તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેટસ્કેપ:ગંજાવર ફાઇલો ટ્રાન્સફર કરો, મનપસંદ વાંચનસામગ્રી મેળવો, ક્લાસિકલ મ્યુઝિક એન્જોય કરો, સબ કુછ બિલકુલ ફ્રી!

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આપણી આંગળીના ટેરવે રમતી ઇન્ટરનેટ ટેક્નોલોજી રોજેરોજ આપણી લાઇફ સરળ બનાવી રહી છે. આ ટેક્નોલોજીના જીન પાસેથી તમારા ફાયદાનું કામ કેવી રીતે લેશો? વાત કરીશું ‘નેટસ્કેપ’માં, દર રવિવારે.
***
Wetransferને Smash કરી નાખે એવો એક દમદાર વિકલ્પ

જો તમારે ઈ-મેલ મારફતે મોટી-મોટી ફાઇલ્સ ટ્રાન્સફર કરવાની થતી હશે તો ખ્યાલ આવશે કે આ કામ કેટલું કંટાળાજનક અને અઘરું છે. મોટાભાગે જીમેલ કે યાહૂ મેલ (હજી વાપરો છો?) જેવા મેનસ્ટ્રીમ ઇ-મેલ સર્વિસ પ્રોવાઇડર્સ 25MB સુધીની ફાઇલ્સ ટ્રાન્સફર કરવા દે છે. ગૂગલ ડ્રાઈવ અને માઈક્રોસોફ્ટ વન કે પછી ડ્રોપબોક્સ પણ કેટલીક ચોક્કસ લિમિટ સુધી ચાલે પણ ત્યારબાદ તમારે એના પ્રોફેશનલ પ્લાન્સ ખરીદવા પડે.

Wetransfer આ માટેનો એક સારો વિકલ્પ છે પણ તેની કેટલીક મર્યાદાઓ છે જેમ કે, ફ્રીમાં તમે માત્ર 2GB સુધી જ ફાઇલ ટ્રાન્સફર કરી શકો. વળી, Wetransferનો વપરાશ બહુ વધવા લાગ્યો એટલે એમને પણ થયું કે ચાલો લોકોનું કામ વધારીએ. હવે તમે જ્યારે પણ ફાઇલ ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે મોકલનાર (Sender) પોતાનું ઈ-મેલ આઈડી નાંખે એટલે એના પર એક કોડ આવે, એ કોડ તમે વેરિફાય કરો તો જ Wetransfer દ્વારા ફાઇલ ટ્રાન્સફર કરી શકો. આ બહુ લાંબી ને કંટાળાજનક પ્રક્રિયા છે. (I know I know આની પાછળ પ્રાઈવસી જેવું કોઈ વાંઝિયું કારણ હશે). વળી, Senderએ Receiver એટલે કે ફાઇલ મોકલનાર અને સ્વીકારનાર બંનેના ઈ-મેલ આઈડી નાંખવા પડે. આવી બધી જફામાં કોણ પડે?? મારે તો કામ ઝડપથી પતાવવું છે ભાઈ, મને તો ફાઇલ drag and drop થાય એવું ગમે. વળી, બધા પૈસા ખર્ચી શકે એવું નથી હોતું અને આપણાં કલ્ચર પ્રમાણે "ફ્રી કા માલ મિલેગા તો વોટ ભી દેગા" એવું છે. કોર્પોરેટ્સ ખર્ચા કરે એ અલગ વાત છે. તો પછી આમ આદમી જાય ક્યાં ભાઈ?

આમ તો Wetransferના ઘણા બધા વિકલ્પ છે પણ બધા એટલા વિશ્વાસપાત્ર નથી. કેટલાક વિકલ્પમાં તો 90% ફાઇલ ટ્રાન્સફર થઈ ગયા પછી એને કંઇક વાંકું પડે એટલે આપણે નવેસરથી એકડો ઘૂંટવાનો અને દેખાવમાં એટલા ગંદા, જાહેરાતોની ભરમાર કે તમે ત્રાસી જાઓ. વચ્ચે તો કેટલીક એપ્સ પર સરકારે પ્રતિબંધ મૂકી દીધેલો એટલે અમારા જેવા ઘણા નોંધારા બની ગયા હતા. આ બધી એપ્સમાં માત્ર સાતેક દિવસ ફાઇલ્સ રહે પછી આપમેળે ડિલીટ થઈ જાય. આ બધા ત્રાસથી કંટાળીને અમે શોધ આદરી અને અમને મળી આવી એક રૂપાળી, કામણગારી અને સર્વગુણસંપન્ન ફાઇલ ટ્રાન્સફર એપ. જેનું નામ છે Smash. Smash ની વેબસાઇટનું નામ fromsmash.com છે. એપનું નામ smash છે. ખૂબ સહેલાઇથી મળી જશે અને એટલી સુંદર છે કે પહેલી જ નજરે પ્રેમ થઈ જશે. આ એપ ફ્રાંસની કંપની દ્વારા સંચાલિત છે અને એને વિશ્વ પર રાજ કરવાના અભરખા નથી લાગતાં. એટલે તે બહુ ક્યાંય નજરે ચઢતી નથી. ઇનફેક્ટ એના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પણ ફ્રેંચમાં છે. પરંતુ એની ખાસિયતો નિરાળી છે. આ એપ 2GB સુધી સામાન્ય સ્પીડે એકદમ મફતમાં ફાઇલ ટ્રાન્સફર કરવા દે છે. તમારે ફાઇલ કોને મોકલવી છે એની પંચાત કરવામાં એને કોઈ રસ નથી, જેવી ફાઇલ અપલોડ થઈ જાય એટલે તમને એક લિંક આપી દે. તમે ગમે તેને મોકલો એને કોઈ વાંધો નહીં. ફાઇલ અપલોડ કરતી વખતે લિંકને કસ્ટમાઈઝ કરવાનો વિકલ્પ પણ છે. બીજી એપની સરખામણીમાં અહીં ફ્રી પ્લાનમાં ફાઇલ્સ 14 દિવસ સુધી સચવાઈ રહે છે. ખરી મજા એ છે કે મોટી ફાઇલ્સ પણ તમે મફતમાં ટ્રાન્સફર કરી શકો છો. કંપનીના દાવા પ્રમાણે, તેમણે 350GBની ફાઇલ ફ્રી ટ્રાન્સફર કરેલી છે. હા, તેમાં સ્પીડ થોડી ઘટી જાય છે પણ મફત ને સ્પીડ બધું તો મેળ ના ખાય ને ભાઈ, ઇતને પૈસે મેં ઇતનાહીચ મિલેગા!

વળી, તમે smashના માધ્યમથી આવેલી ફાઇલને ડાઉનલોડ કર્યા વગર તેનો પ્રિવ્યૂ પણ જોઈ શકો છો. એની મોબાઈલ એપ પણ wetransferની સરખામણીએ ઘણી જ સરળ છે. જો તમે paid પ્લાન્સ પસંદ કરશો તો મહિને લગભગ 6 અમેરિકન ડોલર જેટલો ચાર્જ લાગે પણ તેમાં ફાઇલ્સ તમે 365 દિવસ સુધી સાચવી શકો. ફાઇલ કોણે-કોણે ડાઉનલોડ કરી એ જોઈ શકો અને ટીમ મેનેજમેન્ટ જેવા એડવાન્સ્ડ ઓપ્શન્સનો પણ લાભ લઈ શકો. જરા ઇન્સ્ટોલ કરીને અમને કહો કે આમાં અન્ય એપને smash કરવાની તાકાત છે કે નહીં.

જુદી-જુદી વેબસાઇટ્સ પર કુદાકૂદ કરવામાંથી છુટ્ટી, બ્લોગ્સ વાંચવાનું એક જ ઠેકાણું એટલે Feedly

વાંચવાના શોખીન છો? ઓકે, વધુ વિગતમાં પૂછી જોઉં. ઇન્ટરનેટ પર બ્લોગ્સ, આર્ટિકલ્સ, કોમિક્સ કે ન્યૂઝ વાંચવાના શોખીન છો? આપણે ફલાણા લેખકને વાંચ્યા વગર ચાલે જ નહીં અને ન વાંચું તો હું કંઇક ગુમાવું છું એ પ્રકારના શોખની વાત કરીએ છીએ, ફેસબુક કે ટ્વિટર પોસ્ટની વાત નથી કરતાં. હા, જો આવો શોખ હશે તો તમને ખ્યાલ હશે કે દરેક વેબસાઇટ પર રજીસ્ટર કરીને એમના ન્યૂઝલેટર, નવા આર્ટિકલ્સ મેળવવાની સગવડ દરેક લેખક, પબ્લિકેશન કે વેબસાઇટ આપે છે. હવે તો medium અને substack પર કોઈપણ વ્યક્તિ લખી શકે અને ન્યૂઝ લેટર સબસ્ક્રિપ્શનની લિંક આપી શકે. પરંતુ પછી તમારા મેલબોક્સની હાલત મુંબઈની લોકલ ટ્રેનના થર્ડ ક્લાસ ડબ્બા જેવી થઈ જાય છે એ પણ ખ્યાલ હશે ને!! આવા મેલ્સનો ઢગલો ખડકાય, એમાં અગત્યના મેલ્સ ક્યાંક ખોવાઈ જાય, વાંચવાનું સાઈડ પર રહી જાય અને મોટાભાગે તો પછી વાંચીશું એમ કરીને આપણે રાખી જ મૂકતાં હોઈએ છીએ.

વળી, દરેક જગ્યાએ તમારા ઈ-મેલ વહેંચવાના એટલે પ્રાઈવસી જોખમાય, એના આધારે સ્પેમ મેલ્સનો અને ટાર્ગેટેડ એડ્સનો ત્રાસ શરૂ થાય. આ બધામાં હોંશે હોંશે સબ્સ્ક્રાઈબ કરેલા ન્યૂઝ લેટર્સ તો યાદ પણ નથી આવતાં. જરા ચેક કરો તો ફેસબુક પર આવા કેટલા આર્ટિકલ્સ અને વીડિયોઝ save for later કર્યા છે? એકઝેક્ટલી. પછી ક્યારેય નજર મારી છે? એટલે ખરેખર તો જેને ઓનલાઈન વાંચવું, જોવું, સાંભળવું હોય તો જે તે વેબસાઇટ પર જ પ્રક્રિયા પતાવી દેવાનું હિતાવહ છે. માન્યું કે લેખક સોશિયલ મીડિયા પર પોતાના આર્ટિકલ્સની લિંક મૂકે છે પણ ધારો કે, લેખકને વૈરાગ ઉપડ્યો ને સોશિયલ મીડિયામાંથી છુટ્ટી લઈ લીધી તો? પાછી સોશિયલ મીડિયાના અલ્ગોરિધમ્સની રિધમ દર અઠવાડિયે બદલાય એટલે તમને પોસ્ટ ક્યારેક જોવા મળે ક્યારેક ન મળે.

આ બધામાંથી બચવાનો અને એક જ ઠેકાણે મનગમતું વાંચન, નવી પોસ્ટ, નવા વીડિયોઝ, પોડકાસ્ટ મેળવવાનું ઠેકાણું એટલે RSS ફીડ. RSS ફીડ એટલે સામાન્ય ભાષામાં કહીએ તો જેવો વેબસાઇટ પર કોઈ પોસ્ટનો ઉમેરો થાય એટલે તમને આવતું નોટિફિકેશન. આ RSS ફીડ્સ મેળવવા માટેની આમ તો ઘણી એપ્સ છે પણ એક સુંદર એપ જે મને ગમે છે જેનું નામ છે feedly (ફીડલી). મૂળ આ એપ મફત છે, પણ સાવ મફત નહીં. એટલે એમાં કેટલીક એડ્સ આવે. વળી, બ્લોગ પોસ્ટ જેવી પબ્લિશ થાય એવી તરત જ ન મળે પણ 1-2 કલાક બાદ મળે. પરંતુ એકપણ પોસ્ટ મિસ ન કરવી હોય અને ખાસ તો બ્લોગ્સ મિસ ન કરવા હોય તો feedly મજા કરાવશે. વાંચવા માટે એક વેબસાઈટથી બીજી વેબસાઇટ પર રખડપટ્ટી નહીં કરવી પડે.

આમ પણ અત્યારે આપણી સામેનો મોટો પડકાર માહિતી મેળવવાનો નથી, એ તો વિપુલ પ્રમાણમાં ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. પણ અત્યારે આપણી સૌથી મોટી ચેલેન્જ છે ઈન્ફર્મેશન ઓવરલોડમાંથી બચવાનો. આપણે જરૂર પૂરતું લેવું ને બાકી જતું કરવું એ મહત્ત્વનું છે. એટલે જે વાંચવાનું છે એ વેબસાઇટ પર જઇને તેનું અડ્રેસ એટલે કે URL feedlyમાં ઉમેરી દેશો એટલે આપમેળે જ એ નવી બ્લોગ પોસ્ટ્સ, નવા વીડિયોઝ કે પોડકાસ્ટ એપિસોડ્સ વિશે તમને જણાવ્યા રાખશે. ઇનશોર્ટ, સાદી ભાષામાં તમને કહું તો ટ્વિટર પર જેમ તમે લોકોને ફોલો કરો છો એમ અહીં વેબસાઇટ્સ ઉમેરીને તમે વેબસાઇટ્સ ફોલો કરી શકો છો. તો ચાલો પછી, યોડલિંગ આઈ મીન ફિડલિંગ ચાલુ કરી દો.

HCL Music: શાસ્ત્રીય સંગીતના રસિયાઓ માટેનું જલ્સાઘર

પ્રોડક્ટિવિટી માટેની એપની વાત બહુ થઈ. હવે થોડી મનોરંજનની વાત કરીએ. આમ તો ઇન્ટરનેટ પર સંગીતને લગતી પેડ અને ફ્રી એપ્સની ભરમાર છે અને હવે તો જુદી-જુદી સ્ટ્રીમિંગ કંપનીઓ પણ પોતાની મ્યૂઝિક એપ આપે છે. પણ આ બધાએ દરેક પ્રકારના સંગીત માટેના અધિકારો ખરીદ્યા હોય છે અને બની શકે કે દરેક એપ પર બધું જ ઉપલબ્ધ ન હોય. તેથી, જો તમે કાર્નેટિક કે ભારતીય શાસ્ત્રીય સંગીતના રસિયા હો તો આ એપ તમને જલસો કરાવશે.

યુટ્યુબ પર બધું ઉપલબ્ધ છે એ અને એ સિવાય પણ તમને તમારા મનગમતા રાગ અને રસને આધારે આ એપમાં નોટિફિકેશન આવશે. એના નામમાં જણાવ્યું છે એમ જ આ એપને HCL કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી છે. માત્ર આવી એપ બનાવી લેવાથી જવાબદારી પૂર્ણ નથી થઈ જતી, એ તો કોઈપણ કરી શકે, કદાચ આવી બીજ એપ્સ પણ હશે જ. પરંતુ આ એપમાં રહેલી સામગ્રી અનોખી, ક્યુરેટેડ અને લોકોને આકર્ષતી હોવાને લીધે સોનામાં સુગંધ ભળે છે. અહીં કૌશિકી ચક્રવર્તી, પૂર્બાયન ચેટર્જીથી લઈને પંડિત શિવકુમાર શર્મા, પંડિત હરિપ્રસાદ ચૌરસિયા જેવા ખેરખાંઓની રચનાઓની ભરમાર છે.

આ ઉપરાંત, આ બધા જ મહારથીઓના જૂના લાઈવ કોન્સર્ટ્સ, હાઇ ક્વોલિટી સ્ટુડિયો રેકોર્ડિંગ્સ, જૂની વિસરાઈ ગયેલી રચનાઓ અને આ ક્ષેત્રમાં આવવા થનગની રહેલા યુવા કલાકારોની કેટલીક રચનાઓ પણ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે. HCL music દ્વારા દર વર્ષે દેશના જુદા-જુદા શહેરોમાં આ મહારથીઓ સાથે મળીને શાસ્ત્રીય સંગીતના કોન્સર્ટનું આયોજન કરવામાં આવે છે, જેમાં નવોદિત કલાકારોને પણ પ્લેટફોર્મ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે, જે ખૂબ જ સરાહનીય છે. કેટલાક જૂના કોન્સર્ટ પણ તમને આ એપ પર જોવા મળશે. સાથોસાથ શાસ્ત્રીય સંગીતના મહાનુભાવો સાથેના ઇન્ટરવ્યૂ વાંચવા મળશે એ નફામાં. તો શાસ્ત્રીય સંગીતના રસિકજનો તમારા માટે પેશ-એ-ખિદમત હૈ HCL music app, જે android તથા apple ios પર સરળતાથી મળી જશે અને એ પણ તદ્દન મફત.
tusharacharya2611@gmail.com
(લેખક ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ્સ અને ઇન્ટરનેટની દુનિયાના બાશિંદા અને યુવા આંત્રપ્રેનર છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો