‘શોભા, એ શોભા, ક્યાં ખોવાઈ ગઈ? જલ્દી જલ્દી હાથ હલાવ. હજી બીજાં પણ ઘણાં કામ પડ્યાં છે.’ સાસુ શાંતાબેને પોતાની વિધવા મોટી વહુ શોભાને કહ્યું. ત્યાં નાનો દીકરો મનીષ તેની પત્ની રૂપલ સાથે હાથમાં હાથ પરોવી ઘરમાં દાખલ થયાં. મનીષે રૂપલને કહ્યું, ‘રૂપલ, ભાભી માટે પાણી લઈ જા.’ રૂપલ ભાભીને કામમાં મદદ કરવા લાગી. શોભા ઘણી ના પાડતી રહી, પણ છતાં રૂપલ સાફસફાઇના કાર્યમાં જોડાઈ ગઈ. શાંતાબેને રૂપલને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ એ ન માની. શાંતાબેન નવી અને નાની વહુને જોતાં જ રહ્યાં. શોભાને રૂપલમાં દેરાણીનાં રૂપમાં નાની બેનનાં દર્શન થયાં. ઘર આખાની સફાઇ થઈ ગઈ. ખબર ન પડી શોભાને. રૂપલ ક્યારે પોતાના રૂમમાં જતી રહી એ પણ. ત્યાં સાસુનો સાદ આવ્યો, ‘શોભા...’ શોભા એકદમ ઊભી થઇ દોડતી આવી. ‘હા મા, બોલોને...’ ‘મહેમાનો આવવાનો સમય થઇ ગયો છે. જલ્દી તૈયાર થઇ જા. અને હા, રૂપલને કહું છું, તને કોઈ સારી સાડી પહેરાવે નહીં તો મહેમાનોમાં અમને ખરાબ લગાડીશ.’ મોં મચકોડી શાંતાબેન ઊભાં થઈ રૂમ બહાર નીકળી રૂપલના રૂમ તરફ ગયાં. શોભા પણ સાસુની પાછળ આવી. તરત જ શાંતાબેને આડો હાથ રાખી શોભાને બહાર જ રહેવા ઈશારો કર્યો. શોભાના પગ એકાએક થંભી ગયા. બારણે ઊભી રહી. અંદરની સજાવટ જોઈ રહી. પાંચ વર્ષ પહેલાં સુબોધ સાથે પરણીને આ ઘરમાં આવી. ત્યારે આ જ ઓરડો સ્વર્ગ સમાન હતો. સુબોધ સાથે મળીને અનેક સપનાંઓથી ઓરડાને સજાવ્યો હતો. કેટલાં જલ્દી એ સપનાં રોળાઇ ગયાં! શોભાના કાને સાસુનો અવાજ પડ્યો, અને શોભા સ્વપ્નમાંથી જાગી હોય એમ ચમકી. શાંતાબેન રૂપલને કહી રહ્યાં હતાં, ‘બેટા રૂપલ, થાકી ગઈને! મેં કેટલી ના પાડી’તી દીકરાં. તોય ન માની.’ બહાર ઊભેલી શોભા ભૂતકાળમાં સરી પડી. આ જ શબ્દો સાસુનાં મુખે વર્ષો પહેલાં પોતાનાં માટે સાંભળેલા, ત્યારે સુબોધે કહેલું મારી મા જેવું મમતાળું કોઈ નથી. માએ દીકરા-વહુ બંનેને પોતાને ગળે વળગાડેલાં. ત્યારે એવું લાગેલું કે, મને સાસુના સ્વરૂપમાં મા મળી ગઈ, જે ક્યારેય જોઇ ન હતી. એક સફળ અને કરોડોની મિલકતના માલિક એવા સુબોધ મળ્યા અને જાણે તરસ છીપાણી હતી. શોભાના કાને ફરી અવાજ સંભળાયો. એને અંદર કૈંક ગુસપુસ થતી હોય એમ લાગ્યું. એણે કાન માંડ્યા. રૂપલ બોલતી હતી, ‘અરે મમ્મીજી, એમાં શું થયું? ભાભી તો હવે થોડા દિવસનાં મહેમાન છે. એટલે થોડો ટેકો આપું તો એમને સારું રહે. આજ મહેમાનો આવે છે, ભાભીને જોવા અને પાકું જ સમજો. સુકુમાર ખૂબ યોગ્ય છે, ભાભી માટે. વળી સારું કમાય છે.’ ‘હા બેટા, જેવી તારી મરજી.’ શાંતાબેને અણગમા સાથે ઊભાં થતાં કહ્યું, ‘બેટા, શોભાને સારી સાડી આપજે અને તૈયાર કરવાની જવાબદારી તારી છે. બાકી એ મહારાણી મહેમાનોની હાજરીમાં આપણને ખરાબ ચીતરશે. બિચારી થઈને ઊભી રહેશે, કરમફૂટલી.’ સાસુના શબ્દો બહાર ઊભેલી શોભાને શૂળીની જેમ ભોંકાયા, પણ શોભા મનોમન બોલી, ‘સાચું જ કહે છે ને! કરમફૂટલી જ છું ને!’ પરણીને આવી ત્યાર પછી બે વર્ષ માંડ સુખ ભોગવ્યું. સુબોધે પોતાને બે વર્ષમાં સ્વર્ગનું સુખ આપ્યું હતું અને સુબોધ અચાનક બીમાર પડ્યા. કોઈ ખામી ન હતી આ ઘરમાં. બસ છે તો મારા સુબોધની ખોટ, ન પૂરી શકાય એવી. મને પોતાની કરોડોની મિલકત આપી પોતે નિરાંતની સોડમાં સૂઈ ગયા. ‘હું તો ખારા જળની માછલી, એને મીઠાં જળની વાટ ક્યાંથી હોય..?!’ આંસુનું એક બુંદ પડે ન પડે ત્યાં સાદ આવ્યો. ‘ભીંત ગરોળીની જેમ ઊભી છો શું? રૂપલ બેટા, આને તૈયાર કરી દે.’ સાસુ કડકાઈ ભરેલાં કડવાં વેણ વેરી જતાં રહ્યાં. રૂપલે મુખ ઉપર અદમ્ય સૌમ્યતા ધારણ કરી શોભાને પોતાના ઓરડામાં લીધી. શાંતાબેન પતિ રમણિકભાઈ સાથે મહેમાનોની આગતા-સ્વાગતામાં લાગી ગયા. થોડીવારમાં ચા-નાસ્તાની ટ્રે સાથે રૂપલ સુંદર સાડીમાં સજ્જ શોભાને લઈ આવી. શોભા એક સેલથી ચાલતી પૂતળી જેવી લાગતી હતી. સાસુએ બેસવા ઈશારો કરતાં જ શોભા સોફા પર બેસી ગઈ. સુકુમારની નજર શોભા પર ક્યારની મંડાયેલી હતી. સુકુમારે શોભા સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરતાં જ શાંતાબેન મહેમાનોને લઈ બહાર આવ્યાં. શોભાને આ બધું એક નાટક જેવું લાગ્યું. જિંદગી પણ અજીબ ખેલ ખેલે છે. સુકુમારે શોભાને પૂછ્યું, ‘આ સંબંધ તમારી મરજીથી થઈ રહ્યો છેને?’ ત્યારે શોભાએ કહ્યું, ‘હા, એમાં મરજી શું હોય? મરજીવાને મોતીની તલાશ હોય એમ મને મીઠાં જળની.... ફરી નવું શું થવાનું?’ શોભાની થોડીક વાતમાં રહેલી ભારોભાર કરુણા સુકુમારને સ્પર્શી. એણે માત્ર એટલું જ કહ્યું, ‘હું પ્રયત્ન કરીશ. મીઠું ઝરણું બનવાનો.’ મહેમાનો ગયા પછી માતા-પિતા સમાન સાસુ-સસરા અને દિયર-દેરાણીને મળવા શોભાએ વારાફરતી બધાને શોધ્યાં, પણ કોઈ દેખાયું નહીં. છેવટે એક રૂમ પાસેથી પસાર થતાં જ તેના પગ થંભી ગયા. મોટેથી શાંતાબેનનો આવાજ આવી રહ્યો હતો. ‘બલાને આખરે વિદાય આપીએ પછી જ છૂટકો.’ ત્યાં રૂપલ બોલી, ‘અરે મમ્મીજી, ધીમે બોલો, દીવાલને પણ કાન હોય. લગ્ન સુધી જાળવો, નહીં તો કર્યા ઉપર પાણી ફરી વળશે.’ મનીષે રૂપલની પીઠ પર હાથ મૂકતાં કહ્યું, ‘હા મોમ, ધીમે... રૂપલ સાચું જ કહે છે. હજી ભાભી પાસે સહી કરાવવાની બાકી છે. પછી બધી વાત.’ અને બધાનાં અટ્ટહાસ્ય સાથે ભોંયતળિયું ગૂંજી ઊઠ્યું. શોભાને અંદેશો હતો. હવે ખાતરી થઈ, તોયે પોતાના સ્ટોર રૂમમાં આવી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. આ બધું સુબોધની મિલકત માટે હતું. એ રસોડામાં ગઈ. જે હાથ પકડી સુબોધ આ ઘરમાં લાવ્યો હતો એ જ હાથ, જે હાથમાં એણે પોતાના મહેનતની કમાણી મૂકી હતી એ જ હાથ. ગેસ ક્યારનો શરુ થઇ ગયો હતો. શોભાના હાથ હજી ગેસના તાપ હેઠળ અદમ્ય શીતળતા પામી રહ્યા હતાં. કોઈ પણ પ્રકારની બળતરા શોભાને સ્પર્શી નહોતી શકતી. બળેલાને વળી કેવી બળતરા! આખરે શોભા બેભાન થઈ ઢળી પડી. આંખો ખૂલી ત્યારે સુબોધની મિલકતનાં લાલચુ પરિવારજનો, સુકુમારનાં પરિવારજનો પાસે ઊભા હતાં. બંને હાથમાં પાટા હતા. લાલચુ કુટુંબીઓના ચહેરા પર અજબનો ફડકો હતો, જે શોભાએ સ્પષ્ટ જોયો, પણ સુકુમારની આંખોમાં હજી પણ પહેલાં જેવી નિર્મળતા જોઈ. એકાદ મહિનામાં શોભાના હાથના ઘાવ રુઝાઈ ગયા, પણ મન ઉપર પડેલા ઘાવ હજુ તાજા જ હતા. સૌના મનમાં એક જ પ્રશ્ન હતો, ‘સુકુમાર હવે લગ્ન કરશે? આ બલા સાથે?’
બીજા દિવસે સુકુમાર ઘરમાં દાખલ થયો. ‘હવે કોર્ટ વિધિ કરી લઈએ.’ બધાના ચહેરા પર નૂર આવ્યું. રૂપલ શોભાને તૈયાર કરી લઈ આવી. શોભાએ છેલ્લી નજર ઘર, પરિવાર પર નાખી. સુબોધનો ફોટો તો રાત્રે જ પોતાની સાથે લઈ લીધો હતો. હવે કંઈ બાકી ન રહ્યું અહીં. સુકુમાર સાથે એ ફટાફટ ઘર બહાર નીકળી ગઈ. લગ્નની પ્રોસેસ પૂરી થઈ. રૂપલ -મનીષે અભિનંદન આપી કહ્યું, ‘એક કાગળમાં સહી બાકી છે, ભાભી.’ શોભા એ જ કાગળની રાહમાં હતી. એણે કહ્યું, ‘લાવો કાગળ, કઈ સહી બાકી છે હવે? સુબોધની પ્રોપર્ટીની?’ રૂપલ-મનીષ ગભરાઈને એકબીજાની સામે જોઈ રહ્યાં. શોભાએ કહ્યું, ‘મનીષભાઈ, મારી સહી હવે કોઈ કામની નથી. મેં બધી જ પ્રોપર્ટી અનાથ આશ્રમમાં અને વૃદ્ધાશ્રમમાં આપી દીધી છે.’ શાંતાબેન લાલ આંખે પતિની સામે જોઈ રહ્યાં. શોભાએ કહ્યું, ‘મા-બાપુજી કદાચ તમારે વૃદ્ધાશ્રમ જવાનું થાય તો તમારા દીકરાનું જ ઘર સમજજો.’ ખારા જળમાં ઊછરેલી, કેટલાંય વર્ષો જીવેલી શોભા સુકુમાર સાથે મીઠાં જળની વાટે નીકળી પડી.
(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.