તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિજિટલ ડિબેટ:કોરોના વચ્ચે સરકાર દ્વારા ગરબાની રમઝટ બોલાવવાની મંજૂરી... નવરાત્રીની આ ઉજવણી કરવાનો નિર્ણય કેટલો વાજબી?

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડૉ. વસંત પટેલ (VP): તહેવારો અને પ્રસંગો એટલે નવી ઊર્જાનો સ્રોત અને સંચય. નવરાત્રી આવી રહી છે ત્યારે કોરોનાકાળમાં ઉજવણી કેટલી યોગ્ય તે સવાલ થવાનો. કોરોનાની પ્રથમ લહેર કરતાં બીજી લહેરમાં પ્રજાએ આર્થિક, માનસિક, શૈક્ષણિક અને સામાજિક સ્તરે ઘણું સહન કરવાનું આવ્યું. સરકારોએ ઉપલબ્ધ સાધન અને આરોગ્ય કર્મીઓની સંખ્યા પ્રમાણે વ્યવસ્થા ગોઠવી, સાથે પ્રાઇવેટ હોસ્પિટલો અને ડોક્ટરોએ સારવારનું કામ ઉપાડી લીધું. સામાજિક અને ધાર્મિક સંસ્થોઓ પણ મદદે આવી. પરંતુ ક્યારેક આપણે કુદરત સામે લાચાર થઈ જઈએ છીએ. પરમ કૃપાળુ પરમાત્માને યાદ કરવા લાગીએ છીએ. વિઘ્નહર્તા ગણપતિ દાદાના ગણેશોત્સવ માટે સરકારે નિયમો સાથે જાહેરાત કરી છે. એ જ રીતે નવરાત્રી માટે પણ નિયમોની જાહેરાત થઈ છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસીસની સંખ્યા નહિવત આવી રહી છે, રસીકરણ મોટી સંખ્યામાં થયું છે. તેથી, પ્રજાની શ્રદ્ધા અને લાગણી સંતોષાય, સાથે જ તહેવારોની ઉજવણીથી હજારો પરિવારોને રોજી મળે તે દિશામાં સરકાર વિચારી રહી હોય એવું મને લાગે છે
દિલીપ ગોહિલ (DG): હાલ કેટલા કેસીસ આવે છે, રસીકરણ કેટલું થયું અને ત્રીજી લહેરની શક્યતા કેટલી એ બધી બાબતોની ચર્ચા નિષ્ણાતો કરતા હોય છે પણ સરકાર નિર્ણયો કરે ત્યારે પ્રજાની 'શ્રદ્ધા અને લાગણી' વધારે જોતી હોય છે. નિષ્ણાતોના અભિપ્રાય અને પ્રજાની 'શ્રદ્ધા અને લાગણી'નો મેળ બેસી જોય તો ભયોભયો, પણ દર વખતે એવું થતું નથી. આ સમગ્ર કોરોનાકાળ દરમિયાન બધી જ સરકારોના નિર્ણયો ક્યારેય સુસંગત જણાયા નથી. ગત વખતે પણ ભક્તોની હાજરી વિના રથયાત્રા નીકળી શકી હોત પણ ત્યારે કારણો જુદાં હતાં. આ વખતે મંજૂરી આપી દીધી અને નિર્વિઘ્ને પાર પણ પડી. એ જ રીતે બોર્ડની પરીક્ષા રદ થઈ પણ કેટલાક લાખ એક્સટર્નલ વિદ્યાર્થીઓની, કેટલીક અન્ય કોમ્પિટિટિવ એક્ઝામ લેવાવાની. ગણેશોત્સવ અને નવરાત્રી સહિતના તહેવારો માટે પણ નિર્ણયો એ રીતે જ લેવાય છે. નિષ્ણાતોના અભિપ્રાયનું વજન હોય એવું મને લાગતું નથી.

(VP): ગુજરાતમાં બીજી લહેરમાં મોટી સંખ્યામાં નાગરિકો સંક્રમિત થયા હતા. તેના કારણે કોરોનાનું રસીકરણ ઝડપી બન્યું છે. પ્રજામાં સારા પ્રતિસાદને કારણે દેશમાં ગુજરાત કોરોના રસીકરણ અભિયાનમાં આગળ રહી શક્યું છે. મારા અભિપ્રાય મુજબ, ગુજરાતમાં હર્ડ ઈમ્યૂનિટી આવી ગઈ હોય એવું તારણ કાઢી શકાય છે. જો કે, હજીય એક જાગૃત નાગરિક તરીકે કેટલીક કાળજી લેવી જેવી જોઈએ એમ હું માનું છું.
(DG): કુશળ ડૉક્ટર્સના સૂચનો પ્રમાણે, કાળજી લેવાની વાત વાજબી જ છે. પરંતુ અમારી અપેક્ષા એ છે કે સરકારે કમસે કમ હવે તો કોરોના બાબતના નિર્ણયોમાં સુંસગતતા અને એકવાક્યતા લાવવી જોઈએ. માસ્ક માટે હજીય હજાર રૂપિયાના દંડના નામે પ્રજાને પીડવામાં આવી રહી છે. પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાં પેટાચૂંટણીનું નક્કી થયું એટલે હવે ગાંધીનગરની અન્ય પાલિકા બેઠકોની પેટાચૂંટણી ગુજરાતમાં પણ જાહેર થઈ. સરકાર પોતાના કાર્યક્રમો કર્યે રાખે પણ ખેડૂતોને કે કોઈ કાર્યકરોને વિરોધ પ્રદર્શન કરવાનું હોય ત્યાં કોરોનાનું બહાનું આપીને મંજૂરી અપાતી નથી. આ પ્રકારનાં ઉદાહરણો હજીય અટક્યાં નથી.

(VP): સરકારની નિર્ણયો લેવાની પોતાની પ્રક્રિયા હોય છે. તેની પાછળનાં કારણો જે પણ હોય પણ તબીબ તરીકે અમે જણાવીશું કે જેમણે રસી લેવાની બાકી હોય તે પહેલાં લઈ લે, પછી ઉત્સવ મનાવવા જાય. પરિવારમાં કોઈની રસી લેવાની બાકી હોય તેણે ઝડપથી લઈ લેવી જોઈએ. રસીનો એક ડોઝ પણ તમને કોરોના સંક્રમિત થવાની તીવ્રતા ઓછી કરે છે. બંને ડોઝ લીધા હોય અથવા તો કોરોનાથી સંક્રમિત થયા હોય એવી વ્યક્તિઓને હવે કોરોના થવાની શક્યતા નહિવત થઈ જાય છે. સામાજિક, ધાર્મિક, રાજકીય કે પારિવારિક કાર્યક્રમોમાં આપણે સ્વયંભૂ કોરોનાના નિયમોનું શક્ય હોય એટલું પાલન હજી પણ કરવું જોઈએ.
(DG): અમે પણ નિષ્ણાતોના અભિપ્રાયને લોકો સુધી પહોંચાડીએ છીએ અને આ સૂચનોનો ધ્યાને લેવાનું કહેતા જ હોઈએ છીએ. સરકારની વાતોમાં આમ પણ લોકોને બહુ ભરોસો હોતો નથી. કોરોનાકાળમાં આવી સ્થિતિ વિશેષ ઊભી થઈ કારણ કે, નેતાઓ સ્ટેજ પરથી સાવધાની લેવાની વાતો કરે અને ટોળાંનાં ટોળાં ભેગાં કરીને બિનધાસ્ત ફરે. તેના કારણે આ નેતાઓ, મીડિયાવાળા, દવાવાળા ખોટ્ટાડા છે અને કોરોના જેવું કંઈ નથી એવી છાપ ગ્રામીણ વિસ્તારમાં બીજી લહેર પહેલાં બહુ જ વ્યાપક રીતે ફેલાઈ હતી.

(VP): અમારા પ્રોફેશનને ધ્યાનમાં રાખીને અમે અમારી ફરજ બજાવતા રહ્યા છીએ. અમે સાચી વાત લોકોને જણાવી જ છે. એ પણ કહેતા આવ્યા છીએ કે ઓનલાઈન ભણતરથી વિદ્યાર્થીઓને ઘણું નુકસાન થયું છે. ભણતર અને ઘડતર બંનેમાં નુકસાન થયું. ગુજરાતની હાલની કોરોનાની પરિસ્થિતિ જોતાં સરકારી નિયમો મુજબ બાળકોને ચોક્કસ શાળાએ અભ્યાસાર્થે મોકલવા જોઈએ. ઓનલાઈન અભ્યાસ સાથે ઈન્ટરનેટનાં અન્ય દૂષણો આવ્યાં, જેને સત્વરે દૂર કરવા જરૂરી છે.
(DG): શિક્ષણના ક્ષેત્રમાં એ જ વક્રતા જોવા મળી હતી. બોર્ડની પરીક્ષા તો લેવાશે જ એવું કહેવાયું અને કેન્દ્ર સરકારે બોર્ડની રદ કરી એટલે બે દિવસમાં બોલ્યું ફરી જવાયું - ગુજરાતમાં પણ બોર્ડની પરીક્ષા રદ થઈ ગઈ. પરીક્ષા કરતાંય લેવાશે કે નહીં લેવાય તેની અસમંજસ વિદ્યાર્થીઓને વધારે મૂંઝવનારી બની હતી. ગયા વર્ષે રથયાત્રા અને નવરાત્રી વગેરે પ્રસંગે આવી જ મૂંઝવણ હતી. ચૂંટણી સભા અને પ્રચાર માટેની મંજૂરીઓ મળી જાય પણ નવરાત્રી માટે ભક્તિ સંગીતના કાર્યક્રમને મંજૂરી ન મળે. ગત વખતે અભિલાષ ઘોડા સાથે આ મુદ્દે ઘણી ટીવી ડિબેટમાં કહ્યું હતું કે વ્યવહારુ અભિગમ રાખવો જરૂરી છે. લોકોને એકઠાં થવાની મંજૂરી ન અપાય. પરંતુ સોસાયટીમાં પાંચ જણ (સલામતી રીતે) એકઠા થઈને આરતી કરી લે અને ભક્તિસંગીતનો કાર્યક્રમ થાય. કલાકારો એકબીજાથી દૂર બેસીને રજૂઆત કરી શકે, સૌ પોતાના ઘરની બાલ્કનીમાં બેસીને તેને માણે. તેની પાછળનો ઇરાદો કલાકારોને રોજગારી મળે તે માટેનો હતો પણ આવા વ્યવહારુ નિર્ણયો લેવાની તૈયારી સરકારની ત્યારે નહોતી કારણ કે, કારણો - પરિબળો કંઈક જુદા હશે. આ વખતે હવે વ્યવહારુ અભિગમ લેવાયો છે ત્યારે કોરોનાના જાણકાર નિષ્ણાતોના સૂચનો સાથે કાળજી સાથે અને નિયમો સાથે ઊજવણી થાય એવી આશા રાખીએ.

(VP): વૈશ્વિક મહામારી આવે ત્યારે શરૂઆતમાં બે વર્ષ સુધી વધુ આક્રમક હોય છે. સમયાંતરે મંદ થતી હોય છે અને બાદમાં મર્યાદિત રીતે બીમારી થતી રહી છે. મેલેરિયા, સ્વાઈન ફ્લૂ, ડેન્ગ્યૂ, ચિકનગુનિયા જેવી બીમારી નાબુદ નથી થઈ પણ હવે તેની સારવાર સહેલી છે. આપણે અને સરકારે પણ યોગ્ય નિયમો અને નિયંત્રણો સાથે કોરોના સાથે પનારો પાડવાનું, તેની સાથે જીવવાનું શીખી જવું પડશે. પેન્ડેમિકની જગ્યાએ હવે એન્ડેમિક સ્ટેજ આવી રહ્યો છે ત્યારે વ્યવહારુ નિર્ણયો લેવામાં આવે અને પ્રજા ખોટા પ્રચારને બદલે યોગ્ય જાણકારીથી આગળ વધે એ સાથે સૌને ગણેશોત્સવની શુભકામનાઓ. ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ કે કોરોનાનું વિઘ્ન દૂર કરે, માતાજીના ગરબા કરીને પ્રાર્થના કરીએ કે આવનાર સમયને ફળદાયી અને વિશ્વ કલ્યાણકારી બનાવે. ॐ सर्वे भवन्तु सुखिनः, सर्वे संतु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःख भाग्भवेत्...ॐ शान्तिः शान्तिः शान्तिः
(ડૉ. વસંત પટેલ જાણીતા ડૉક્ટર અને કોરોનાના અભ્યાસુ છે, દિલીપ ગોહિલ જાણીતા પત્રકાર અને વિશ્લેષક છે)