ઈતિહાસ ગવાહ હૈ:મુઘલ બાદશાહો પણ રંગેચંગે દિવાળી મનાવતા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય બંધારણમાં અકબર અને ટીપુનાં આદર્શ રાષ્ટ્રીય વ્યક્તિત્વ તરીકે ચિત્ર
  • બાદશાહ ઔરંગઝેબે મુઘલ દરબારમાં હિંદુ ઉત્સવોની ઉજવણી પર બંધી ફરમાવી હતી

બ્રિટિશ વડા પ્રધાન કે અમેરિકી રાષ્ટ્રપતિ હિંદુઓના મહત્ત્વના તહેવાર મનાતા દીપાવલી ઉત્સવમાં સહભાગી બને કે કરાચીમાં પાકિસ્તાનના વડા પ્રધાનથી લઈને તમામ રાજકીય પક્ષોના ટોચના નેતા દીપાવલી કે હોળી ઉત્સવમાં હાજરી આપે ત્યારે દુનિયાભરમાં એની ચર્ચા થવી સ્વાભાવિક છે. ભારતમાં ઘણો લાંબો સમય શાસન કરતા રહેલા મુઘલ બાદશાહો પણ હોળી-દિવાળીના તહેવારને મનાવીને હિંદુ-મુસ્લિમ એખલાસની ભાવનાને વધુ દૃઢ કરતા રહ્યા છે. ઈતિહાસને જે રંગીન ચશ્માંથી અમુક લોકો નિહાળવા ટેવાયેલા છે એમને તો મુસ્લિમ શાસનમાં સઘળું ભૂંડું વર્તાય, છતાં ઐતિહાસિક તથ્યોને અવગણવાં જરા મુશ્કેલ છે. આજકાલ જે માહોલ દેશમાં જોવા મળે છે અને પાઠ્યક્રમમાંથી મુઘલકાળને રદ કરવાની ચર્ચા ચાલે છે ત્યારે કેટલીક ઐતિહાસિક હકીકતોને પ્રસ્તુત કરવી યોગ્ય લેખાશે. મહારાણા પ્રતાપ અને બાદશાહ અકબર એકમેકના શત્રુ ખરા, પણ પારસ્પરિક આદર પણ એટલો જ. ભારતીય બંધારણની અસલ પ્રતમાં આદર્શ રાષ્ટ્રીય વ્યક્તિત્વો તરીકે નટરાજ, શ્રીરામ, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, રાણી લક્ષ્મીબાઈ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, નેતાજી સુભાષચંદ્ર બોઝ સહિતનાં ચિત્રો મુકાયાં છે. બંધારણ સભામાં બેસનારા ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, પંડિત જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ.બાબાસાહેબ આંબેડકર, મૌલાના અબુલ કલામ આઝાદ, ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી સહિતનાં વિદ્વાન વ્યક્તિત્વોએ સમજી-વિચારીને જ આદર્શ વ્યક્તિત્વોને સ્વીકાર્ય લેખ્યાં હશે. બંધારણમાં એ આદર્શ વ્યક્તિત્વોમાં બાદશાહ અકબર અને ટીપુ સુલતાનનો સમાવેશ છે, પણ બાદશાહ ઔરંગઝેબ સકારણ નથી.

સર્વધર્મી પ્રજાનો શાસક
બાદશાહ અકબર સામે સતત સંઘર્ષરત રહેલા મેવાડ-ઉદયપુરના મહારાણા પ્રતાપને માત્ર હિંદુ શાસક ગણાવવા કે બાદશાહ ઔરંગઝેબની સાથે ખટરાગમાં રહેલા રાજા શિવાજીને માત્ર હિંદુ રાજવી કહેવા જતાં તો અન્યાય કરવા જેવું છે. કારણ બહુ સ્પષ્ટ છે. શાસક શાસક છે. હિંદુ હૃદયસમ્રાટ ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી એકવાર મુખ્ય પ્રધાન બને કે વડા પ્રધાન બને ત્યારે એ માત્ર હિંદુઓના જ શાસક નથી; તમામ ધર્મી પ્રજા એમની પ્રજા બની જાય છે. એમણે ‘સબ કા સાથ સબ કા વિકાસ’ના સૂત્રને હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, ઈસાઈ, જૈનના ભેદ વિના અમલમાં લાવવું પડે. શાસક આદર્શ ત્યારે ગણાય જ્યારે એ પ્રજાના ધાર્મિક કે અન્ય ભેદ ભૂલીને સમગ્રપણે એના કલ્યાણની દિશામાં સક્રિય પગલાં ભરતો રહે.

હિંદુ-મુસ્લિમ ભણી સમભાવ
મુઘલ બાદશાહ અકબરે હિંદુ-મુસ્લિમ ભણી સમભાવ રાખવા ઉપરાંત દિન-એ-ઈલાહી નામક ધર્મની સ્થાપના કરી. એ ધર્મ અલ્પજીવી ભલે રહ્યો, પરંતુ અકબરના શાસનમાં કે એના નવરત્નોવાળા દરબારમાં હિંદુ-મુસ્લિમના ભેદ વિના સમાનધોરણે ન્યાય તોળવાની પરંપરા હોવાની ગવાહી અનેક ઈતિહાસકારો આપે છે. પ્રત્યેક શાસકમાં રહેલા ગુણદોષનું વિશ્લેષણ અલગથી કરી શકાય, પરંતુ બાદશાહ અકબરને કોઈ કટ્ટર મુસ્લિમ શાસક લેખાવી શકે નહીં. એમના મહેલમાં મહારાણી જોધાબાઈ હિંદુ મંદિર અને હિંદુ પરંપરાનું અનુસરણ કરી શકે, એટલો ઉદારમતવાદી શાસક તો એ હતો જ.

પ્રત્યેક શાસકના લોકપ્રિય શાસન અને ક્રૂર શાસનની તુલના કરી શકાય. અકબરની તુલનામાં એના પ્રપૌત્ર બાદશાહ ઔરંગઝેબને ધર્માંધ, હિંદુવિરોધી અને ક્રૂર ગણાવવામાં આવતો હતો. આમ છતાં, હકીકત એ છે કે મુઘલ બાદશાહ અકબરના દરબાર અને શાસનમાં જેટલા હિંદુ અધિકારી-કર્મચારી હતા એનાથી ત્રણ ગણા હિંદુ અધિકારી-કર્મચારી બાદશાહ ઔરંગઝેબના વખતમાં હતા! બાદશાહ અકબર અને બાદશાહ ઔરંગઝેબ બેઉના સેનાપતિ હિંદુ જ હતા. રાજા માનસિંહ અને મિર્ઝા રાજા જયસિંહ. મુઘલ બાદશાહો અને એમના શાહઝાદાઓ પણ હિંદુ રાજવીઓની રાજકુમારીઓ સાથે પરણ્યા હતા, એમાં ઔરંગઝેબ પણ અપવાદ નહોતો.

જોધાબાઈ અને બિરબલની દીપોત્સવી
બાદશાહ અકબરના સમયમાં મહારાણી જોધાબાઈ અને નવરત્નોમાંના એક રાજા બિરબલ થકી મુઘલ દરબારમાં જ દિવાળીની ઊજવણી થતી હતી. બાદશાહ જહાંગીર અને બાદશાહ શાહજહાંના શાસન દરમિયાન પણ દિવાળીની ઊજવણીની આ પરંપરા ચાલુ રહી હતી. બાદશાહોની નિશ્રામાં હોળી-ધૂળેટીનાં આયોજન પણ થતાં હતાં. દિલ્હીમાં લાલ કિલ્લામાં પણ બાદશાહ શાહજહાંના સમયગાળા પછી દિવાળીની વિશેષ ઊજવણી થતી હતી.

ઔરંગઝેબ દિવાળી ભેટ સ્વીકારતો
ધર્માંધ મનાતા બાદશાહ ઔરંગઝેબે ભવ્યતાપૂર્ણ રીતે દીપાવલી કે અન્ય હિંદુ તહેવારોની મુઘલ દરબારમાં ઊજવણીને બંધ કરાવી હતી, પરંતુ એ પોતાના રાજપૂત સેનાપતિઓ જોધપુરના રાજા જસવંત સિંહ અને જયપુરના રાજા જયસિંહ પહેલા કનેથી દિવાળીના તહેવાર નિમિત્તે ભેટ જરૂર સ્વીકારતો હતો. ઔરંગઝેબના પૌત્ર જાહેન્દર શાહે લાહોરમાં લાલ કુંવર સાથે દિવાળીની ભવ્ય ઊજવણીમાં સહભાગી થવાનું પસંદ કર્યું હતું. મુઘલ દરબારમાં અને જનાનખાનામાં સ્ત્રીઓ પણ દિવાળી વખતે તારામંડળ અને ફૂલઝડીનો આનંદ લેતી હતી. આ મહોત્સવનો આનંદ હિંદુ અને મુસ્લિમ મહિલાઓ સાથે મળીને લેતી હતી. કોઈ પણ ધર્મના અનુયાયી અન્ય ધર્મના તહેવારોમાં પરસ્પરને શુભેચ્છા પાઠવીને આનંદ લે ત્યારે જ એ તહેવારની ખરી મજા અનુભવાય છે.

haridesai@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે)