દેવોના દેવ ભગવાન મહાદેવ જ્યાં બિરાજમાન છે એવા પર્વતરાજ હિમાલયની કેડીઓ પર ચોતરફ દૈવી તત્ત્વ ફેલાયેલું છે. ભગવાન શિવશંકરના નિવાસસ્થાને અપ્રતિમ અને દિવ્ય અનુભૂતિનો અહેસાસ કરાવતી વનરાજીઓ અને ખળખળ વહેતી નદી, ઝરણાંઓ જાણે ઇશ્વરનો સાક્ષાત્કાર કરી આવ્યાં હોય એવા નિજાનંદમાં મહાલતાં જોવા મળે. નાસ્તિક વ્યક્તિમાં પણ આ જગ્યા આસ્થા જગાવી જાય એટલી નિર્મળતા. સદીઓથી હિમાલય આસ્થાનું કેન્દ્ર છે. એવું ચોક્કસથી કહી શકાય કે દરેકની સમસ્યાઓનું કંઈક ને કંઈક નિરાકરણ હિમાલયનું સાંનિધ્ય માત્ર જ આપી જાય છે. અહીં તન અને મન અધ્યાત્મ સાથે આપોઆપ જોડાઈ જાય છે. ભારતીય પુરાણો અનુસાર અહીંથી જ સ્વર્ગનો રસ્તો શરૂ થાય છે અને દેવોની તપોભૂમિ છે એટલે જ ઉત્તરાખંડને 'દેવભૂમિ' તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણે હિમાલયમાં બિરાજમાન ભગવાન શંકરનું સાંનિધ્ય માણીશું. આપણાં મુખ્ય ચારધામમાં આવતા કેદારનાથ મહાદેવથી આપણે સૌ પરિચિત છીએ. પરંતુ આજે આપણે ‘પંચકેદાર’ તરીકે ઓળખાતા ભગવાન શંકરનાં અલગ રૂપોનાં દર્શન કરીશું.
પંચકેદાર જ્યાં ભગવાન શંકરના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, જેમાં કેદારનાથ, મધ્યમહેશ્વર, તુંગનાથ, રુદ્રનાથ અને કલ્પેશ્વરનો સમાવેશ થાય છે. કેદારનાથ મંદિર સાથે આ અન્ય ચાર મંદિરના સંયુક્ત સમૂહને પંચકેદાર તરીકે ઓળખવામાં આવે છે. આ અન્ય ચાર મંદિરના રૂટમેપની વાત કરીએ તો કેદારનાથ મંદિર અને બદ્રીનાથ મંદિરના વચ્ચેના પડતા ભાગમાં આ મંદિર આવેલાં છે. ભગવાન શિવનાં પાંચ અંગોથી નિર્મિત આ પંચકેદારમાં સૌપ્રથમ કેદારનાથ અને અંતિમ કલ્પેશ્વર મહાદેવ આવે છે.
આ મંદિરોનો ઇતિહાસ મહાભારતથી માંડીને જગતગુરુ આદિ શંકરાચાર્યથીકાળ સાથે પણ જોડાયેલો છે. એવું કહેવાય છે કે મહાભારતના યુદ્ધ બાદ ભ્રાતૃ હત્યાના પાપ નિવારણ માટે પાંડવોએ શ્રીકૃષ્ણની આજ્ઞા અનુસાર શિવજીની આરાધના કરી હતી. પરંતુ શિવજી પાંડવોને દર્શન આપવા માગતા ન હતા. તેથી તેમણે નંદીનું રૂપ ધારણ કર્યું. પરંતુ પાંડવો શિવજીને ઓળખી ગયા. જેવા જમીનમાં અંતર્ધ્યાન થવા લાગતાં ભીમે અમને પકડવાનો પ્રયત્ન કર્યો, તેમાં તેમનો ધડનો ભાગ નેપાળના પશુપતિનાથ મંદિરમાં નીકળ્યો અને જે પીઠનો ભાગ છે તે હાલના કેદારનાથમાં પૂજાય છે. ત્યારબાદ પાંડવોએ આ મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. પંચકેદારની યાત્રા સરળ નથી છતાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં શિવજીના સાંનિધ્યમાં આવે છે.
કેદારનાથ મંદિરથી પંચકેદારની યાત્રા શરૂ થાય છે. ચારધામ અને બાર જ્યોર્તિલિંગમાં મુખ્ય એવા બાબા કેદારનાથની મહિમા જ અલગ છે. લાંબા ચઢાણ પછી કોઈપણ યાત્રી અહીં પહોંચે છે ત્યારે આપમેળે જ શ્રદ્ધાથી શીશ ઝૂકી જાય છે અને આખોમાંથી આંસુ અજાણતાં જ સરી પડે એવું દૈવી તત્ત્વ અહીં રહેલું છે. મંદિરના દ્વાર નવેમ્બરથી એપ્રિલ મહિના સુધી બંધ રહે છે. એવું કહેવાય છે કે હાલના મંદિરનો જીર્ણોદ્ધાર અદિગુરુ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવ્યો હતો. પાસે વહેતી મંદાકિની નદીનો પ્રવાહ અને પહાડીઓ સાથે અથડાઇને અનંત બ્રહ્માંડમાં ભળી જતો હર હર ભોલેનો નાદમાં દરેક જીવ જાણે શિવમાં ભળતો હોય એવું ભાસતું. બાર જ્યોર્તિલિંગમાં કેદારનાથ સૌથી ઊંચાઈ પર આવેલું છે. મંદિરનું નિર્માણ સામાન્ય રીતે હિમાલય વિસ્તારમાં જોવા મળતી કાત્યુર શૈલીમાં થયેલું છે. અહીં ભગવાનની મર્હિષ સ્વરૂપની પીઠની શિવલિંગ સ્વરૂપમાં પૂજા થાય છે.
કેદારનાથથી આગળ પંચકેદારમાં દ્વિતીય મધ્યમહેશ્વર આવે જ્યાં ભગવાન શંકરની નાભિની પૂજા કરવામાં આવે છે. કેદારનાથ મંદિરની પ્રતિકૃતિ સમાન થોડું નાનું સુંદર મંદિર આસ્થાનું કેન્દ્ર છે. લાંબો ટ્રેક કરીને આ મંદિર પહોંચવાનું હોય છે. પરંતુ રસ્તામાં આસપાસ ચોપતા વગેરે વિસ્તારોમાં ફેલાયેલાં સુંદર બુગ્યાલો (પહાડો વચ્ચે આવેલાં ઘાસનાં મેદાનો) અને પહાડીઓના મનમોહન નજારાઓ અનન્ય છે. અહીં રાસી ગામ સુધી વ્હીકલ જઈ શકે છે ત્યાંથી આગળ 18 કિલોમીટર જેટલો ટ્રેક પસાર કરીને મધ્ય મહેશ્વર પહોંચવાનું હોય છે. રસ્તાઓ પર આસપાસની પહાડીઓ અને વહેતા અનેક ઝરણાંઓ વચ્ચેથી પસાર થતા આવતા નાનાં-નાનાં ગામના લોકોનો મીઠો આવકાર બધું જ જીવનમાં એકવાર માણવા જેવું છે. મધ્યમહેશ્વરથી આગળ બે કિલોમીટરના ચઢાણ બાદ બુઢા મહેશ્વર તરીકે પૂજતું શિવ મંદિર છે, જ્યાંથી ચૌખંબાનો મંત્રમુગ્ધ કરી દે એવો નજારો જોવા મળે છે. યાત્રાળુઓ ઉપરાંત યુવાનો ખાસ કરીને આ વ્યૂ જોવા આ ટ્રેક પસંદ કરે છે.
પંચકેદારમાં આગળ તુંગનાથ મહાદેવ આવે છે, જ્યાં શિવજીના હાથ અને હૃદયની પ્રતિકૃતિની પૂજા કરવામાં આવે છે. વિશ્વનું સૌથી અધિક ઊંચાઈ પર સ્થિત શિવમંદિર એટલે તુંગનાથ. જયાં આજે પણ રામાયણ અને મહાભારતકાળના નાદ સંભળાય છે. ચોપતાથી 4 કિલોમીટરના ટ્રેક પછી તુંગનાથ મહાદેવનું મંદિર છે. આ પગપાળા માર્ગમાંથી બુગ્યાલ (ઘાસનાં મેદાનો) વચ્ચેથી પસાર થતાં લાગે કે પગે ચાલતાં ચાલતાં સ્વર્ગ મળ્યું, વિશ્વનાં સૌથી ઊંચાઈ ધરાવતા શિવમંદિર તુંગનાથ જવા માટેનો રસ્તો અનેક સરપ્રાઇઝથી ભરેલો છે. કુદરત અહીં દરરોજ એના કેનવાસ પર અલગ અલગ રંગો ભરે છે. એવો સવાલ થાય જ કે કુદરતનો રંગોનો પટારો કેટલો મોટો હશે. તુંગનાથ ચડતાં ચડતાં હિમાલયની પર્વતમાળાઓને કેમેરામાં ઝડપતાં વિચાર આવ્યો કે કેટલા નસીબદાર છે આ જીવ કે કુદરતના ખોળે મહાલવા મળે છે અને આપણે ઇન્ટરનેટના જાળામાં જ અટવાયેલા છીએ. મંદિરનું સ્થાપત્ય ઉત્તર ભારતીય શૈલી મુજબનું છે. મુખ્ય મંદિરની બાજુમાં પાર્વતીજીનું મંદિર છે. એવી પણ માન્યતા છે કે માતા પાર્વતીએ શિવજીને પામવા માટે અહીં તપસ્યા કરી હતી. એ ઉપરથી જ કહી શકાય કે આ કેટલી પાવન ભૂમિ છે. આ ઉપરાંત શંકરાચાર્યએ બનાવેલાં અન્ય પાંચ નાનાં મંદિરો તેમજ ભૈરવ મંદિર પણ છે.
તુંગનાથથી આગળનો પડાવ રુદ્રનાથ મહાદેવનો છે. પંચકેદારમાં સૌથી લાંબો ટ્રેક છે, જ્યાં શિવજીના મુખની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ એકમાત્ર જગ્યા એવી છે જ્યાં ભગવાન શંકરના મુખની પૂજા કરવામાં આવે છે. ગુફા આકારની જગ્યામાં આગળથી મંદિર બાંધવામાં આવેલું છે. આસપાસ અન્ય નાનાં મંદિર છે. તેમજ પવિત્ર કુંડ પણ છે. અહીંથી ત્રિશુલ, નંદાદેવી ચૌખંબા વગેરે પર્વતોનાં સુંદર પ્રતિબિંબ ત્યાંના નિર્મળ નાનાં તળાવોમાં પડતાં હોય, ઝરણાંઓનો ખળખળ અવાજ સંભળાતો હોય, હિમાલયન મોનાલ જેવા પક્ષોઓ દેખાઈ જતાં હોય, વૈતરણી નદીનો પ્રવાહ હોય એ બધું જોઈને એવું થાય કે કુદરતની સુંદરતા મનુષ્યની કલ્પનાઓથી ક્યાંય પરે છે.
પંચકેદારમાં અંતિમ એટલે કલ્પેશ્વર મહાદેવ. અહીં ભગવાનની જટાની પૂજા થાય છે. તેથી આ જટેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખાય છે. ખૂબ જ પ્રાચીન ગુફામાં બનેલા આ મંદિર પાસેથી કલ્પગંગા નદી પસાર થાય છે. આ મંદિરની ખાસિયત એ છે કે અન્ય પંચકેદારનાં મંદિરો હિમવર્ષાના કારણે છ મહિના બંધ રહે છે. પરંતુ આ મંદિરના કપાટ બારેમાસ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા રહે છે. આ પંચકેદાર બાદ શિવજીનાં શરીરનો બાકીનો ભાગ નેપાળમાં પશુપતિનાથમાં પૂજાય છે. શિવજીએ રહેવા માટે હિમાલય જ પસંદ કર્યો એ વાત અહીં આવીને ચોક્કસપણે સમજી શકાય. ઉત્તરાખંડની યાત્રામાં કેદારનાથ અને બદ્રીનાથના આકર્ષણમાં યાત્રીઓ આ સ્થળોને ઘણીવાર નજરઅંદાજ કરી દે છે. પરંતુ થોડી ઘણી મુશ્કેલીઓ બાદ જિંદગીભરનો અવિસ્મરણીય અનુભવ મેળવવા એકવાર આ સાહસ જરૂરથી કરવું જોઈએ.
creativearyans3@gmail.com
(‘આરણ્યક’ તરીકે જાણીતા કૌશિક ઘેલાણી અલગારી રખડપટ્ટી કરીને કુદરતને પોતાના અસ્સલ મિજાજમાં જોતા અને કેમેરામાં કેદ કરતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.