ઇટ્સ કોમ્પ્લિકેટેડ:સાચો પ્રેમ હોય તો પણ શંકાનો પ્રવેશ કેમ? શંકાની વૃત્તિ પુરુષમાં વધારે હોય છે કે સ્ત્રીમાં? તેનો ઉકેલ શું? જાણો...

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

શ્રદ્ધા અને શંકા એ બંનેના આધારે સંબંધો ટકે છે અને અટકે છે. આ બંનેની હાજરી દરેક સંબંધમાં હોય જ છે. જો કે, તેનું પ્રમાણ જુદું-જુદું હોય છે. સાચા સંબંધમાં શ્રદ્ધાની વધારે જરૂર પડે છે. શ્રદ્ધાનું તેજ હોય છે. શ્રદ્ધાનું તપ હોય છે. શ્રદ્ધા હંમેશાં ચમકતી અને ઝળહળતી હોય છે. કોઈપણ સંબંધમાં જ્યારે પૂર્ણપણે શ્રદ્ધા હોય ત્યારે સંબંધ તેની શ્રેષ્ઠ સ્થિતિમાં હોય છે. શ્રદ્ધાનો બીજો છેડો એટલે શંકા. શંકા નિસ્તેજ હોય છે. શંકા નિરાશાવાદી હોય છે. શંકા કોઈપણ સંબંધને ઝાંખો કરી નાખે છે. શંકામાં ઘણી શક્તિ હોય છે. શંકા સાચા પ્રેમનું ગળું દબાવીને તેને ટૂંપો પણ આપી શકે છે. અનેક શ્રેષ્ઠ સંબંધો શંકાને કારણે વેરવિખેર થઈ જતા હોય એવું બને છે. અનેક ધબકતા સંબંધો શંકાની હાજરીને કારણે નિસ્તેજ થઈ જતા હોય છે. સાચા સંબંધને ટકાવી રાખવા માટે શંકાથી દૂર રહેવું અનિવાર્ય છે.

અમદાવાદના મહેશભાઈ ઠક્કરની વાત કરીએ. તેઓ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે. તેમના નાનકડા ગામમાં એ પહેલા સીએ થયા છે. મુંબઈમાં સ્થાયી થયા છે. પોતાની જ જ્ઞાતિની ઓછું ભણેલી એક યુવતી સાથે લગ્ન કર્યાં. મહેશભાઈનું માનવું છે કે, ઓછું ભણેલા લોકો પણ ગણેલા હોય છે. એમનો તર્ક એકદમ સાચો. જો કે, તેમને જુદો જ અનુભવ થયો. સૌરાષ્ટ્ર વિસ્તારના એક ગામમાંથી આવતાં તેમનાં જીવનસાથીનો સ્વભાવ અત્યંત શંકાશીલ. નાની-નાની વાતે તેઓ મહેશભાઈ પર શંકા કરે. તેમને સતત એવું જ લાગે કે, મારા પતિનું કોઈ અન્ય યુવતી સાથે લફરું છે. મહેશભાઈ ખૂબ હેરાન થયા. તેઓ સતત પોતાની પત્નીને સમજાવતા રહ્યા કે, એવું કંઈ નથી. જો કે, આ શંકાને કારણે તેમનું લગ્નજીવન ક્યારેય શ્રેષ્ઠ અવસ્થામાં પહોંચી ન શક્યું.

કહેવાય છે કે, બધાનો ઈલાજ હોય છે. પરંતુ શંકાનો ઈલાજ હોતો નથી. ઘણી સ્ત્રીઓ કે પુરુષોમાં શંકા પરાકાષ્ઠાએ હોય છે. આવા લોકો જન્મજાત શંકાશીલ હોય છે. શીલ એટલે ચારિત્ર. જેમનું ચારિત્ર જ શંકાનું હોય એ લોકો કાયમ શ્રદ્ધાથી દૂર રહેતા હોય છે. શંકાનો સહેજેય વાંધો નથી. શંકા એ કુદરતી વૃત્તિ છે. પરંતુ દરેક વ્યક્તિએ આ વૃત્તિનું શમન કરવાનું છે. આ વૃત્તિને નિયંત્રણમાં રાખવાની હોય છે. આ વૃત્તિને ઓછી કરવાની હોય છે. એનો પ્રભાવ ઘટાડવાનો હોય છે. શંકા ખૂબ ઝડપથી પ્રસરતી વૃત્તિ છે. શ્રદ્ધા ધીમે-ધીમે આગળ વધે છે. તમે જોજો, જે જીવનને ઉપયોગી હોય છે, જીવન માટે જરૂરી હોય છે, જેને આપણે મૂલ્ય કહી શકીએ, જેને આપણે સદગુણ માનીએ છીએ તે ખૂબ ધીમે-ધીમે આગળ વધે છે. મર્યાદા, દુર્ગુણ કે એબ (લિમિટેશન્સ) ખૂબ ઝડપથી આગળ વધે છે. શ્રદ્ધા કાચબાની ગતિએ આગળ વધે છે, જ્યારે શંકા સસલાની ઝડપે દોડતી હોય છે. જો કે, આપણે જાણીએ છીએ તેમ છેવટે તો કાચબો જીતે છે.

ઘણા લોકો એવો તર્ક કરે છે કે, પુરુષ કરતાં સ્ત્રીમાં વધારે શંકા હોય છે. આ તર્કનો કોઈ જ આધાર નથી. પુરુષ અને સ્ત્રી બંનેમાં બધા જ પ્રકારની વૃત્તિઓ સહજપણે હોય છે. એ વાત સાવ સાચી છે કે, પુરુષ એ તર્કનું પ્રાણી છે અને સ્ત્રી શ્રદ્ધાથી જીવનારી છે. પુરુષ પ્રમાણમાં વાસ્તવવાદી છે અને સ્ત્રી આદર્શવાદી છે. પુરુષ બુદ્ધિની આંગળી પકડીને વધારે ચાલવાનું પસંદ કરે છે, જ્યારે સ્ત્રીને કાયમ શ્રદ્ધા તેડી લે છે. એટલે સ્ત્રી શ્રદ્ધાની સાથે વધારે રહેવાનું પસંદ કરે છે.

આવી સ્થિતિમાં ખરેખર તો એવું બને છે કે, સ્ત્રીનો સંબંધ શંકા કરતાં વધારે શ્રદ્ધા સાથે હોય છે. એ ખૂબ ઝડપથી શ્રદ્ધા મૂકી દે છે. તે તર્ક દોડાવ્યા વગર કોઈપણ વાતને ઝડપથી સ્વીકારી લે છે. સ્વીકાર એ સ્ત્રીના જીવનનો સ્થાયી સ્વભાવ છે. તે કોઈપણ સ્થિતિને તે તરત જ સ્વીકારી લે છે. એ દલીલો કરતી નથી. એ તર્ક કરતી નથી. એ તેની સામે કોઈ પડકાર પણ ફેંકતી નથી. જે છે તેનો સ્વીકાર કરી લે છે.

કદાચ એનું એક કારણ એ હોય કે, સ્ત્રીને હંમેશાં અનિશ્ચિત સ્થિતિમાં જીવવાનું હોય છે. એવું પણ બને છે કે, સ્ત્રી પોતાની સ્થિતિ નક્કી કરી શકતી નથી. સદીઓથી તે પરાવલંબી રહી છે. બીજાના આધારે તે પોતાનું જીવન જીવે છે એટલે તેને થાય છે કે, મારા જીવનની સ્થિતિ એ મારો વિષય નથી, એ બીજા કોઈનો પ્રદેશ છે. મારે તો કોઈપણ સ્થિતિને સ્વીકારી લેવાની હોય છે.

આવી હાલતમાં તે સંજોગો કે નિયતિ પર આધાર રાખતી થઈ જાય છે. આ આધારને કારણે જ તેનાં હૃદયમાં શ્રદ્ધા મહત્ત્વની બની જાય છે. સ્ત્રીના મનમાં પડેલી પ્રચંડ શ્રદ્ધાના પાયામાં કદાચ પુરુષપ્રધાન સમાજ રચનાએ તેના માટે ઊભું કરેલું પરાવલંબન હોય. કોઈક ચિંતકે એક જગ્યાએ લખ્યું છે કે, પુરુષ વૃક્ષ છે અને સ્ત્રી વેલ છે. કોઈપણ વેલને વિકસવા માટે વૃક્ષનો આધાર જોઈએ છે. તે સ્વતંત્રપણે વિકસી શકતી નથી.

જ્યારે શ્રદ્ધા ખૂટી જાય ત્યારે શંકા વધી જાય છે. શ્રદ્ધા જેવી ઢીલી પડે છે કે શંકા મજબૂત થઈ જાય છે. કદાચ, સ્ત્રીઓના જીવનમાં આવું બનતું હશે કે, વાસ્તવિકતાની એરણ પર શ્રદ્ધા સાચી પુરવાર ન થાય ત્યારે શંકા હાજરી નોંધાવે. એવો કોઈ નક્કર પુરાવો મળતો નથી કે, પુરુષો કરતાં સ્ત્રીમાં શંકા વધારે હોય છે. બંનેમાં શંકાનું પ્રમાણ હોય છે. એ વાત જુદી છે કે, સ્ત્રીઓ પેટમાં કંઈ રાખતી નથી. એટલે તરત જ પોતાના મનમાં જન્મેલી શંકાને વ્યક્ત કરી દે છે. પુરુષ સહન કરી લે છે અથવા તો ચૂપચાપ સ્વીકારી લે છે.

હવે વાત કરીએ તેના ઉકેલની. કોઈપણ સંબંધ શંકાથી પર નથી હોતો. પરંતુ વાસ્તવિકતા એ છે કે, દરેક સંબંધને શંકાથી ઉપર ઉઠાવવો જ પડે છે. તો જ સુંદર જીવન જીવી શકાય. શંકા શા માટે ઉત્પન્ન થાય છે તેનો વિચાર કરવો જોઈએ. તમે જ્યારે સામેના પાત્રમાં સતત મર્યાદાઓ શોધો ત્યારે શંકા પેદા થાય છે. તમે જ્યારે સામેના પાત્ર પાસેથી વધારે પડતી અપેક્ષાઓ રાખો ત્યારે શંકા પેદા થાય છે.

શંકા પેદા થવાનું એક કારણ છે માલિકીભાવ. સ્ત્રી કે પુરુષ એકબીજાનાં જીવનસાથી છે, માલિક નથી. આ વાત ક્યારેય ભૂલવા જેવી નથી. સામેના પાત્રમાં જ્યારે વિશ્વાસ ઓછો હોય ત્યારે શંકા પેદા થાય છે. એટલું યાદ રાખવાનું છે કે, જીવન શ્વાસથી ટકે છે અને સંબંધ વિશ્વાસથી ટકે છે. વિશ્વાસ એ દરેક સંબંધનો શ્વાસ છે. વિશ્વાસ ઘટે એટલે સંબંધને આઈસીયુમાં દાખલ કરવો પડે. આપણા સમાજના મોટાભાગના સંબંધો આઈસીયુમાં હોય એવી સ્થિતિ છે કારણ કે, દરેક સંબંધમાં વિશ્વાસ ઘટેલો હોય છે. પતિ હોય કે પત્ની, તેણે કોઈપણ સ્થિતિમાં વિશ્વાસ તોડવો ન જોઈએ. વિશ્વાસ ઘટાડવો ન જોઈએ. ગમે તેવી સ્થિતિમાં વિશ્વાસ બરકરાર રાખવો જોઈએ.

ઘણીવાર એક જ દિશામાં વિચારતું મન સતત અવિશ્વાસ કરતું થઈ જાય છે અને તેને કારણે શંકાનો જન્મ થાય છે. અત્યાર સુધી શંકા નામની ડાકણે અનેક હજારો, લાખો રળિયામણા અને હરિયાળા સંબંધોનો ભોગ લીધો છે. શંકાથી દૂર રહેવું હોય તો સામેના પાત્રને જીવન જીવવાની મોકળાશ આપવી જોઈએ. એને સ્પેસ આપો. એને એની રીતે અને પ્રીતે જીવવા દો. એ તમારી રીતે જીવે એવો આગ્રહ ન રાખશો. દરેક વ્યક્તિને પોતાની રીતે જીવવાનું ગમતું હોય છે. નાનું બાળક પણ એવું વિચારતું હોય છે કે, મને કોઈ સૂચના ન આપે. લગ્ન કર્યાં પછી પતિ અને પત્ની તરત જ એકબીજાનાં માલિક થઈ જતાં હોય છે. એને કારણે તેઓ જીવન જીવવા માટે એકબીજાને સ્પેસ આપતાં નથી.

એ વખતે દૂર બેઠેલી શંકા મરક મરક હસતી હોય છે. એને ખબર હોય છે કે, મારે હવે આ બંનેના જીવનમાં પ્રવેશ કરવાનો છે. તેથી સાવધાન થઈ જાઓ. એકબીજાને પૂરતી મોકળાશ આપો. દરેકના હૃદયમાં એક ખાનું એવું હોય છે જે એનું પોતાનું ખાનું હોય છે. એ એનું પોતાનું લોકર હોય છે. દરેક વ્યક્તિએ આ લોકરનું માન રાખવું જોઈએ. પતિએ પત્નીના આ ખાનગી લોકર પર નજર ન કરવી જોઈએ અને પત્નીએ પતિના આ લોકરનો વિચાર ન કરવો જોઈએ. શ્રદ્ધા રાખવી જોઈએ. વિશ્વાસ રાખવો જોઈએ. જો એમ કરવામાં આવે તો શંકા દૂર રહે છે. શંકાને બહુ ભાવ આપવા જેવો નથી. તેનાથી સલામત અંતર રાખવું અનિવાર્ય છે.
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)