એક્સપ્લોર ઇન્ડિયા:ગાંધીજીની કર્મભૂમિ 'કોચરબ આશ્રમ': સત્યની પૂજા અને સત્યની શોધના આગ્રહના કારણે 'સત્યાગ્રહ આશ્રમ' નામ પડ્યું

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

'મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારો ભગવાન છે. અહિંસા તેને અનુભવવાનું સાધન છે.' - મહાત્મા ગાંધી

મહાત્મા ગાંધીના જીવનના શરૂઆતના દિવસો બાદ હવે સ્વાધીનતાના યજ્ઞની શરૂઆત થવાની હતી. રાજકોટમાં અભ્યાસ બાદ વિલાયત અને દક્ષિણ આફ્રિકામાંથી પરત ફર્યા બાદ મહાત્મા ગાંધીજીએ લાંબો સમય ભારત ભ્રમણ કર્યું અને અંતમાં અમદાવાદમાં રહેવાનું નક્કી કર્યું. તેમની આત્મકથામાં જણાવ્યા અનુસાર, એક ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા મારફતે દેશની વધારે સેવા કરી શકશે અને અમદાવાદ પૂર્વે હાથવણાટનું મથક હોવાથી રેંટિયાનું કામ પણ અહીં સારી રીતે થઈ શકે. આ ઉપરાંત, પાટનગર હોવાના કારણે ધનાઢ્ય લોકો ધનની વધારે મદદ દઈ શકે તે આશાએ 25 મે, 1915ના રોજ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના કરવામાં આવી. આમ અમદાવાદ ગાંધીજીની કર્મભૂમિ બન્યું. આ આશ્રમ ગાંધીજી દ્વારા ભારતમાં સ્થાપવામાં આવેલા આશ્રમમાં સૌ પ્રથમ છે. ગાંધીજીના મિત્ર જીવણલાલ બારિસ્ટર પાસેથી આ મકાન ભાડે લેવામાં આવ્યું હતું. સત્યની પૂજા અને સત્યની શોધના આગ્રહના વિચાર સાથે આ આશ્રમનું નામ ‘સત્યાગ્રહ આશ્રમ’ રાખવામાં આવ્યું. આશ્રમજીવનની વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓની અહીંથી જ શરૂઆત કરવામાં આવી હતી. આ સાથે આશ્રમ ચલાવવા માટે નિયમાવલિ બનાવમાં આવેલી હતી. આશ્રમના દરેક વ્યક્તિએ સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, આસ્વાદ, અપરિગ્રહ જેવાં અગિયાર વ્રતો પાળવા ફરજીયાત હતાં. મહાત્મા ગાંધીજી અને કસ્તુરબા જે દિવસે દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા તે દિવસની વિશાળ તસવીર અહીં રાખવામાં આવી છે. અહીં આશ્રમમાં આશ્રમવાસી અને મહાત્મા ગાંધીજી દ્વારા કરવામાં આવેલી પ્રવૃત્તિઓના ફોટોગ્રાફ અને માહિતીનું પ્રદર્શન અહીં કરવામાં આવેલું છે. ગાંધીજી અને અન્ય આશ્રમવાસી ભાઈઓ અને બહેનો જ્યાં બેસતા એવા અલગ અલગ ખંડ વગેરે. 1917 આસપાસ મરકીના રોગના કારણે ગાંધીજી અને અન્ય આશ્રમવાસીઓએ કોચરબ આશ્રમ છોડવો પડ્યો અને ત્યારબાદ અમદાવાદમાં જ સાબરમતી નદીના તટે આશ્રમની સ્થાપના કરી.

આ એ જ સ્થળ છે જ્યાં મોહનદાસ ગાંધીમાંથી મહાત્મા ગાંધી બનવાનું ખેડાણ થયું હતું
આ એ જ સ્થળ છે જ્યાં મોહનદાસ ગાંધીમાંથી મહાત્મા ગાંધી બનવાનું ખેડાણ થયું હતું

પ્લેગના રોગના લીધે 1917માં આશ્રમ માટે નવી જગ્યાની જરૂરિયાત ઊભી થઇ. તેની ખોજ અમદાવાદની જેલ અને સ્મશાન વચ્ચેની જગ્યાએ આવીને પૂરી થઈ. બાપુના શબ્દો અનુસાર આશ્રમ શહેર અથવા ગામથી અલગ રાખવું, ફળ, ઝાડ, ખેતી, ઢોર વિના આશ્રમ અપૂર્ણ કહેવાય. કોચરબ આશ્રમમાં આ શક્ય બનતું નહોતું. તેથી, આ જગ્યા આશ્રમ માટે ગાંધીજીને સારો વિકલ્પ લાગ્યો. 1917થી 1930 સુધી મહાત્મા ગાંધી અને મોટાભાગની રાષ્ટ્રીય પ્રવૃત્તિઓનું આ સ્થળ કેન્દ્ર બન્યું હતું. 17 જૂન, 1917ના રોજ આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. આ એ જ સ્થળ છે જ્યાં મોહનદાસ ગાંધીમાંથી મહાત્મા ગાંધી બનવાનું ખેડાણ થયું હતું. અહીં પ્રવેશદ્વાર પર વિવિધ ભાષામાં સાબરમતી આશ્રમ લખાણ સાથે 1917થી 2017 આશ્રમનાં સો વર્ષની સફર દર્શાવે છે. હાલના સાબરમતી આશ્રમમાં ગાંધીજીના વિચારો, સંદેશાઓ, ફોટોગ્રાફ્સ, કેટલાક દુર્લભ પત્રો, મુખ્ય આશ્રમવાસીઓનો પરિચય, આશ્રમની પ્રવૃત્તિઓની માહિતી, વિવિધ પ્રકારના ચરખાઓ, નમક સત્યાગ્રહની શિલ્પ પ્રતિકૃતિ, વિવિધ પ્રાદેશિક ચરખાઓ જેમ કે, ખેડૂતનો ચરખો, સૂતરકોણ પંજાબ ખંડા રેંટિયાં, આંધ્ર ખડા રેંટિયાં, સૂતર કાતણ ગાંધી ખડા રેંટિયો, ધનુષ પિંજણ, પૂની પાટલા - સલાઈ તકલી, સાબરમતી ઓટલી, યરવડા ચરખા, બારડોલી રેંટિયો વગેરે જેવા વિવિધ વિસ્તારોના રેંટિયો તમને આશ્રમમાં જોવા મળશે.

ઓસરીની બાજુમાં એક ઓરડો છે, જ્યાં મહાત્મા ગાંધીજી રેંટિયો કાંતતા અને અહીં જ બહારથી આવેલા લોકો સાથે મુલાકાત લેતા હતા
ઓસરીની બાજુમાં એક ઓરડો છે, જ્યાં મહાત્મા ગાંધીજી રેંટિયો કાંતતા અને અહીં જ બહારથી આવેલા લોકો સાથે મુલાકાત લેતા હતા

સાબરમતી આશ્રમ કે જે ‘હરિજન આશ્રમ’ તરીકે પણ ઓળખાય છે. આ જ જગ્યાએ ગાંધીજીએ અશ્પૃશ્યતા જેવા કલંકને દૂર કરવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. સાબરમતી આશ્રમનું હૃદય કહી શકાય એવું મહાત્મા ગાંધીજીનું આશ્રમનું નિવાસ સ્થાન એટલે હૃદયકુંજ. આ નામ કાકા સાહેબ કાલેલકર દ્વારા આપવામાં આવેલું. અહીં જ દેશ અને વિદેશના નેતાઓ ગાંધીજીને મળવા આવતા હતા. હાલમાં આ સ્થળને સ્મારક તરીકે સંરક્ષિત કરવામાં આવ્યું છે. સાબરમતી નદીના કાંઠે આવેલું આ ઘર મહાત્મા ગાંધીના સાંનિધ્યનું સાક્ષી કહી શકાય. અહીં પહોંચતાં જ મનમાં 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...'ના સૂર મનમાં છેડાવા લાગે. ઓસરીનાં પગથિયાં ચડતાં એવો સવાલ થાય બાપુ પણ અહીં અનેકોવાર આ થાંભલીઓ પકડીને અહીંથી પસાર થયા હશે. બહારની ઓસરીમાં આજે બાપુની વિશાળ છબી જેની નીચે સુંદર પ્રાર્થના અંકિત થયેલી છે. નીચે બે ચરખાઓ મૂક્યા છે. જેથી મુલાકાતીઓ ચરખાને જોઈને ચલાવતા શીખી શકે. આશ્રમમાં મુલાકાતીઓને ગાંધીજી અને આશ્રમની માહિતી આપવા સ્વયંસેવકો દ્વારા ખૂબ જ ઉત્સાહથી ચરખો ચલાવવાનું શીખવતા જોઈ મન આનંદિત થઈ જાય છે. અહીં એક મહિલા સ્વયંસેવક દ્વારા ચારખાની સમજ આપીને મેં એ જ મહિલાને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચરખો દેખાડતા જોયાં હતાં. આવા અનુભવો બાપુના ઘરે જ થઈ શકે. ઓસરીની બાજુમાં એક ઓરડો છે, જ્યાં મહાત્મા ગાંધીજી રેંટિયો કાંતતા અને અહીં જ બહારથી આવેલા લોકો સાથે મુલાકાત લેતા હતા. આ ખંડ આજે બંધ રાખવામાં આવે છે. અહીં રેંટિયો, તકિયો, ગાદલું વગેરે રાખવામાં આવ્યાં છે. ઘરની અંદરની બાજુમાં જતા એક બાજુ કસ્તુરબાનો ઓરડો અને મહેમાન માટેનો ઓરડો છે તેની સામેની બાજુ રસોડું છે. કસ્તુરબા ગાંધીના રૂમમાં દીવાલમાં એક નાના કબાટ જેવું ખાનું છે. બાજુના રસોડામાં પાણીયારું અને કબાટમાં ગાંધીજી ઉપયોગમાં લેતા એ બધી વસ્તુઓની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. હૃદયકુંજથી આગળ વિનોબા ભાવે અને મીરાંબહેનની કુટિરો આવેલી છે. રોમારોલાનાં પુસ્તકો થકી ગાંધીજીથી પ્રભાવિત થઈ મીરાંબહેન એમની સેવામાં આવી ગયાં હતાં. આશ્રમની બહાર ત્રણ વાંદરાઓની મૂર્તિઓ સાથે ગાંધી સાહિત્ય અને અનેક સ્ટેશનરી પણ ખરીદી શકો.

અહીંથી જ મહાત્મા ગૌતમ બુદ્ધના મહાભિનિષ્ક્રમણની સંજ્ઞા મળી તેવી દાંડી માર્ચનો પ્રારંભ થયો હતો
અહીંથી જ મહાત્મા ગૌતમ બુદ્ધના મહાભિનિષ્ક્રમણની સંજ્ઞા મળી તેવી દાંડી માર્ચનો પ્રારંભ થયો હતો

ઈસવીસન 1930માં અહીંથી જ મહાત્મા ગૌતમ બુદ્ધના મહાભિનિષ્ક્રમણની સંજ્ઞા મળી તેવી દાંડી માર્ચનો પ્રારંભ થયો હતો. બાપુએ સાબરમતી આશ્રમમમાં દાંડી માર્ચ વખતે એવી પ્રતિજ્ઞા લીધી કે સ્વરાજ મેળવ્યા વિના આ આશ્રમમાં પાછો નહીં આવું. ગાંધીજી અને તેમના 78 સાથીઓ સાથે જે પુલ પરથી આ માર્ચની શરૂઆત કરી એ દાંડી પુલ પણ ચોક્કસથી જોવો. દેશ અને દુનિયામાં સૌથી પ્રખ્યાત અવજ્ઞા આંદોલનમાં દાંડી પુલ આવેલો છે. દાંડીમાં આજે આધુનિક ઢબનું નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ બનાવવામાં આવ્યું છે. દાંડી માર્ચની વિશાળ પ્રતિકૃતિ બનાવવામાં આવેલી છે, જેમાં ગાંધીજી અને તેમના સાથીઓના બ્રોન્ઝનાં શિલ્પો બનાવવામાં આવ્યાં છે. પાર્કમાં વિવિધ સોલાર ટ્રી બનાવવામાં આવ્યાં છે, જ્યાંથી ઉત્પાદિત થયેલી વીજળી વડે પાર્ક ચલાવવામાં આવે છે. આ ઉપરાંત, મુલાકાતીઓ માટે મીઠું બનાવવામાં માટેનાં પેન રાખવામાં આવ્યાં છે. અહીં બધા મીઠું બનાવી શકે છે. આ ઉપરાંત, સૌફી વિલા, પાર્કમાં બનાવેલું કૃત્રિમ તળાવ, પિરામિડ આકારનો લાઈટ શો વગેરે જોવા મળશે. આ ઉપરાંત, સમગ્ર દાંડી માર્ચની ઘટનાઓના પ્રસંગોને વર્ણન કરતાં સુંદર ભીતશિલ્પો પણ આકર્ષક છે.

મહાત્મા ગાંધીજીનું અનન્ય વ્યક્તિત્વ સૌ કોઈ માટે પ્રેરણાદાયી છે. આપણા આંગણે જ કહી શકાય એવાં ગાંધી સ્મારકોનું આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. બાળકોને મૉલ-સિનેમાથી છૂટી ક્યારેક આવાં સ્થળોની મુલાકાત લેવા લઈ જવા. જેથી તેમને એક મનુષ્ય પોતાના દૃઢ વિશ્વાસ અને ઈચ્છા શક્તિથી શું - શું પણ કરી શકે છે તેનો પરિચય કરાવી શકાય.

creativearyans3@gmail.com
(‘આરણ્યક’ તરીકે જાણીતા કૌશિક ઘેલાણી અલગારી રખડપટ્ટી કરીને કુદરતને પોતાના અસ્સલ મિજાજમાં જોતા અને કેમેરામાં કેદ કરતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે)

અન્ય સમાચારો પણ છે...