પોઝિટિવ પેરેન્ટિંગ:જ્યાં ધ્યાન જાય ત્યાં એનર્જી પણ વપરાય... એટલે બાળકોના બાળપણમાં જ તેમનો ડ્રામા કંટ્રોલ કરો...!

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

શું તમે નોંધ લીધી છે કે ચોક્કસ પ્રકારના વ્યક્તિઓ જોડે ઈન્ટરેક્ટ કર્યા (સંપર્કમાં આવ્યા) પછી તમે પાછા ફરો ત્યારે તમને જાણે તમારી બધી એનર્જી શોષાઈ ગઈ હોય એવું લાગે છે...ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ લાગે છે?

સ્પિરિચ્યુઅલ સાઇકોલોજિસ્ટના જણાવ્યા પ્રમાણે, વ્યક્તિઓનું ઈન્ટરેક્શન કંટ્રોલ ડ્રામા ઉપર કેન્દ્રિત છે, જેમાં મનુષ્ય એકબીજા પર કાબુ મેળવવા માગે છે. જ્યારે બે વ્યક્તિઓ ઈન્ટરેક્ટ કરે ત્યારે ફક્ત શબ્દોની જ આપ-લે નથી થતી પણ એનર્જીની પણ થાય છે.

હકીકતમાં ઘણા પુખ્તવયના વ્યક્તિઓ પોતાની ભાવનાત્મક ઈનસિક્યોરિટીના કારણે ધ્યાન અને માન માટે સતત હરીફાઈ કરી રહ્યા હોય છે અને એવું કહેવાય છે કે ધ્યાન જ્યાં જાય છે...એનર્જી પણ ત્યાં જ જાય છે. કંટ્રોલ ડ્રામામાં માણસો મોટાભાગે પોતાના તરફ ધ્યાન ખેંચવા માગે છે. આવી પરિસ્થિતિમાં, જ્યારે સામેવાળી વ્યક્તિને તમારા ધ્યાનની જરૂર હોય ત્યારે તમે જાણતા-અજાણતા તમારી એનર્જી પણ એને આપી રહ્યા હો છો. એટલે તમારા ધ્યાનને પોતાના તરફ દોરવાના પ્રયત્નરૂપે તે વ્યક્તિ તમારી એનર્જી પણ લઇ લે છે. જેથી, પાછા વળતા તમે થાકનો અનુભવ કરો છો. પોતાની તરફ ધ્યાન દોરવા માટે એક વ્યક્તિ જુદી-જુદી જાતની સ્ટ્રેટેજી વાપરી શકે છે (અન્કોન્શિઅસ રીતે પણ).

એટલે તમે કોઈ એવા વ્યક્તિને મળો જે બહુ આક્રમક હોય તો તમારી એનર્જી વપરાઈ શકે છે. આવી વ્યક્તિ સતત બોલ્યા રાખે, પૂછપરછ કરે, દરેક વિષય ઉપર સ્ટ્રોંગ અભિપ્રાય આપે અને પોતાના સાચા હોવાનો સતત આગ્રહ રાખે. ઘણા એવા પણ હોય જે હંમેશાં બીજાની નિંદા કર્યા રાખે છે અથવા પછી પોતાના જીવન વિશે સતત ફરિયાદ કર્યા રાખે કે તેમને ક્યારેય પોતાના હકનું સુખ નથી મળ્યું કે પછી બધાએ તેમની જોડે અન્યાય કર્યો છે વગેરે. જેમ્સ રેડફિલ્ડના પુસ્તક 'ધ સેલેસ્ટીન વિઝન'માં કંટ્રોલ ડ્રામાના આ પ્રકાર દર્શાવવામાં આવ્યા છે.

  • ઇન્ટરમિડિયેટર - આવા વ્યક્તિનું વર્તન ખૂબ અગ્રેસિવ હોય છે, તે ધમકીઓનો ઉપયોગ કરે છે અને સંસારને વિરોધાભાવથી જુએ છે.
  • ઇન્ટ્રોગેટર - આવા વ્યક્તિનું વર્તન આ પ્રકારનું હોય છે. તે સતત નિંદા કર્યા રાખે છે અને બીજા પર પોતાનું નિયંત્રણ બનાવવાના હેતુથી તેમને સતત પ્રશ્નો પૂછ્યા રાખે છે.
  • અલૂફ - આવી વ્યક્તિ વાર્તાલાપ દરમિયાન ખાસ ધ્યાન રાખે છે કે તે કોઈ માહિતી ન આપે, સામેવાળી વ્યક્તિથી દૂરી બનાવી રાખે. પરંતુ સાથે તે પોતાના તરફ ધ્યાન પણ ખેંચવા માગે છે.
  • વિક્ટિમ (બિચારો/બિચારી હું) - આ સ્ટ્રેટેજી અપનાવનાર વ્યક્તિ ફરિયાદ કરીને અને સામેવાળી વ્યક્તિને ગિલ્ટી હોવાનો (અપરાધબોધ આપીને) અનુભવ કરાવીને લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરે છે. અહીં નીચે કેટલાક ઉદાહરણ આપવામાં આવ્યા છે. જોઈએ તમે તેને ઉપર આપેલા કંટ્રોલ ડ્રામાના પ્રકારો સાથે જોડવામાં કેટલા સફળ થાઓ છો!
  • 'તે મને ફોન ના કર્યો. મેં આખો દિવસ રાહ જોઈ અને તેના લીધે હું સાંજના બહાર પણ ગઈ/ગયો નહીં.'
  • 'જો તું મારો કોલ નહીં ઉપાડે તો હું તારા ઘરે પહોંચી જઈશ અને પછી તને ખબર પડશે કે હું શું કરી શકું છું!'
  • 'તેં કેમ મને ફોન ના કર્યો? તું શું કરતો/કરતી હતી? અને તું હતો/હતી ક્યાં?'
  • 'મને ખબર નથી. હું નહોતો જાણતો/જાણતી કે તું ફોન કરવાનો/કરવાની હતી.'

જ્યારે પણ કોઈ ઉપર આપેલી સ્ટ્રેટેજીનો ઉપયોગ કરીને તમારું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે તમારી ઘણી એનર્જી શોષી લે છે. ઇન્ટરમિડિયેટર તમને બિવડાવવાનો પ્રયત્ન કરશે, ઇન્ટ્રોગેટર કરીને તમને નીચા દેખાડવાનો પ્રયત્ન કરશે, અલૂફ વ્યક્તિ તમને બિનજરૂરી અનુભવ કરાવવાનો પ્રયત્ન કરશે અને જે વ્યક્તિ વિક્ટિમ હોવાનો ડ્રામા કરી રહી હશે તે તમને ગિલ્ટી અનુભવ કરાવવાનો પ્રયત્ન કરશે.

જો કે, તમે સમજી જ ગયા હશો, છતાં - પહેલું ઉદાહરણ છે વિક્ટિમ; બીજું છે ઇન્ટરમિડિયેટર, ત્રીજું છે ઇન્ટ્રોગેટર અને ચોથું છે અલૂફ.

આ વર્તનની ઉત્પત્તિ આપણા બાળપણ અને મા-બાપ જોડે આપણા સબંધોમાં રહેલી છે. વળી, મા-બાપ પણ તેમના બાળપણમાં રચાયેલા કંટ્રોલ ડ્રામાનું અનુસરણ કરી રહ્યા છે. એટલે બંને મા-બાપ અને બાળકો એકબીજા જોડે ધ્યાન અને નિયંત્રણની સ્પર્ધામાં ઊતરે છે. તમે જ્યારે સુપરમાર્કેટ જાઓ ત્યારે જોજો કે કઈ રીતે એક નાનું બાળક રમકડાંઓ પ્રત્યે આકર્ષાઇને પોતાની મા પાસે તેને ખરીદવાની હઠ કરે છે. જ્યારે મા તે વસ્તુ અપાવવાની ના પાડે ત્યારે બાળક ક્યાં તો કજિયા કરવા માંડે છે (વિક્ટિમ) અથવા પછી ગુસ્સામાં આવી જમીન ઉપર આળોટવા માંડે છે (ઇન્ટરમિડિયેટર). હવે આ સ્થિતિમાં વાલીની પ્રતિક્રિયા જ પોતાના તરફ ધ્યાન ખેંચવાની બાળકની ભવિષ્યની સ્ટ્રેટેજી નક્કી કરશે.

બાળકો માટે તેમના વાલીઓ સર્વાઈવલનો મૂળભૂત સ્રોત છે અને તેઓ આ જોડાણને ગુમાવવાથી ખૂબ ડરે છે. વાલી જે પણ બાળકને કહેશે તેનાથી તે બાળકનું ભવિષ્ય અને સંસારને લઈને તેનો દૃષ્ટિકોણ ઘડાશે. દાખલા તરીકે, બાળક આ સાંભળીને મોટો થાય 'ધ્યાન રાખ...કંઈ પણ થઇ શકે છે.' તો તે સ્વાભાવિક રીતે એવું માનશે કે આ દુનિયા એક એવું સ્થળ છે જે જરાય સુરક્ષિત અને ભરોસાપાત્ર નથી.

જે બાળકના વાલીએ મોટાભાગે તેના ઉપર ત્યારે જ ધ્યાન આપ્યું હોય જ્યારે તે બાળક બીમાર પડ્યો હોય કે તેને ઈજા થઈ હોય તો તે બાળક મોટું થઇને ફરિયાદ થકી દયા મેળવી પોતાના તરફ લોકોનું ધ્યાન ખેંચશે. ઇન્ટ્રોગેટર અથવા નિંદા પામેલા વાલીનું બાળક દયા મેળવવા માટે આ બધી સ્ટેટેજી વાપરશે. બધાથી છેટું થઇ જશે, જવાબ નહીં આપે, ડિફેન્સિવ થઇ જશે અને પીડિત હોવાનો ઢોંગ કરશે. હકીકતમાં બાળક તે પાવર પાછો મેળવવાની એવી સ્ટ્રેટેજી તૈયાર કરશે જે પાવર તે પોતાના વાલી કે સામેવાળી પુખ્ત વયની વ્યક્તિ જોડે ઈન્ટરેક્ટ કરતી વખતે ગુમાવી બેઠો છે.

પુખ્ત વયના ઘણા સબંધો આ કંટ્રોલ ડ્રામાનાં પરિણામ છે, જેમાં એક પ્રકારના વર્તનનો જવાબ તેના વિરોધી વર્તન થકી આપવામાં આવી રહ્યો છે. દાખલા તરીકે, 35 વર્ષીય રિટાનો અનુભવ જોઇએ, જેમાં કાર્યસ્થળે તેને પોતાના કલાયંટ જોડે તકરાર થઇ ગઈ. ક્લાયન્ટ પોતાના દૃષ્ટિકોણને લઈને વધુ-ને-વધુ જિદ્દી થઇ ગયો (ઇન્ટરમિડિયેટર) અને રિટા એ હદે ડિફેન્સિવ થઇ કે તે થાકીને પોતાની 'દયનીય' પરિસ્થિતિ ઉપર રડવા માંડી (વિક્ટિમ). સ્થિતિનું વિશ્લેષણ કર્યા પછી રિટાને ખ્યાલ આવ્યો કે, ક્લાયન્ટનું વર્તન એક ટ્રિગર હતું અને તેના પોતાના પ્રતિભાવની જડો તેના બાળપણની હતી...તેના બાળપણમાં હતી એક ખૂબ જ નિંદા કરનારી અને નિયંત્રણ રાખનારી મા.

તો આવા કંટ્રોલ ડ્રામાંમાંથી કઈ રીતે બહાર નીકળવું? જાહેર છે કે તમારે વધારે જાગ્રત બનવું પડશે. પોતાનું વર્તન એનાલાઈઝ કરીને તેનું ટ્રીગર શું છે તે સમજવું પડશે. તમારી ભાવનાઓની નોંધ લઇને તેને સચોટ રીતે આઈડેન્ટિફાય કરો કે તમે કેવું ફીલ કરો છો પાવરલેસ, નારાજ, લાચાર કે પછી ગુસ્સાથી ભરપૂર? પછી ભૂતકાળમાં જઈને યાદ કરવાનો પ્રયત્નો કરો કે શું આ ભાવનાઓની જડ તમારા માતા-પિતા સાથેના તમારા સબંધોમાં છે?

એક વાત તો નક્કી છે કે તમે કોઈ પરિસ્થિતિને બદલી તો નહીં જ શકો પણ તમે એ પરિસ્થિતિને લઈને તમારી પ્રતિક્રિયાને બદલીને તમારા બાળકોના હિત માટે આ સાઇકલને ચોક્કસ તોડી શકશો. આ રીતે તમે ડ્રામા કંટ્રોલ કરી શકશો... ડ્રામા તમને કંટ્રોલ નહીં કરે!
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)