સુખનું સરનામું:ફેમિલીનું અપાર સુખ મેળવવા માટેની માસ્ટર કીઃ એક હજાર લખોટીની રમત

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક બહુ મોટા ઉદ્યોગપતિ પોતાના કામમાં અતિ વ્યસ્ત રહેતા હતા. ધંધાના વિકાસમાં એવા તો ઓતપ્રોત હતા કે પરિવારને પણ પૂરતો સમય આપી શકતા નહોતા. એક દિવસ ઓફિસ જતી વખતે કારમાં રેડિયો સાંભળતા હતા. રેડિયો પર 75 વર્ષના કોઇ વૃદ્ધ માણસનો ઇન્ટરવ્યૂ ચાલી રહ્યો હતો. વૃદ્ધ માણસને પૂછવામાં આવ્યું કે તમે જીવનના 75 વર્ષ પૂર્ણ આનંદથી વિતાવ્યા છે. તમારા પરિવારના બધા લોકોને ખૂબ પ્રેમ અને સમય આપ્યો છે. પરિવારનો નાનો મોટો દરેક સભ્ય તમને ખૂબ પ્રેમ કરે છે. તમે આવું કેવી રીતે કરી શક્યા? જવાબમાં વૃદ્ધે કહ્યું, 'મારા પારિવારિક મજબૂત સંબંધોનું કારણ છે મેં ભેગી કરેલી 1000 લખોટીઓ.'

ઇન્ટરવ્યૂ લેનારો મુંઝાઇ ગયો. 1000 લખોટીઓ અને પરિવારને વળી શું સંબંધ? રેડિયો પર વાર્તાલાપ સાંભળી રહેલા ઉદ્યોગપતિને પણ આ જાણવાની ઇચ્છા થઇ એટલે એણે ડ્રાઇવરને વોલ્યૂમ વધારવા માટે કહ્યું. વૃદ્ધે પોતાની વાત આગળ વધારતા કહ્યું, 'મારી યુવા અવસ્થામાં મને સંબંધો કરતાં સંપત્તિ વધુ વહાલી હતી. હું એવું માનતો હતો કે જો તમારી પાસે સંપત્તિ હોય તો તમે આખી દુનિયાને તમારી મુઠ્ઠીમાં કરી શકો અને તમે જે ધારો તે પ્રાપ્ત કરી શકો. રાત-દિવસ હું સંપત્તિ કમાવા માટે જ દોડતો હતો. સંપત્તિ કમાવાની આ દોડમાં હું ખૂબ આગળ નીકળી ગયો. પરંતુ મારો પરિવાર અને મિત્રો બહુ પાછળ રહી ગયા. 55 વર્ષની ઉંમરે મને સમજ પડી કે આરામદાયક અને પ્રતિષ્ઠાસભર જીવન જીવવા સંપત્તિ જરૂરી છે પણ સંપત્તિ જ સર્વસ્વ નથી. મેં નક્કી કર્યું કે હવે હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી અઠવાડિયાંમાં એક દિવસ તો મારા પરિવાર સાથે મોજ મસ્તીમાં વિતાવીશ.

સરેરાશ 75 વર્ષનું આયુષ્ય ગણીએ તો હવે મારી પાસે 20 વર્ષ બાકી હતા. એટલે કે, ભગવાન જો દોરી ખેંચી ન લે તો મારી પાસે 1000 અઠવાડિયાં બાકી હતા. તેથી, મેં 1000 લખોટી ખરીદીને એક બરણીમાં ભરી દીધી. દર અઠવાડિયે એક-એક લખોટી તેમાંથી કાઢીને બહાર ફેંકી દેતો. જેમ-જેમ બરણી ખાલી થવા લાગી તેમ-તેમ મને સમજાતું ગયું કે મારા પરિવાર માટે મારી પાસે બહુ જ ઓછો સમય છે. તેથી, હું વધુ સમય પરિવારને આપવા લાગ્યો. આજે મારી બરણીની છેલ્લી લખોટી પણ મેં ફેંકી દીધી. બરણી સાવ ખાલી છે પણ હું ખુશ છું કે આ લખોટીની રમતને કારણે હું પરિવારને પૂરતો સમય આપી શક્યો. હવેનો બધો જ બોનસ ટાઇમ પરિવારને જ આપવો છે.'

વાત સાંભળી રહેલા ઉદ્યોગપતિની આંખ ભીની થઇ ગઇ કારણ કે, એકનો એક દીકરો ઘણા સમયથી મેળામાં જવા માટે કહેતો હતો પણ મીટિંગોની ભાગદોડમાં દીકરાને મેળામાં લઇ જવાનો સમય નહોતો. રસ્તામાં એક ડિપાર્ટમેન્ટલ સ્ટોર પાસે એણે ગાડી ઊભી રખાવીને એણે ડ્રાઇવરને કહ્યું, 'ભાઇ, સ્ટોરમાં જઇને તપાસ કર. કદાચ અહીંયા લખોટી મળતી હશે અને જો મળતી હોય તો 1000 લખોટી ખરીદી આવ.'

આજે દરેક માણસ રાત-દિવસ દોડ્યા કરે છે. પેટની ભૂખ ભાંગવા માટે દોડાદોડી કરવી પડે એ તો સમજી શકાય તેમ છે પણ સાતપેઢી બેઠી બેઠી ખાય તો પણ ન ખૂટે એટલી સંપત્તિ ભેગી કર્યા પછી પણ દોડ અટકતી નથી. ભલે દોડ ચાલતી રહે એની સામે કંઇ વાંધો પણ નથી અને દેશના આર્થિક વિકાસનો વિચાર કરીએ તો આવી દોડ સતત ચાલતી જ રહેવી જોઇએ, નહીંતર દેશનું અર્થતંત્ર પડી ભાંગે. પ્રશ્ન માત્ર એટલો છે કે આ ભાગદોડમાં પરિવાર અને મિત્રો પાછળ છૂટી જાય છે. દિકરા-દિકરીઓ માતા-પિતાના પ્રેમથી વંચિત રહી જાય છે અને એનું પરિણામ એ આવે છે કે સંતાનો અને મા-બાપ વચ્ચે ધીમે ધીમે એક અદૃશ્ય દીવાલ ઊભી થઇ જાય છે. સાવ બાજુબાજુમાં હોવા છતાં જાણે કે ખૂબ દૂર હોય એવી અનુભૂતિ થાય છે. આ બધું થોડા સમય પછી સમજાય છે. સંપત્તિ પેદા કરવી જ જોઇએ અને જેટલી કરી શકાય એટલી કરવી જોઇએ પણ સંપત્તિ પેદા કરવાની આ દોડધામમાં એક મહત્ત્વની બાબતનો વિચાર પણ કરવો જોઇએ કે સંપત્તિ કમાવાની આ દોડમાં આપણે કંઇક એવું ન ગુમાવી બેસીએ કે પછી બહુ સંપત્તિ કમાયા બાદ એ સંપત્તિ ખર્ચવા છતાં પેલું ગુમાવેલું પાછું ન મળે અને મોટાભાગે સાવ અજાણતા આ ભૂલ થઇ જતી હોય છે.

એક મોટા ઉદ્યોગપતિને બહુ નજીકથી ઓળખું છું. એમણે નાની ઉંમરમાં બહુ સારી કમાણી કરી છે. એકના એક દીકરાને તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ આપી છે. આ કોલેજમાં અભ્યાસ કરતા આ દીકરાએ એક વખત કહ્યું હતું કે, ‘પપ્પા જેટલો પ્રેમ એમના સોશિયલ સ્ટેટસને કરે છે એનો અડધો પ્રેમ પણ મને કે મમ્મીને કરતા નથી. સમાજમાં વાહવાહ થાય એ માટે જે કરવું પડે તે બધું જ કરે પણ એમને અમારી વાહવાહની કંઇ જ પડી નથી.’ મેં આ કિશોરને પૂછ્યું, ‘તું તારા પપ્પાના જીવનમાંથી શું શીખ્યો?’ એણે કહ્યું, ‘હું મોટો થઇશ ત્યારે મારા સંતાનોને ખૂબ પ્રેમ આપીશ. મારા પપ્પા આજે જે ભૂલ કરે છે એ ભૂલ ભવિષ્યમાં હું નહીં કરું.’ આ વેદના કોઇ એકાદ દીકરા-દીકરીની નહીં પણ ઘણાની હશે. આને પ્રગટ કરી, બાકીના દાબીને બેઠા હશે.

કેટલાક મિત્રો એવી દલીલ કરતા હોય છે કે આ વાતો બોલવામાં બહુ સારી લાગે પણ એને અમલમાં મૂકવી બહુ મુશ્કેલ છે. ‘જ્યારે તમે બહુ મોટી જવાબદારી લઇને બેઠા હો ત્યારે તમારે પરિવારને ગૌણ કરવો જ પડે.’ આવી દલીલ કરનારને મારે એટલું જ કહેવું છે કે પેપ્સીકો કંપનીનાં CEO ઇન્દ્રા નૂઇ જેટલી જવાબદારી લઇને બેઠાં એટલી મોટી જવાબદારી લઇને તો આપણે નથી જ બેઠા. એક આંતરરાષ્ટ્રીય કંપનીનું સંચાલન કરતાં કરતાં એ પરિવારનું પણ સુંદર સંચાલન કરે છે. એમને માત્ર કંપનીના વિકાસમાં નડતરરૂપ પ્રશ્નોની જ નહી પરંતુ દીકરીના વિકાસમાં અવરોધ ઊભા કરતા પ્રશ્નો કે સમસ્યાઓની ખૂબ સારી સમજ છે કારણ કે, અતિવ્યસ્તતાની વચ્ચે પણ એ પરિવારના મહત્ત્વને ભૂલ્યા નથી. મોડી રાત્રે ઓફિસમાંથી કે બિઝનેસ મીટિંગ પૂરી કરીને ઘરે આવતી વખતે અત્યંત વૈભવી કારમાં પાછલી સીટ પર બેઠાં બેઠાં રોડની બાજુ પર આવેલી ફૂટપાથ ઉપર પ્લાસ્ટિકનું પાથરણું પાથરીને બેઠેલા અને ધીંગામસ્તી કરતા પરિવારને જોઇને એવુ નથી લાગતું કે આપણે હજુ એના જેટલી કમાણી નથી કરી શક્યા?

એક વાત પર વિચાર કરવાની જરૂર છે કે સંપત્તિ આપણા માટે છે આપણે સંપત્તિ માટે નથી. ભગવાને આ ધરતી પર વિતાવવા માટે આપેલો સમય ખૂબ મર્યાદિત છે. ગમે એટલા નાણાં ખર્ચ્યાં પછી પણ આ મર્યાદિત સમયમાં આપણે એક સેકંડ પણ ઉમેરી શકવા માટે સક્ષમ નથી. એટલે માત્ર સંપત્તિ કમાવા માટે નહીં, પરંતુ પરિવાર માટે પણ થોડો સમય અનામત રાખવો. ચાલો આપણે પણ 1000 લખોટીની રમત રમીએ અને નવા વર્ષને અનોખી રીતે વધાવીએ.

(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)

અન્ય સમાચારો પણ છે...