એ યુગ નોખો હતો: આઝાદીના જંગમાં અગ્રેસર એવા કોંગ્રેસ પક્ષની સંસદમાં ભવ્ય બહુમતી હોય છતાં ન તો પક્ષના કે વિપક્ષના સાંસદોને મોંઢે તાળાં મારવા સમાન વ્હીપ કે પક્ષઆદેશ અપાતા હતા કે ના તો એમને વડાપ્રધાન કે સરકારની ટીકા કરતાં રોકવામાં આવતા હતા. અગાઉની બંધારણસભામાં પણ કોંગ્રેસની જંગી બહુમતી હતી પણ પક્ષના સભ્યો મોકળા મનથી યોગ્ય લાગે ત્યાં પંડિત જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ કે ડૉ.બાબાસાહેબ આંબેડકરની દરખાસ્તોનો વિરોધ પોતાના તર્કથી સ્વસ્થપણે કરી શકતા હતા. એ પછી લગભગ સર્વાનુમતે દેશના વિશાળ હિતમાં બંધારણને માન્યતા આપી શકતા હતા. એકમાત્ર બંગાળના કોંગ્રેસી નઝીરુદ્દીન અહમદે એનો વિરોધ કર્યો હતો. કોમ્યુનિસ્ટો અને સોશિયલિસ્ટો સંસદીય લોકશાહીના આગ્રહી આ બંધારણના વિરોધી હોવા છતાં પહેલી અને બીજી લોકસભા ચૂંટણી પછી કોમ્યુનિસ્ટો અને સોશિયલિસ્ટો જ મુખ્ય વિપક્ષની ભૂમિકામાં હતા, ભલે એમના પ્રત્યેક પક્ષના સભ્યોની સંખ્યા માંડ 30ને પણ આંબતી ન હોય. લગભગ બે સદીની અંગ્રેજોની ગુલામી પછી દેશ આઝાદ થયો ત્યારે ખરા અર્થમાં લોકશાહી પરંપરા સ્થાપવાની હતી. જો કે, ડૉ.આંબેડકરે બંધારણસભામાં કહ્યું હતું તેમ આ દેશમાં લોકશાહી કોઈ નવી વાત નહોતી. જનપદ અને મહાજનપદના પ્રાચીન ઇતિહાસમાં લોકતાંત્રિક પરંપરાનું અનુસરણ થતું હતું. બંધારણ ઘડવામાં ત્રણેક વર્ષ સુધી અર્થપૂર્ણ ચર્ચા પછી 26 જાન્યુઆરી, 1950થી ભારત પ્રજાસત્તાક બન્યું.
નાણામંત્રી ટી.ટી.કે.નું રાજીનામું
વર્ષ 1951-52ની પ્રથમ લોકસભા ચૂંટણીથી લઈને વર્ષ 1962ની ત્રીજી લોકસભા ચૂંટણી લગી દેશમાં કોંગ્રેસનો જ ડંકો વાગતો હતો. બંધારણસભાના કોંગ્રેસી સભ્ય અને પ્રથમ બે લોકસભામાં રાયબરેલીના સાંસદ એવા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના જમાઈ ફિરોઝ ગાંધીએ ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ અન્વયે લોકસભામાં પોતાના સસરાની સરકારના મંત્રીઓનાં કૌભાંડ ખુલ્લાં પાડ્યાં. હરિદાસ મુંદડા પ્રકરણમાં કેન્દ્રના નાણા મંત્રી ટી.ટી.કે. એટલે કે ટી.ટી. કૃષ્ણમાચારીએ 18 ફેબ્રુઆરી 1958ના રોજ રાજીનામું આપવું પડ્યું હતું. ટી.ટી.કે. પંડિતજીના અંગત મિત્ર હતા એટલે મંત્રીમંડળમાંથી તેમના રાજીનામા બાદ એ મદ્રાસ જવા દિલ્હી વિમાનમથકેથી રવાના થવાના હતા ત્યારે અને કોની સલાહને અવગણીને પણ નેહરુ એમને વળાવવા એરપોર્ટ ગયા હતા. જો કે, વ્યક્તિગત રીતે વડાપ્રધાન નેહરુ પર આર્થિક ભ્રષ્ટાચારના આક્ષેપ એમના કટુ ટીકાકારોએ પણ ભાગ્યે જ કર્યા છે. આઝાદીની લડાઈના સાથીઓ પણ આઝાદી પછી નોખા પક્ષ સ્થાપીને આમનેસામને આવી ગયા હતા. વર્ષ 1962ની ત્રીજી લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવનાર વડાપ્રધાન નેહરુની કોંગ્રેસના જૂના સાથીઓ આ જ વર્ષે ચીની આક્રમણના દિવસોમાં પણ લોકસભામાં વડાપ્રધાન પર અસહ્ય પ્રહારો કરી રહ્યા હતા. યુદ્ધ અને લશ્કરી બાબતો અંગેના એ વેળા વિપક્ષના પ્રશ્નોના નેહરુ સ્વસ્થતાથી ઉત્તર વાળતા હતા. કાર્ટૂનિસ્ટ શંકરને 'ડોન્ટ સ્પેર મી' જેવી ઉદાર વાત કરી શકનારા નેહરુ પોતાની પર વ્યંગ કરનારાં ઠઠ્ઠાચિત્રો પર પણ ખુલ્લાં દિલથી હસી શકતા હતા.
પ્રથમ ત્રણ લોકસભા ચૂંટણી
દેશની લોકસભાની પ્રથમ ત્રણ ચૂંટણી પંડિત નેહરુના નેતૃત્વમાં જ લડાઈ. 1962માં ચીનના આક્રમણથી આઘાત પામેલા વડાપ્રધાનનું 27 મે, 1964ના રોજ મૃત્યુ થયું ત્યારે અનેક લોકોની ગણતરી હતી કે નેહરુપુત્રી ઇન્દિરા ગાંધી વડાંપ્રધાન થશે પણ એ માન્યતાથી વિપરીત નેહરુનિષ્ઠ લાલબહાદુર શાસ્ત્રી કોંગ્રેસ પક્ષના સાંસદોમાં સર્વાનુમતે વડાપ્રધાન થયા. લોકસભાની 469 બેઠકોની પહેલી ચૂંટણી ખાસ્સી લાંબી ચાલી. 25 ઓક્ટોબર, 1951થી 21 ફેબ્રુઆરી, 1952 લગી ચાલેલી આ ચૂંટણીમાં 499માંથી 489 બેઠકોની ચૂંટણી થઈ. કોંગ્રેસને 364 બેઠકો મળી હતી. એના નેતાપદે પંડિત નેહરુ ચૂંટાતા એ વડાપ્રધાન થયા. આ વખતે અગાઉ કોંગ્રેસમાં રહેલા આઝાદીના જંગના સાથી મિત્રોના જ પક્ષ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (CPI) અને સમાજવાદી-કિસાન મજદૂર પ્રજા પાર્ટીને કોંગ્રેસ પછીના ક્રમે બેઠકો મેળવીને વિપક્ષે બેઠા. એમાં એ.જી.ગોપાલનની CPIને સૌથી વધુ એટલે કે માત્ર 16 બેઠકો અને નેહરુના અંતરંગ મિત્ર જયપ્રકાશ નારાયણની સમાજવાદી પાર્ટીને 12 બેઠકો મળી. ક્યારેક કોંગ્રેસના અધ્યક્ષ રહેલા આચાર્ય કૃપાલાનીની કિસાન મજદૂર પ્રજા પાર્ટીને 9 બેઠકો મળી હતી. કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરનાર હિંદુ મહાસભાના નેતા ડૉ.શ્યામાપ્રસાદ મુકરજીના વડપણવાળા જનસંઘને માત્ર 3 બેઠકો મળી હતી. 53 પક્ષો ચૂંટણી લડ્યા હતા. વર્ષ 1957ની ચૂંટણી 24 ફેબ્રુઆરીથી 9 જૂન 1957 દરમિયાન યોજાઈ. આ વખતે લોકસભાની 505 બેઠકોમાંથી 494 બેઠકોની ચૂંટણી થઇ અને એમાં 371 બેઠકો સાથે નેહરુના વડપણવાળી કોંગ્રેસ ફરી વિજયી બની. એમની કોંગ્રેસના જૂના સમાજવાદી સાથીઓ જયપ્રકાશ નારાયણ, આચાર્ય કૃપાલાની સહિતનાએ સંયુક્ત રીતે પ્રજા સમાજવાદી પક્ષના નેજા હેઠળ ચૂંટણી લડી તો ખરી પણ તેમને માત્ર 19 બેઠકો જ મળી. ફરી સૌથી મોટા વિપક્ષ તરીકે શ્રીપાદ અમૃત ડાંગેની CPI જ 27 બેઠકો સાથે આવી. જનસંઘને માત્ર 4 બેઠકો મળી. એમાં એક અટલ બિહારી વાજપેયી પહેલીવાર બલરામપુરથી ચૂંટાયા. એ ત્રણ બેઠકો લડ્યા હતા, બે ઉપર હાર્યા હતા.
ભારતીય બંધારણના મુખ્ય ઘડવૈયા લેખાતા ડૉ.આંબેડકરના 1956માં મહાનિર્વાણ પછી આ ચૂંટણીમાં શિડ્યુલ્ડ કાસ્ટ્સ ફેડરેશનને ગત ચૂંટણી કરતાં 4 વધુ એટલે કે 6 બેઠકો મળી હતી. હિંદુ મહાસભાને રોકડી એક બેઠક હાથ લાગી હતી. વર્ષ 1962ની ચૂંટણી 19થી 25 ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ. એમાં નેહરુના અનન્ય કોંગ્રેસી સાથીઓ સી.રાજગોપાલાચારી, ક.મા.મુનશી, એન.જી.રંગા, મીનૂ મસાણી સહિતનાએ 1959માં સ્થાપેલા સ્વતંત્ર પક્ષે પણ ઝુકાવ્યું. અગાઉના જયપ્રકાશ નારાયણના વડપણવાળા સમાજવાદીઓનો પ્રજા સમાજવાદી પક્ષ તો હતો જ. સમાજવાદી પક્ષ પણ. જો કે, આ ચૂંટણીમાં નેહરુની કોંગ્રેસની દસ બેઠકો ઘટી પણ 508માંથી જે 494ની ચૂંટણી થઇ. તેમાં 361 બેઠકો સાથે એ બહુમતી મેળવીને ફરી એના નેતા તરીકે વડાપ્રધાન બન્યા. ડાંગેના CPI પક્ષને 29 બેઠકો મળી. PSPને 12 અને સ્વતંત્ર પક્ષને 18 બેઠક મળી. ભારતીય જનસંઘને દસ વધુ બેઠકો એટલે કે 14 બેઠકો મળી. નામનિયુક્ત 14 સભ્યો હતા. બાકીના પૂંછડિયા ખેલાડીઓ હતા. નેહરુ કાયમ ઉત્તર પ્રદેશની ફૂલપુર બેઠક પરથી લડતા અને જીતતા રહ્યા. આ લોકસભાની મુદત પૂરી થાય એ પહેલાં જ 1964માં નેહરુનું મૃત્યુ થયું હતું.
રાષ્ટ્રપતિની ત્રણ ચૂંટણી
દેશના રાષ્ટ્રપતિની પ્રથમ ત્રણ ચૂંટણી પણ રોચક હતી. વર્ષ 1946થી 1950 દરમિયાન બંધારણ સભાના અધ્યક્ષ રહેલા ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ત્રણ-ત્રણ વાર રાષ્ટ્રપતિ ચૂંટાયા. ભારતીય બંધારણ 26 જાન્યુઆરી, 1950થી અમલમાં આવવાનું હતું એ પહેલાં બંધારણસભાએ તેમને 24 જાન્યુઆરી, 1950ના રોજ સર્વાનુમતે ભારતના રાષ્ટ્રપતિ ચૂંટ્યા. છેલ્લાં ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારી પાસેથી એમણે રાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળ્યો. હકીકતમાં નેહરુ રાજાજીને જ રાષ્ટ્રપતિ બનાવવા ઈચ્છતા હતા પણ 1942માં હિંદ છોડો ચળવળમાં ભાગ નહીં લેનારા રાજાજી સામે સરદાર પટેલને વાંધો હતો. એમણે સામાન્ય રીતે રૂઢિચુસ્ત મનાતા ડૉ.રાજેન્દ્ર પ્રસાદને આ હોદ્દા માટે પસંદ કરવાનો આગ્રહ સેવ્યો. વડાપ્રધાન નેહરુ અને રાષ્ટ્રપતિ પ્રસાદ વચ્ચે પોતાના અધિકારો અને હિંદુ કોડ બિલ અંગે ઉગ્ર વિરોધી પત્રવ્યવહાર પણ જાણીતો છે. એ પછી સરદાર પટેલના 15 ડિસેમ્બર 1950ના રોજ નિધન પછી પંડિત નેહરુએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ડૉ.રાજેન્દ્ર પ્રસાદને જ ઉમેદવારી કરાવી. 2 મે, 1952ના રોજ બંધારણસભાના બોલકા સભ્ય રહેલા પ્રા.કે.ટી.શાહ સહિતના બીજા ઉમેદવારોને પરાજિત કરીને ડૉ.રાજેન્દ્ર પ્રસાદ બીજી વખત રાષ્ટ્રપતિ ચૂંટાયા. 6 મે, 1957ના રોજ ફરીને ત્રીજીવાર પણ રાજેન્દ્ર પ્રસાદ નાગેન્દ્ર નારાયણ દાસને હરાવીને રાષ્ટ્રપતિ બન્યા હતા. એમના અનુગામી તરીકે નેહરુની હયાતીમાં જ 7 મે, 1962ના રોજ રાષ્ટ્રપતિના હોદ્દે બંધારણ સભાના સભ્ય રહેલા જાણીતા ફિલસૂફ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન એમના બે પ્રતિસ્પર્ધીને હરાવીને વિજયી બન્યા હતા.
haridesai@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.