• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • 'Green, How Will This Time Pass Without You! Green, Something Off? Lila, I Am Left Alone ', But Lilaben Had Even Forgotten Her Husband's Name

મારી વાર્તા:'લીલા, તારા વિના આ સમય કેવી રીતે વીતશે! લીલા, કંઇક તો બોલ! લીલા, હું એકલો પડી ગયો છું', પણ લીલાબેન તો પતિનું નામ પણ ભૂલી ચૂક્યાં હતાં

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

લીલાબેનને નવડાવીને, નાસ્તો કરાવી, દવા આપી, બપોરે જમાડીને, સુવડાવીને આખો દિવસ ઘરના કામથી પરવાર્યા પછી સાંજના ચારેક વાગે અને બળવંતભાઈ લીલાબેન પાસે આવતા. એમનું માથું ઓળતા અને પત્નીનો હાથ હાથમાં લઈને બેસતા. 72 વર્ષના બળવંતભાઈનો છેલ્લાં એક વર્ષથી આ રોજનો ક્રમ હતો. રોજ સાંજે પત્ની પાસે બેસતા, બાજુમાં હનુમાનચાલીસાની ચોપડી હોય અને હાથમાં લીલાબેનનો હાથ હોય પણ આજે એમનું મન ખૂબ જ વ્યગ્ર હતું. આજે એમની આંખની પાંપણે આંસુનાં તોરણ હતાં. તેમણે પત્નીને કહ્યું, ‘લીલા, તું જ કહે, તારા વિના આ સમય કેવી રીતે વીતશે! લીલા, કંઇક તો બોલ? લીલા, હું એકલો પડી ગયો છું.’

લીલાબેનની હાલત છેલ્લાં દોઢેક વર્ષથી અન્યમનસ્ક જેવી હતી. તેઓ પોતાની યાદશક્તિ ગુમાવી ચૂક્યાં હતાં અને આજે બળવંતભાઈ પત્નીને પૂછતા હતા, જે પત્ની પોતાના પતિને એટલે કે બળવંતભાઈને પણ ઓળખતી નહોતી. આંખો બંધ કરીને બળવંતભાઈ આજે ભૂતકાળની કંદરાઓમાં ખોવાઈ ગયા.

***

આશરે પચાસ વર્ષ પહેલાં બળવંતભાઈ અને લીલાબેન ગામડેથી નોકરી માટે સુરત શહેરમાં આવ્યાં હતાં. બળવંતભાઈને માધ્યમિક શાળામાં નોકરી મળી અને લીલાબેનને પ્રાથમિક શાળામાં નોકરી મળી ગઈ અને આ નવદંપતીનો જીવન સંગ્રામ શરૂ થયો. બંને પતિ-પત્ની શિક્ષક. બપોરની શાળા બંનેની. એટલે સવારથી બંને સાથે. બળવંતભાઇનો પત્નીને ઘરકામમાં બધી જ વાતે ટેકો. 11 વાગ્યે બંને જણ સ્કૂલે જવા નીકળે. થોડી કરકસર કરીને સૌથી પહેલાં એક ટૂ વ્હીલર વાહન વસાવ્યું. બળવંતભાઈ પહેલાં પત્નીને સ્કૂલે મૂકી દેતા, પછી પોતાની સ્કૂલે જતાં. સ્કૂલ છૂટે એટલે પત્નીને લઈને ઘરે આવતા. હંગામી નોકરી અને ટૂંકો પગાર પણ સંતોષી જીવન એટલે સંસારની શરૂઆતના દિવસો પ્રેમથી, એકબીજાના સાંનિધ્ય અને હૂંફથી વિતાવતા હતા.

સમયની રેત સરકવા લાગી. ધીમે ધીમે બે સંતાનોના મા-બાપ બન્યાં. એક દીકરો અને એક દીકરી. ઓછો પગાર અને બે સંતાનો. ઘણીવાર બળવંતભાઈ હિંમત હારી જતા ત્યારે લીલાબેન કહેતાં કે, ‘બળવંત, ચિંતા શું કામ કરો છો? આ સમય પણ વીતી જશે.’ પત્નીના આ શબ્દોથી બળવંતભાઈને ખૂબ પ્રોત્સાહન મળતું. ધીમે-ધીમે સ્કૂલમાંથી પરમિશન લઇ બળવંતભાઈએ ટ્યુશન ચાલુ કર્યાં. સવારે આઠ વાગ્યે ટ્યુશન માટે નીકળતા. 10:30 વાગે ઘરે આવી 11 વાગ્યે પત્નીને લઈને બાળકોને સ્કૂલે મૂકી પોતે સ્કૂલે જતા.

પાછા ફરતી વખતે પણ આ જ ક્રમ. ઘરે પત્નીને મૂકી, ફરી પાછા ટ્યુશન માટે નીકળી જતા. 9:30 વાગે ઘરે આવી પત્ની ને બાળકો સાથે જમતા. ક્યારેક લીલાબેન કહેતા, ‘બળવંત તમને તો હવે મારા માટે સમય જ નથી મળતો.’ ત્યારે બળવંતભાઈ કહેતા, ‘લીલા, મને થોડો સમય આપ. હું આપણા બાળકો માટે અને આપણા સુખ માટે ખૂબ મહેનત કરું છું. તું જોજે...એક દિવસ સુખનો સૂરજ જરૂર ઊગશે...’

અને ખરેખર... તેમની મહેનત, તેમનો સ્વભાવ... બાળકોને પ્રેમથી ભણાવવાની તેમની પદ્ધતિ, શાળાના શિક્ષકો પ્રત્યે અને વાલીઓ પ્રત્યેનો તેમનો મળતાવડા સ્વભાવને કારણે તેઓ ખૂબ જ ઓછા સમયમાં, શાળાના બીજા શિક્ષકો, વાલીઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓમાં ખૂબ લોકપ્રિય બન્યા.

પતિ-પત્નીની અથાગ મહેનતથી બંનેને શાળામાં કાયમી નોકરી મળી ગઈ. સરકારી નોકરી હોવાથી પગાર પણ વધી ગયો. ટ્યુશનની આવક પણ હતી. હવે બંને જણાં બાળકોના ભવિષ્ય માટે વિચારવા લાગ્યાં. બાળકો ભણવામાં તેજસ્વી હતાં. સમય ક્યારેય કોઈના માટે થોભતો નથી. ઝડપથી વહેવા લાગ્યો. પતિ-પત્ની બાળકોના ઉજ્જવળ ભવિષ્યની ચિંતામાં, પોતાના માટે જીવવાનું જ ભૂલી ગયાં. બાળકો તેજસ્વી કારકિર્દી મેળવી ભણતર પૂરું કરી રહ્યાં. હવે તેમની નોકરી, તેમને પગભર કરવા, તેમના લગ્ન... બળવંતભાઈ અને લીલાબેન... બસ, બંને સાથે મળીને સંસારરથનું ગાડું હાંકે જતાં હતાં.

દીકરી પરણવાલાયક થઈ.. એનાં સારા કુટુંબમાં લગ્ન કર્યાં. દીકરાએ નોકરી માટે સુરત છોડી બીજે જવું પડ્યું. મોટો દીકરો મુંબઈ નોકરી માટે ગયો અને ત્યાં જ સ્થાયી થઈ ગયો.. હવે બળવંતભાઈ અને લીલાબેન 36 વર્ષની નોકરી પૂરી કરીને નિવૃત્ત થયાં. નિવૃત્તિ વખતે બંને જણા એકલાં હતાં, જ્યારે ગામડેથી શહેરમાં આવી નોકરી સ્વીકારી ત્યારે શરૂઆતમાં પણ એકલા અને 36 વર્ષની નોકરી પૂરી થયા પછી પણ બંને એકલા જ હતાં. બાળકો પોતાનો અલગ માળો બાંધવા ઊડી ગયાં અને બળવંતભાઇનો એક એક સળી ભેગી કરીને બનાવેલો માળો આજે ખાલીખમ હતો. બળવંતભાઈના હૃદયના ખૂણામાં પણ એક ખાલીપો ખળભળાટ કરતો હતો.

આ વાતને બીજા 13 વર્ષ વીતી ગયાં. તેમનાં સંતાનોને ત્યાં પણ સંતાનો થઈ ગયાં. આ 13 વર્ષમાં બળવંતભાઈને હૃદયની બીમારી, ડાયાબિટીસ અને મગજનું સંતુલન ડામાડોળ થયું. કાને બહેરાશની અસર હતી. પરંતુ આ સમયે લીલાબેને કહ્યું, ‘બળવંત શું કામ ચિંતા કરો છો? હું છું ને તમારી જીવનસંગિની. આપણો આ સંધ્યાકાળ હવે આપણે સાથે રહીને હરી ફરીને દેવદર્શન કરીને જાત્રા કરીને સોનેરી કરી નાખીશું. જલ્દી સારા થઈ જાઓ.’ લીલાબેનની આ ઈચ્છાઓને પૂરી કરવા બળવંતભાઈએ મનોબળ મક્કમ કર્યું. આજે તેમની દવા ચાલુ છે. તેઓ પત્નીની એકલતા જોઈને માનસિક રીતે ફરીથી સજજ બની ગયા.

જો કે, વિધાતાએ હજુ પણ આ કર્મનિષ્ઠ દંપતીને વધુ તકલીફ આપવાનું વિચાર્યું અને હંમેશાં બળવંતભાઈને હિંમત આપતાં લીલાબેન પોતે જ ધીમે-ધીમે માનસિક આઘાતમાં સરી પડ્યાં. બાળકોના વિરહથી, પતિની મનોવેદના જોઈને ભાંગી પડ્યાં. તેમની યાદશક્તિ ધીમે-ધીમે ક્ષીણ થવા લાગી. ક્યારેક રસોઈ કરતાં કરતાં વિચારે ચડી જતાં, તો ક્યારેક એકલાં બેસી રહેતાં. તેમની આ હાલત જોઈ બળવંતભાઈ ચિંતામાં સરી પડ્યા. લીલાબેનને પૂછ્યું, ‘લીલા, ચાલ આપણે ડોક્ટરને બતાવીએ. શું થાય છે તને? કેમ તને કંઈ યાદ નથી રહેતું?’ ડોક્ટરને બતાવ્યું, MRIનો રિપોર્ટ આવ્યો. ડોકટરે નિદાન કર્યું કે લીલાબેનની યાદશક્તિ 95% જેટલી ઓછી થઈ ગઈ છે. ધીમે-ધીમે એ સમય આવ્યો કે લીલાબેનની યાદદાસ્તમાંથી બળવંતભાઈ પણ નીકળી ગયા. પોતાનાં સંતાનો જ્યારે તેમનાં સંતાનોને લઈને મળવા આવે અને બાળકો બળવંતભાઈને 'દાદા' કહીને બોલાવે તો એ સાંભળીને લીલાબેન પણ હવે બળવંતભાઈને 'દાદા' જ કહે છે. બાળકો જ્યારે લીલાબેનને 'બા' કહીને બોલાવે તો તેઓ હસી પડે છે.

આજે પતિ-પત્ની બંને સાથે છે પણ સંસારરથના ગાડાનું એક પૈડું અધવચ્ચે ખોટકાઈ ગયું છે. બંને દંપતીની દવા ચાલુ છે પણ બળવંતભાઈની હવે એક જ ઈચ્છા છે કે બસ લીલાને ઝડપથી સારું થઈ જાય. લીલાબેનની ઉંમરને લીધે દવાની અસર ઓછી અને ધીમી થાય છે. લીલાબેન બળવંતભાઈનો હાથ પકડી જોરથી બોલ્યા, ‘દાદા...દાદા...ચા પીવી છે’ અને બળવંતભાઈ ભૂતકાળમાંથી પાછા લીલાબેન પાસે આવી પહોંચ્યા. આંખોમાં તો અનરાધાર ચોમાસું હતું. તેઓ ઊભા થયા. રસોડામાં જતાં જતાં સ્વગત બબડતા હતા, ‘લીલા... જોજે આ સમય પણ જરૂર વીતી જશે. જરૂર વીતી જશે.તને જલ્દી સારું થઈ જશે. લીલા..તું તો મારો પ્રેમ છે અને તું જ મારી પૂજા છે.’

(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)

અન્ય સમાચારો પણ છે...