તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિજિટલ ડિબેટ:માથે દેવું ઘટાડવા વ્યાજના દર ઘટવાની સરકારની દલીલ – દલીલમાં કેટલું વજૂદ, દલીલ કેટલી વાહિયાત?

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રો. હેમન્તકુમાર શાહ (HS): મોદી સરકારે નાની બચત પરના વ્યાજના દર ઘટાડ્યા અને ઘટાડો પાછોય ખેંચી લીધો! અર્થતંત્ર મોરચે મોદી સરકાર કેટલી અણઘડ રીતે કામ કરે છે તેનો આનાથી વધુ સારો દાખલો બીજો હોઈ શકે નહિ. નિર્ણય ટળ્યો તેનું એકમાત્ર કારણ પાંચ રાજ્યોમાં ચૂંટણી છે. લોકો નારાજ થશે એટલે જ અચાનક થૂંકેલું ચાટ્યું! એક એવી દલીલ છે કે વ્યાજના દર ઘટે તો સરકારે ઓછું વ્યાજ આપવું પડે અને દેવાનો બોજો ઘટે. હકીકતમાં એવું થયું નથી. દા.ત. 2013માં PPFમાં 8.7% અને NSCમાં 8% જેટલું વ્યાજ હતું, જે 2021માં અનુક્રમે 7.1% અને 6.8% છે. વ્યાજ ઘટ્યું છતાં ભારત સરકારનું દેવું વધ્યું. 2013-14માં આંતરિક દેવું એટલે કે દેશમાંથી જ લેવાયેલું દેવું રૂ. 53 લાખ કરોડ હતું. જૂન 2020માં તે બમણું થયું - રૂ. 101 લાખ કરોડ.

દિલીપ ગોહિલ (DG): પ્રથમ મુદ્દો જ સ્પષ્ટ કરી દે છે કે નિર્ણય પાછળ અર્થકારણ ઓછું, રાજકારણ વધારે છે. સરકાર દેવું કરે તેનો પણ વાંધો નથી, પણ તેનો હેતુ અર્થતંત્રને ચેતનવંતુ રાખવાનો હોવો જોઈએ. બિનઉત્પાદક ખર્ચા, ઝાકઝમાળ, 8500 કરોડનું વિમાન, કાર્યક્રમો અને પ્રચાર પાછળ નાણાં વેડફાતા જાય છે તે ચિંતા છે. સરકાર દેવું વધારે અને તેને સસ્તું કરવા થોડું વ્યાજ ઓછું કરે તો ચાલે, પણ સામે કરકસરથી કામ થાય છે તેવું દેખાવું જોઈએ.

HS: 2021-22ના બજેટમાં કુલ આવકમાં 36 ટકા દેવું છે, કુલ ખર્ચમાં 20 ટકા દેવા પરની વ્યાજની ચૂકવણી છે. વ્યાજનો દર ઘટાડીએ તો વ્યાજનો બોજો ઘટે એમ સરકાર માને છે, પણ દેવું વધારે લીધા કરે છે એટલે વ્યાજનો બોજો ઘટતો જ નથી. આ રીતે વ્યાજના દર ઘટાડવાથી સરકારનો કોઈ હેતુ સરતો નથી. ભારતની GDP 2020-21માં રૂ. 196 લાખ કરોડ છે અને આંતરિક દેવું રૂ. 101 લાખ કરોડ એટલે કે GDPના 52 ટકા જેટલું છે. આ પ્રમાણ ઘણું વધારે છે. 2021-22ના બજેટમાં જ રૂ. 15 લાખ કરોડનું દેવું લેવાનો અંદાજ મૂકેલો છે. 2020-21માં 18.49 લાખ કરોડનું દેવું થયું, જે 2019-20માં રૂ. 9.34 લાખ કરોડ હતું. આમ, આગલા વર્ષ કરતાં દેવું બમણું લેવાઈ ગયું છે, વ્યાજના દર ઘટાડેલા છતાં. એટલે વ્યાજના દર ઘટે તો સરકારનું દેવું ઘટે છે એ વાતમાં કોઈ દમ નથી.

DG: ફરી વાર, દેવું ભલે વધે, પણ રૂપિયો વસૂલીને ખર્ચ કરે. એફિશિયન્સી સૌથી અગત્યનો શબ્દ છે, જે કમનસીબે સરકારી ડિક્શનરીમાં હોતો નથી. દેવું ભલે કરે, પણ પ્રજાનો એક એક પૈસો પ્રજાહિતમાં વપરાયો છે તેવી રીતે હિસાબ આપવો જોઈએ.

HS: ભારત સરકારના 52 લાખ પેન્શનર્સ છે. બીજા એટલા જ રાજ્ય સરકારોના. આ વર્ગ પેન્શન અને વ્યાજ પર જીવે છે. તેમને ફટકો પડશે, તેમનું બજેટ ખોરવાઈ જશે; વ્યાજ ઓછું મળતાં ખર્ચ ઘટાડશે, અર્થતંત્રમાં માગ ઘટશે ને મંદી વધશે. કોરોનાની વણસેલી સ્થિતિ વચ્ચે વ્યાજના દર ઘટાડવા સહેજે હિતાવહ નથી. વ્યાજનો દર એ અર્થતંત્રનું ચાલક બળ છે, પણ સરકારમાં થોડું અર્થશાસ્ત્ર ભણેલું કોઈક જોઈએ તે સમજવા માટે.

DG: ચૂંટણીઓ જીતવી તે એકમાત્ર લક્ષ્ય હોય ત્યારે અર્થશાસ્ત્રીઓ નહીં, ચૂંટણી-શાસ્ત્રીઓની બોલબાલા રહેવાની. ભારતમાં પેન્શનરો પાસે અને મધ્યમ વર્ગ પાસે બેન્કોમાં FD મૂકવી એ સિવાય ભાગ્યે જ કોઈ હાથવગો વિકલ્પ છે, ત્યારે તેમના માટે કોરોના કાળમાં પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે.

HS: ઓછા વ્યાજ દર છતાં લોકો બચત કરે છે. સરકારી બેંકોમાં 2020ના અંતે રૂ. 146 લાખ કરોડની થાપણો છે. નાની બચત માત્ર 8 લાખ કરોડની જ છે. એટલે વ્યાજ દર ઘટે તો ભારતમાં બચત ઘટે એવું બનતું નથી. દેશમાં બચત-જીડીપી પ્રમાણ માર્ચ-2020માં 31.4 હતું અને માર્ચ-2019માં 30.6 ટકા હતું. ભારત આ બાબતમાં દુનિયાભરમાં કદાચ પ્રથમ સ્થાને છે. એટલે વ્યાજના દર ઘટ્યા તો પણ લોકોએ બચત વધારે કરી!

DG: એ જ મુદ્દો છે – જનતા જાયે તો જાયે કહાં. ખાસ કરીને નિવૃત્તિ પછી વ્યાજ સિવાય કોઈ આવક નથી હોતી. વિકસિત દેશોમાં તમે 60 વર્ષના થાવ એટલે મહિને 60 હજારનું પેન્શન આપે. તેઓ વ્યાજના દરની પરવા ના કરે, પણ ભારતનો પેન્શનર ડૂબી જાય. કાંતો વૃદ્ધાવસ્થામાં પેન્શન ચાલુ કરો, કાંતો વ્યાજના દર વધારો. કંઈ નહીં તો છે એટલા તો રાખો.

HS: સરકારનાં દેવાં વિષે ચિંતા કરવાની જરૂર નથી. જાણીતા અર્થશાસ્ત્રી એ. પી. લર્નર એમ કહે છે કે ‘આંતરિક દેવું એ દેવું છે જ નહિ.’ સરકાર લોકો પાસેથી દેવું લે અને વ્યાજ સહિત તેમને પાછું આપે. નાણાં દેશના અર્થતંત્રમાં જ ફરતાં રહે છે એટલે સરકારના સ્વદેશી દેવાની ચિંતા ના કરો એવી લર્નરની વાત સાચી છે. વધારે અગત્યનું એ છે કે સરકાર દેવું લઈને શામાં વાપરે છે. મોદી સરકાર ઉડાઉ ખર્ચા મોટા પ્રમાણમાં કરે છે તેવી છાપ વ્યાપકપણે ઊભી થયેલી છે. બીજું કે સરકારનું દેવું ઘટે એમ લોકો ઈચ્છતા હોય તો વધુ વેરા ભરવા માટે તૈયાર રહેવું પડે. ભારત સરકાર GDPના 18 ટકા જેટલો ખર્ચ કરે છે, પણ વેરાની આવક 10 ટકા કરતાં ઓછી છે. તેથી બાકીના આઠ ટકા ખર્ચ માટે દેવું કરે છે. નાગરિકો વધારે વેરો ભરવા તૈયાર ના હોય તો પછી સરકાર દેવું લે. તે સસ્તું કરવા વ્યાજના દર ઘટાડે.

DG: પણ સરવાળે બોજ તો કન્યાની કેડે જ આવ્યો. કયો નાગરિક કેટલો વેરો ભરે તે સવાલ અગત્યનો છે. મોદી સરકારે કોર્પોરેટ ટેક્સ ઓછો કરીને ઉદ્યોગપતિઓને રાહત આપી, મધ્યમ વર્ગને કઈ અને કેટલી રાહત આપી? થોડી રાહત આપી હશે તે પેટ્રોલ-ડીઝલ પર વેરો નાખીને પાછીય લઈ લીધી. વેરા વધારવા જોઈએ, પણ સુપર રીચ લોકો પર. સુપર રીચ વારસા પર. સુપર રીચ કન્ઝમ્પશન પર.

HS: એમ પણ લાગે છે કે સરકાર લોકોને શેર બજાર, બોન્ડ બજાર અને મ્ય્ચ્યુઅલ ફંડ તરફ દોરવા માગે છે. વ્યાજ દર ઘટે તો લોકો આ બજારો તરફ વળે. પણ સરકારને એ ખબર હોવી જોઈએ કે દેશમાં માત્ર અઢી કરોડ લોકો જ શેર બજારમાં રોકાણ કરે છે અને દેશની કુલ બચતના માત્ર 8.0 ટકા બચત જ શેર બજારમાં રોકાય છે. ભારતના લોકોને જોખમી બચતરૂપી રોકાણ મંજૂર નથી એ બહુ પહેલેથી એણે સરકારને કહી દીધું છે પણ સરકાર એ સાંભળવા તૈયાર નથી.

DG: સરકાર આવી તાર્કિક વાતો સાંભળતી જ નથી. ભાજપ સરકારને ધ્રુવીકરણ, સમીકરણ, જ્ઞાતિકરણ, પ્રચારકરણ, ઇલેક્ટોરલ બોન્ડથી મળતા મનીકરણ અને સોશિયલ મીડિયામાં ફૅકકરણમાં જ રસ છે. કૃષિમાં વેપારીઓને પૂછીને બધી છૂટ આપી દીધી, પણ નિયંત્રણ માટેની એકેય સંસ્થા નહીં – એ તો ભોગવશે ખેડૂતો. એ રીતે ભોગવશે મધ્યમ વર્ગ.

HS: આમેય મોદી સરકાર લોકોની મનકી બાત ક્યાં સાંભળે છે? બસ, લોકોને મનકી બાત કહ્યા કરવાની. કહી, લોકોએ સાંભળી પણ પછી થૂંકેલું ચાટવું પડ્યું. ભલું થાજો એ લોકોનું, અને પાડ માનો એ નેહરુ, આંબેડકર, સરદાર અને આખી બંધારણ સભાનો કે જેમણે 73 વર્ષ પહેલાં બંધારણ ઘડીને લોકશાહી આપી આ દેશને કે જેમાં ચૂંટણીઓ થાય. પાંચ રાજ્યોમાં ચૂંટણી જ ના આવતી હોત તો શું તમે એમ માનો છો કે મોદી પોતાનું થૂંકેલું ચાટે?

(પ્રો. હેમન્તકુમાર શાહ જાણીતા અર્થશાસ્ત્રી છે, દિલીપ ગોહિલ વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક છે)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો