ઈતિહાસ ગવાહ હૈ:પતિયાળાના ઉદારદિલ મહારાજા પ્રેમકહાણીઓ માટે મશહૂર

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંજાબના મુખ્યમંત્રી રહેલાં કેપ્ટન અમરિંદર સિંહ પણ દિલફેંક ગણાયા
  • હિટલર સાથેની મહારાજા ભૂપિન્દર સિંહની મૈત્રી ખૂબ અંગત હતી
  • કાશ્મીરને માથે સંકટ ટાણે મહારાજા હરિસિંહની વહારે પતિયાળાનું સૈન્ય

થોડા વખત પહેલાં પંજાબની પતિયાળા રિયાસતનાં છેલ્લાં મહારાણી, રાજમાતા મોહિન્દર કૌર, 95 વર્ષની વયે ગુજરી ગયાં ત્યારે એમના માટે બંને આંખ સમાન પૂર્વના પંજાબ (ભારત) અને પશ્ચિમના પંજાબ (પાકિસ્તાન)ની એમની પ્રજાએ માનવંદના બક્ષી. ક્યારેક મહારાણી તરીકે એ અવિભાજ્ય ભારતના પંજાબના માન-સન્માન મેળવનાર રાજવી પરિવારનાં અગ્રણી હતાં. ભારતીય પંજાબ રાજ્યના મુખ્ય પ્રધાન રહેલાં અને કોંગ્રેસી નેતામાંથી ફારેગ થઈને અલાયદો પક્ષ રચનાર કેપ્ટન અમરિન્દર સિંહનાં એ માતાશ્રી. આમ પણ, પતિયાળાના મહારાજાની પ્રેમકહાણીઓ બહુચર્ચિત છે, પણ પતિયાળાના પૂર્વ રાજવી પરિવારનાં આ રાજમાતાની કામદાર નેતા અને કોંગ્રેસના કામદાર સંગઠન ‘ઈન્ટક’ના સંસ્થાપક એવા અશોક મહેતા સાથેની ‘રુમર્ડ ફ્રેન્ડશિપ’ (બહુચર્ચિત અફવાઓમાં વહેતી રહેલી દોસ્તી) એમના પારિવારિક સગા અને ભારતના વિદેશ સચિવ રહેલા કે. સી. સિંહે 3 ઓગસ્ટ 2017ના ‘ધ ટ્રિબ્યુન’માં રાજમાતાને અંજલિ અર્પવા ગયેલા લેખમાં વર્ણવી છે. એમ તો કેપ્ટન અમરિન્દર સિંહ પણ દિલફેંક ગણાય છે. એક પાકિસ્તાની મહિલા સાથેના એમના બહુચર્ચિત સંબંધો અને પતિયાળા કે ચંડીગઢમાં એમની સાથેના રોકાણે ખૂબ મોટું રાજકીય તોફાન મચાવ્યું હતું. ભારતમાં ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પવન વાઈ રહ્યો હોય એવા સમયે પણ ‘મહારાજા’ પતિયાળા કેપ્ટન અમરિન્દર સિંહ સામે પૂર તરીને પંજાબમાં કોંગ્રેસની સરકાર સ્થાપવામાં સફળ થયા હતા. સમયાંતરે ભાજપના મિત્ર પણ બન્યા. અગાઉ એ અકાલી દળમાં પણ હતા. અમરિન્દરના પિતા અને પતિયાળાના નવમા મહારાજા સર યાદવેન્દ્ર સિંહ 1938થી 1974 લગી મહારાજા રહ્યા. એ પહેલાં કેપ્ટનના દાદા ભૂપિન્દર સિંહ 1900થી 1938 લગી રાજ કરતા રહ્યા. એ તો ખૂબ રંગીન વ્યક્તિ હતા.

હિટલરની મોંધી કાર ભેટ
લબ્ધપ્રતિષ્ઠ લેખક ખુશવંત સિંહ જેમને શરાબી અને મહિલાઓના શોખીન (વુમનાઈઝર) ગણાવવાનું પસંદ કરે છે એ પતિયાળાના મહારાજા ભૂપિન્દર સિંહ જર્મન તાનાશાહ એડોલ્ફ હિટલરના ગાઢ મિત્ર હતા. હિટલરે એમને અલભ્ય ગણાય એવી ‘મેબેક’ કાર ભેટ આપી હતી. અનેક રોલ્સરોય અને બીજી ગાડીઓના માલિક હતા. દુનિયાભરમાં માત્ર છ કાર જ હતી. એ ‘મેબેક’ કાર હિટલરે ખાસ બનાવડાવેલી હતી. એવી એ કાર મહારાજાને 1935ના ગાળામાં બેઉ મહાનુભાવો જર્મનીમાં મળ્યા ત્યારે હિટલરે ભેટ આપી હતી. 1957ના ગાળામાં દિલ્હીના પતિયાલા હાઉસ ખાતે મહારાજા સાથેની મહેફિલમાં સરદાર સત્યજિત સામેલ થયા. એમણે પતિયાળાના મોતીબાગ પેલેસમાં પડી રહેલી પેલી હિટલરવાળી કાર જોઈ હતી. મહારાજાના પૌત્ર રાજા માલવિન્દરને (અમરિન્દરના નાના ભાઈ) દાદાએ એના બાપુ યાદવેન્દ્ર સિંહ તથા મહેમાનો માટે શરાબના પેગ બનાવવા કહ્યું ત્યાં જ સત્યજિતે પેલી હિટલરવાળી ગાડી પોતે ખરીદવા ઈચ્છુક હોવાની વાત છેડી. ઉદાર મહારાજાએ કહ્યું- ‘હું કાર વેચતો નથી, પણ મહેમાન તરીકે તમે એને ભેટ તરીકે લેવા ઈચ્છતા હો તો આપી.’ અને રણજિતે ખરેખર એ કાર મેળવી લીધી હતી. સુમંત કે. ભૌમિક લિખિત ‘Princely Palaces in New Delhi’ પુસ્તકમાં આ પ્રસંગ નોંધાયેલો છે. મહારાજા ભૂપિન્દર સિંહ ખૂબ જ ઉદાર ગણાતા હતા.

એશિયન ગેઈમ્સના સ્થાપક
અંગ્રેજશાસિત ભારતના રાજવીઓના સંગઠન ‘ચેમ્બર ઓફ પ્રિન્સીસ’ (નરેન્દ્ર મંડળ)નું મહત્ત્વ ખૂબ હતું. એના ચાન્સેલર કે અધ્યક્ષ જે હોય એનો માનમરતબો ખૂબ જળવાતો હતો. નવાનગર (જામનગર)ના મહારાજા જામ દિગ્વિજય સિંહ અને ભોપાળના નવાબ હમિદુલ્લા ખાનની જેમ જ પતિયાળાના મહારાજા સર યાદવેન્દ્ર સિંહ માર્ચ 1946માં નરેન્દ્ર મંડળના વડા હતા. એશિયન ગેઈમ્સ ફેડરેશનની સ્થાપના પણ એમની પ્રેરણાથી જ નવી દિલ્હીના પતિયાલા હાઉસમાં 13 ફેબ્રુઆરી 1949ના રોજ થઈ હતી. અફઘાનિસ્તાન, બર્મા, સિલોન, ભારત, ઈન્ડોનેશિયા, નેપાળ, પાકિસ્તાન, ફિલીપાઇન્સ અને થાઈલેન્ડના પ્રતિનિધિઓની બે દિવસીય બેઠક મહારાજાની અધ્યક્ષતામાં પતિયાલા હાઉસ ખાતે મળી હતી. મંત્રી હતા જી. ડી. સોઢી. મહારાજાએ રમતગમતને વિવિધ દેશો વચ્ચેની મૈત્રી અને સમજણને દૃઢ કરનાર મહત્ત્વનું પરિબળ લેખાવ્યું હતું. મહારાજાએ સરદાર પટેલ અને રિયાસત ખાતાના સચિવ વી. પી. મેનન સાથેની ચર્ચા-વિચારણાને પગલે રચાયેલા પતિયાળા અને ઈસ્ટ પંજાબ સ્ટેટ્સ યુનિયન (પેપ્સુ)ના રાજપ્રમુખ તરીકેની જવાબદારી પણ નિભાવી હતી. પાછળથી ‘પેપ્સુ’ને પૂર્વ પંજાબમાં સમાવી લેવાયું હતું. મહારાજા રોમમાં ભારતીય રાજદૂત રહ્યા, જ્યારે મહારાણી (થોડા વખત પહેલાં દિવંગત થયેલાં રાજમાતા) 1964થી ’67 સુધી કોંગ્રેસ તરફથી રાજ્યસભામાં અને 1967થી ’71 સુધી લોકસભામાં રહ્યાં. એમના પાટવીકુંવર અને મુખ્ય પ્રધાન રહેલા કેપ્ટન અમરિન્દર સિંહ પણ લોકસભામાં રહ્યા હતા.

પંજાબિયતના પ્રણેતા અમરિન્દર
પંજાબના રાજકારણમાં પ્રવેશ કર્યા પહેલાં કેપ્ટન અમરિન્દર જૂન 1963થી 1965 લગી ભારતીય લશ્કરમાં રહ્યા. એમણે રાજીનામું આપ્યું, પરંતુ પાકિસ્તાન સામે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે એ ફરી પાછા લશ્કરમાં જોડાઈ ગયા હતાં. યુદ્ધ પછી રાજીનામું આપીને રાજકારણમાં ઝંપલાવનાર કેપ્ટન અમરિન્દર અકાલી દળની વિધાનસભા પાંખના વડા પણ રહ્યા. સંસદસભ્ય અને ધારાસભ્ય તરીકે ચૂંટાતા રહ્યા. જોકે વર્ષ 2002થી 2007 લગી તેઓ કોંગ્રેસના મુખ્ય પ્રધાન રહ્યા. ફરી અત્યારે કોંગ્રેસના મુખ્ય પ્રધાન બનવામાં સફળ રહેલા કેપ્ટન ભૂતકાળમાં પાકિસ્તાન અને ભારત જ નહીં, દુનિયાભરમાં વસતા પંજાબીઓનો સેતુ રચવા માટે એમણે પંજાબિયતને જીવાડવા માટેની પરિષદો પણ એમની મુખ્ય પ્રધાન તરીકેની અગાઉની મુદ્દતમાં યોજી હતી.

કાશ્મીર અને ગ્વાલિયરના સગા
જમ્મુ-કાશ્મીરના મહારાજા જ્યારે સંકટમાં હતા ત્યારે પતિયાળાના મહારાજા યાદવેન્દ્ર સિંહે એમના રાજ્યની સુરક્ષા માટે પોતાનાં લશ્કરી દળોને મોકલવાનું પસંદ કર્યું હતું. ભારતને મહારાજા હરિસિંહે મદદ માટે વિનંતી કરી હતી, પણ દિલ્હીની શરત હતી કે પહેલાં ભારત સાથે જોડાઈ જાઓ તો આ શક્ય બને. પાકિસ્તાને 22 ઓક્ટોબર 1947ના રોજ જમ્મુ-કાશ્મીર પર પોતાના અધિકારીઓના માર્ગદર્શનમાં કબાઈલીઓને આક્રમણ કરવા માટે પાઠવ્યા ત્યારે એકમાત્ર મહારાજા પતિયાળા જ જમ્મુ-કાશ્મીરની વહારે આવ્યા હતા. જોકે, 27 ઓક્ટોબર 1947ના રોજ જમ્મુ-કાશ્મીરનો ભારતમાં વિલય થતાંની સાથે જ ભારતીય ફોજનાં વિમાન શ્રીનગર જવા રવાના થયાં હતાં અને અડધું રાજ્ય બચાવી શકાયું હતું. સંયોગ કેવો કે શીખ ‘મહારાજા’ અમરિન્દર સિંહના પૌત્ર કુંવર નિર્વાણ સિંહ સાથે ડૉ. કર્ણ સિંહના યુવરાજ વિક્રમાદિત્ય સિંહની રાજકુમારીનાં લગ્ન થયાં છે. અમરિન્દરના રાજકુમાર અંગદ સિંહનાં લગ્ન હિમાચલના મુખ્ય પ્રધાન રહેલા રાજા વીરભદ્રસિંહની કુંવારી અપરિજિતા સાથે થયાં છે. ડૉ. કર્ણ સિંહ મહારાજા હરિ સિંહના યુવરાજ અને કોંગ્રેસના સાંસદ રહ્યા. એમના યુવરાજ વિક્રમાદિત્ય સિંહ જમ્મુ-કાશ્મીરમાં સત્તારૂઢ પીડીપીના વિધાનપરિષદ સભ્ય રહ્યા. તેઓ ગ્વાલિયરના સદગત ‘મહારાજા’ અને રાજમાતા સિંધિયાના પુત્ર માધવરાવની રાજકુમારી ચિત્રાંગદા સાથે પરણેલા છે. માધવરાવની બહેન વસુંધરા રાજસ્થાનનાં ભાજપી મુખ્ય પ્રધાન રહ્યાં. એમના નાનાભાઈ અજાતશત્રુ સિંહ ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય રહ્યા છે. અગાઉ તેઓ ડૉ. ફારુક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ સરકારમાં પ્રધાન હતા. કેપ્ટન અમરિન્દર સિંહની બહેન મહારાજકુમારી હેમિન્દર કૌર વિદેશ સેવામાં રહેલા નેહરુવાદી કુંવર નટવર સિંહ સાથે પરણેલાં છે. નટવર સિંહ દેશના વિદેશપ્રધાન હતા. કેપ્ટન અમરિન્દર સિંહ અને ઓપરેશન બ્લ્યૂસ્ટાર (સુવર્ણમંદિરમાં લશ્કર પાઠવવાના) સામે વિરોધ નોંધાવીને આઈપીએસ તરીકે રાજીનામું આપીને જેલમાંથી લોકસભા ચૂંટણી લડી જીતનારા તથા અકાલી દળ (અમૃતસર)ના વડા સિમરણ જિત માન સાઢુભાઈ છે. રાજવી પરિવારોના કૌટુમ્બિક સંબંધોની પણ રસપ્રદ કહાણી હોય છે. એમના સંબંધોમાં રાજકીય મતભેદ જોવા મળતા નથી.

haridesai@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે)