તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુખનું સરનામું:અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉતરપ્રદેશની વતની અરુણીમાં સિંહા વોલીબોલ અને ફુટબોલની નેશનલ પ્લેયર હતી. તા. 11 એપ્રિલ 2011ના રોજ અરુણીમાં પદ્માવતી એક્સપ્રેસ દ્વારા લખનઉથી દિલ્હી જઇ રહી હતી. એને એક નોકરી મળી હતી અને નોકરી પર હાજર થવા માટે એ દિલ્હી જઇ રહી હતી. મધ્યમવર્ગી પરિવારની છોકરી હોવાથી એ જનરલ ડબ્બામાં મુસાફરી કરી રહી હતી. જનરલ ડબ્બામાં ઘુસેલા કેટલાક ચોરનું ધ્યાન અરુણીમાંએ પહેરેલી સોનાની ચેઇન પર પડ્યું. ચેઇન ઝૂંટવવા ચોરમંડળીએ પ્રયાસ કર્યો અને અરુણીમાંએ એનો વિરોધ કરતા ચોરોએ અરુણીમાંને ચાલુ ટ્રેનમાંથી નીચે ફેંકી દીધી. જ્યારે અરુણીમાંને ટ્રેનમાંથી બહાર ફેંકવમાં આવી બરાબર એ જ સમયે બાજુના ટ્રેક પરથી બીજી ટ્રેન પસાર થઇ. અરુણીમાંનો એક પગ ગોઠણ નીચેના ભાગથી કપાઇ ગયો અને બીજા પગના હાડકાં બહાર આવી ગયા. અરુણીમાંએ મદદ માટે ખૂબ બુમો પાડી પણ રાત્રીના અંધકારમાં એનો અવાજ લોકો સુધી પહોંચી જ નહોતો શકતો. આખી રાત એ પીડાથી કણસતી રહી. અધુરામાં પૂરું આસપાસથી આવેલા કેટલાક ઉંદરોએ અરુણીમાંના કપાયેલા પગને ખોતરવાનું ચાલુ કર્યું. સમગ્ર રાત્રી દરમિયાન 49 ટ્રેન આ ટ્રેક પરથી પસાર થઇ પણ અરુણીમાંનો અવાજ ટ્રેનના અવાજમાં દબાઈ ગયો. ધીમે-ધીમે આંખે અંધારા આવી ગયા અને દેખાતું પણ બંધ થઈ ગયું. સવારે લોકોનું ધ્યાન પડતા એને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.

લોકો અરુણીમાંને લઇને જે હોસ્પિટલમાં આવ્યા એ હોસ્પિટલમાં એનેસ્થેશિયાની સુવિધા નહોતી એટલે ડોકટરો મુંઝાયા કે બેભાન કર્યા વગર સારવાર કેમ કરવી? અરુણીમાંને દેખાતું નહોતું પરંતુ બધું સાંભળી શકતી હતી. હજી એનું બ્રેઇન એને સાથ આપી રહ્યુ હતું એટલે એણે ડોકટરોની અંદરોઅંદરની વાત સાંભળીને કહ્યું, 'તમે બધા એનેસ્થેશિયાની ચિંતા છોડો અને જે સારવાર કરવાની હોય એ ચાલુ કરો. મેં અત્યાર સુધી જે પીડા સહન કરી છે એની સામે બીજી બધી જ પીડા કંઇ નથી. મને એનેસ્થેશિયા આપ્યા વગર જ સારવાર આપો.' ડોક્ટરોએ છોકરીની હિંમત જોઇને ઓપરેશન કરવાની હિંમત કરી અને એનેસ્થેશિયા વગર એનો એક પગ કાપી નાંખ્યો અને બીજા પગમાં સળીયા નાંખ્યા.

અરુણીમાંને ત્યારબાદ દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. બધા કહેતા હતા કે હવે આ છોકરી જીવન કેવી રીતે વિતાવશે? આખી જિંદગી એને બીજાના સહારે વિતાવવી પડશે. મીડિયાવાળા પણ આ કેસને અલગ રીતે રજૂ કરી રહ્યા હતા. ચાલુ ટ્રેનમાંથી અરુણીમાં પોતે જ આત્મહત્યા કરવાના ઇરાદાથી કૂદી પડી હતી એવી વાતો વહેતી થઇ હતી. આ વાતોથી અરુણીમાંને મોટો ધક્કો લાગ્યો. એક તરફથી લોકોની નીરાશાભરી વાતો અને બીજી તરફ મીડિયાના ખોટા આક્ષેપોથી વ્યથિત થયેલી અરુણીમાંએ આ બધાને જડબાતોડ જવાબ આપવાનું નક્કી કર્યુ. નિવેદન આપીને કે એમની વાતોનું ખંડન કરીને નહીં પણ જરા જુદી જ રીતે...અરુણીમાંનો એક પગ કપાઇ ગયો હતો, બીજા પગમાં સળીયા હતા અને કરોડરજ્જુના ત્રણ હાડકાં પણ ભાંગી ગયા હતા. આરુણીમાં પોતાના પગ ઉપર ઊભી પણ રહી શકશે કે કેમ એની ડોક્ટરને શંકા હતી.

આવી પરિસ્થિતીમાં પણ હોસ્પિટલના બિછાને પડ્યા પડ્યા અરુણીમાંએ એક સંકલ્પ કર્યો ‘મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવો છે.' જે લોકોએ આ વાત સાંભળી એ બધા અરુણીમાંને ગાંડી ગણવા લાગ્યા. ‘આ છોકરીનું મગજ કામ કરતું બંધ થઇ ગયું લાગે છે’ એવું લોકો બોલવા લાગ્યા. અરુણીમાંને હવે લોકોની વાતોમાં કોઇ રસ નહોતો એને તો માત્ર એક જ લક્ષ્ય દેખાતું હતું, ‘માઉન્ટ એવરેસ્ટ.’ 4 મહિના બાદ જ્યારે અરુણીમાંને હોસ્પિટલમાંથી રજા મળી તો એ ઘરે જવાને બદલે સીધી જ વર્ષ 1984માં માઉન્ટ એવરેસ્ટ સર કરનાર બચેન્દ્રીપાલના ઘરે પહોંચી. માઉન્ટ એવરેસ્ટ સર કરવાના પોતાના સંકલ્પની બચેન્દ્રીપાલને વાત કરી. વાત સાંભળીને બચેન્દ્રીપાલની આંખો પણ ભીની થઇ ગઇ. એણે વ્હીલચેરમાં બેઠેલી અરુણીમાંને કહ્યું, 'બેટા, તે મનથી તો એવરેસ્ટ સર કરી જ લીધું છે, હવે તારે માત્ર દુનિયાને એ બતાવવાનું છે.' અરુણીમાના આત્મવિશ્વાસને એક ટેકો મળ્યો.

ઘરે આવ્યા બાદ અરુણીમાંએ પર્વતારોહણની તાલીમ લેવાનું ચાલુ કર્યુ. એના મોટાભાઇએ સાથ અને સહકાર આપ્યો. પર્વતારોહણની તાલીમ દરમિયાન અરુણીમાંને ખુબ મુશ્કેલી પડી કારણ કે, તેનો એક પગ નકલી હતો અને બીજા પગમાં સળીયા હતા. પણ હારીને બેસી જાય તો એ અરુણીમાં નહીં. અનેક સંઘર્ષોની વચ્ચે પણ એણે પ્રયાસો ચાલુ જ રાખ્યા. પૂરતી તાલીમ લઇને એણે એવરેસ્ટ પર જવા માટેની લાયકાત કેળવી લીધી. હવે એવરેસ્ટ સર કરવાનો હતો. શારીરીક દ્રષ્ટિએ સંપૂર્ણ સ્વસ્થ હોય એવા લોકો પણ એવરેસ્ટ સર કરવા જતા મૃત્યુને ભેટ્યા હતા. તેથી, દુનિયામાં કોઇને વિશ્વાસ નહોતો કે અરુણીમાં એવરેસ્ટ સર કરી શકશે. કેમ્પ-4 તરફની એમની યાત્રા વખતે એણે રસ્તામાં ઘણીબધી લાશો જોઈ. થોડી મિનિટો માટે અરુણીમાં ત્યાં જ અટકી ગઇ. બે-ક્ષણ પુરતો એવો વિચાર પણ આવ્યો કે મારી આવી હાલત થશે! પણ પછી તુરંત જ નકારત્મતાને ખંખેરીને નક્કી કર્યુ કે આ તમામ મૃત્યુ પામેલા લોકો વતી મારે એવરેસ્ટ સર કરવો છે અને આ બધાને અનોખી અંજલી આપવી છે. એવરેસ્ટ સાવ નજીક હતો ત્યારે જ અરુણીમાંનો ઓકસિજન ખતમ થવા આવ્યો. સાથે રહેલા માર્ગદર્શકે અરુણીમાંને પાછા વળી જવાની સલાહ આપી. પણ આટલેથી પાછી વળે તો એ અરુણીમાં નહીં! અનેક મુશ્કેલીઓનો સામનો કરતાં-કરતાં મૃત્યુ સામે બાથ ભીડીને પણ આ ભડવીર નારીએ તા. 21મે, 2013ના રોજ માઉન્ટ એવરેસ્ટ સર કરીને હોસ્પિટલની પથારી પર જોયેલા સપનાને સાકાર કર્યુ. લોકો મોઢામાં આંગળા નાંખી ગયા. ભારતની એક છોકરીએ અશક્યને શક્ય કરી બતાવ્યું અને કોઈ વિકલાંગે એવરેસ્ટ સર કર્યું હોય એવી પ્રથમ ઘટનાનું માન મેળવ્યું. ત્યારબાદ અરુણીમાંએ વિશ્વના તમામ ઉંચા પર્વતો સર કરીને ત્રિરંગો એ પર્વતો પર લહેરાવવાનો સંકલ્પ કર્યો અને પૂરો પણ કર્યો. થોડાં વર્ષ પહેલાં ભારત સરકારે દેશની આ શુરવીર દીકરીને પદ્મશ્રી અવોર્ડથી સન્માનિત પણ કરી.

વિકલાંગતા શરીરથી નહીં, મનથી હોય છે. જે માણસ મનથી વિકલાંગ હોય એ શરીરથી ગમે તેટલો મજબુત હોય તો પણ કંઇ ન કરી શકે અને જે માણસ મનથી મજબૂત હોય એને સફળ થતા કોઇ શારીરીક વિકલાંગતા ક્યારેય અટકાવી ન શકે. વર્તમાન સમયમાં કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધું એવા સમયે અરુણીમાંનો આ પ્રસંગ આપણને પ્રેરણા આપે છે કે તમે મનથી મજબૂત હશો તો કોરોના પર જરૂરથી વિજય પ્રાપ્ત કરી શકશો.
(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો