કેટલાક સંબંધો મુખર હોય છે અને કેટલાક સંબંધો મૌન હોય છે. કેટલાક સંબંધોને ધબકતા રાખવા માટે સતત શબ્દોની જરૂર પડતી હોય છે, તો વળી કેટલાક સંબંધો બોલ્યા વગર પણ સતત જીવતા રહેતા હોય છે. કેટલાક સંબંધોને સતત પાણી આપવું પડે છે, તો વળી કેટલાક સંબંધો ઓછા પાણીએ પણ જીવતા હોય છે.
સંબંધોમાં ફીલિંગ અને રિફિલિંગ બંનેનું એકસરખું મહત્ત્વ છે.
ફીલિંગ એટલે કે લાગણી વગર સંબંધો જન્મતા પણ નથી અને જીવતા પણ નથી. લાગણીના પાયા ઉપર ઊભેલા શબ્દોને કાયમ જતનની જરૂર પડે છે. સંબંધોમાં જેટલું મહત્ત્વ ફીલિંગનું છે એટલું જ મહત્ત્વ રિફિલિંગનું છે.
સત્ય સનાતન હોઈ શકે, ફીલિંગ સનાતન નથી હોતી. ધર્મ સનાતન હોઈ શકે, લાગણી સનાતન ના હોય. લાગણી એક એવી અભિવ્યક્તિ છે જે સતત વ્યક્ત ન થાય તો સંબંધો સુકાઈ જાય.
રવિશંકર મહારાજને સમાજસેવક બબલભાઈ મહેતાએ એકવાર એવો સવાલ પૂછેલો કે, આ પૃથ્વી પર ભગવાન રામ આવ્યા, શ્રીકૃષ્ણ આવ્યા, બુદ્ધ આવ્યા, મહાવીર આવ્યા, જરથુષ્ટ આવ્યા, ઈસુ ખ્રિસ્ત આવ્યા, મહંમદ પયંગબર આવ્યા, ગાંધી આવ્યા, આમ છતાં આ સમાજ નીચે જ ઊતર્યો છે. જો આ ભગવાનો કે અવતારો કે મહાપુરુષો સમાજને સુધારી ના શક્યા તો આપણી કઈ હેસિયત છે? આપણે ગમે તેટલા પ્રયત્નો કરીશું તો સમાજ સુધરશે એવી કોઈ ખાતરી નથી.
રવિશંકર મહારાજે ખૂબ સુંદર જવાબ આપેલોઃ સમાજ આપણે પહેરેલાં લુગડાં જેવો છે. જેમ શરીર પર વસ્ત્ર પહેરીએ અને વસ્ત્ર મેલું થાય એ રીતે આપણે સમાજમાં રહીએ એટલે સમાજ મેલો થાય. વસ્ત્રની જેમ સમાજને પણ ધોવો પડે છે. એ કામ નિરંતર ચાલુ રહેવું જોઈએ.
રવિશંકર મહારાજની આ વાત સંબંધોને પણ લાગુ પડે છે. આપણે સંબંધો બાંધીએ અને સંબંધોને ઝીલીએ એટલે સંબંધો મેલા પણ થાય. સંબંધો ઘસાઈ પણ જાય. સંબંધોને ઘસરકા પણ લાગે. આવી સ્થિતિમાં સંબંધોને સતત જીવંત રાખવા માટે પ્રયત્ન કરવો જ પડે છે.
એક પ્રોફેસર હતા. મોટી વયે તેમનાં પત્નીએ છૂટાછેડા માટે અરજી કરી. ન્યાયાધીશે કારણ પૂછ્યું. પત્નીએ કહ્યું કે, મારા પતિ મને પ્રેમ કરતા નથી. પ્રોફેસરે દલીલ કરી કે ખોટી વાત છે. હું તેમને ખૂબ પ્રેમ કરું છું. પત્નીએ કહ્યું કે, એમને પૂછો કે એમણે મને છેલ્લે આઈ લવ યૂ ક્યારે કહ્યું હતું? પ્રોફેસરને બરાબર યાદ હતું. તેમણે કહ્યું કે, બરાબર 31 વર્ષ પહેલાં મેં તેમને આઈ લવ યૂ કહ્યું હતું. પત્નીએ દલીલ કરી કે, સાહેબ, જે વ્યક્તિને 31 વર્ષ સુધી મને આઈ લવ યૂ કહેવાની ઈચ્છા ન થતી હોય તે વ્યક્તિ મને પ્રેમ કરે છે એમ કઈ રીતે કહી શકાય?
પ્રોફેસરે દલીલ કરી કે મિ લોર્ડ 31 વર્ષ પહેલાં મેં આઈ લવ યૂ કહ્યું હતું. તેમાં જો કોઈ ફેરફાર ના હોય તો બીજી વાર તે વારંવાર મારે આઈ લવ યૂ શા માટે કહેવું જોઈએ?
પ્રોફેસરની વાત સાંભળીને બધા હસી પડ્યા હતા.
સંબંધોને સતત જુદી જુદી અભિવ્યક્તિ દ્વારા જીવંત રાખવા પડે છે. આ કુદરતી અને સહજ પ્રક્રિયા છે. જે લોકો એમ નથી કરતા એ લોકોને તકલીફ પડે છે.
અમદાવાદમાં એક ભાઈ રહે છે. તેમણે પોતાની આજુબાજુના એટલે કે નજીકનાં સગાં–સ્વજનોની યાદી બનાવી છે. દરેકના જન્મદિવસ નોંધી રાખ્યા છે. દરેકની લગ્નતિથિ પણ નોંધી છે. તેઓ અચૂક પોતાની આજુબાજુના આવાં 235 વ્યક્તિને જન્મદિવસે અને લગ્નતિથિએ શુભકામનાઓ આપે છે. યોગ્ય ભેટ પણ આપે છે. આને કારણે તેમના સંબંધો ધબકતા રહે છે.
કોઈને કદાચ એવું લાગશે કે, આ એક જાતના વેવલાવેડા છે. આ વધારે પડતી વાત છે. એમાં પ્રોફેશનાલિઝમ છે અથવા તો સંબંધોનું માર્કેટિંગ છે એવી પણ કોઈ ટીકા કરે. કોઈ પણ સ્થિતિને તમે જુદા જુદા દૃષ્ટિકોણથી જોઈ શકો. એ ભાઈનું કહેવું છે કે, મારી આ ભાવનાને કારણે મારા સંબંધો લીલાછમ રહે છે અને ખરેખર મને જીવવાની મજા આવે છે.
જો તમે જુદી જુદી પ્રવૃત્તિ અને ઉપક્રમો દ્વારા સંબંધોને ધબકતા રાખશો તો એ સંબંધો તમને સતત ધબકતા રાખશે તેમાં કોઈ શંકા નથી.
સંબંધોની મોટી તાકાત હોય છે. સંબંધોમાં પડેલી માત્ર આર્થિક તાકાતને જ ધ્યાનમાં લેનારા લોકો મોટી ભૂલ કરે છે. એ તો ઠીક છે. સંબંધો બાંધીને તમે તમારા વ્યવસાય કે નોકરીમાં લાભ લો એ મોટી વાત નથી. ખરેખર તો સંબંધો જિંદગી જીવવામાં સૌથી મોટી મદદ કરનારી ઉપલબ્ધિ છે. આ વાત જ સૌથી મહત્ત્વની છે. આધુનિક સમયકાળમાં માણસ એકલો પડ્યો છે તેનું કારણ એ છે કે, તેણે સંબંધોની શક્તિને ગુમાવી દીધી છે. પ્રોફેશનાલિઝમે પ્રેમને ઝાંખો પાડી દીધો છે. સંબંધોમાં જે પ્રેમ છે એ પ્રેમથી આધુનિક માણસ વંચિત રહી જાય છે અને તેને કારણે હતાશાનો ભોગ બને છે.
જૂના લોકો સંબંધોને વધારે મહત્ત્વ આપતા હતા. એમાં અતિરેક હતો એ વાત સ્વીકારીને પણ એટલું તો કહેવું પડે કે સંબંધોના પાયા પર એ લોકો ઉત્તમ જીવન જીવી શકતા હતા. તેમણે જીવનને એવી રીતે ગોઠવ્યું હતું કે, સંબંધો સતત ધબકતા રહેતા હતા. રીતરિવાજો, પરંપરાઓ, ઉત્સવો આ બધાની વ્યવસ્થા એવી હતી કે, સતત લોકો એકબીજા સાથે સંપર્કમાં રહેતા અને સંબંધમાં જે ફીલિંગ હોય તેનું સતત રિફિલિંગ થયા કરતું હતું.
આધુનિક સમયમાં ઘણીવાર એવું લાગે છે કે, ફીલિંગ જ ના હોય પછી રિફિલિંગ ક્યાંથી થાય?
કોઈ પણ સંબંધને જીવતો રાખવા માટે પ્રયાસ કરવો જ પડે છે. આપણે કંઈ મહાન લોકો નથી. આપણે કંઈ મહાત્માઓ નથી. આપણે તો માણસો છીએ. આપણને જે ધબકતું હૃદય મળ્યું છે એ હૃદયને સંબંધોની માવજત દ્વારા સતત જીવંત રાખવું પડે છે. નિરાશા આવી હોય, ઓફિસમાં પોલિટિકસને કારણે મન ખિન્ન થઈ ગયું હોય, અણગમતા સંબંધોને કારણે મનમાં ભાર રહેતો હોય, સતત એવો અનુભવ થતો હોય કે જીવવાની મજા નથી આવતી, જીવન એકધારા પ્રવાહને કારણે ઝાંખું પડી ગયું હોય, સંબંધોનું આકાશ વાદળોથી ઢંકાઈ ગયું હોય ત્યારે તમે કંઈક એવું કરો કે વાતાવરણ બદલાઈ જાય. એ વખતે તમે એવા ઉપક્રમો કરો કે સંબંધો પુનઃજાગૃત થાય.
સંબંધોમાં રિફિલિંગ કરવું એટલે શું?
ભગવાનની સામે દીવો કર્યો હોય અને ક્યારેક આપણે વાટને સંકોરીએ છીએ ને એ વાટને સંકોરવાની પ્રક્રિયા એટલે સંબંધોમાં રિફિલિંગ કરવું.
આપણે છોડ વાવ્યો હોય અને છોડ મુરઝાઈ જતો હોય ત્યારે ક્યારામાં માટીને સરખી કરવી, ખાતર નાખવું, પાણી પાવું અને છોડને સૂર્યપ્રકાશ બરાબર મળે તેની તાકીદ કરવી તેનું નામ સંબંધોમાં રિફિલિંગ કરવું.
સંબંધોના સૂરીલા ગાનને માત્ર એક વખત ગાવાથી વાત પૂરી નથી થઈ જતી. એ ગાનને વારંવાર ગાઈને આનંદ માણવાનો હોય છે.
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.