તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનન કી બાત:શું કોરોનાએ તમારા નજીકના કોઈ વ્યક્તિનો જીવ લીધો છે?

4 મહિનો પહેલા
 • કૉપી લિંક

પ્રિયા એક પ્રખ્યાત મીડિયા હાઉસમાં જર્નાલિસ્ટ છે. છેલ્લાં કેટલાક સમયથી કોવિડ પર જ રિપોર્ટિંગ કરવાનું આવે છે. આ કપરા સમયમાં કામ ન કરવાનો વિકલ્પ નહોતો કારણ કે, પ્રિયા પોતાનું અને પોતાના માં-બાપનું પોતાના પગારમાંથી જ પૂરું કરે છે. માર્ચમાં પહેલી વાર લોકડાઉન આવ્યું ત્યારથી પ્રિયાને એક ડર સતત સતાવે છે જે છે કે મારા માતા-પિતાને મારા કારણે કોવિડ થઇ જશે તો? એ માટે રાખી શકાય એટલી બધી જ કાળજી પ્રિયા રાખતી હતી. ઘર આવતા ન્હાઈ લેવું, દરેક શાકભાજીને ડિટર્જન્ટમાં ધોઈને રસોઈ બનાવવી, આખા ઘરના દરેક રૂમમાં સેનિટાઇઝર વસાવવું વગેરે. પરંતુ અંતે જેનો ડર હતો એ થયું જ. પ્રિયાના પિતાને કોવિડ થયો અને વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે જ પોતાના બધા કોન્ટેક્ટ લગાડવા છતાં 3 દિવસ સુધી પ્રિયાને એના પિતા માટે હોસ્પિટલનો બેડ ન મળ્યો. પરિસ્થિતિ બગડતી જતી હતી ત્યારે માંડ માંડ બેડ મળ્યો પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઇ ગયું હતું. આગળના 2 દિવસ પ્રિયાના પિતા મૃત્ય સાથે ખૂબ લડ્યા પરંતુ અંતે જેનો ડર હતો એ જ થયું. એમણે આજથી 15 દિવસ પહેલા પોતાનો છેલ્લો શ્વાસ લીધો.

કોરોનાએ કદાચ દરેક પરિવારમાંથી એક સદસ્ય ઝૂંટવી લીધો છે અને જો હજી આવું જ ચાલ્યું તો કદાચ પરિસ્થિતિ વધુ વિપરીત થશે. આવા સંજોગોમાં આપણા માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે કે આપણે સમજીએ કે કોઈપણ નજીકના વ્યક્તિનું મૃત્યુ જયારે થાય છે તો એની આપણા માનસિક સ્વાસ્થ્ય પર શું અસર પડે છે અને એની સાથે આપણે કઈ રીતે ઝઝૂમવું જોઈએ.

નજીકના સંબંધીના મૃત્યુ પછી આપણી માનસિક અવસ્થા જે પદ્ધતિમાંથી પસાર થાય છે એને ગ્રીફ કહેવાય. કોઈપણ મૃત્યુ પછી સામાન્ય રીતે ગ્રીફના આ પ્રકારના સ્ટેજ હોય છે:

 • ડિનાય (નકારવું): સામાન્યપણે મૃત્યુના સમાચાર સાંભળી આપણે થોડા સમય માટે એ વાસ્તવિકતા સ્વીકારવાને બદલે આપણે તેને નકારી દઈએ છીએ.
 • અગ્રેશન (ગુસ્સો): ઈશ્વર પ્રત્યે, સમાજ પ્રત્યે અથવા કોઈપણ પ્રત્યે એ પ્રમાણે ગુસ્સો આવવો કે મારા નજીકના લોકોના મૃત્યુ માટે તમે જવાબદાર છો અને એટલે ગુસ્સા અને બદલાની ભાવના હોવી. ઘણા ડોકટરો દર્દીને બચાવવા માટે બધા પ્રયાસો કરવા છતાં આ ગુસ્સાનો શિકાર બનતા હોય છે.
 • બાર્ગેન (તોલ -મોલ કરવું ): આ પછીનો સ્ટેજ આવે જેમાં આપણે ઈશ્વરને એવી પ્રાર્થના કરતા હોઈએ કે એ વ્યક્તિનો જીવ લેવા કરતાં મારો જીવ કેમ ન લીધો અથવા આપણે પોતાની જાતને એવું મનાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે જે થયું એ સારા માટે થયું અને હવે એ એ વ્યક્તિ એવી જગ્યાએ છે જ્યાં એ ખુશ છે અથવા શાંતિ મેળવે છે.
 • ડિપ્રેશન (હતાશા): એ પછી જે સ્ટેજ આવે એમાં આપણે બીજી બધી વસ્તુઓ સાથે એ વ્યક્તિના જતા રહેવાનો શોક મનાવીએ છે અને સાચા અર્થમાં હતાશ થઈએ છે કે એ વ્યક્તિ હવે આપણાથી દૂર જતી રહી.
 • એક્સેપટન્સ (સ્વીકૃતિ): અંતે આપણે વાસ્તવિકતા સ્વીકારીને જીવન સાથે આગળ વધીએ છીએ.

આપણા સમાજની દરેક જાતિની મૃત્યુ સાથે ઝઝૂમવાની એક રીત એક કલ્ચર છે. દરેક જાતિમાં અલગ અલગ રીતે મૃતદેહ સાથે અને પછી એના શોકમાં થતી અલગ અલગ વિધિઓ છે. એ આખી પ્રક્રિયાને મોઉર્નિંગ કહેવાય. આ સમાજની વિધિઓ આપણને વાસ્તવિકતા પચાવવામાં મદદરૂપ થાય છે. મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવાથી લઈને બારમું, તેરમું, પિતૃઓને ખાવાનું આપવું, અસ્થિ પધરાવવી, ખરખરો કરવા લોકોએ ઘરે આવવું, વગેરે.

આપણા નજીકના કોઈ વ્યક્તિએ પોતાનું કોઈ ગુમાવ્યું હોય તો તેમને સાંત્વના કઈ રીતે આપવી?:

 • એમનો જે ગુસ્સો છે એ વધારવા કે ચાવી ભરાવવા કરતાં એમને શાંત મગજે વિચારી સારા અને સાચા નિર્ણયો તરફ જવા મદદરૂપ થવું.
 • એમના કપરા સમયમાં એ વ્યક્તિ વિશેની સારી યાદો યાદ અપાવવી.
 • તેઓ નકારવા અને ગુસ્સાના સ્ટેજથી સ્વીકૃતિના સ્ટેજ તરફ બને એટલું સહજતાથી પહોંચે એવો પ્રયત્ન કરવો.
 • ખૂબ અઘરું હોવા છતાં જે સામાજિક પ્રક્રિયાઓ છે એ ટેક્નોલોજી અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ રીતે કરવી.
 • એમના જીવનની સારી યાદોને માણવી અને વાગોળવી.
 • એક એવું વાતાવરણ આપવું જ્યાં એ પોતાના મનની વાત ખુલીને કહી શકે. એમને રડવાની ઈચ્છા થાય ત્યારે એમને એ ખભો આપવો જે તમને પણ જરૂર પડશે જયારે તમે કોઈ નજીકનું ગુમાવશો.

મન: કપરા સમયે વ્યક્તિને ભૂલ કરવા તરફ ધકેલવું કોઈપણ નજીકના સંબંધી માટે ખૂબ સહેલું છે. પરંતુ અઘરું કામ કરીને પોતાની ફરજ નિભાવી એ વ્યક્તિના પડખે સાચી રીતે ઊભા રહેવું એ આપણું કર્તવ્ય છે.
mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)