને ડિજિટાઇઝ કરીને સાફસૂફ કરવી પડે છે.

પી. કે. નાયર પર બનેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ હમણાં સુધી ‘એમેઝોન પ્રાઇમ વીડિયો’ પર ઉપલબ્ધ હતી. ફરીવાર તે ફિલ્મ હાથવગી બને ત્યાં સુધી રાહ જોઇએ. અને કોઇપણ જૂની બ્લેક એન્ડ વ્હાઇટ કે ઇવન સાઇલન્ટ ફિલ્મ જોઇએ ત્યારે તેને સાચવી રાખીને આપણા સુધી પહોંચાડનારને મનોમન થેન્કયુ કહેવાનું ચૂકશો નહીં.

jayesh.adhyaru@dainikbhaskar.com

(લેખક બે ફિલ્મ-સિરીઝનાં સ્ક્રીનિંગ વચ્ચે જીવતા સિનેમાના આકંઠ રસિયા છે)