એક્સપ્લોર ઇન્ડિયા:વાદળોના ઘરે મહેમાનગતિ માણીએ... આજે મેઘાલયનાં ગાઢ લીલા જંગલો અને વાદળો સાથે મુસાફરી કરીએ...

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

એ જો તો પેલું વાદળું ઘોડા જેવું લાગે છે.. અરે ના, એ તો રીંછ જેવું લાગે છે. આમ જો અધ્ધર.. વાદળાં કેવાં દોડી જાય છે. ધોળાં-ધોળાં રૂના ઢગલા જેવા આ વાદળો ક્યાં જતાં હશે, ક્યાંથી આવતાં હશે...? આવા બધા સવાલો દરેકને નાનપણમાં થયા જ હશે. આજે પણ આપણી આસપાસ બાળકોમાં આવું કુતૂહલ જોઈ શકીએ છીએ. મનમાં એવો સવાલ થતો, ક્યાં હશે આ વાદળોનાં ઘર? એ આમ સતત ઊડતાં જ રહેતાં હશે? શું સાંજે એ એમના ઘરે નહીં જતાં હોય? દરેકના શૈશવમાં બાળસહજ મનમાં ઊઠેલા એ સવાલોના જવાબો આજે આપણે શોધીએ. ચાલો જઈએ વાદળોના દેશમાં. હા, સાચું જ સાંભળ્યું. આજે આપણે વાદળોના ઘરે મહેમાનગતિ માણવાની છે. કુદરતે ભારતને છુટા હાથે અપાર વિવિધતા બક્ષી છે. ઉત્તરમાં પર્વત રાજ હિમાલય એની અનન્ય છટામાં બિરાજમાન છે તો દક્ષિણે હિંદ મહાસાગરના નાદ ગુંજે છે, પશ્ચિમમાં જ્યાં વેરાન રણની રેતીની લહેરખીઓ ઊડે છે તો પૂર્વમાં ગાઢ જંગલોને વરસાદની રેલમછેલ છે. આજે આપણે એ જ ગાઢ લીલાં જંગલો અને વાદળો સાથે મુસાફરી કરવાની છે.

મેઘાલયમાં મુખ્ય ત્રણ હિલ્સ ગારો, ખાસી અને જેન્તીયા આવેલી છે
મેઘાલયમાં મુખ્ય ત્રણ હિલ્સ ગારો, ખાસી અને જેન્તીયા આવેલી છે

ઉત્તરપૂર્વની સેવન સિસ્ટર્સમાંથી આજે આપણે મેઘાલયનાં વાદળો પર અલાદ્દીનની હવામાં ઊડતી જાજમ તેને ઘુમાવે એમ અહીંનાં વાદળોની સવારી કરવાની છે. મેઘાલય શબ્દનો અર્થ જ વાદળોનું નિવાસસ્થાન એવો થાય. આ રાજ્ય તેના નામ જેવું જ નિરાળું છે. બ્રિટિશકાલીન સમયગાળા દરમિયાન તે બ્રિટિશ હૂકુમત હેઠળ હતું. તે સમયે બ્રિટિશરો તેને Scotland of east કહેતા. એ તો તેમનો દૃષ્ટિકોણ હતો. આપણા માટે તો એ મેઘાલય જ છે. દુનિયાનો સૌથી વધુ વરસાદ અહીં જ ચેરાપુંજીના મોસિનરમમાં જ નોંધાય છે એ હકીકત તો દરેકથી જાણીતી છે. એથી વિશેષ આપણે તો મેઘાલયની સુંદરતા, ત્યાંના લોકોની સંસ્કૃતિ, તેમના રીતરિવાજોથી પરિચિત થવાનું છે, જે ખરેખર ખૂબ જ નિરાળા છે. અહીં ભટકતાં-ભટકતાં શું ખબર ક્યાંય હવામાં કાલીદાસના મેઘદૂત સાથે મુલાકત થઈ જાય. મેઘાલયમાં મુખ્ય ત્રણ હિલ્સ આવેલી છે, જે ગારો, ખાસી અને જેન્તીયા છે. જેનાં નામ તેના પર વસવાટ કરતી ટ્રાઈબ્સનાં નામ પરથી રાખવામાં આવ્યા છે. ભૌગોલિક દૃષ્ટિએ જોઈએ તો મેઘાલયની હિલ્સ એ હિમાલયનો ભાગ નથી પણ છોટા નાગપુરના ઉચ્ચપ્રદેશનો ભાગ છે.

મેઘાલયના મુખ્ય મથક શિલોંગમાં ગાઢ જંગલો અને વાદળોમાં ખોવાઈ જવાય એવું છે
મેઘાલયના મુખ્ય મથક શિલોંગમાં ગાઢ જંગલો અને વાદળોમાં ખોવાઈ જવાય એવું છે

મેઘાલયનાં ગાઢ જંગલો અને વાદળોમાં ખોવાઈ જતાં પહેલાં તેના મુખ્ય મથક શિલોંગની લટાર લગાવીએ. શિલોંગ એ ખૂબ જ મોડર્ન અને વેસ્ટર્ન કલ્ચરથી પ્રભાવિત જોવા મળે. અહીં ખૂબ જ યૂનિક કેફે આવેલાં છે. જ્યાં બેસીને આરામથી સુંદર વ્યૂ જોતાં-જોતાં કોફીનો લુત્ફ માણી શકાય. અહીં લોકોમાં નોનવેજની માગ વધુ પ્રમાણમાં જોવા મળે, છતાં પણ સારા એવા પ્રમાણમાં સ્વાદિષ્ટ વેજ ફૂડ પણ મળી રહે છે. ખાસ કરીને પુલીસ બજાર માર્કેટમાં ગરમાગરમ મોમોઝ ખાવા જ જોઈએ. શિલોંગમાં સૌથી ઊંચા ભાગ કે જેને શિલોંગ પોઇન્ટ તરીકે ઓળખવામાં આવે છે ત્યાંથી સમગ્ર શહેરના વ્યૂ જોઈ શકાય. અહીં ઇન્ડિયન નેવીનું રડાર સ્ટેશન પણ છે.

ડાવકી રિવરમાં એકદમ ચોખ્ખું અને વાદળી રંગનું પાણી છે
ડાવકી રિવરમાં એકદમ ચોખ્ખું અને વાદળી રંગનું પાણી છે

મેઘાલયમાં એશિયાની સૌથી સ્વચ્છ નદી ડાવકી નદી જેન્તીયા અને ખાસી હિલ્સ વચ્ચે વહીને બાંગ્લાદેશમાં દાખલ થાય છે, જે ઉમનગોટ રીવર તરીકે પણ ઓળખાય છે. આજકાલ સોશિયલ મીડિયા પર આ નદી ખૂબ જ લોકપ્રિય બની છે. અહીંનું ક્રિસ્ટલ ક્લિયર વોટર તેની સુંદરતામાં વધારો કરે છે. એકદમ ચોખ્ખું અને વાદળી રંગનું પાણી જેમાં તળિયા સુધી જોઈ શકાય એટલી પારદર્શકતા. અહીં બ્રિટિશ સમય દરમિયાન બાંધવામાં આવેલો સસ્પેન્શન બ્રિજ આવેલો છે. સ્થાનિકો દ્વારા અહીં બોટ રાઈડિંગ કરાવવામાં આવે છે. નદીમાં તરતી બોટનો પડછાયો પણ પાણીમાં જોઈ શકાય એવી નિર્મળતા. અહીં નદીમાં સ્થાનિકો દ્વારા ફિશિંગની પ્રવૃત્તિ થાય છે. મોટાભાગે ટૂરિસ્ટ અને માછીમારી જેવાં કામોમાં જ તેમનો સમય પસાર થાય છે. મહિલાઓ અને પુરુષો માથાં પર વાંસમાંથી બનાવેલી ટોપી જેવી મોટી બાસ્કેટ ઓઢેલી જોવા મળશે. તેમનું જીવન ખૂબ જ સાદું, પણ એટલો જ આનંદ અને સંતોષ તેમના ચહેરા પર જોઈ શકાય.

અહીંના ખાસી કલ્ચરમાં એક ખૂબ જ અનોખી અને નિરાળી વાત જોવા મળે છે. ખાસી ટ્રાઈબ્સમાં મહિલાઓની સ્થિતિ ખૂબ જ સશક્ત જોવા મળે છે. અહીંની મહિલાઓ ઘરના આર્થિક નિર્ણયો લે છે, ઘરમાં નાની દીકરીના નામે બધી મિલકત કરવામાં આવે છે. અહીં લગ્ન બાદ છોકરી સાસરે નથી જતી પણ છોકરો પોતાની સાસરીમાં આવીને રહે છે. તેમજ સૌથી સુંદર વાત કે અહીં બાળકના નામ પાછળ તેની માતાનું નામ લાગે છે. ખાસી ટ્રાઇબનાં ઘર પણ યૂનિક છે. ખૂબ જ વરસાદને કારણે તેઓ પોતાના ઘરો વાંસના સહારે ઊંચાઈ પર બાંધે છે. મેઘાલયનાં ગામડાંઓ ખૂબ સ્વચ્છ અને સાદગીવાળા જોવા મળશે. અહીંનું એક ગામ એવું છે જેને વિસલિંગ વિલેજ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે અહીં દરેકનાં નામ મ્યૂઝીકલ ટ્યુન જેવા છે. લોકો એકબીજાનાં નામ ગાઈને બોલાવે છે. આવી યૂનિક બાબતો મેઘાલયને વધુ ખાસ બનાવે છે. લોકો ખૂબ જ મહેનતુ અને કુદરત સાથે જોડાયેલા છે. વાંસમાંથી વિવિધ બાસ્કેટ બનાવવામાં તેમની ખૂબ જ આવડત છે. અહીંનાં બાળકો ફૂટબોલના બહુ જ શોખીન છે. આસપાસ ગ્રાઉન્ડમાં ક્યાંક ને ક્યાંક ફૂટબોલની રમત ચાલતી જોવા મળે જ.

મેઘાલયમાં એટલા વોટરફોલ છે કે તેને લેન્ડ ઓફ વોટરફોલ લોકો કહેવા લાગ્યા છે. મન મૂકીને વરસતાં વાદળો અને વહેતી નદીઓ જ્યારે પહાડીઓ પરથી પસાર થાય છે ત્યારે માનવજાતને ઘણું શીખવી જાય છે. નદી-પહાડોને ચીરીને આગળ નીકળશે ક્યાં તો ધોધ બની વહી જશે ગમે તે મુશ્કેલીઓ આવે તે પોતાનું વહેવાનું છોડતી નથી. શિલોંગથી ખૂબ જ નજીક એલિફન્ટ વોટરફોલ આવેલો છે, જે નામ અંગ્રેજોએ આપેલું છે. અહીં ખૂબ જ સુંદર દૃશ્ય સર્જાય છે. મેઘાલયમાં વિશ્વમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હોય એવું સ્થળ એટલે મૌસીનરમ. ખાસી હિલમાં આવેલું આ રમણીય ગામનો વરસાદ જીવનમાં એકવાર જરૂરથી માણવો જોઈએ. અહીંના લોકોનું ચોમાસા દરમિયાન જીવન ખૂબ જ અગવડતાભર્યું જોયું છે ખાસ કરીને જૂન, જુલાઈ મહિના માટે અહીંના લોકો અગાઉથી જ તૈયારીઓ કરી દે છે. ખોરાક વગેરેનો સંગ્રહ કરી દે છે અને મકાન ખાસ પ્રકારના બામ્બુ અને ઘાસથી સાઉન્ડપ્રૂફ બનાવે છે. ચોમાસું જ્યારે ચરમસીમાએ હોય ત્યારે આ ખૂબ જ સુંદર દેખાતી જગ્યા પણ અહીંના લોકો માટે ખૂબ જ અગવડો ઊભી કરે છે પણ અહીંના લોકો કુદરત સાથે કદમ મેળવીને જીવતા શીખી જાય છે. મેઘાલય વિશે આવી જ બીજી રસપ્રદ વાતો અને વિશેષતાઓ આવતા અંકે જોઈશું. કેટલાક યૂનિક વોટરફોલ, લિવિંગ રૂટ બ્રીજ અને રહસ્યમયી ગુફાઓ માટે આવતા અંકમાં જોઈશું.
creativearyans3@gmail.com
(‘આરણ્યક’ તરીકે જાણીતા કૌશિક ઘેલાણી અલગારી રખડપટ્ટી કરીને કુદરતને પોતાના અસ્સલ મિજાજમાં જોતા અને કેમેરામાં કેદ કરતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે)

અન્ય સમાચારો પણ છે...