તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આપણો દેશ આઝાદીની 75મી વર્ષગાંઠ મનાવવા જઈ રહ્યો છે. આ અવસરે દેશના રાજકારણ અને સમાજકારણ પર ઊંડો પ્રભાવ છોડી જનારી જાણી-અજાણી ઘટનાઓ પર નવેસરથી પ્રકાશ પાડશે આ લેખશ્રેણી.
***
ભારતીય આઝાદીને 75 વર્ષ પૂરાં થાય એનાં બે વર્ષ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2022 સુધીમાં કયા પ્રકલ્પો પૂરાં કરાશે એની સૂચી વિવિધ મંત્રાલયો પાસેથી મંગાવવા પોતાના કાર્યાલયમાંથી પત્ર પાઠવવાનું નક્કી કર્યું ત્યારે આઝાદીના અમૃતપર્વનું માહાત્મ્ય દેશવાસીઓને સમજાઈ જવું જોઈતું હતું. વર્ષો સુધી 'ભારતીય સ્વતંત્રતા દિવસ' તરીકે 26 જાન્યુઆરીની ઉજવણી થતી હતી પણ પૂર્વનિર્ધારિત 30 જૂન 1948ને બદલે 15 ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજ શાસકોએ સ્વદેશ જવાનું પસંદ કરીને ભારતીયોના હાથમાં શાસનની ધુરા સુપરત કરી ત્યારથી 15 ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ તરીકે મનાવાય છે. ભારતીય પ્રજાસત્તાક બંધારણનો 26 જાન્યુઆરી 1950થી અમલ શરૂ થયો. એટલે 26 જાન્યુઆરી 'પ્રજાસત્તાક દિવસ' મનાવવાનું શરૂ થયું. ક્યારેક ભારતીય વડાપ્રધાન પણ પ્રજાસત્તાક દિવસને સ્વતંત્રતા દિવસ અને સ્વતંત્રતા દિવસને પ્રજાસત્તાક દિવસ કહેવાના ગોટાળા કરે એ સમજી શકાય છે. 1757થી અંગ્રેજ વેપારીઓ ભારતના ધણી થવા ભણી ઇસ્ટ ઇન્ડિયા કંપની મારફત અને 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતા બાદ બ્રિટિશ રાણીના સીધા શાસન હેઠળ આવેલા ભારતને ઘણી લાંબી જનલડતને પગલે છેક 1947માં સ્વતંત્રતા મળી. બ્રિટિશ સંસદમાં વડાપ્રધાન ક્લેમન્ટ એટલીએ 20 ફેબ્રુઆરી 1947ના રોજ કરેલી જાહેરાત મુજબ, અંગ્રેજ શાસકો 30 જૂન 1948 સુધીમાં ભારતમાંથી ઉચાળા ભરી જવાના હતા, પણ એમણે 15 ઓગસ્ટ 1947ના રોજ યુનિયન જેકને ઉતારી લઈને ભારતીય ત્રિરંગાને લહેરાવવાની મોકળાશ કરી આપી. એટલે વાસ્તવમાં આઝાદી વહેલી આવી એમ કહી શકાય.
26 જાન્યુઆરી 1930નું માહાત્મ્ય
ડિસેમ્બર 1928માં કોલકાતામાં કોંગ્રેસનું અધિવેશન પંડિત મોતિલાલ નેહરુની અધ્યક્ષતામાં યોજાયું. આ વર્ષ આમ પણ ખૂબ નિર્ણાયક હતું. બેરિસ્ટર વલ્લભભાઈ પટેલના નેતૃત્ત્વમાં બારડોલી સત્યાગ્રહ યોજાતાં અકોટીનાં ભીખીબહેન પટેલ થકી 'આજથી તમે અમારા સરદાર' એ રીતે નવાજાયેલા વલ્લભભાઈ સરદાર બન્યા હતા. એ પણ આ અધિવેશનમાં મુખ્ય આકર્ષણ હતા. નેહરુ અહેવાલ એટલે કે સર્વપક્ષી પરિષદે મોતિલાલ નેહરુના પ્રમુખપદે બંધારણનો યોગ્ય મુસદ્દો તૈયાર કરવા માટે નિયુક્ત કરેલી સમિતિનો અહેવાલ. આ અહેવાલમાં ભારતને ડુમિનિયન સ્ટેટસ, કોમી પ્રતિનિધિત્વ, સંયુક્ત મતદારમંડળોની કરવામાં આવેલી ભલામણો અંગે સ્વયં મોતિલાલ પુત્ર જવાહરલાલ અને સુભાષચંદ્ર બોઝે ઉગ્ર વિરોધ કર્યો અને પૂર્ણ સ્વરાજની માગણી કરી. બીજા વર્ષે ડિસેમ્બર 1929માં લાહોરમાં પંડિત જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ કરાયો અને 26 જાન્યુઆરી 1930ને દેશભરમાં 'સ્વતંત્રતા દિવસ' તરીકે મનાવવાની કોંગ્રેસ વર્કિંગ કમિટીએ જાહેરાત કરી. વર્ષ 1925માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની સ્થાપના કરનાર નાગપુરના કોંગ્રેસી નેતા ડૉ. કેશવ બલિરામ હેડગેવારે પણ સંઘની પ્રત્યેક શાખામાં 26 જાન્યુઆરી, 1930ની સ્વતંત્રતા દિવસ તરીકે મનાવવાનો આદેશ કર્યો હતો. RSS એટલે અગાઉના જનસંઘ અને વર્તમાન શાસક પક્ષ ભારતીય જનતા પક્ષની માતૃસંસ્થા. ડૉ. હેડગેવારે પોતાની સંસ્થાને રાજકારણથી દૂર રાખવાનો સંકલ્પ કર્યો હતો. સંઘને સાંસ્કૃતિક સંસ્થા તરીકે જ કાર્યરત રાખવાનું પસંદ કર્યું હતું.
1930 અને 1940ના દાયકામાં આઝાદીની લડતના અનેક તબક્કાઓ આવ્યા. ગોળમેજી પરિષદો યોજાઈ. 1937માં પ્રાંતિક ધારાસભાઓની ચૂંટણી અને કોંગ્રેસની સરકારની રચના થઇ. 1942ના ઓગસ્ટમાં મહાત્મા ગાંધીની હાકલથી 'હિંદ છોડો' ચળવળ હાથ ધરાઈ, જેમાં મુસ્લિમ લીગ, હિંદુ મહાસભા અને કમ્યુનિસ્ટ્સે બ્રિટિશ સરકારની સાથે રહેવાનું પસંદ કર્યું. બંગાળ, સિંધ અને વાયવ્ય પ્રાંતમાં હિંદુ મહાસભાએ પાકિસ્તાનવાદી મુસ્લિમ લીગ સાથે સરકાર પણ ચલાવી. હિંદુ મહાસભાના નેતાઓ અને બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર આ ગાળામાં વાઇસરોયની કારોબારી એટલે કે સરકારમાં સામેલ રહ્યા. 'અંગ્રેજો આ દેશમાંથી ટળો' એવી સરદાર પટેલની ગર્જના અને કોંગ્રેસના અગ્રણીઓના જેલવાસ તેમજ મંત્રણાઓને પગલે છેવટે આઝાદી આવવામાં હોવાનાં એંધાણ મળવા માંડ્યાં પણ મુસ્લિમ લીગના સુપ્રીમો મોહમદઅલી ઝીણાના દુરાગ્રહ અને સિવિલ વોર ટાળવા માટે સરદાર પટેલ તથા પંડિત નેહરુ મુસ્લિમો માટે અલગ પાકિસ્તાન આપવા તૈયાર થવામાં હતા. મહાત્મા ગાંધી તો ભાગલા ટાળવા માટે ઝીણાને પણ વડાપ્રધાન બનાવવા તૈયાર હતા. એમના પહેલાં નેતાજી સુભાષબાબુએ ઝીણાને આ ઓફર કરી હતી. અંગ્રેજોની કુટિલ નીતિના પ્રતાપે બ્રિટિશ ઇન્ડિયાના ભાગલા અટળ બનવાના સંજોગો સર્જાયા. અંગ્રેજો માટે ભારત છોડવું પડે એવા સંજોગો પેદા થઇ રહ્યા હતા. 1945માં રૂઢિચુસ્ત પક્ષના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ દ્વિતીય વિશ્વયુદ્ધમાં વિજયી બન્યા ખરા, પણ પોતાના દેશની ચૂંટણી હારી ગયા અને ઉદાર પક્ષના ક્લેમન્ટ એટલી વડાપ્રધાન બન્યા. ભારતમાં વચગાળાની સરકાર અને ઝીણાના સીધાં પગલાંની ઘોષણા તથા 16 ઓગસ્ટ 1946ના રોજ એના પગલે 5000 જેટલા હિંદુઓની કોલકાતામાં કત્લેઆમ પછી અંગ્રેજો સવેળા ખળિયાપોટલા બાંધીને સ્વદેશ ભણી જવામાં જ પોતાનું શ્રેય લેખવા માંડ્યા. ચર્ચિલ તો વિપક્ષના નેતા તરીકે પણ ઝીણાની ઉશ્કેરણી અને ઉંબાડિયાં કરતાં રહ્યાં.
વડાપ્રધાન ક્લેમન્ટ એટલીની ઘોષણા
આખરે એ દિવસ આવી ગયો અને વડાપ્રધાન ક્લેમન્ટ એટલીએ 20 ફેબ્રુઆરી 1947ના રોજ ભારતમાંથી ઉચાળા ભરવાની આમસભામાં જાહેરાત કરી. સાત ફકરાની એમની આ જાહેરાતમાં મુખ્ય બે મુદ્દા હતા: એક, 30 જૂન 1948 સુધીમાં બ્રિટિશ ભારત છોડી જશે. બીજું, વાઈસરોય તરીકે લોર્ડ વિસ્કાઉન્ટ વેવેલે આપેલા રાજીનામાને કારણે એમના સ્થાને લોર્ડ લુઈસ માઉન્ટબેટનની નિમણૂક કરવામાં આવે છે. માઉન્ટબેટન તમામ પક્ષો સાથે મંત્રણાઓ યોજીને બ્રિટિશ ઇન્ડિયામાંથી અંગ્રેજોના સ્વદેશાગમન તથા દેશી રજવાડાં અંગે નિર્ણય કરશે. એટલીની આ ઐતિહાસિક જાહેરાતમાં બ્રિટિશ સરકાર કેબિનેટ મિશન યોજનાના આધારે ભારતના બધા પક્ષોએ મંજૂર કરેલ બંધારણ દ્વારા સ્થપાયેલી સરકારને ભારતની જવાબદારી વહેલી તકે સોંપી દેવા ઈચ્છુક હોવાનું સ્પષ્ટ થતું હતું. “કમનસીબે ભારતની હાલની પરિસ્થિતિ જોતાં આવું બંધારણ ઘડાશે કે કેમ તથા આવી સરકાર અસ્તિત્વમાં આવશે કે કેમ તે સ્પષ્ટ થતું નથી. ભારતની હાલની અસ્થિર પરિસ્થિતિ ઘણી ભયજનક છે અને તે અનિશ્ચિત સમય સુધી ચલાવી શકાય નહીં. આથી નામદાર શહેનશાહની સરકાર એ સ્પષ્ટ કરવા માગે છે કે તે મોડામાં મોડી જૂન 1948 સુધીમાં જવાબદાર હિંદીઓને હસ્તક સત્તા સોંપી દેવાનાં જરૂરી પગલાં લેવાનો મક્કમ ઈરાદો ધરાવે છે. પરંતુ બ્રિટિશ સરકારને એમ લાગશે કે આ તારીખ (30 જૂન 1948) સુધીમાં બ્રિટિશ હિંદમાં કોઈ સર્વમાન્ય બંધારણ ઘડાયું નથી તથા સર્વમાન્ય કેન્દ્રીય સરકાર સ્થાપી શકાઈ નથી, તો તે સમયે અસ્તિત્વ ધરાવનાર કેન્દ્ર સરકાર, પ્રાંતિક સરકારો કે પછી હિંદીઓના સર્વોત્તમ હિતમાં જેમને યોગ્ય લાગે તેમને ભારતની સત્તા સુપરત કરીને નિશ્ચિત મુદત સુધીમાં (જૂન 1948) ભારતમાંથી વિદાય લેશે.”
વિન્સ્ટન ચર્ચિલની આંખમાં સાપોલિયાં
અંગ્રેજ શાસકો ભારતમાંથી જવાની ઘોષણા તો કરી ચૂક્યા હતા પણ જતાં-જતાં એમણે અગાઉ વેરઝેરનાં વાવેલાં બી હવે વટવૃક્ષ બનીને નવાં વિભાજનો સર્જવા કામે વળ્યાં હતાં. ચર્ચિલ તો ઝીણાના જાણે કે સલાહકારની ભૂમિકામાં હતા. ભારતમાં પાકિસ્તાન થકી બે ભાગલા તો પડ્યા, પણ આટલું જ નહીં, ઘણા ભાગલા સર્જાય એને ચર્ચિલનું સમર્થન હતું. રજવાડાંને અંગ્રેજ જતાં છૂટાં કરવાના ખેલમાં ભારતને ચારણી જેવો કરી જવાની અંગ્રેજ કુટિલ નીતિ અને એમાં હૈદરાબાદ, બંગાળ અને દ્રવિડનાડુ, શીખીસ્તાન કે ખાલિસ્તાન સર્જવાની મેલી મુરાદમાં બ્રિટિશ સત્તાપક્ષ અને વિપક્ષ સુમેળ સાધી રહ્યા હતા. વાઈસરોય માઉન્ટબેટને એ ખેલ પાડ્યો 3 જૂન 1947ની જાહેરાતમાં. ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ બે ભાગલા જાહેર કર્યાં. આ ઉપરાંત, દેશી રજવાડાં સમક્ષ ત્રણ વિકલ્પ મૂક્યા: એ ભારત કે પાકિસ્તાન સાથે જોડાઈ શકે અથવા તો સ્વતંત્ર રહી શકે. 11 જૂન 1947ના રોજ ત્રાવણકોર (હવેનું કેરળ) જેવા હિંદુ મહારાજાના રજવાડાએ પોતાનો સ્વતંત્ર રહેવાનો ઈરાદો જાહેર કર્યો. ભોપાલ યોજનામાં ઇન્દોરના મહારાજા હોલકર, વડોદરાના મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડ, જોધપુરના મહારાજા હણવંત સિંહ સહિતના હિંદુ રાજા-મહારાજાઓ ભોપાલના નવાબ હમીદુલ્લા ખાન સાથે મળીને પાકિસ્તાન સાથે સંતલસ કરી રહ્યા હતા. એ વેળા મેવાડના મહારાણા પ્રતાપના વંશજ મહારાણા ભૂપાલ સિંહે યોજનામાં એવું કહીને ફાચર મારી હતી કે મારા પૂર્વજોએ અમારું ભાવિ ભારત સાથે જોડેલું છે, અન્યથા અમારી પાસે હૈદરાબાદ કરતાં પણ મોટું સામ્રાજ્ય હોત.
સરદાર-નેહરુની જોડીનું યોગદાન
15 ઓગસ્ટ 1947 આવતાં લગી રિયાસત ખાતાના પ્રધાન સરદાર પટેલ અને એમના ખાતાંના સચિવ વી.પી. મેનનની દુરંદેશીના પ્રતાપે માત્ર જૂનાગઢ, જમ્મૂ-કાશ્મીર તથા હૈદરાબાદ સિવાયનાં મોટાભાગનાં દેશી રજવાડાં ભારત સાથે જોડાઈ ચૂક્યાં હતાં. બાકીનાં એ ત્રણ પણ સમયાંતરે ભારતમાં સમાવાનાં હતાં. નવાઈ તો એ વાતની છે કે પાકિસ્તાનમાં 15 ઓગસ્ટ 1947 લગી એના પૂર્વ કે પશ્ચિમ બાજુના પ્રદેશમાંનાં કોઈ રજવાડાં જોડાયાં નહોતાં. ચર્ચિલનું ચાલ્યું હોત તો એને તો ભારત અને પાકિસ્તાન ઉપરાંત રજવાડાંનું અલગ પ્રિન્સિસ્તાન બનાવવું હતું. યુકેના અભિલેખાગારમાં મળતા ચર્ચિલના 21 મે 1947ના પત્રમાં એ વેળાના વડાપ્રધાન એટલી અને વાઈસરોય માઉન્ટબેટને ભારતના ભાગલા (કેટલાક) કરીને એ બંનેને (કેટલાકને) એટલે કે છેવટે ભારત અને પાકિસ્તાનને ડુમિનિયન સ્ટેટસ સ્વીકાર્ય હોય તો ભારતને સ્વશાસન બક્ષવાના એટલી સરકારના નિર્ણયને આમસભામાં ટેકો આપવાની તૈયારી દર્શાવી હતી. બ્રિટિશ સંસદમાં ભારતીય સ્વતંત્રતા અંગેનું વિધેયક પસાર થઈને એને શાહી મંજૂરી પણ 18 જુલાઈ 1947 સુધીમાં મળી ગઈ હતી. 26 જાન્યુઆરી 1950થી ભારતીય બંધારણ અમલી બન્યું ત્યાં લગી ડુમિનિયન સ્ટેટસ જળવાયું હતું. એ પછી ભારત સ્વતંત્ર સાર્વભૌમત્ત્વ રાષ્ટ્ર બન્યું. ભારતમાં પંડિત નેહરુ અને સરદાર પટેલની જોડી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના માર્ગદર્શનમાં અડીખમ કાર્યરત હતી. એટલે અંગ્રેજો ગયા પછી પણ મજબૂત ભારતનો પાયો નાંખવાનું શક્ય બન્યું.
haridesai@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે)
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.