સભા હૉલ ખચાખચ ભરાયેલો હતો, હંમેશની જેમ અને કેમ ન હોય! શાલિની ત્રિવેદી જ્યારે સૂર છેડે ત્યારે સાક્ષાત્ સરસ્વતી દેવીની હાજરી હોય એવું દૈવી વાતાવરણ બની જાય. સ્ટેજ પર સૌ સાજિંદાઓએ પોતાની બેઠક લઇ લીધી.
ગફૂરભાઇએ પોતાની જગ્યાએ ગોઠવાઈ તબલાને ઠીકઠાક કરી ઉપર પાવડર લગાડી થાપ આપી વગાડી જોયા. ગફૂરભાઇની સિદ્ધહસ્ત પાતળી લાંબી આંગળીઓથી તબલા સૂરમાં બોલી ઊઠ્યાં. ગફૂરભાઇની આગળ બેઠેલાં શાલિનીદેવીએ પાછળ ફરી જોયું. ગફૂરભાઇ સામે આંખો નમાવી અભિવાદન કરી સુંદર સ્મિત આપ્યું. ગફૂરભાઇએ બે હાથ જોડયા, પણ એમની નજર શાલિનીદેવીની પીઠ પર અટકી ગઇ. સુંદર વ્યક્તિત્વનાં ધની શાલિનીદેવીએ નાના અંબોડામાં તાજા મોગરાની કળીઓવાળી વેણી નાખી હતી. ઉજ્જવળ ગૌરવર્ણી સુરાહીદાર ડોક પર મોતીની એક સેરની માળા શોભતી હતી. ઓફ વ્હાઇટ સિલ્કની સાડી સાથે બાંધણી પ્રિન્ટના લાલ બ્લાઉઝની રેશમ દોરીઓ ગોરી પીઠ પર ઝૂલતી હતી. સીધી પીઠ અને કમનીય પાતળી કમર, એક અભિજાત્યપૂર્ણ સૌંદર્ય કોઈ ચિત્રકારની સુરેખ કલ્પના સરખું દીસતું હતું. શાલિનીદેવી કલા અને સુંદરતાની અનન્ય મૂર્તિ સ્વરૂપ હતાં.
એ દેવી છે એ પ્રણામને જ યોગ્ય છે- ગફૂરભાઇએ મનને ટપાર્યું. તેમણે મનોમન ખુદાની માફી માગી. પરંતુ હઠીલી નજર એ સુરેખ પીઠ પર ફરી ફરીને જવા માગતી હતી. કેવો હશે એ મુલાયમ ત્વચાનો સ્પર્શ?
‘નમસ્કાર..’ શાલિનીદેવીનો રૂપાની ઘંટડી જેવો અવાજ હોલમાં ગૂંજી રહ્યો. ગફૂરભાઇએ આંખો બંધ કરી સૂર પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પ્રોગ્રામ ખૂબ સફળ રહ્યો.
હૉલની બહાર નીકળી ગફૂરભાઇ ઘર તરફ ચાલવા માંડ્યા. હવામાં સખત ઉકળાટ હતો. જૂન અને જુલાઈ તદ્દન કોરા ગયા હતા. ખેતરો સુક્કાં થઈ ગયાં હતાં અને કૂવાનાં તળ નીચાં ગયાં હતાં. પરસેવો લૂછતાં ગફૂરભાઇ સવારે પત્ની સલમાએ કરેલી વાતો યાદ કરતા રહ્યા.
‘મેરા ભાઈ હમીર કા કલ ફોન આયા થા. કહ રહા કિ ગાંવ મેં મંદિર બના હૈ. ઉધર આયે દિન ભજન કિર્તન કે પ્રોગ્રામ હોતે હૈ. ગફૂરભાઇ કો અચ્છા કામ મિલતા રહેગા.’
ગફૂરભાઇને ખબર હતી કે સલમાને શહેર નહોતું ગમતું. ગીચ ગલીમાં નાનું ઘર. ચોમાસામાં ટપકતી છત ને ઉનાળામાં એક પવનની લહેર નસીબ નહોતી થતી. તબલા વગાડવાનું પણ ઘણીવાર મળે તો એકસાથે નહીંતર દિવસો એમ ને એમ નીકળી જાય. વળી સલમાનાં મા-બાપ ને ભાઈબહેનો ગામમાં આસપાસમાં જ રહે. ગફૂરભાઇનું સરસ મેડીબંધ મકાન છોડીને એને પરણીને શહેર આવવાનું કેટલું વસમું લાગેલું.
ગફૂરભાઇ સહેજ થાક ખાવા ઉભા રહ્યા. બાજુમાં પાનવાળાને જોઈ ઘડીક પાન ખાવાનું મન થઈ ગયું. ખિસ્સામાં હાથ ગયો ને શાલિનીદેવીએ આપેલા મહેનતણાના કવરનો સ્પર્શ થયો. શાલિનીદેવી હંમેશાં ઉદાર દિલે મહેનતાણું ચૂકવી દેતાં. કાલે ફરીથી પ્રોગ્રામ છે. પછી શું? ગફૂરભાઇને ફરીથી એ ખૂબસૂરત સુરેખ ગૌરપીઠ પર ઝૂલતી લાલ ફુમતાંવાળી દોરી યાદ આવી ગઈ.
‘એક મસાલા પાન દેના.’ કહી ગફૂરભાઇએ રૂમાલ કાઢી પરસેવો લૂછવા માંડ્યો. ‘ક્યા ગરમી હૈ.. તૌબા..’
‘હા.. ભાઇસાબ.. હરેક સાલ ગરમી વધતી જાય છે. પેલું શું કહે છે... ગ્લોબલ વોર્મિંગ. ક્યાંક દુકાળ તો ક્યાંક અતિવૃષ્ટિ. હવે માનવીનાં મન જ ખોટાં થઈ ગયાં છે. પ્રામાણિકતા, નિઃસ્વાર્થ ભાવના ક્યાં છે? હરેકનાં મનમાં પાપ ભર્યાં છે. તો કુદરત તો રૂઠવાની ને...’ પાનવાળાએ જ્ઞાન ડહોળ્યું.
ગફૂરભાઇને પાન ગળે અટક્યું. અંતરસ ખાતાં-ખાતાં એ ઝટપટ ત્યાંથી રવાના થઈ ગયા.
બીજે દિવસે મુખ્યમંત્રીજીના માનમાં સંગીત જલસો હતો. શહેરના શ્રેષ્ઠ હૉલમાં મહાનુભાવો સમક્ષ સંગીત રજુ કરવા માટે સૌ કોઈ જરા બેચેન હતાં. સૌએ પોતાની બેઠક લીધી
ગફૂરભાઇની નજર ઊંચકાઈ. સીધી સટાક, સુરેખ, ગૌર પીઠ પર ભૂરી રેશમની દોરીઓ તીવ્ર વિરોધાભાસ રચતી ઝૂલી રહી હતી. ગફૂરભાઇએ હાથમાં પાવડર લગાડી તબલાંને થાપ આપી. પણ આજે તબલાં બેતાલ કેમ? એમણે તબલાંની દોરીઓ ખેંચી ટાઇટ કરી, આંગળીઓથી થાપ આપી, પણ ફરી બેતાલ. ગફૂરભાઇ ગભરાઈ ગયા. એમને પરસેવો વળી ગયો. આવું કેમ થાય છે? એ ફરી ફરી થાપ આપતા રહ્યા, પણ...
ત્યાં તો આગળથી મંજુલ સ્વર સંભળાયો, ‘ગફૂરભાઇ ઓકે છે. હવે શરુ કરીએ.’
એમણે ખુદાને યાદ કર્યા. અનેકવાર મા સરસ્વતીની માફી માગી.
શાલિનીદેવીનો અત્યંત મધુર અવાજ માઈકમાં ગૂંજી રહ્યો. ગફૂરભાઇએ આંખો બંધ કરી. પ્રોગ્રામ શરુ થયો..
બેક સ્ટેજ પર સૌ શાલિનીદેવીને અભિનંદન આપી રહ્યાં હતાં. અંતમાં શાલિનીદેવીએ ગફૂરભાઇને મહેનતાણાંનું કવર આપ્યું.
‘ગફૂરભાઇ.. આજે તમારું તબલાવાદન ઉત્કૃષ્ટ હતું. હવે તમે મારા હરેક રિહર્સલ અને કાર્યક્રમમાં વગાડવા આવી શકશો??’
ગફૂરભાઇએ બે હાથ જોડી નીચા નમી નમસ્કાર કર્યાં. આંખોમાં આવેલી આંસુના પાતળા પડદાની આરપાર એમણે જોઈ કહ્યું,
‘માફ કરજો બેન, પણ હવે કાલે હું ગામ પાછો જઈ રહ્યો છું.’
અને નજર મેળવ્યા વગર ગફૂરભાઇ સડસડાટ હૉલની બહાર નીકળી ગયા.
બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો.
(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.