પોઝિટિવ પેરેન્ટિંગ:તમારું બાળક વંદો, ગરોળી કે ભૂતના નામે ડરી જાય છે? માતા-પિતા બાળકોનો આ ડર શી રીતે કાઢી શકે?

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

શું તમે જાણવા માગો છો કે તમારું બાળક કેમ વંદો કે ગરોળીને જોઈને ચીસો પાડવા માંડે છે? કેમ તે અંધારામાં જવાથી ડરે છે? તો આ લેખ તમારા માટે છે...

ચાલો, આપણા બાળકને ડરનો સામનો કરતા શીખવાડીએ
તમે જ્યારે વંદો અથવા ગરોળી જુઓ છો, શું તમે ત્યારે ચીસો પાડો છો? શું નાનપણમાં તમે અંધારાથી ડરતા હતા? અથવા તમે ઊંચાઈથી ડરો છો અને શા માટે ડરો છો તે તમને ખબર નથી?

ડરનું મૂળ શું છે?
મોટાભાગનાં બાળકો- અને પુખ્ત વયના લોકોમાં પણ- ડર અને ફોબિયા બંને હોય છે. આ બંનેમાં તફાવત એ છે કે ડર જીવનમાં આપણા સંચિત અનુભવો પર આધારિત હોઈ શકે છે; જ્યારે ફોબિયા ઈરેશનલ (અતાર્કિક) છે.

ચાલો, ડરને થોડી નજીકથી જોઈએ
ઉદાહરણ તરીકે, બાળકને ડૂબી જવાનો ડર ત્યારે હોઈ શકે છે જ્યારે સ્વિમિંગ કરતી વખતે, તે ડૂબતાં ડૂબતાં રહી ગયું હોય. બાળક કૂતરાથી એટલે ડરતું હોય છે કારણ કે નાની ઉંમરે કૂતરાએ તેને કરડી લીધું હોય. આવો ભય જીવનના અનુભવને કારણે છે.

આથી જુદા પ્રકારનો ડર સામાન્ય ભય છે. જેમ કે અંધારાનો ડર જે મોટાભાગનાં નાનાં બાળકોને હોય છે. આપણામાંના કેટલાંક વ્યક્તિઓ ઉંદરો, કરોળિયા, સાપ અને ગરોળીથી ડરતાં હોય છે. આમાંના કેટલાક ભય- જેમ કે અંધારાનો ડર- બાળકો જેમ જેમ મોટાં થાય છે, તેમ તેમ તે શીખે છે. અહીં વાલીઓએ યાદ રાખવા જેવું સત્ય એ છે કે જ્યારે પુખ્ત વયના લોકો બાળકોને અમુક પ્રકારની વાર્તાઓ કહે છે અથવા તેમને ધમકી આપે છે, ત્યારે બાળકો ડરવાનું શીખે છે. આનું એક લાક્ષણિક ઉદાહરણ તે ભૂત વાર્તાઓ છે, જે બાળકોમાં ડર બેસાડી દે છે.

ફોબિયા વિશે જાણીએ
ત્રીજા પ્રકારનો ડર- ફોબિયા છે, જેનું કોઈ રેશનલ કારણ નથી. ઉદાહરણ તરીકે, કોઈ બાળકને આગનો અતિશય ડર હોઈ શકે છે, પરંતુ તેને આગ સંબંધિત કોઈ પણ નકારાત્મક અનુભવ નથી રહ્યો. તેના ડરનું ચોક્કસ કારણ મેળવવું મુશ્કેલ છે. કદાચ બાળકનું સબ-કોન્શિયસ મગજ આગને કોઈ વસ્તુ સાથે જોડી રહ્યું છે એટલે તે આગને જોઈને ડરી રહ્યું છે.

વળી, ભારતમાં આપણું માનવું એવું પણ છે કે આવું ફોબિયા આપણા અગાઉના જન્મ સાથે જોડાયેલું છે. જો તમારામાંથી કેટલાંક વ્યક્તિઓ આ વિચાર વાંચીને હસી રહ્યા હોય, તો તેમના માટે હું ઉલ્લેખ કરવા માગુ છું કે એક ખૂબ જ માનનીય સંશોધક અને વૈજ્ઞાનિક જેમનું નામ ઇયાન સ્ટીવન્સન છે. સ્ટીવન્સને બાળકોના પાછલા જન્મની સ્મૃતિને આ ભય સાથે સંકળાયેલા હોવા અંગે ઘણી વૈજ્ઞાનિક તપાસ કરી છે.

ઇયાન સ્ટીવન્સન અમેરિકાની યુનિવર્સિટી ઓફ વર્જિનિયામાં કામ કરતા હતા અને તેમના પ્રકાશિત અભ્યાસોમાં આવા ઘણાં કિસ્સાઓનો ઉલ્લેખ હતો. એક ખૂબ જ પ્રખ્યાત વાર્તા જે વૈજ્ઞાનિકો દ્વારા ચકાસવામાં આવી હતી તે એક બે વર્ષના છોકરાની વાર્તા હતી જે સતત એક જ ચિત્ર દોરી રહ્યું હતું, અને તે આગમાં નીચે જઈ રહેલાં યુદ્ધના વિમાનનું હતું. તેના સંપૂર્ણ બાળપણ દરમિયાન તેને દુઃસ્વપ્ન આવતાં કે તે વિમાનના કોકપિટમાં અટવાઈ ગયો છે અને તે વિમાનને ઉડાડી દેવામાં આવ્યું છે. સ્ટીવન્સને આ છોકરાનો ઇન્ટરવ્યુ લીધો; ડેટા એકત્રિત કર્યો; અને ખરેખર તેને તે જગ્યાએ લઈ જઈને તેની વાર્તાની ચકાસણી કરી, જ્યાં તેણે કહ્યું હતું કે તેને ગોળી વાગી હતી. હકીકતમાં તે છોકરો બીજા વિશ્વયુદ્ધમાં પાયલોટ હતો અને તેનું વિમાન જાપાનીઓએ ઉડાડી દીધું હતું. આ છોકરાએ ફોટા ઓળખ્યા, લોકો અને સ્થાનો ઓળખ્યાં અને તેના સહ-પાયલોટનાં ઉપનામો આપ્યાં જેને જાણવાની તેની પાસે કોઈ રીત ન હતી, કારણ કે તે રેકોર્ડમાં જ ઉપલબ્ધ ન હતા! આ છોકરાનું નામ જેમ્સ લાઈનેનજર છે અને જો તેની વાર્તામાં તમને રસ પડ્યો હોય તો તમે આને યુ-ટ્યુબ પર પણ જોઈ શકો છો.

બાળકના ડર સાથે ડીલ કરવા માટેની કેટલીક જરૂરી ટિપ્સ
ડરની ઉત્પત્તિનું કારણ ગમે તે હોય, પ્રશ્ન એ છે કે આપણે બાળકના ડર સાથે કેવી રીતે ડીલ કરવું? ચાલો આ વિશે કેટલીક ટિપ્સ જાણીએ-

મહેરબાની કરીને તમારા બાળકમાં ડર પેદા કરશો નહીં. મેં નોંધ લીધી છે કે કેટલીક મહિલાઓ પોતાના બાળકને કહે છે કે, 'આ કરો નહીંતર કાગડો/બાવો/કૂતરો વગેરે આવીને તમને લઈ જશે.' આવું ના કહેવું જોઈએ. અન્ય પુખ્ત વયના લોકો જો તમારા બાળકને ભૂત અને અન્ય ડરામણી વાર્તાઓ કહેતા હોય તો તેમને તે કહેવાથી તાત્કાલિક અટકાવો. તમારા બાળકને ટેલિવિઝન સમાચારો અને હત્યા, અપહરણ વગેરેની ચર્ચાઓથી દૂર રાખો. આ બધાથી બાળકના કોમળ માનસ પર ઊંડી નકારાત્મક અસર પડી શકે છે.

જો તમારું બાળક કોઈ વસ્તુ વિશે પોતાનો ડર વ્યક્ત કરે, તો તેને 'ઓહ, આ કંઈ નથી’ એમ કહીને નજરઅંદાજ કરશો નહીં. બાળકના ડરનો અનુભવ વાસ્તવિક છે, ભલે તે તમને તુચ્છ લાગે. આવું કરવાના બદલે, તમારા બાળકને ધ્યાનથી સાંભળો અને તેને આશ્વાસન આપો કે તમે તેના માટે ત્યાં છો અને તમારું બાળક તમારી સાથે સુરક્ષિત છે. તમારા બાળકને ભયનું વર્ણન કરવાનું કહો, તેનો અર્થ શું છે અને તે શા માટે તેનાથી ડરે છે. આ રીતે તમે તેના ડરનો મજાક ઉડાવવાના બદલે અથવા તેના ડરને નજરઅંદાજ કરવાને બદલે તે ડર વિશે એક અર્થપૂર્ણ સંવાદ ઓપન કરી રહ્યા છો.

અંતમાં...
ભય નકારાત્મક નથી. તે ભય જ છે જે આપણને સ્વાભાવિક રીતે સુરક્ષિત રાખે છે. તે આપણને સાવચેત કરે છે અને ચોક્કસપણે તે એક સર્વાઇવલ ઇન્સ્ટિંક્ટ છે. પરંતુ અતિશય ડર આપણા જીવનને લકવાગ્રસ્ત કરી શકે છે અને આપણા વિકાસને પણ મર્યાદિત કરી શકે છે. તેથી એક વાલી તરીકે તમે આ આખી પ્રક્રિયામાં તમારા બાળકનો સાથ આપો અને શક્ય છે કે સમય જતાં તમારું બાળક પોતાના ભયને હેન્ડલ કરી, કદાચ એના પર કાબૂ પણ મેળવી શકશે.

anjuparenting@gmail.com
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...