તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્સપ્લોર ઇન્ડિયા:ગુજરાતની ધરા એટલે પ્રવાસી પક્ષીઓનું સ્વર્ગ - દેશવિદેશથી આવતાં પ્રવાસી પક્ષીઓનાં અનુઠા સ્થળો વિશે જાણીએ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતનું નામ આવે એટલે ખાણીપીણી, મહેમાનગતિ અને ગુજરાતીની દરિયાદિલી વિશે ચર્ચાઓ અચૂક થાય. મીઠાશ તો ગુજરાતી ભોજનમાં, પરંપરામાં, લોકબોલીમાં અને સંગીતમાં પણ સ્વાભાવિક રીતે ઝળકાઈ આવે જ. ભારતભરમાં અને એ સિવાય કેટલાક આડોશપાડોશના દેશોમાં ભ્રમણ કર્યા પછી મેં ગુજરાતને પણ અલગ જ દૃષ્ટિથી જોયું અને જાણ્યું. સામાન્ય રીતે ઘર-આંગણાની જગ્યાઓ કે સ્થળોને આપણે બહુ ખાસ ગણતા નથી હોતા પણ જો એ વિસ્તાર અને પ્રદેશને આપણે વાસ્તવિક રીતે માણી જોઈએ તો ગુજરાતમાં એટલું બધું છે જે પૂરું કરતા કદાચ વર્ષોનાં વર્ષો વીતી જાય.

અલગ અલગ વગડાઓમાં હું પક્ષીઓની શોધમાં ભટક્યો. વિશ્વભરમાંથી આવતાં પ્રવાસી પક્ષીઓને ગુજરાતનું વાતવરણ એટલું અનૂકુળ આવે છે કે તેઓ હંમેશ માટે ગુજરાતના પ્રવાસીઓ બની ગયા છે. વિશ્વભરમાં આ પક્ષીઓનું માઈગ્રેશન ગુજરાતને એક આગવી ઓળખ આપે છે અને એક પ્રકૃતિપ્રેમી તરીકે મને ગૌરવની લાગણી અપાવે છે. ભાલ અને ઘેડ આ બે અલગ-અલગ વિસ્તારમાં અલગ-અલગ જાતનાં પક્ષીઓ વિહાર કરવા માટે આવે છે પણ સામાન્ય રીતે લોકોને ‘ચણે એ ચકલી અને નાચે એ મોર’ આ બેથી વિશેષ વધારે ખાસ ખબર નથી હોતી. ગીર નેશનલ પાર્ક વિશે લગભગ સૌ જાણે જ છે એટલે આજે અહીં ઓછા જાણીતા એવા વિસ્તારમાં વિહરતા ગુજરાતનાં પક્ષીઓ વિશે જેટલું મેં અનુભવ્યું છે એની માહિતી સરળ રીતે આપવાની કોશિશ કરીશ.

વિશ્વમાં સૌથી વધારે ઊંચાઈ પર ઊડતાં હેડેડ ગીઝ (રાજહંસ) હિમાલયથી અહીંયા શિયાળો ગાળવા આવે છે
વિશ્વમાં સૌથી વધારે ઊંચાઈ પર ઊડતાં હેડેડ ગીઝ (રાજહંસ) હિમાલયથી અહીંયા શિયાળો ગાળવા આવે છે

શરૂઆત મધ્ય ગુજરાતના વઢવાણા તળાવથી કરીશું. એકદમ વાદળી રંગનું ચોખ્ખું પાણી, જેમાં વાદળાનો પડછાયો, ધીમી-ધીમી લહેરો સાથે વિહરતા પક્ષીઓ હજારો માઈલ કાપીને અહીંયા શિયાળો ગાળવા માટે આવ્યાં છે એવું કોઈ જણાવે તો નવાઈ લાગે પણ ખરેખર એવું જ છે. આ જગ્યા પ્રવાસી પક્ષીઓની પ્રથમ પસંદ છે. ડભોઇથી માત્ર દસ કિમી અંતરે આવેલી આ જગ્યા પક્ષીવિદો અને પ્રકૃતિપ્રેમી માટે ખજાના સમી છે. વિશ્વમાં સૌથી વધારે ઊંચાઈ પર ઊડતાં બાર હેડેડ ગીઝ (રાજહંસ) હિમાલયથી અહીંયા શિયાળો ગાળવા આવે છે. આ સિવાય ગ્રે લેગ ગીઝ (ગાજહંસ), પોચાર્ડ (રાખોડી કરાચીયા), કોમન ટીલ, બ્લેક નેક્ડ સ્ટોર્ક, ફ્લેમિંગોઝ જેવા અસંખ્ય પંખીઓ અહીં વિહાર કરતા જોવા મળે છે. ભાવનગર પાસે આવેલ બ્લેકબક નેશનલ પાર્ક વિશ્વનું સૌથી મોટું પટ્ટાઇઓનું (હેરિયર) આરામ કરવાનું સ્થળ છે. અહીં એક સાથે હજારોની સંખ્યામાં હેરિયર જોવા મળે છે. માત્ર હેરિયરના લીધે જ અહીંયા વિદેશથી પક્ષીવિદો આવે છે. રશિયા, યુરોપ અને એશિયન વિસ્તારોમાંથી હરિયર્સ અહીંયા શિયાળો ગાળવા આવે છે.

લિટલ રણ ઓફ કચ્છમાં ફ્લેમિન્ગોઝ એટલે કે હંસનાં ટોળાંઓ જોવા મળે છે
લિટલ રણ ઓફ કચ્છમાં ફ્લેમિન્ગોઝ એટલે કે હંસનાં ટોળાંઓ જોવા મળે છે

અમદાવાદ પાસે આવેલું લિટલ રણ ઓફ કચ્છ (ઘુડખર અભ્યારણ્ય) એક અલગ ઇકો સિસ્ટમ તરીકે જાણીતું છે. 4954 ચોરસ કિમી જેટલા વિસ્તારમાં પથરાયેલું કચ્છનું નાનું રણ પાટડી શહેર પાસે આવેલું છે. અહીંયા શિયાળમાં આંખ પહોંચે ત્યાં સુધી આકાશની ક્ષિતિજ ગુલાબી દેખાય એટલી સંખ્યામાં ફ્લેમિન્ગોઝ એટલે કે હંસનાં ટોળાંઓ જોવા મળે છે. એ સિવાય રોઝી પેલિકન (ગુલાબી પેણ), કોમન ક્રેન્સ, રુડી શેલ ડક્સ વગેરે હજારોની સંખ્યામાં વિહાર કરતા જોવા મળે છે. અહીંયાનું મુખ્ય આકર્ષણ વિશ્વભરના શિકારી પક્ષીઓ છે. સિંધ પ્રાંતના શિકારી પક્ષીઓ અહીંયા શિયાળો પસાર કરવા આવે છે કારણ કે, અહીંયા તેમને સાનુકૂળ વાતવરણ અને પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે છે. વિશ્વમાં સૌથી ઝડપથી ઊડતું પક્ષી પેરેગ્રીન ફાલ્કનનાં કરતબો અહીંયા ખૂબ જ નજીકથી નિહાળવાનો મોકો મળે છે. આ સિવાય, શોર્ટ ઈયર્ડ આઉલ, લેસર અને ગ્રેટર ફ્લેમિન્ગોઝ, સાઇબિરિયા જેવા ઠંડા પ્રદેશોમાંથી આવતી નાની ચકલીઓ, હિમાલયન ગ્રિફોન વલચર, મર્લિન, અલગ અલગ પ્રકારનાં હેરિયર્સ, ઇગલ્સ જેવા ભાગ્યે જ જોવા મળતાં પક્ષીઓ અહીં મુક્તપણે વિહરતાં જોવા મળે છે. પ્રાણીઓમાં ઝરખ, વરુ, સફેદ પગવાળું શિયાળ, ઘુડખર, રણ બિલાડી વગેરે અહીંયા જોવા મળે છે. મારી કારકિર્દીના શ્રેષ્ઠ કહી શકાય એવા ફોટોગ્રાફ્સ મને અહીંયાથી જ મળ્યા છે. આ જયારે હું એક જ સિઝનમાં લગભગ 10થી 15 વાર મુલાકાત લઉં છું અને દરેક વખતે મને કંઈક ને કંઈક અલગ ચોક્કસ મળે છે. અહીં ભારતભરમાં ઉપયોગમાં લેવાતો મીઠાનો મોટાભાગનો જથ્થો પકાવવામાં આવે છે. અહીં વસતા અગરિયાઓની જિદગીમાં મોટાભાગે ખારાશ સિવાય કંઈ ઝડતું નથી. અગરિયાઓએ પ્રેમથી ઉકાળો બનાવીને પીવડાવેલી કાળી ચા સ્ટારબક્સની પ્રીમિયમ બ્લેક ટી કરતાં હજાર ગણી સ્વાદિષ્ટ અને નશીલી હોય છે એવું મેં અનુભવ્યું છે. કદાચ એમના પ્રેમની ખારાશ એ ચામાં મીઠાશ બનીને ઊકળતી હશે.

સારસ અને બીજાં અઢળક પક્ષીઓ વિહરતાં જોવા મળશે
સારસ અને બીજાં અઢળક પક્ષીઓ વિહરતાં જોવા મળશે

કચ્છના છેવાડાના ધોળાવીરા પાસે ખડીર બેટ નામનો એક ટાપુ છે, જે રણની વચ્ચે આવેલો છે. અહીં ફ્લેમિન્ગોઝની ભરમાર છે. આ સિવાય, રણમાં જ કાળા ડુંગર પાછળ ફ્લેમિંગો માટે એક અલાયદું નગર છે, જે ફ્લેમિંગો સિટી તરીકે ઓળખાય છે. જો કે, આપણને ત્યાં જવા માટે પરમિશન નથી. લાખોની સંખ્યામાં અહીંયા ફ્લેમિંગો ઈંડાં મૂકીને બચ્ચાંઓનો સુરક્ષિત ઉછેર કરે છે. ગુજરાતના લોકોનો પક્ષીઓના જતનમાં શ્રેષ્ઠ ફાળો છે. એટલે જ પરદેશી પક્ષીઓ અહીં સુરક્ષા અનુભવે છે. ખેડા જિલ્લામાં માતર પર પરીએજ તળાવ છે, જ્યાં લગભગ બધી જ જાતનાં પક્ષીઓ જોવા મળે છે પણ એ સિવાય પરીએજથી આગળ જતા ઇન્દ્રવીણા નામનું એક નાનું સરખું ગામ છે, જ્યાં આંખ પહોંચે ત્યાં સુધી લીલા જુવારનાં ખેતરો દેખાય છે. આ ખેતરોમાં વચ્ચે લાલ કલરનાં બે માથાં દેખાય તો નજારો ચૂકશો નહીં. સાથી પ્રત્યે વફાદાર પક્ષી તરીકે જાણીતા અને સૌથી વધારે ઊંચાઈ ધરાવતું છતાં ઊડી શકતું પક્ષી સારસની જોડ છે. સારસ આ વિસ્તારમાં ઈંડાં મૂકીને બચ્ચાંઓ ઉછેરે છે. સારસનું માળા પક્ષીને આકર્ષિત કરવાનું નૃત્ય અને માદા જ્યારે નરનો એકરાર સ્વીકારે ત્યારે બંને એકમેકમાં ઓતપ્રોત થઈને નૃત્ય કરે છે અને ઊંચે આકાશ તરફ ગુંજન કરે છે એ નજારો અવિસ્મરણીય છે. ઘણા ખરા કવિઓએ ગુજરાતી સાહિત્યમાં સારસ, રાજહંસ, મોર, બગલાઓ અને ચકલીઓને આગવું સ્થાન આપ્યું છે એ ગુજરાતી લોકજીવનમાં પ્રકૃતિ પ્રત્યેના વિશેષ પ્રેમની સાબિતી જ દર્શાવે છે. તારાપુર આસપાસના વિસ્તારમાં સારસ જાણે ખેડૂતનો જ પરિવારનો હિસ્સો હોય એમ મોટાભાગે ખેડૂત આસપાસ જ ફરતા હોય છે. તાજેતરમાં એક ફોરેસ્ટ ઓફિસર મિત્ર સાથે એ રસ્તે જવાનું થયું ત્યારે સારસ અને બીજાં અઢળક પક્ષીઓને વિહાર કરતાં માણ્યા. ખરેખર ગુજરાતમાં આવતા પક્ષીઓ ગુજરાતમાં આવતા મહેમાનોની જેમ જ ગુજરાતના જ બનીને રહી જાય છે.

જ્યાં લોખંડી સરદારના વંશજો હોય, ગીરમાં હાવજનો ડણકો હોય, શૂરાની ભૂમિ હોય, જ્યાં રેવાનાં નીર હોય, ગામના ચોરે દેવ-માતા અને પીર હોય, દિ’ આથમે માલધારીના ડાંગના ટકરાવની આમન્યા હાવજ જાળવતો હોય, સાવ સોળ વર્ષની ચારણ પણ હાવજને હંફાવતી હોય, માણહ ગણ્યા વિના પણ રાત દિવસ અવિરત ભંડારા ચાલતા હોય ત્યાં પ્રકૃતિ પ્રત્યે સંવેદના લગભગ બધા જ વિસ્તારોમાં જોવા મળે છે.
creativearyans3@gmail.com
(‘આરણ્યક’ તરીકે જાણીતા કૌશિક ઘેલાણી અલગારી રખડપટ્ટી કરીને કુદરતને પોતાના અસ્સલ મિજાજમાં જોતા અને કેમેરામાં કેદ કરતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે)