• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Exploitation Through A Relationship: Emotional Black mailing Contaminates The Relationship ... Then The Atmosphere Becomes Awkward, Foggy, Dim, Uncertain And Mournful

ઇટ્સ કોમ્પ્લિકેટેડ:સંબંધના માધ્યમથી શોષણઃ ઈમોશનલ બ્લેક-મેઇલિંગ સંબંધને દૂષિત કરે... ત્યારે વાતાવરણ બોઝિલ, ધુમ્મસભર્યું, ઝાંખું, અનિશ્ચિત અને શોકમગ્ન બને છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં રહેતા ધર્મેશના પિતા એક બેંકમાં મેનેજર. માતા કોર્પોરેશનની શાળામાં શિક્ષિકા. ધર્મેશની બહેન શ્વેતાએ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કરેલો. એક ટીવી ચેનલમાં તેમને નોકરી મળી હતી. ધર્મેશે CAનો અભ્યાસક્રમ કરીને એક કોર્પોરેટ કંપનીમાં નોકરી સ્વીકારી હતી. ઘરમાં બધાં ભણેલાં અને કમાતાં. આમ તો આ જમાનામાં યુવક-યુવતીઓ છૂટથી હરે-ફરે છે એટલે પ્રેમમાં પડવાના ચાન્સ ઘણા હોય છે. યુવક કે યુવતી જાતે જ પોતાને ગમતું હોય, અનુકૂળ હોય એવું પાત્ર શોધી લે એટલે માતા-પિતા મોટી અને નાજુક મહેનતમાંથી બચી જતાં હોય છે.

જો કે ધર્મેશ પોતે સીધી લીટીનો અને કામથી કામ રાખનારો યુવક હતો એટલે પ્રેમમાં પડવાની કોઈ વિશેષ તક તેને મળી નહોતી. તેના માટે માતા-પિતાએ છોકરી શોધવાનું શરૂ કર્યું. પાંચ-છ છોકરીઓ જોયા પછી તેને યાત્રી નામની એક યુવતી ગમી. યાત્રીએ M.Com. કર્યું હતું. તે એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરતી હતી. દેખાવડી અને પ્રતિભાશાળી યુવતી હતી. કંપનીના મેનેજમેન્ટને તેના માટે ગૌરવ હતું. તે ધાર્યાં પરિણામો લાવી શકતી હતી.

યાત્રી અને ધર્મેશ એકબીજાને ગમી ગયાં. તેમણે એક-બે મીટિંગ કરી. રેસ્ટોરાંમાં સાથે જમવા ગયાં. થોડું હર્યાં-ફર્યાં. બંનેએ એકબીજાના વિચારો જાણ્યા. ધર્મેશનાં માતા સ્વાતિબહેન સ્પષ્ટ કહેતાં છોકરો અને છોકરી એકબીજાને ગમાડે એટલે વાત પૂરી. બીજું બધું ગૌણ છે. યાત્રી અને ધર્મેશનાં રંગેચંગે લગ્ન થયાં. બંને વિદેશમાં હનીમૂન કરવા પણ ગયાં. બધુ સરસ રીતે ચાલતું હતું. એક જ વાતની તકલીફ હતી. યાત્રીનો સ્વભાવ સીધી લીટીનો નહોતો. તે આમ તો ડાહી અને પ્રતિભાશાળી હતી પણ તેને વાતે વાતે રીસાઈ જવાની ટેવ હતી. તેને જે જોઈતું હોય તે ના મળે તો તે રીસાઈ જતી. પોતાનું ધાર્યું ન થયું હોય તો તે જમવાનું છોડી દેતી.

આમ તો દાંપત્યજીવનમાં રિસામણાં-મનામણાંની પણ એક મજા અને લિજ્જત હોય છે પણ અહીં વાત સાવ જ જુદી હતી. અહીં યાત્રી ઘડી ઘડી રિસાઈ જતી હતી તે ઈમોશનલ બ્લેક-મેઇલિંગ હતું. ધર્મેશે શરૂઆતના દિવસોમાં તો આ સહન કર્યું, પણ પછી એ ગળા સુધી આવી ગયો. પતિ તરીકે તેને જ સૌથી વધુ સહન કરવાનું આવતું. એ ઠરેલ અને પરિપક્વ પતિ હતો. તે કલાકોના કલાકો યાત્રીને સમજાવતો. તે કહેતો કે યાત્રી તારી આ રીત યોગ્ય નથી. તું દરેક બાબતમાં આગ્રહ રાખે, આ બાબત આમ જ થવી જોઈએ અને આ બાબતમાં આવું નહીં જ કરવાનું એ બરાબર નથી. તું વારંવાર રિસાઈ જાય, પરિવારના સભ્યો સાથે બોલવાનું બંધ કરી દે, જમવાનું ટાળે...આ બધું યોગ્ય નથી.

જો કે, યાત્રી માટે પોતાનો સ્વભાવ બદલવાનું અઘરું હતું. તે સમયાંતરે પોતાનું પોત પ્રકાશતી અને પાછું ઘરનું વાતાવરણ ભારેખમ થઈ જતું. ધર્મેશનાં માતા-પિતા દુઃખી થઈ ગયાં. હસતો-રમતો, કિલ્લોલ કરતો પરિવાર અચાનક મૌન થઈ ગયો. જ્યારે જુઓ ત્યારે ઘરનું વાતાવરણ ભારેખમ રહેતું હતું.

આવું ઘણી વાર બનતું હોય છે. ઈમોશનલ બ્લેક-મેઇલિંગ એ એક જાતની બીમારી છે. એ એક જાતની અવસ્થા છે. ઘણા લોકોને ઈમોશનલ બ્લેક-મેઇલિંગ કરવાની ખોટી ટેવ હોય છે. ભાવનાત્મક બ્લેક-મેઇલ એવી એક પ્રક્રિયા છે જેમાં કોઈ વ્યક્તિ પોતે જેની ઈચ્છા રાખે છે તે મેળવવા માટે ધમકી આપે છે. આ ધમકીઓ જુદા-જુદા સ્તરની હોય છે. ભાવનાત્મક બ્લેકમેઇલિંગ એક એવું વાતાવરણ ઊભું કરે છે જેમાં વાતાવરણ બોઝિલ, ધુમ્મસભર્યું, ઝાંખું, અનિશ્ચિત અને શોકમગ્ન બને છે.

જે વ્યક્તિ બ્લેક મેઈલિંગ કરતી હોય છે તે વ્યક્તિની ચોક્કસ પ્રકારની માનસિકતા હોય છે. તેને ઈમોશનલ બ્લેક મેઈલિંગ કરીને પોતાનું મન ધાર્યું કામ કરાવવાની (કુ)ટેવ પડી ગઈ હોય છે. ઈમોશનલ બ્લેક મેઈલિંગ કરતી વ્યક્તિ લાગણીશીલતાનો એક અસ્ત્ર અને શસ્ત્ર તરીકે ઉપયોગ કરે છે. આવી વ્યક્તિ સામેની વ્યક્તિના હૃદયમાં રહેલી સંવેદનાનો દૂર ઉપયોગ કરે છે.

પ્રેમ ત્રણ સ્તરે વ્યક્ત થતો હોય છે.

  1. સંવેદના
  2. લાગણી
  3. લાગણીશીલતા

સંવેદના એ પ્રેમને વ્યક્ત કરવાનું સર્વોત્તમ સ્તર છે. સંવેદના એ પ્રેમનું એક સ્વરૂપ છે. લાગણીના સ્તરે પ્રેમ વ્યક્ત થાય છે. લાગણી એ લાગવું શબ્દ પરથી બનેલો શબ્દ છે. કવિ નર્મદે લાગણી શબ્દનું સર્જન કર્યું છે. લાગણીના સ્તરે વ્યક્ત થતા પ્રેમમાં સંબંધો અજવાળતા હોય છે. સંબંધોના જુદા-જુદા શેડ હોય છે. સંબંધોના જુદા-જુદા પ્રવાહ હોય છે. દરેક સંબંધનું જેમ સૌંદર્ય હોય છે તેમ દરેક શબ્દનો આંતર અને બાહ્ય પ્રવાહ પણ હોય છે. આ પ્રવાહને અનુરૂપ લાગણી તેની સાથે સંકળાયેલી હોય છે.

લાગણીશીલતા પ્રેમનું જ એક સ્વરૂપ છે પણ એ સ્થૂળ સ્વરૂપ છે. લાગણીશીલતામાં વ્યક્ત થતો પ્રેમ મુગ્ધ હોય છે. એ છીછરો હોઈ શકે છે. એ પ્રેમ ઉપરછલ્લો હોવાનું સંભવ છે. એ પ્રેમમાં પ્રેમ કરતાં વ્યવહાર વધારે પ્રતિબિંબિત થતો હોય છે. સ્ત્રીઓ પ્રેમનું સ્વરૂપ છે. સ્ત્રીઓ પુરુષોના પ્રમાણમાં વધારે શ્રદ્ધા અને ભાવનાના આધારે વિચારે અને જીવે છે. સ્ત્રી એટલે પ્રેમ, મમતા, વાત્સલ્ય, લાગણી, ઊર્મિ, સંવેદના, કરુણાની ફૂલક્યારી. સ્ત્રી અને પુરુષમાં તાર્કિક ફરક એ છે કે સ્ત્રી પહેલાં શ્રદ્ધા અને પ્રેમના આધારે જીવે છે. જ્યારે શ્રદ્ધા થાકી જાય ત્યારે તે બુદ્ધિના શરણે જાય છે. પુરુષનું તેનાથી ઊલટું છે. પુરુષ બુદ્ધિપ્રધાન છે. એ બુદ્ધિથી વિચારે છે અને જીવે છે. જ્યારે બુદ્ધિ થાકી જાય ત્યારે તે પ્રેમના શરણે જાય છે.

સ્ત્રીઓ લાગણીશીલતાના આધારે વિચારતી હોય છે ત્યારે છેતરાતી હોય છે. અનેક પરિવારોમાં સંતાનો માતા તરીકે સ્ત્રીનું સતત ઈમોશનલ બ્લેક મેઈલિંગ કરતાં હોય છે. ક્યારેક આ કામ પતિઓ પણ કરતા હોય છે. જો ભારતની સ્ત્રીઓ લાગણીશીલતાથી ઉપર ઊઠીને લાગણી કે સંવેદનાની ભૂમિકાએ જીવન જીવતી થશે ત્યારે તે પોતે ઉત્તમ રીતે પ્રેમ વ્યક્ત કરી શકશે અને યોગ્ય રીતે પ્રેમ પામી પણ શકશે.

સ્ત્રીને પોતાને થયેલા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતના નબળા કે કડવા અનુભવો તેને ઈમોશનલ બ્લેક મેઈલિંગ કરવા પ્રેરતા હોય છે. આ લેખના પ્રારંભે યાત્રીની વાત કરી છે તેના કિસ્સામાં પણ એવું જ બનેલું. યાત્રીનાં માતા ઉર્મિલાબહેનના જીવનમાં ભારે ઊથલ-પાથલ થઈ હતી. તેમનું જીવન અનેક સમસ્યાઓ અને આરોહ-અવરોહથી ભરેલું હતું. યાત્રીના ઉછેરમાં જ કેટલીક ખામીઓ રહી ગયેલી. એ નાની હતી ત્યારે તેને ઘરમાંથી સહજ રીતે કંઈ જ નહોતું મળતું. એકાદ વખત તેણે જીદ કરી, ભાવનાત્મક બ્લેક મેઈલિંગ કર્યું કે તરત તેનું કામ થઈ ગયું. એ વખતે તેને ખબર પડી કે પોતાનું ધાર્યું કરાવવાનો આ શોર્ટકટ છે. આ ઉત્તમ રસ્તો છે. બસ પછી તો તેને ટેવ જ પડી ગઈ. સહજ રીતે, સરળ રીતે મળતું તો પણ તે તેને યોગ્ય ન લાગતું. એ બ્લેક મેઈલિંગ કરીને મેળવતી ત્યારે જ તેને લાગતું કે હવે બરાબર છે.

માણસનું મન ખૂબ જ જટિલ છે. જો તેને યોગ્ય દિશામાં કેળવવામાં આવે તો તે ચોક્કસ ઉત્તમ પરિણામો આપે છે. જો તેને ખોટી દિશામાં વિકસિત કરવામાં આવે તો તે નબળી રીતે વર્તે છે. તેની શક્તિ તો છે જ. એ શક્તિનો રચનાત્મક ઉપયોગ થાય તો ઉત્તમ પરિણામો આવે અને નકારાત્મક ઉપયોગ થાય તો તારાજી પણ થાય. ધર્મેશે એક મનોચિકિત્સકનો સંપર્ક કર્યો. મનોચિકિત્સકે આખી ઘટનાને સમજીને રસ્તો બતાવ્યો.

ધીરજ અને સંયમ સાથેનો એ રસ્તો હતો. જો કે ધર્મેશ મક્કમ હતો. તે કોઈપણ સંજોગોમાં પોતાના બૃહદ પરિવારને ધબકતો અને લીલોછમ રાખવા માગતો હતો. તેને પોતાના પ્રેમ પર વિશ્વાસ હતો. સમય વીતતો ગયો તેમ યાત્રીના સ્વભાવમાં પરિવર્તન આવતું ગયું. થોડાં વર્ષોમાં તો યાત્રીની ઈમોશનલ બ્લેક મેઈલિંગ કરવાની વૃત્તિ અને ટેવ લગભગ છૂટી ગઈ. ધર્મેશ માનતો હતો કે દુનિયાની કોઈ સમસ્યા એવી નથી જેનો ઉકેલ ના હોય. સમસ્યા માત્ર, ઉકેલને પાત્ર. જો ધીરજથી, સાચી નિસબતથી, પ્રેમથી સમસ્યા ઉકેલાય તો પરિણામ ચોક્કસ આવે છે. ધર્મેશ કહેતો કે મેં ઈમોશનલ બ્લેક મેઈલિંગ શબ્દમાંથી ઈમોશન્સ શબ્દને પકડ્યો. સાચી લાગણીમાં તાકાત હોય છે. મેં એ શક્તિનો પ્રયોગ અને વિનિયોગ કર્યો.

દર વખતે કંઈ આ રીતે જ જીત મળે એવું નથી. ઈમોશનલ બ્લેક મેઈલિંગના કિસ્સામાં જુદી જુદી રીતે સમાધાન શોધવું પડતું હોય છે. ઘણીવાર બ્લેક મેઈલિંગ કરનાર સામે કડક પણ થવું પડે છે. ઘણીવાર પ્રેમ અને કડકાઈનો સમન્વય પણ કરવો પડે છે. જિંદગી અજબ છે. જિંદગી ગજબ છે. પ્રેમ વગર જીવી શકાતું નથી પણ તે જ પ્રેમ જુદા સ્વરૂપે પ્રગટ થતો હોય છે. જિંદગીના દરેક સ્વરૂપને આનંદથી સ્વીકારીને માણવામાં જ સાચી મજા છે.
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)