પોઝિટિવ પેરેન્ટિંગ:બાળકના મૂળભૂત અધિકારોઃ બાળકનો શારીરિક, માનસિક, નૈતિક, આધ્યાત્મિક અને સામાજિક વિકાસ સ્વસ્થ રીતે થવો જોઇએ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

એક માતા પોતાના 6 વર્ષના દીકરા માટે એક ચાઈલ્ડ-ફ્રેન્ડલી સ્કૂલ શોધી રહી છે. તે કે.જી.માં હતો ત્યારે ભૂલથી પોતાની પેન્ટમાં બાથરૂમ કરવાના લીધે તેને ત્યાંના એક સ્ટાફના સભ્ય બહુ બોલ્યા હતા. આનાથી તે એટલો ડરી ગયો કે તેણે ચુપ્પી સાધી લીધી અને સ્કૂલ જવાનું જ બંધ કરી દીધું. હાલ એ છોકરાને આ ટ્રોમામાંથી બહાર કાઢવા માટે તેનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. આવો જ એક બીજો અનુભવ એક 8 વર્ષની છોકરીનો છે, જેને પેટમાં ગડબડ થઈ હોવા છતાં બાથરૂમ નહોતી જવા દીધી. આનાથી એ બાળકના કોમળ મનને એટલી ઊંડી અસર થઇ કે તેને ક્રોનિક બીમારી થઇ ગઈ અને સ્કૂલ માટે એક જાતનો ફોબિયા (ડર) એના મનમાં બેસી ગયો, જેને કાઢવા માટે તેનું કાઉન્સેલિંગ કરવું પડ્યું.

સાચું કહું તો આવા બનાવો અસામાન્ય નથી. આપણે માનવ અધિકારો, પ્રાણી અધિકારો, મહિલાઓના અધિકારો, લઘુમતીના અધિકારો વગેરે ઉપર ખૂબ ચર્ચા કરીએ છીએ પણ બાળ અધિકારો જેવા સંવેદનશીલ વિષય ઉપર આપણે ભાગ્યે જ વિચારીએ છીએ.

અહીં હું શિક્ષણના સંદર્ભમાં રજૂઆત કરીશ. ડેક્લેરેશન ઓફ ધ રાઇટ્સ ઓફ ધ ચાઈલ્ડ (બાળકના અધિકારો વિશેનો એકરાર) જેને UN (સંયુક્ત રાષ્ટ્રો)ના જનરલ અસેમ્બલી રિઝોલ્યુશન (1959)માં અપનાવવામાં આવ્યું છે અને જેને ભારતે સમર્થન આપ્યું છે તે એક ખુશાલ બાળપણના અધિકારને મહત્ત્વ આપે છે. આના આર્ટિકલ-2ના પ્રમાણે, બાળકને એવી તકો અને સુવિધાઓ આપવી જોઈએ જેમાં તેનું શારીરિક, માનસિક, નૈતિક, આધ્યાત્મિક અને સામાજિક વિકાસ સ્વસ્થ અને સામાન્ય રીતે થાય અને એ પણ એવી પરિસ્થિતિમાં જેમાં તેની સ્વતંત્રતા અને પ્રતિષ્ઠા જળવાયેલી રહે, પણ શું હકીકતમાં આવું થઇ રહ્યું છે? ખૂબ જ દુઃખથી કહેવું પડે છે કે આજના દિવસમાં પણ ઘણી સ્કૂલોમાં બાળકોને વસ્તુ અથવા પ્રાણીઓની જેમ ટ્રીટ કરવામાં આવે છે. ગરમી હોય કે ઠંડી, સ્કૂલના બાળકોને ભેડ-બકરાંની જેમ ટોળાંમાં ભેગાં કરીને એવા મહાનુભાવો માટે કરેલાં ફંક્શન માટે તૈયાર કરવામાં આવે છે જેમાં તે મહાન હસ્તી તો ક્યારેય ટાઇમસર આવતી જ નથી... હવે આનાથી વધુ દારુણ શું હોઈ શકે?

'પ્રતિષ્ઠા જળવાયેલી રહે'નો અર્થ એ છે કે બાળકને પોતાની શારીરિક જરૂરિયાતો પુરી પાડવાનો હક આપવો. બાળકને હક છે બાથરૂમ જવાનો અને તરસ લાગે ત્યારે પાણી પીવાનો. ભલે ને પછી તે ક્લાસમાં જ કેમ ન હોય. બાળકને પોતાની આ મૂળભૂત જરૂરિયાતો પુરી ન કરવા દેવી એ માનવ અધિકારોનું ઉલ્લંઘન છે. છતાંય ઘણી સ્કૂલ્સમાં બાળકો પોતાના આ મૂળ હકો નથી મેળવી શકતા. ઘણા સ્કૂલના શિક્ષકોનું માનવું એવું છે કે જો તેઓ બાળકને બાથરૂમ જવા માટે ક્લાસમાંથી બહાર જવાની પરવાનગી આપશે તો બાળક કલાસમાંથી નાસી જશે, પણ અહીં યાદ રાખવા જેવી વાત એ છે કે જો ક્લાસ ખરેખર રસપ્રદ અને એન્ગેજિંગ હશે તો બાળક ક્યારેય બાથરૂમ જવાનું બહાનું કાઢીને છટકવાનો પ્રયત્ન નહીં કરે. આનો સાચો ઉકેલ એ છે કે દરેક ક્લાસના વિદ્યાર્થીઓના આંકડામાં ઘટાડો કરવો અને તેમને પોતાની પાણીની બોટલ પોતાની પાસે રાખવાની મંજૂરી આપવી. જેથી, તેમને જ્યારે તરસ લાગે ત્યારે તેઓ શાંતિથી ત્યાં જ પાણી પી શકે. આપણે બધાએ એક વસ્તુ યાદ રાખવી જોઈએ કે બાળકોને હક છે હસવાનો, બગાસાં ખાવાનો, હાથ-પગ લાંબા કરવાનો અને ક્લાસમાં વાત કરવાનો...આ કોઈપણ પ્રવૃત્તિ સજાને પાત્ર નથી. પ્રાઈમરી સ્કૂલનાં બાળકોને કંટાળાજનક ક્લાસમાં બેસાડી રાખવા અને એ પણ હલ્યા-ડોલ્યા વગર, વાતચીત કર્યા વગર અને પાણી પીધા વગર એ તેમના અધિકારોનું ઉલ્લંઘન છે.

શારીરિક સજા આપવી પ્રતિબંધિત છે, છતાંય હિંસાના બીજાં અનેકો સ્વરૂપો છે, જે વાલીઓ અને શિક્ષકો અજાણતાં જ બાળકોને આપી રહ્યાં છે. જેમ કે, બધાની વચ્ચે તેના વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરવી કે પછી બાળકને એક એવી નજરથી જોવું જે તેના આત્મવિશ્વાસને તોડી નાખે. એક પ્રખ્યાત આર્ટિસ્ટ અને સ્પિરિચ્યુઅલ હીલરે શૅર કર્યું કે કઈ રીતે બાળપણમાં એના એક શિક્ષકે એને એમ કહ્યું કે ગમે તે થાય એ ક્યારેય સારું દોરી નહીં શકે. પરિણામે આ વાતને સત્ય સમજીને આ નાની છોકરીએ ચિત્રો દોરવાનું જ બંધ કરી દીધું પણ સદભાગ્યે મોટા થયા પછી એવા સંજોગો ઊભા થયા જેના લીધે તે પોતાની આ કલા સાથે ફરી જોડાઈ શકી અને આગળ જઈને તેને આ ક્ષેત્રે ઘણી પ્રસિદ્ધિ પણ મળી!

મહામારી અને ઓનલાઇન ક્લાસના જમાનામાં કદાચ બાળકોને વધુ સ્વતંત્રતા મળી છે. એવું પણ સાંભળવા મળ્યું છે કે બાળકો પથારીમાં સૂતાં-સૂતાં ક્લાસ અટેન્ડ કરે છે અને તેમના વાલીઓ પણ ઓફિસની મીટિંગ પાયજામામાં અટેન્ડ કરે છે. જ્યારે મન ફાવે ત્યારે તેઓ ખાઈ શકે છે, પી શકે છે અને જરૂરિયાત હોય તો ઓફ-સ્ક્રીન પણ જઈ શકે છે. ભૌતિક ક્લાસરૂમમાં પણ આ સ્માર્ટ બાળકોએ ધ્યાનથી સાંભળવાનું નાટક કરતાં-કરતાં પોતાના મનને બીજે રખડવા માટે છુટું મૂકીને કોમિક વાંચવાની કે પછી ડૂડલ કરવાની કલા શીખી જ લીધી હતી. હવે એ લોકોએ સ્ક્રીન ઉપર ધ્યાન આપવાનું ઢોંગ કરવાની સાથે ચેટિંગ અથવા વીડિયો ગેમ રમવાનું પણ શીખી લીધું છે. અહીં મુદ્દાની વાત એ છે કે ભૌતિક ક્લાસરૂમમાં કે ઓનલાઇન ક્લાસરૂમમાં બાળકો હજી એટલાં ઊંડાણથી એન્ગેજ નથી થઇ રહ્યાં. આ મને લઇ જાય છે UN ડેક્લેરેશન ઓફ ધ રાઇટ્સ ઓફ ધ ચાઈલ્ડના આર્ટિકલ 7 તરફ, જેમાં જણાવવામાં આવ્યું છે કે બાળકને તે રમત અને મનોરંજન માટે પૂરી તક મળવી જોઈએ જેનો હેતુ શિક્ષણ હોય. સમાજ અને જાહેર અધિકારીઓએ સતત પ્રયત્ન કરવો જોઈએ કે બાળક પોતાના આ હકનો લાભ લઇ શકે.

એક વાલી તરીકે તમે પોતાની જાતને પૂછો કે જે પણ તમને તમારી અભ્યાસ પુસ્તિકામાં બળજબરાઈથી ગોખવવામાં આવ્યું હતું, શું તે આગળ જઈને તમને કોઈપણ રીતે ઉપયોગી થયું? વિશ્વાસ કરો તમારો જવાબ તમારા માટે પણ આશ્ચર્યજનક નીવડશે! આપણે બધાએ યાદ રાખવાની જરૂર છે કે બાળકોને હક છે એવું શિક્ષણ મેળવવાનો જે શીખવામાં આનંદદાયક હોય, એક વધુ સારા શિક્ષણશાસ્ત્રની અને એક એવા ક્લાસરૂમ અનુભવની જે બાળક માટે અર્થપૂર્ણ અને ઉપયોગી હોય. તો છો તમે સજ્જ તમારા બાળકને એના આ હક આપવા માટે...?

મુદ્દાની વાત એ છે કે શું આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે સ્કૂલ રાબેતા મુજબ શરૂ થાય? શું આપણે એવો પ્રયત્ન ન કરી શકીએ કે હાલની ઓનલાઇન ક્લાસની પરિસ્થિતિમાં પણ આપણે બાળકને તેના આ પાયાના હક આપીએ? આશા રાખીએ કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 - જે હોલિસ્ટિક (સર્વગ્રાહી) અને આનંદદાયક, ટ્રાન્સ-ડિસિપ્લિનરી એજ્યુકેશનને પ્રમોટ કરે છે તે આ પરિવર્તન લઇને આવે.
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)

નોંધઃ લેખ સાથે મૂકેલી તમામ તસવીરો પ્રતીકાત્મક છે.

અન્ય સમાચારો પણ છે...