ફેશન:ઉનાળાની અનુકૂળ ફેશન... સોહામણાં લાગે શ્વેત પરિધાન

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાયલ પટેલ

ઉનાળામાં ગરમી પડવાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે ફેશનપરસ્ત માનુનીઓ શક્ય હોય ત્યારે સફેદ વસ્ત્રો પહેરવાનું પસંદ કરવા લાગી છે. આ રંગનાં પરિધાન શરીરની સાથે સાથે આંખોને પણ શીતળતા આપે છે.
આ સિઝનમાં પહેરવા માટે સફેદ રંગના આઉટફિટ સૌથી સારો વિકલ્પ સાબિત થાય છે. હકીકતમાં સફેદ રંગ સૂરજનાં કિરણો ઓછાં શોષે છે જેના કારણે ગરમી નથી લાગતી. હવે તો સફેદ રંગમાં પણ અનેક સ્ટાઇલના ફેશનેબલ આઉટફિટ જોવા મળે છે.
દરેક બોડીટાઇપ માટે પરફેક્ટ
ડિઝાઇનર વ્હાઇટ શર્ટ કે ટોપ કોઈ પણ વયની યુવતી પહેરી શકે છે. યંગ ગર્લ્સ માટે પણ સમર સિઝનમાં વ્હાઇટ શર્ટ બેસ્ટ ઓપ્શન બની રહે છે. વધારે પડતી ભરાવદાર યુવતીએ વ્હાઇટ શર્ટ પહેરવાનું ટાળવું પણ એ સફેદ રંગની ફ્લોવા‌ળી કુર્તી ટ્રાય કરી શકે છે. આનાથી શરીરની વધારાની ચરબી
નજરે નહીં ચડે.
જે યુવતીના કોલરબોન આકર્ષક હોય તે યોકવાળું શર્ટ પહેરી શકે છે કારણ કે આમ કરવાથી યોક સાથે લોકોનું ધ્યાન આકર્ષક કોલરબોન પર અચૂક પડશે.
સુપરકૂલ સફેદ
સુપરકૂલ સફેદ રંગમાં ચિકન અને કોટન મટીરિયલમાંથી બનતી કુર્તીઓ અને ટોપ યુવતીઓના સૌથી ફેવરિટ છે. સફેદ ચિકનના ડ્રેસ કે ફ્રોક માનુનીને આકર્ષક લુક આપે છે. ક્રોપ ટોપ કે પછી કોટનની કુર્તી સાથે જિન્સનું કોમ્બિનેશન સારામાં સારો કેઝ્યુઅલ લુક આપે છે. અલગ અલગ સ્ટાઇલિશ ડ્રેસિંગ કોમ્બિનેશનમાં તેનો ઉપયોગ કરાય છે. યોગ્ય ફિટિંગના વ્હાઇટ શર્ટ કે ટોપ પેન્સિલ સ્કર્ટ સાથે એલિગન્ટ લુક આપે છે. તદુપરાંત વ્હાઇટ શર્ટમાં કલર્ડ બટન, બેલ સ્લીવ્ઝ, પોણિયા બાંય પણ આકર્ષક લાગે છે. યંગ ગર્લ્સને ક્લાસિક વ્હાઇટ શર્ટ હિપલેન્થ કરતાં થોડું ઉપર હોય તો વધારે સારું લાગે છે.
વ્હાઇટના અનેક શેડ
વ્હાઇટ કલરનાં પરિધાનની પસંદગી કરતી વખતે બોડી ટાઇપ અને પ્રસંગને અચૂક ધ્યાનમાં રાખો. ફોર્મલ પ્રસંગો માટે સ્લિમ ફિટ આઉટફિટ્સ બેસ્ટ ઓપ્શન બની રહે છે.
કેઝ્યુઅલ લુક માટે રેગ્યુલર ફિટિંગનાં આઉટફિટ્સ સુંદર દેખાશે. વ્હાઇટ આઉટફિટની શેડની પસંદગીમાં પણ કાળજી રાખવી જોઈએ. બ્લૂ કે ગ્રીન અંડરટોન શેડ ધરાવતા વ્હાઇટ કરતાં ક્રિસ્પ વ્હાઇટ, આઇવરી અથવા ઓફ-વ્હાઇટશેડ વધુ સારા લાગશે
સફેદ રંગનાં વસ્ત્રો સાથે યોગ્ય ઇનરવેરની પસંદગી
સફેદ રંગનાં વસ્ત્રો સાથે યોગ્ય ઇનરવેરની પસંદગી કરવી જરૂરી છે. જો તમે મિત્રો સાથે આઉટિંગ પર જવાના હો તો સફેદ વસ્ત્રો નીચે કલરફુલ ઇનરવેર પહેરીને હોટ લુક મેળવી શકો છો. જો તમે ઓફિસમાં કે પારિવારિક પ્રસંગોએ સફેદ રંગનાં વસ્ત્રો પહેરવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો વ્હાઇટ કે પછી ત્વચાના રંગ સાથે મેચ થતા ન્યૂડ શેડના ઇનરવેરની પસંદગી કરવી જોઇએ. આ રીતે સફેદ વસ્ત્રો પહેરીને કૂલ લુક મેળવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...