ઇટ્સ કોમ્પ્લિકેટેડ:સ્વતંત્રતા એ ગમે તે કરવાનું લાયસન્સ નથી... સંબંધ બચાવવા પતિ-પત્નીએ ચોક્કસ પ્રતિબંધો પોતાની જાત પર લાદી દેવા જોઈએ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લગ્ન પછી સ્ત્રી અને પુરુષ વિજાતીય મિત્રો રાખી શકે? આવો પ્રશ્ન પણ આમ તો 2021ના વર્ષમાં પૂછવો કે ચર્ચવો હાસ્યાસ્પદ અને જૂનવાણી લાગે, પણ લગ્નેતર સંબંધોને કારણે હત્યા અને આત્મહત્યાના બનતા બનાવોને ધ્યાનમાં લેતાં ચોક્કસ એવું લાગે કે આ મુદ્દો સ્વસ્થ મને અને કડક રીતે ચર્ચા કરવા જેવો છે.

ખેડબ્રહ્મા વિસ્તારના ભીલ આદિવાસીઓમાં ગોઠી અને ગોઠણ (બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ) એકદમ સામાન્ય બાબત ગણાતી. છોકરો અને છોકરીઓ એકબીજા સાથે પાકી મૈત્રી રાખી શકે. અરે, તેઓ સહજ રીતે શરીર સંબંધ પણ બાંધી શકે. એનાથી પણ આગળ આવી મૈત્રીથી સ્ત્રીને બાળક પણ થાય. ઘણીવાર એવું બને કે જ્યારે છોકરીની પીઠી ચોળાતી હોય ત્યારે તેના ખોળામાં છોકરું ધાવતું હોય.

આટલી છૂટ. આટલી સ્વતંત્રતા. આટલી મોકળાશ. જો કે, હવેની વાત જરા જુદી છે. લગ્ન પહેલાં ભલે છોકરો-છોકરી મૈત્રી કરે, ઈચ્છા થાય ત્યારે સંબંધ બાંધે, બાળક થાય, પણ લગ્ન થયા પછીની વાત એકદમ જુદી. પછી બધું એકદમ ભૂલી જવાનું. ગોઠી કે ગોઠણને સપનામાં પણ નહીં યાદ કરવાનો અને ધારો કે લગ્ન પછી કોઈ યુવક કે યુવતી આવો જૂનો સંબંધ ચાલુ રાખવાનો પ્રયાસ કરે તો તેને આકરી સજા થાય. એ સજા મોતની પણ હોઈ શકે. આવી છે તેમની પરંપરા. જો કે, આધુનિકતાના વાયરાને કારણે અને લોક સાહિત્યકાર-સંશોધક અને કર્મશીલ શ્રી ભગવાનદાસ પટેલની જહેમતથી તેમાં સુધારો થયો છે. વિજાતીય મૈત્રી અને લગ્નેતર સંબંધો કાયમ ચર્ચામાં રહેતા મુદ્દાઓ છે.

નીતિન નામનો યુવક એન્જિનિયર. તેની પત્નીનું નામ લોપા. નીતિનનો એક લંગોટિયો મિત્ર દિનેશ. દિનેશ નીતિનનો સૌથી નજીકનો મિત્ર હોવાથી સ્વાભાવિક છે કે નીતિનના ઘરે આવ-જા કરે. લોપાને લોપાભાભી કહીને બોલાવે. બંનેને ખૂબ બને. દિનેશને હસવા પણ ખૂબ જોઈતું એટલે જ્યારે દિનેશ નીતિનના ઘરે આવે ત્યારે માહોલ એકદમ હસી-ખુશીનો જ હોય. લોપા અને દિનેશની મૈત્રી કે નિકટતાની નીતિનને સહેજે ચિંતા નહોતી. તેનું કારણ એ હતું કે તેને દિનેશ પર પાકો ભરોસો હતો. એ તેનો પાકો દોસ્ત હતો. નીતિનને પોતાના વિશે જેટલી ખબર ન હોય એટલી ખબર દિનેશને હોય એટલી ખબર દિનેશને હોય એવી અંતરંગ મૈત્રી.

નીતિનને દિનેશ પર અટલ વિશ્વાસ હતો. બીજી વાત એ હતી કે નીતિન ખાનદાન ઘરનો ચારિત્ર્યશીલ યુવક હતો. દિનેશ અને લોપાનો વધતો જતો પરિચય નીતિનને ક્યારેય વાંધાજનક લાગ્યો નહોતો. ત્રણેક વર્ષ પછી નીતિનને કંપનીના કામે બે મહિના માટે જર્મની જવાનું થયું. એને એકલું જવું પડે તેમ હતું. તે ગયો. આ બે મહિના માટે લોપા અને દિનેશને વિશ્વાસ અને પ્રામાણિકતાના અંચળા હેઠળ પોતાના સાહચર્યને મજબૂત કરવાની તક મળી ગઈ.

ખરેખર તો તેમના બંનેના મનમાં પરસ્પર શુદ્ધ મૈત્રી જ હતી. અલબત્ત, સ્ત્રી અને પુરૂષ વચ્ચેની ગમે તેવી મૈત્રી કે પરિચયની પાછળ પ્રચ્છન્ન રીતે ગુપ્ત રીતે જાતીયતા છુપાયેલી જ હોય છે. જ્યારે તક મળે ત્યારે જાતીયતાની આ લાગણી બહાર આવતી હોય છે. અહીં પણ એવું જ થયું. નીતિનની ગેરહાજરીમાં લોપા અને દિનેશને અધિકતર સાનિધ્ય પ્રાપ્ત થયું. સ્વતંત્રતા એટલે પરવાનગી એવો અર્થ થતો નથી, પણ ઘણા કરતા હોય છે. Liberty Should not go to Licence... સ્વતંત્રતાએ ગમે તે કરવાનું લાયસન્સ નથી પણ અહીં એવું થઈ ગયું.

એક રાત્રે દિનેશ લોપાના ઘરે રોકાઈ ગયો. લોપા અને દિનેશ વચ્ચેની આજ સુધીની મૈત્રીભાવના પાછળ જે જાતીયતાની વૃત્તિ ઊંડે ઊંડે છુપાયેલી હતી તે બહાર આવી ગઈ. મૈત્રી તૂટી ગઈ. બંનેના હૃદયમાં સુષુપ્ત અવસ્થામાં પડેલા જાતીય આકર્ષણ અને આવેગ પ્રગટ થયાં અને બંનેએ પરસ્પર સંમતિથી, રાજી-ખુશીથી શરીર-સુખ માણ્યું. સુખ અને શરીર-સુખમાં મોટો ફરક છે. આમ તો સુખ પોતે જ એક છેતરામણો પ્રદેશ છે, એમાંય શરીર-સુખ તો તેની નીચેનો ઈલાકો છે.

સૌથી ઉપર હોય છે આનંદ, તેની નીચે હોય છે સુખનો પ્રદેશ અને તેનાથી થોડાં નીચે ઊતરો ત્યારે આવે શરીર-સુખ. શરીર-સુખ ક્ષણિકનું હોય છે પણ તેનું આકર્ષણ સદીઓથી બરકરાર છે. બે મહિના પછી નીતિન જર્મનીથી આવ્યો. લોપા અને દિનેશ પોતાના મૈત્રી સંબંધો પૂર્વવત્ કરી નાખ્યા, પણ હવેની મૈત્રી શુદ્ધ કે ચોખ્ખી મૈત્રી નહોતી. હવે વાત બદલાઈ ગઈ હતી. તેઓ એકબીજાને મળ્યા વિના રહી શકતાં નહીં. એક દિવસ છુપાઇને બંને એકબીજાને મળ્યાં અને નીતિનને ખબર પડી ગઈ. નીતિન માટે જીવનનૌ સૌથી મોટો આઘાત હતો. તે રોષે ભરાયો. આવેશમાં તેણે પોતાના લંગોટિયા મિત્ર પર હુમલો કર્યો.

તેના હાથે પોતાના જીગરી મિત્રની હત્યા થઈ. તે જેલમાં ગયો. આવું કેમ બન્યું? એ પ્રશ્ન કરતાં વધારે મહત્ત્વનો પ્રશ્ન એ છે કે આવું વારંવાર બનતું જ રહે છે તો તેને રોકવાનો ઉપાય શું?

મુદ્દાસર ચર્ચા કરીએઃ

  • પહેલી વાત તો એ કે સ્ત્રી અને પુરૂષ વચ્ચે વિજાતીય આકર્ષણ હોય જ છે તેનો સ્વીકાર કરવો જોઈએ. આ કુદરતી આયોજન છે. કોઈપણ સ્ત્રી કે પુરૂષ વિજાતીય પાત્ર સાથે આકર્ષાયા વિના ન રહે. તેમાંય જ્યારે પોતાની પસંદગીનું પાત્ર સામે આવે ત્યારે સ્થિતિ નિયંત્રણમાં રહેતી નથી.
  • સ્ત્રી અને પુરૂષ વચ્ચેની મૈત્રીનો અસ્વીકાર કરી જ ન શકાય. પરંતુ તેનાં ભયસ્થાનોનો પણ સ્વીકાર કરવો જઈએ. પતિ કે પત્ની બંને જણ વિજાતીય મિત્રો તરફ વધુને વધુ સાનુકૂળ વલણ દાખવે. તેમજ, ફેશન, સ્ટેટસ કે સભ્યતા સમજે છે પણ જોડે જોડે યાદ રાખવાનું કે તેમાં ભયસ્થાન છે જ.
  • સમય પરિવર્તનશીલ છે. સમયાંતરે સામાજિક વલણો અને માન્યતાઓ બદલાતી રહે છે. બદલાવી જ જોઈએ. તેનો વિરોધ કરી જ ન શકાય. લગ્ન પછી સ્ત્રી અને પુરૂષના મૈત્રી સંબંધો અકબંધ રાખવા જોઈએ તેવું વલણ હવે પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. અનેક પરણેલા પુરૂષો એટલે કે પતિઓ વટથી, પ્રેમથી, આનંદથી પોતાની પત્નીના મિત્રોની ઓળખાણ કરાવતા નજરે પડે છે. તેઓ કહે છે કે, આ યુવક મારી પત્નીનો મિત્ર છે. એ જ રીતે, પત્નીઓ પણ નિખાલસતાથી પોતાના પતિની બહેનપણીઓનો પરિચય કરાવે છે. આને મુક્ત સમાજનું એક લક્ષણ ગણી શકાય. આમ તો આ આનંદનો વિષય છે. જો કે, તેમાં જોખમ તો છે જ. સ્ત્રી અને પુરૂષ પરણીને એકબીજા સાથે એકરૂપ થવાં જોઈએ. આ લગ્નસંસ્થાની સૌથી પહેલી અને મહત્ત્વની જરૂરિયાત છે. જો પતિ અને પત્નીનો એકબીજા સાથેનો પ્રેમભાવ મજબૂત હોય, તેમનું ટ્યુનિંગ જબરદસ્ત હોય, તેમનું બોન્ડિંગ મજબૂત હોય તો ખાસ પ્રશ્નો ઊભા થતા નથી. જો એવું ન હોય તો પ્રશ્નો ઊભા થાય છે અને એવા પ્રશ્નો ઊભા થાય છે કે જે ઉકેલી શકાતા નથી.
  • જે પતિ અને પત્ની મુક્ત વાતાવરણમાં એકબીજાને મૈત્રીની છૂટ આપવા માગતાં હોય કે આપતાં હોય તેમણે પોતાના હૃદયને કાયમ શુદ્ધ અને મજબૂત રાખવું જોઈએ. શુદ્ધ એટલા માટે કે જો તેનામાં કોઈ ખોટો કે નબળો ભાવ ઊભો થશે તો ચોક્કસ તેની અસર સામેના પાત્ર પર પડશે. મજબૂત એટલા માટે કે વિજાતીય આકર્ષણના પગલે જો સામેવાળું પાત્ર બીજા કોઈની વધારે નજીક આવી જાય તો હૃદય તૂટી ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
  • લગ્ન પછી સ્ત્રી અને પુરૂષની પરસ્પરની લાગણી અને સમજણ કેટલાં મજબૂત છે તેના પર ઘણો મોટો આધાર હોય છે. સ્વતંત્રતા એ જુદી વસ્તુ છે અને વિજાતીય આકર્ષણની તીવ્રતા એ નોખી બાબત છે. સ્ત્રી કે પુરૂષને જ્યારે મૈત્રીના નામે કે બહાને વિજાતીય પાત્રની નજીક રહેવાની અને જવાની તક મળે છે ત્યારે એક ચોક્કસ વાતાવરણ ઊભું થતું હોય છે. અહીં સ્વતંત્રતાની કસોટી થતી હોય છે. ખરેખર તો પોતાને મળેલી સ્વતંત્રતાને સાચવવી ક્યારેક તેના માટે કપરી પણ બનતી હોય છે. વિજાતીય પાત્ર સાથેનું આકર્ષણ લગભગ બધામાં હોય છે. એ કુદરતી વસ્તુ છે. જ્યારે તક મળે છે ત્યારે આ આકર્ષણ તમામ બંધનોને ફંગોળી દે છે. મનોવિજ્ઞાન તો એવું કહે છે કે, સગાં ભાઈ-બહેને પણ એક રૂમમાં લાંબો સમય ન રહેવું જોઈએ. કોઈને આ વાત આત્યંતિક લાગશે. પરંતુ તેમાં જે તર્ક અને ભાવ પડેલો છે તે સમજવાનો છે. સ્ત્રી અને પુરૂષ જ્યારે નજીક આવે ત્યારે ચોક્કસપણે તેમનામાં એક પરસ્પરનું અદમ્ય વિજાતીય આકર્ષણ જન્મે જ છે. સામાજિક બંધનો અને પરસ્પર એક ન થઈ જવાની પ્રતિકૂળતાઓને કારણે આ આકર્ષણ અટકી જાય છે અથવા તો કમને અટકાવી રાખવામાં આવે છે. જેવી તક મળે એટલે તે પોતાનું કામ કરે છે. આવી સ્થિતિમાં શાણપણ એ બાબતમાં જ પડેલું છે કે પોતાને મુક્ત મૈત્રીની મળેલી મોકળાશનો માપમાં ઉપયોગ કરવો. એ માપ પોતે જ નક્કી કરવું. જો બહારથી અંકુશ લાદવામાં આવે તો તે અંકુશ ઝેરી નીવડતો હોય છે. અંદરનો અંકુશ જ ઉપયોગી થતો હોય છે.
  • સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે, શક્ય હોય ત્યાં સુધી પરણેલાં સ્ત્રી કે પુરૂષે એક ચોક્કસ નિયમનો પોતાની જાત પર લાદી દેવાં જોઈએ. પ્રેમ તો સરહદમાં માનતો નથી એ આપણે જાણીએ છીએ. અલબત્ત, જ્યારે કોઈપણ વ્યક્તિ લગ્ન કરે ત્યારે તેને ગમે કે ન ગમે તેણે સંયમની સરહદમાં રહેવું પડે છે. આ એક વિરોધી પરિસ્થિતિ હોય છે. હૃદયમાં પડેલો પ્રેમ તેને અનેક પાત્રો તરફ ખેંચતો હોય છે અને સામાજિક નિયમો તેને રોકતાં હોય છે. આવી સ્થિતિમાં જો લગ્નેતર સંબંધોના જોખમથી બચવું હોય તો વ્યક્તિએ ચોક્કસ પ્રતિબંધો પોતાની જાત પર લાદી દેવા જોઈએ. જેમ કે, રાતનો સ્વભાવ અંધારાનો હોય છે. સ્ત્રી હોય કે પુરૂષ તેણે નક્કી કરવું કે મોડી રાત સુધી ક્યારેય પાર્ટીઓમાં રોકાવું નહીં. રાત પોતાનું કામ કર્યા વગર રહેતી નથી. એવી જ રીતે એમ પણ નક્કી કરવું કે, શક્ય હોય ત્યાં સુધી કોઈ વિજાતીય વ્યક્તિ સાથે લાંબો સમય એકલું રહેવું નહીં. એમાં જોખમ છે. જરૂર હોય તો ચોક્કસ એકલા રહેવું. પરંતુ એ વખતે સ્થિતિને સંભાળી લેવી. ઘણી વખત એવું બને કે તમે તમારી જાતને સંયમમાં રાખી શકો. પરંતુ સંજોગો એવા હોય કે તમે લપસી જ પડો.

અમદાવાદના એક સજ્જનના જીવનમાં આવું બન્યું હતું. તેઓ સીધી લીટીના માણસ. પોતાની પત્નીને વફાદાર. તેમની પત્નીને અચાનક સાસરીમાં મુંબઈ જવાનું થયું. તેમની પત્નીએ પોતાની ખાસ બહેનપણી ધર્મિષ્ઠાને પોતાના પતિને જમાડવાની જવાબદારી સોંપી. ધર્મિષ્ઠાને આમેય પોતાની બહેનપણીના આ પતિ પહેલેથી જ ખૂબ ગમતા હતા. રસોઈ બનાવવાના બહાને તેણે ધીમે-ધીમે પોતાના સજ્જનની નજીક જવાનો પ્રયાસ કર્યો અને એમાં તે સફળ પણ થઈ. એક રાત્રે તે મોડે સુધી રોકાઈ. હાથે કરીને તેણે રસોઈ બનાવવામાં મોડું કર્યું અને પછી ન થવાનું થયું.

પેલા ભાઈ અત્યંત ગુનાહિત લાગણી અનુભવવા લાગ્યા. નવાઈ લાગશે. પરંતુ તેમણે આત્મહત્યા કરી. આત્મહત્યાના છેલ્લા લખાણમાં તેમણે કહ્યું કે, મારાથી અજાણતાં મોટી ભૂલ થઈ ગઈ છે. પરંતુ હું મારી જાતને માફ નથી કરી શકતો.

કેવી મોટી આફત! ન બનવાનું બની ગયું. જો એ સજ્જને ભારપૂર્વક એકાંત ટાળ્યું હોત તો કદાચ આવી સ્થિતિ ન આવી હોત. લગ્નેતર સંબંધો એ સદીઓથી ચાલતી આવતી સમસ્યા છે. ઘણા લોકો તેને સમસ્યા ગણતા જ નથી. ઘણા લોકો કહે છે કે, પરસ્પર સંમતિથી પુખ્તવયની વ્યક્તિઓ લગ્ન પછી પણ એકબીજા સાથે સંબંધ રાખે તો કંઈ ખોટું નથી. એનાથી બંનેને આનંદ આવતો હોય તો તેનો સ્વીકાર કરવો જોઈએ. ખરેખર તો જ્યારે લગ્નની શોધ થઈ ત્યારે જ લગ્નેતર સંબંધોનો પાયો નંખાઈ ગયો હતો. લગ્નની વાડમાં છીંડું હોય જ છે.

આખી ચર્ચાનો સાર એટલો જ છે કે, જો જીવનમાં મૂંઝવણો અને ગૂંચવણોથી દૂર રહેવું હોય તો પોતાની જાત પર કેટલાંક નિયંત્રણો જાતે જ લાદી દેવાં. એવું કરવાથી જીવન જીવવાની વધારે મજા આવે છે.

જતી વેળાનું સ્મિતઃ
ઘણી વખત સ્ત્રી કે પુરૂષ ખોટાં નથી હોતાં, સંજોગો જ નાજુક હોય છે. આવી સ્થિતિમાં સ્ત્રી અને પુરૂષે વધારે જવાબદારીથી વર્તન કરવું પડે છે. હૃદયમાં પડેલી ખાનદાની જ આવા સમયે કામ આવતી હોય છે.
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)