તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇટ્સ કોમ્પ્લિકેટેડ:લગ્ન કરવાં એટલે સંલગ્ન થવા તરફ ગતિ કરવીઃ લગ્નસંસ્થા અકુદરતી હોવા છતાં કેમ ઈચ્છનીય છે?

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

પતિ-પત્નીનો સંબંધ સૌથી મહત્ત્વનો હોવા છતાં તેના વિશે સૌથી ઓછું લખાય છે કે સૌથી ઓછું ચર્ચાય છે. દરેક સફળ પુરુષની સફળતા પાછળ એક સ્ત્રીનો હાથ હોય જ છે અને એ સ્ત્રી મોટાભાગે પત્ની હોય છે. જાણીતાં સમાજસેવિકા સુધા મૂર્તિ કહે છે કે, દરેક સફળ સ્ત્રીની પાછળ એક સમજદાર પતિનો હાથ હોય છે. સ્ત્રી અને પુરુષ જ્યારે પતિ-પત્નીના રૂપમાં હોય છે ત્યારે એકબીજાનાં પૂરક હોય છે.

પતિની ઘટ પત્ની પૂરે છે અને પત્નીની અધૂરપ પતિ પૂર્ણ કરે છે. એકબીજા વિના અધૂરાં અને એકબીજાની સાથે મધૂરાં. મનોચિકિત્સકો એમ કહે છે કે, દરેક સ્ત્રીમાં એક પુરુષ હોય છે અને દરેક પુરુષમાં એક સ્ત્રી હોય છે. વિનોબા ભાવે કહેતા કે, દરેક પુરુષે સ્ત્રીના ગુણો આત્મસાત કરવા અને દરેક સ્ત્રીએ પુરુષના ગુણો કેળવવા એ મોક્ષની ગતિ છે.

લગ્નસંસ્થા એ કુદરતી ન હોવા છતાં સમાજની સુચારુ વ્યવસ્થા માટે જરૂરી સંસ્થા છે. સંસ્થા માત્ર મર્યાદાઓને પાત્ર એ રીતે લગ્નસંસ્થાની પણ અનેક મર્યાદાઓ છે પણ માનવજાત તેનો કોઈ શ્રેષ્ઠ વિકલ્પ શોધી શકી નથી. રાજકીય પ્રણાલીમાં લોકશાહી, આર્થિક પ્રણાલીમાં મૂડીવાદ અને સામાજિક પ્રણાલીમાં લગ્નસંસ્થા.. આ ત્રણેયની ઘણી લિમિટેશન્સ હોવા છતાં તેનો કોઈ યોગ્ય વિકલ્પ ન મળ્યો હોવાથી વિશ્વ તેનાથી કામ ચલાવે છે.

સમાજિક માળખામાં લગ્નસંસ્થાની ભૂમિકા મોટી છે. કવિવર ઉમાશંકર જોશી કહેતા કે સ્ત્રી અને પુરુષમાં પરસ્પર પ્રેમ અને આકર્ષણ મૂકીને કેટલું અદભુત કામ કર્યું છે! એ બહાને એક અડધી દુનિયા બીજી અડધી દુનિયાને સતત ચાહ્યા કરે! સ્ત્રી અને પુરુષમાં કુદરતી રીતે જ વિજાતીય આકર્ષણ હોય છે. લગ્ન આ આકર્ષણને પોષે છે. ભગવાને દરેક વ્યક્તિમાં કામ, ક્રોધ, લોભ અને મોહની વૃત્તિ આપી છે. આ વૃત્તિને જો પોષવામાં ના આવે તો ઘણી ગંભીર સમસ્યાઓ ઊભી થાય. લગ્નસંસ્થા વ્યક્તિની કામનાની વૃત્તિને પોષે છે, સંયમિત કરે છે અને સમાજમાં આ ક્ષેત્રમાં અરાજકતાને અટકાવે છે.

લગ્ન એ ભલે પવિત્ર ગણાતાં હોય પણ છેવટે તો એ બંધન જ છે. આ પૃથ્વીમાં અવતરતું દરેક પ્રાણી મુક્ત હોય છે. સ્વતંત્રતા તેની પહેલી જરૂરિયાત હોય છે. પ્રાણી માત્ર, સ્વતંત્રતાને પાત્ર. એમાંય સામાજિક અને બુદ્ધિશાળી પ્રાણી ગણાતો માણસ તો સ્વતંત્રતા પહેલી ઝંખે. માણસજાતે જ્યારે સમાજની રચના નહોતી કરી ત્યારે માણસ સ્વૈરવિહારી હતો, મનસ્વી હતો. ઈચ્છે ત્યાં ફરતો. ટોળામાં રહેતો. સ્ત્રી અને પુરુષ, અન્ય પ્રાણીઓની જેમ જ ઈચ્છા થાય તેની સાથે રહેતાં અને ફરતાં. શરીરના સંબંધો પણ પોતાની રીતે અને પ્રીતે, ઈચ્છા થાય તેની સાથે બાંધતાં. એ સંબંધો કાયમી પણ નહોતા. સ્ત્રી કે પુરુષ બન્નેમાંથી કોઈને કોઈપણ પ્રકારનું બંધન નહોતું.

લગ્નસંસ્થાએ સમાજમાં એક સુંદર વ્યવસ્થા ઊભી કરી છે. સ્ત્રી અને પુરુષ કોઈ એક પાત્ર સાથે આખું જીવન જીવે છે. તેમની જાતીય જરૂરિયાત સંતોષાય છે અને કુટુંબનું નિર્માણ પણ થાય છે. એમાંથી ઘર જન્મે છે અને ઘર કે કુટુંબ તો સદગુણોનું ધરોવાડિયું ગણાય છે.

લગ્નસંસ્થાની પણ ઘણી મર્યાદાઓ છે. છેવટે તો તે અકુદરતી છે. સ્ત્રી અને પુરુષ સ્વભાવે એક કરતાં વધારે પાત્રોને ઝંખતાં પ્રાણીઓ છે. એ સહજ છે. એ કુદરતી છે. જો સ્ત્રી અને પુરુષ પોતાને ઈચ્છા થાય તે રીતે મન ફાવે એટલી સંખ્યામાં વિજાતીય સંબંધો બાંધે, પોતાની જાતીય વૃત્તિને સંયમિત કરવાને બદલે સતત તેને શમાવવા પ્રયાસ કરે તો ભારે અરાજકતા પ્રસરે.

રવીન્દ્રનાથ ટાગોર કહેતા કે ભગવાને આપણને અવાજ આપ્યો છે. એ અવાજને પરોટીને, રિયાઝ કરીને, તાલીમ લઈને તેમાંથી સુંદર સ્વર નિપજાવી શકાય અને એ જ અવાજથી ઘાંટો પણ પાડી શકાય. દરેક મનુષ્યની દિશા અવાજમાંથી સુંદર સ્વરનું નિયોજન કરવાની જ હોવી જોઈએ.

લગ્નસંસ્થા પણ ઘાંટાને બદલે સ્વર તરફની દિશા અને વ્યવસ્થા છે. એમાં પડકારો છે અને પ્રશ્નો પણ છે. કાયમી તેમાં બધું યોગ્ય રીતે જ ચાલે છે એવું નથી. ક્યારેક કોઈકને તેમાં એકબીજા સાથે ન ફાવતું હોય તો સમજીને-પ્રેમથી છૂટાં પડવું એ સૌથી ઉત્તમ વિકલ્પ હોય છે.

હમણાં માઇક્રોસૉફ્ટ કંપનીના સંસ્થાપક બિલ ગેટ્સ અને તેમનાં ધર્મપત્ની મેલિંડા ગેટ્સે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. બંનેએ કહ્યું કે, 'અમને નથી લાગતું કે અમે સાથે આગળ વધી શકીશું.' 27 વર્ષના લગ્નજીવનને તેઓ સમજીને પૂર્ણ કરશે. તેમને ત્રણ બાળકો છે. સમજીને લગ્નસંસ્થામાં પ્રવેશ કરવો એ જેમ યોગ્ય નિર્ણય છે, તેમાં જો સાથે ના જ રહી શકાય તેમ હોય તો સમજીને પરસ્પર સંમતિથી છુટા પડવું એ પણ યોગ્ય જ નિર્ણય છે.

લગ્નસંસ્થાની તેમાં જ ગરિમા છે. આવા કિસ્સાથી લગ્નસંસ્થાનું ગૌરવ ઘટવાને બદલે વધે છે.
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)