મનન કી બાત:શું કોવિડ સમયગાળામાં તમારો સ્ક્રીન ટાઈમ વધી ગયો છે?

4 મહિનો પહેલા
 • કૉપી લિંક

રોહિણી એક 29 વર્ષીય કોર્પોરેટ સેક્ટર ક્ષેત્રે કામ કરતી સ્ત્રી છે. એ પરિણીત છે અને રોહિણી અને એમના પતિ મહેશ અમદાવાદના પૉશ વિસ્તારમાં રહે છે અને આર્થિક રીતે પણ ખૂબ સારી પરિસ્થિતિમાં છે. કોરોના સમયગાળા દરમિયાન કામવાળાઓનું ટાઈમ ટેબલ એટલું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું છે કે ઘરનું કોઈ કામ એ લોકોએ હવે કરવાનું રહેતું જ નહોતું. એક દિવસ રોહિણી મનોચિકિત્સક પાસે આવી. તેણે ખૂબ એકલતાભર્યું જીવન જીવતી હોવાની ફરિયાદ કરી. તેણે ડોક્ટરને કહ્યું કે, આ એકલતાને કારણે એ બહુ વધારે સમય સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર વિતાવે છે.

વર્ક ફ્રોમ હોમ આવી જવાને કારણે આપણે ઘર અને ઓફિસ વચ્ચેનો તફાવત ભૂલી ગયા છે અને આપણે સામાન્યપણે ઘરે આવ્યા પછી લેપટોપને પડખે મૂકી દેવાની આદત પણ ભૂલી ગયા છીએ. આજના ડિજિટલ જમાનામાં એ પ્રશ્ન રહેતો જ નથી કે શું તમે વધુ પડતો સ્ક્રીન અને ઈન્ટરનેટ ઉપયોગ કરો છો? કારણ કે, વધુ પડતું આપણે કોને કહીશું એ કોણ નક્કી કરશે?

ઈન્ટરનેટ યુઝ ડિસઓર્ડર હવે દિવસે ને દિવસે વધતો જાય છે અને એના પર ખૂબ વાંચન અને રિસર્ચ પણ થાય છે. ક્યાંક તમે તો આ ડિસઓર્ડરનો ભોગ નથી બન્યા ને એ નીચેના પ્રશ્નોનો જવાબ આપીને જાણો...

 1. શું તમે ઇચ્છ્યા અથવા ધાર્યા કરતાં વધુ સમય ઓનલાઇન વિતાવો છો ?
 2. શું તમે ઘરના કામકાજને કોમ્પ્રોમાઇઝ કરીને ઓનલાઇન રહીને ટાઈમ પસાર કરો છો?
 3. શું તમને તમારા પાર્ટનર જોડે સમય વિતાવવા કરતાં પણ વધારે આનંદ ઇન્ટરનેટ પર સમય વિતાવવાથી મળે છે?
 4. શું તમારા મોટાભાગના નવા મિત્રો ઈન્ટરનેટ પર જ બનેલા છે?
 5. શું તમારા ઘર-પરિવારવાળા ફરિયાદ કરે છે કે તમે એમને ઈન્ટરનેટના કારણે પૂરતો સમય નથી આપતા?
 6. શું તમારું ભણતર અથવા ઓફિસનું કામ ઈન્ટરનેટ પર તમે વિતાવેલા સમયને કારણે બગડે છે?
 7. શું તમે કોઈપણ કામની શરૂઆત કરતાં પહેલાં સતત વ્હોટ્સએપ અથવા ફેસબુક ચેક કર્યા કરો છો?
 8. શું તમને એવું લાગે છે કે ઈન્ટરનેટ વિના તમારું જીવન બોરિંગ થઇ જશે?
 9. શું તમે ઓફલાઈન હો ત્યારે મૂડી અથવા ગુસ્સો અનુભવો છો?

જો ઉપરના 9માંથી 5 અથવા તેથી વધુ પ્રશ્નોના જવાબ તમારા હામાં હોય તો તમને ઈન્ટરનેટ યુઝ ડિસઓર્ડરનાં લક્ષણો છે અને તમારે ચેતવું જોઈએ.

એક વસ્તુ ચોક્કસ યાદ રાખવી જરૂરી છે કે, ઈન્ટરનેટ યુઝ કરવું કોઈ ખરાબ વાત નથી. મોટાભાગના કામ આજે નહીં તો કાલે ઈન્ટરનેટના માધ્યમથી જ કરવા પડશે. પરંતુ કોઈપણ વસ્તુની અતિશયોક્તિ આપણને એના પર નિર્ભર બનાવી દે છે અને એટલે એ જરૂરી છે કે એના પર આપણે નિયંત્રણ મેળવીએ.

તો કોવિડકાળમાં વધતા ઈન્ટરનેટના ઉપયોગ પર આપણે નિયંત્રણ કેવી રીતે લાવી શકાય?

 • આજકાલ દરેક ડિવાઇસ પર 'સ્ક્રીન ટાઈમ' એપ હોય છે, જેમાં તમે કઈ એપમાં કેટલો સમય વિતાવ્યો એનું જ્ઞાન થાય છે. એ ફ્રી એપ ડાઉનલોડ કરીને એના એનાલિસિસ પરથી નક્કી કરવું કે 'હા યાર ઇન્સ્ટાગ્રામમાં વધારે પડતો સમય જાય છે.. હવે ઓછો કરીશ.'
 • દરેક ડિવાઇસમાં 'બ્લુ લાઈટ ફિલ્ટર' ચોક્કસ ઉપયોગમાં લેવું. બ્લુ લાઈટ આપણા મગજમાં મેલાટોનિન નામના જ્ઞાનતંતુ બનતાં અટકાવે છે, જેના કારણે આપણી ઊંઘ અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. એટલે બ્લુ લાઈટ આંખ સુધી ન પહોંચે એવી એપ અથવા ચશ્માં ચોક્કસ કરાવવા.
 • શરૂઆતમાં અઘરું પડે તો પણ માણસોને મળી પોતાના મનની વાતો કરવાનો પ્રયાસ કરવો. ઓનલાઇન મિત્રો બનાવવા કરતાં આસપાસ રહેતા લોકોમાં મિત્રો શોધવાનો પ્રયત્ન કરવો. જેથી, આપણે એક કાલ્પનિકને બદલે વાસ્તવિક દુનિયાની અપેક્ષાઓ રાખી શકીએ.
 • પરિવાર અને પ્રિયજનો સાથે સમય વિતાવવાની ચોક્કસપણે કોશિશ કરવી. જેથી, આપણને આનંદના ઈન્ટરનેટ સિવાયના માધ્યમો પણ મળી રહે.

મન: ઈન્ટરનેટ એક કાલ્પનિક દુનિયા છે એ વસ્તુનો એહસાસ કરવો ખૂબ જરૂરી છે. જો આપણે એ સ્વીકારી લઇશું તો સામાન્ય જીવન ખરાબ અથવા બોરિંગ નહીં લાગે.
mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)