ઇટ્સ કોમ્પ્લિકેટેડ:સંબંધમાં પ્રેમની તાકાતનો એવરેસ્ટઃ આધુનિક સાવિત્રીએ કોમામાં ગયેલા પતિને પ્રેમની શક્તિથી પાછો ભાનમાં આણ્યો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આ અમદાવાદની સત્ય ઘટના છે. પ્રેમની તાકાતનો તેમાં પુરાવો છે. 51 વર્ષના એક હોનાહાર પતિ બાયપાસ સર્જરી દરમિયાન કોમામાં જતા રહે છે. કોમામાં ગયેલી વ્યક્તિ ક્યારે પાછી આ‌‌વશે તે નક્કી નથી હોતું. મેડિકલ સાયન્સ પણ તે ખાતરી સાથે કહી શકતું નથી. જો કે, ક્યારેક પ્રેમ અને શ્રદ્ધા ખાતરીબંધ હોય છે. એક માતા અને દીકરીએ એવી સેવા કરી, સારવાર કરી કે પતિ (અને પિતા) કોમામાંથી બહાર આવ્યા. આ એક રોમાંચક અને માનવામાં ન આવે એવી ગાથા છે. તેમાંથી સાચા અને મક્કમ પ્રેમની પ્રેરણા પણ મળે છે.

એમનું નામ વિવેક શાહ. તેમનો જન્મ 6 નવેમ્બર, 1960ના રોજ કોલકાતામાં થયો. પિતા IPS ઓફિસર, સંતાનોમાં સિદ્ધાંત-નિષ્ઠા અને પ્રામાણિકતાના ગુણો પ્રગટે તે માટે તેમણે પૂરી કાળજી લીધેલી. પિતાની વારંવાર બદલી થતાં વિવેક અને ભાઈ અચલને ભારતના જુદાં જુદાં રાજ્યોમાં રહેવાનો લાભ મળ્યો. દિલ્હી યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યા પછી તેમણે પર્સનલ અને બિઝનેસ મેનેજમેન્ટમાં ડિપ્લોમા કર્યું અને અમદાવાદમાં સ્થાયી થયા. પ્રારંભમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીમાં નોકરી પછી કોમ્યુનિકેશન મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો.

જુલાઈ, 1989માં આરતીબહેન સાથે તેમનાં લગ્ન થયાં અને ડિસેમ્બર, 1993માં તેઓ પ્રાર્થનાનાં માતા-પિતા બન્યાં. એક હર્યોભર્યો પરિવાર. વિવેકભાઈનું મોટું નામ. અમદાવાદની નહીં, ભારતની શ્રેષ્ઠ સંસ્થાઓમાં તેઓ વિઝિટિંગ ફેકલ્ટી તરીકે ભણાવવા ગયા. તેમના એક પુસ્તકનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીએ કરેલું. વિવિધ અંગ્રેજી અખબારોમાં તેમના લેખો પ્રકાશિત થાય. ઘણી મોટી સંસ્થાઓમાં તેઓ ચાવીરૂપ હોદ્દાએ ફરજ બજાવી ચૂકેલા.

જૂન, 2011ની મધ્યમાં વિવેકભાઈને પેટના ઉપરના ભાગમાં દુખાવો થતો હતો. પહેલું નિદાન તો એવું જ હોય કે ગેસ થઈ ગયો છે. આમેય ચોમાસામાં ગેસની તકલીફ થતી જ હોય છે. તેમણે એન્ટિબાયોટિકનો કોર્સ કર્યો. બે-ત્રણ દિવસમાં વિવેકભાઈને સારું લાગ્યું. 15 દિવસ પછી તેમને પેટના દુખાવાની તકલીફ શરૂ થઈ. સહન કરતા હતા. પરંતુ અશાંતિ લાગતી હતી. ગમતું નહોતું. હાથ પર રહેલું કામ છોડીને ફરજિયાતપણે આરામ કરવો પડતો હતો. બે-પાંચ મિનિટ આરામ કરે પછી પાછા કામમાં લાગી જાય. વિવેકભાઈ પોતાના કામમાં અતિ વ્યસ્ત રહેતા હતા.

થોડા દિવસ પછી જે દર્દ ઉપરના ભાગમાં હતું તે છાતીના મધ્ય ભાગમાં આવી ગયું. પીડાના કારણે તેઓ બેચેની અનુભવવા લાગ્યા. ખભા પર ભાર વર્તાય અને ડ્રાઈવિંગ કરતાં પણ થાક લાગે. ડોક્ટરે કહ્યું કે, પેટનું દર્દ નથી લાગતું, હાર્ટ સ્પેશિયાલિસ્ટને બતાવો. 51 વર્ષના સંપૂર્ણ સ્વસ્થ અને ઊર્જાથી ભરેલા વિવેકભાઈને આ બધું ન ગમ્યું. તેમને થયું કે, મને શું કામ કશું થાય? હું તો સ્વસ્થ છું. મારે શું કામ રિપોર્ટ્સ કરાવવા પડે. જો કે, સમય વેડફ્યા વગર તેમણે એક કાર્ડિયોલોજિસ્ટની અપોઈન્ટમેન્ટ લીધી. ખબર પડી કે, બધું બરાબર નથી. દર્દની ગંભીરતા સમજીને ડોક્ટરે તાકીદે એન્જિયોગ્રાફી કરાવી લેવાની સલાહ આપી. 12 ઓગસ્ટ, 2011ના રોજ એન્જિયોગ્રાફી થઈ. વિવેકભાઈની રક્તવાહિનીઓમાં બ્લોક હતા. ડોક્ટરે કહ્યું કે, બાયપાસ સર્જરી સિવાય બીજો કોઈ ઉકેલ નથી.

આ જમાનામાં બાયપાસ કંઈ મોટી વાત નથી. શહેરોની બહાર અનેક બાયપાસ રસ્તા હોય છે તો અનેક લોકોનાં હૃદયમાં પણ બાયપાસની સુવિધા થયેલી હોય છે. વિવેકભાઈએ પોતે હૃદય અને રક્તવાહિનીઓની વ્યાધિઓ વિશે વાંચન વધારી દીધું અને માનસિક રીતે તેઓ બાયપાસ કરાવવા માટે તૈયાર થઈ ગયા. 24 ઓગસ્ટ, 2011 સવારે 8 વાગ્યે બાયપાસ કરાવવાનું નક્કી થયું. જો કે, 24 કલાક પહેલાં તેમણે હોસ્પિટલમાં હાજર થઈ જવાનું હતું. 23 ઓગસ્ટે, અમદાવાદની એક જાણીતી કાર્ડિયાક હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા. એક મોટા VIP રૂમમાં વિવેકભાઈને રાખવામાં આવ્યા. સુંદર મજાની બાલ્કની પણ હતી. પ્રેમાળ પતિ વિવેકભાઈએ જીવનસંગિની આરતીબહેનને કહ્યું કે, એકવાર ઓપરેશન પતી જાય અને હું ICUમાંથી બહાર આવી જાઉં એટલે આપણે બાલ્કનીમાં બેસીને ઓગસ્ટ મહિનાની ધીમી વર્ષા માણીશું.

જો કે, માણસ ધારે છે એ બધું થતું નથી. એ વખતે વિવેકભાઈને ખબર પણ નહીં હોય કે, નિયતિએ તેમના નસીબમાં શું લખ્યું છે. બાયપાસ સર્જરી માટે હોસ્પિટલમાં કામગીરી શરૂ થઈ. વિવેકભાઈને ખાસ કપડાં પહેરાવવામાં આવ્યાં. એક એક કલાકે તેમનું બીપી ચેક કરાતું હતું. ECG રિપોર્ટ થયા. ઈન્જેક્શનો અપાયાં. પલ્સ તથા ઓક્સિજન લેવલની પણ તપાસ કરવામાં આવી. એક્સ-રે પાડવામાં આવ્યા. લોહીના નમૂના લેવાયા. પેશાબની પણ તપાસ કરાવી. તમામ ટેસ્ટના પરિણામ નોર્મલ આવ્યા. એ પછી માથા પરના વાળ સિવાયના શરીરના બધા જ ભાગોમાંથી વાળનો જથ્થો કાઢી લેવામાં આવ્યો. રૂપાળા વિવેકભાઈ વધારે રૂપાળા થઈ ગયા.

એક સલાહકારે આવીને વિવેકભાઈ અને આરતીબહેનને સર્જરી બાબતની તમામ માહિતી આપી. તેમણે શાંતિથી સાંભળી. વિવેકભાઈ આ માહિતી સાંભળતી વખતે મંદ મંદ હસતા હતા. એ સમયે તેમના ગાલમાં ખંજન પડતાં હતાં અને ચહેરા પર એક તોફાની સ્મિત રમી રહ્યું હતું. તમામ કામગીરી સરળતાથી પતી ગઈ હતી. કેટલાક સ્વજનો અને શુભેચ્છકો વિવેકભાઈને શુભેચ્છા આપવા આવ્યા.

જ્યારે હોસ્પિટલના સંમતિ પત્ર પર સહી કરવાની આવી ત્યારે આરતીબહેનને લાગ્યું કે, 'હું મારી જિંદગીની સૌથી કપરી સહી કરી રહી છું.' તેમની અનિચ્છા હોવા છતાં પણ તેમણે બધી જ ટર્મ્સ એન્ડ કન્ડિશન વાંચવી જ પડી. આરતીબહેને ધ્રૂજતા હાથે સહી કરી. આ સહીની તેમને કેટલી મોટી કિંમત ચૂકવવી પડશે તેનો એ વખતે તેમને ખ્યાલ જ નહોતો. એ રાત્રિના બાર વાગ્યા પછી વિવેકભાઈને કશું જ ન અપાયું. પાણી પણ નહીં. એ રાત્રે રૂમમાં વિવેકભાઈ અને આરતીબહેન એકલાં રહ્યાં. વિવેકભાઈએ હોસ્પિટલની પરસાળમાં ફરીને હાજર રહેલા સ્ટાફ મેમ્બર સાથે પ્રેમથી વાતો કરી. સ્ટાફ મેમ્બરે તેમને હેન્ડસમ પેશન્ટનું બિરૂદ આપ્યું. આમેય વિવેકભાઈ ખૂબ જ દેખાવડા.

પતિ-પત્નીએ થોડીવાર ટી.વી. જોયું. વાતો કરી. હસતાં હસાવતાં, સર્જરી પછીનાં મધુર સમયગાળાની કલ્પના પણ કરી. આરતીબહેને વિવેકનો હાથ પોતાના હાથમાં લીધો. આરતીબહેનને હંમેશાં પોતાના પ્રિય સાથી વિવેકની શક્તિ અને આત્મવિશ્વાસની જરૂર પડતી હતી. વિવેકભાઈએ કહ્યું, ચિંતા ન કરીશ. બધું સરસ પાર પડી જશે અને આપણે ફરી આપણા ઘરે પહોંચી જઈશું.

આરતીબહેન કહે છે કે, મેં અને મારી દીકરી પ્રાર્થનાએ હંમેશાં વિવેકની હાજરીમાં શક્તિ અને સુરક્ષાનો અનુભવ કર્યો હતો. પ્રાર્થના માટે તેના પિતા (વિવેકભાઈ) એક પિતા નહોતા, એક નેતા હતા, એક ગુરુ હતા, તે પિતાને જેટલું ચાહતી હતી તેટલું તો કોઈને ચાહતી નહોતી. વિવેક એક સમજદાર પિતા હતા. તેથી, પ્રાર્થના પોતાના મનની તમામ વાત તેમની સાથે કરી શકતી. વિવેકભાઈ દીકરી પ્રાર્થનાને એક જ સલાહ આપતાઃ જીવનભર જે કાર્યમાં તને આનંદ આવતો હોય એ જ કરજે. મન પર બોજ સાથે કોઈ કાર્ય હાથ પર ન લેતી.

24 ઓગસ્ટના સવારના છ વાગ્યા. અલાર્મ ક્લોક રણકી. આરતીબહેને રાત્રે બે-ત્રણ વખત જાગીને વિવેકભાઈ બરાબર સૂતા છે કે નહીં તે જોઈ લીધું હતું. વિવેકભાઈએ શાંતિથી ઊંઘ લીધી હતી. વિવેકભાઈએ સ્નાનવિધિ પતાવી. જેથી ઓપરેશન માટે તે તૈયાર થઈ શકે. થોડી જ વારમાં તેમનો રૂમ પ્રવૃત્તિઓથી ધમધમવા લાગ્યો. ડોક્ટર્સ અને નર્સની આવનજાવન વધી ગઈ. યુદ્ધની રણભેરી વાગી ચૂકી હતી અને વિવેકભાઈ પણ યુદ્ધ માટે સજ્જ થઈ ગયા હતા. એ વખતે વિવેકભાઈને ખબર નહોતી કે આ યુદ્ધ નહોતું, મહાયુદ્ધ હતું, જે લાંબો સમય ચાલવાનું હતું.

પ્રિ-સર્જરી રૂમમાં વિવેકભાઈને વ્હીલચેરમાં લઈ જવામાં આવ્યા. સગાંઓને બહાર ઊભાં રાખવામાં આવ્યાં. અડધો કલાક પછી તેમને અંદર બોલાવવામાં આવ્યાં. વિવેકભાઈ સ્ટ્રેચર પર હતા. તેમના મુખ પર સરસ મજાનું સ્મિત રમતું હતું અને તેઓ આત્મવિશ્વાસથી છલોછલ હતા. સગાં અને મિત્રોએ એક પછી એક વિવેકભાઈને શુભેચ્છા આપી. આરતીબહેન સૌથી છેલ્લાં વિવેકભાઈ પાસે ગયાં. તેમની નજરો મળી. આરતીબહેને પોતાની ચિંતા અને ભય છુપાવવા કોશિશ કરી. પરંતુ હંમેશની જેમ જ આરતીબહેનની લાગણીનો વિવેકને ખ્યાલ આવી ગયો. વિવેકે આરતીબહેનનો હાથ પોતાના હાથમાં લીધો અને ખાતરી આપતા હોય તેમ બોલ્યા ચિંતા ન કરીશ. બધું જ સરસ પાર પડી જશે. જો કે, એ પછી તેઓ જે બોલ્યા તે શા માટે બોલ્યા તેની આરતીબહેનને બિલકુલ સમજણ ન પડી. તેમણે કહ્યું, સારું થતાં કદાચ થોડો સમય લાગશે, પણ મને સારું થઈ જ જશે. જરા પણ ચિંતા ન કરીશ.

આરતીબહેન કહે છે કે, આજે પણ મને ખ્યાલ નથી આવતો કે આવા શબ્દો તેમની પાસે કોણે બોલાવડાવ્યા. એ પછી વિવેકભાઈને ઓપરેશન થિયેટરમાં લઈ જવાયા. થિયેટરનો દરવાજો બંધ થતાં આરતીબહેનને એવું લાગ્યું કે, જાણે મારા ભાગ્યનો દરવાજો બંધ થઈ ગયો છે. તેમનું આખું અસ્તિત્વ આ ઘટનાનો સ્વીકાર કરવા તૈયાર નહોતું. તેમના અંગે અંગમાં ધ્રૂજારીનો અનુભવ થયો. આ બધું જાણે એક દુઃસ્વપ્ન હોય એવું તેમને લાગ્યું. તેમને એવી ઈચ્છા થઈ આવી કે, વિવેકભાઈનો હાથ પકડીને તેમને દોડતી દોડતી ઘરે લઈને જતી રહું.

પ્રતીક્ષાનો સમય શરૂ થયો. એક એક સેકન્ડ પસાર કરવી કપરી બની. બધા લોકો પ્રાર્થના કરતા હતા. ઓપરેશન અંદાજે ચાર કલાક ચાલે તેમ હતું. વેઇટિંગ રૂમમાં મુલાકાતીઓની સંખ્યા વધતી હતી. કેટલાંક બાળકોને બિનધાસ્ત રમતાં જોઈને આરતીબહેનને થયું કે, આપણે પણ બાળક જ રહ્યાં હોત તો કેવું સારું? અંદાજે બે કલાક પછી ઓપરેશન થિયેટરમાંથી કોઈ બહાર આવ્યું અને તેમણે આરતીબહેન અને તેમના દિયર અચલભાઈને સર્જન ડોક્ટર અંદર બોલાવી રહ્યા છે એવું કહ્યું.

આરતીબહેનના મનમાં સવાલ થયો, શા માટે? ઓપરેશન પૂરું થઈ ગયું હશે? કદાચ, ડોક્ટર સર્જરીમાં ઉપયોગી રક્તવાહિનીઓ બતાવવા માગતા હશે એવું આરતીબહેને અનુમાન કર્યું. તેઓ અંદર ગયાં. ડોક્ટરે કહ્યું કે, પરિસ્થિતિ ઠીક નથી. અમે સર્જરી કરી શક્યા નથી. અમે ઓપરેશન શરૂ કરીએ એ પહેલાં જ તેમના પર હૃદયરોગનો હુમલો આ‌‌વી ગયો હતો. આરતીબહેનના પગ નીચેથી ધરતી સરકી ગઈ. તેમને ઊલ્ટી-ઊબકા શરૂ થયા. તેમને લાગ્યું કે કદાચ હું બેભાન થઈ જઈશ.

શું બન્યું હતું? વિવેકભાઈના નાડીના ધબકારા ધીમા થઈ ગયા અને બ્લડપ્રેશર ઘટી ગયું. તેમને ઈન્ક્યૂબેશન પર લેવામાં આવ્યા. કમનસીબે ઈન્ક્યૂબેશન પર લેતાંની સાથે જ તેમને હૃદયરોગનો હુમલો આવ્યો. જ્યારે હૃદયરોગનો હુમલો આવે છે ત્યારે મગજને મળતો ઓક્સિજન અને ગ્લુકોઝનો પ્રવાહ અટકી જાય છે અને તેને કારણે વ્યક્તિ બેભાન થઈ જાય છે. બહારથી હૃદયને મસાજ કરીને CPR આપી દેવામાં આવ્યો. સદભાગ્યે વાયરો પહેલેથી ગોઠવી દેવામાં આ‌‌વ્યા હોવાથી IABP તત્કાલ દાખલ કરવામાં આવ્યો. આ એક યાંત્રિક સાધન છે, જે ઓક્સિજનના પૂરવઠાને તથા હૃદયની પ્રવૃત્તિને વેગ આપે છે. હૃદયરોગના હુમલાથી બચવા આ એક અગત્યની વ્યવસ્થા છે. આ વ્યવસ્થા તરત જ અને વિના અવરોધે આપવી જોઈએ.

CPRના કારણે હૃદયરોગના દર્દીની બચવાની શક્યતા વધી જાય છે. દસ મિનિટના મસાજ પછી વિવેકભાઈનું હૃદય ધબકતું થયું એ પછી તેમને વેન્ટિલેટર, IABP તથા Vassopressors પર રાખવામાં આવ્યા. જેથી ઘટી ગયેલું બ્લડ પ્રેશર ફરી વધી શકે. હૃદયની પ્રવૃત્તિ સ્થિર થાય તે માટે ડોક્ટરની ટીમે થોડીવાર રાહ જોઈ. એ પછી ઓપરેશનનો પ્રારંભ થઈ શકે. વિવેકભાઈની સભાનતા તપાસવા તેમણે ઊલટા ક્રમમાં એનેસ્થેસિયાનો ઉપયોગ કર્યો. ડોક્ટર અને એનેસ્થેટિસ્ટને વિવેકભાઈના CNSના રિપોર્ટથી સંતોષ ન થયો. કમનસીબે તે સમયે વિવેકભાઈના મગજના જ્ઞાનતંતુઓને નુકસાન થયું. હૃદયરોગ પછીના આ હુમલાને મેડિકલની ભાષામાં Hypoxie Ischemic Encephalopathy કહેવામાં આવે છે. વિવેકભાઈ બેભાનાવસ્થામાં આવી ગયા. જો થોડા સમય પછી બેભાનાવસ્થા ચાલુ રહે તો તેને કોમા અથવા comatose કહે છે. વિવેકભાઈને વેન્ટિલેટર પર મૂકી દેવામાં આવ્યા.

સાદી ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે, વિવેકભાઈ પર હૃદયરોગનો હુમલો આવ્યો ત્યારે તેમના મગજને પ્રાણવાયુ-ઓક્સિજનનો પૂરવઠો ન મળતાં તેઓ કોમામાં જતા રહ્યા. આવી સ્થિતિમાં વ્યક્તિ ક્યારે ભાનમાં આવે એ કહી શકાતું નથી. વર્ષો સુધી વ્યક્તિ બેભાન અવસ્થામાં રહેતી હોય છે.

આરતીબહેન અને દીકરી પ્રાર્થના માટે આ એક જીવનનો સૌથી વિકટ સમય હતો. એક એવું તોફાન આવ્યું હતું જે જિંદગીની તમામ હરિયાળીને ઉખાડીને લઈ ગયું હતું. જો કે, કહેવાય છે કે વિકટ સમયમાં જ માણસની આંતરિક શક્તિની કસોટી થતી હોય છે. એવા સમયે જ એ શક્તિ બહાર આવતી હોય છે. અહીં પણ એવું જ થયું. આરતીબહેન આધુનિક સાવિત્રી બન્યાં અને યમરાજા પાસેથી પોતાના પતિ વિવેકને પરત લઈ આવ્યાં.

એ રોમાંચક કથા આવતા હપ્તામાં જોઈશું.
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...