તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિજિટલ ડિબેટ:દિલ પર હાથ મૂકીને કહેજો, તમે નાગરિકધર્મ બજાવીને મત આપ્યો હતો કે લાગણીના પ્રવાહમાં તણાઇને? નેતાઓને ચૂંટનારા આપણે જ છીએ, વાંચો...

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના સંકટ વચ્ચે ચૂંટણીસભાઓ કરવાની કમતિ દેશના રાજકારણીઓને સૂઝી અને દેશના નાગરિકોના જીવ સાથે ખેલો કરી નાખ્યો. દુઃખની વાત એ છે કે નાગરિકો પણ પોતાના જીવનને સીધા સ્પર્શતા મુદ્દાને બદલે ભળતા મુદ્દે મતદાન કરે છે એ કરૂણતા એક્ઝિટ પોલના આંકડાં દેખાડી રહ્યા છે

સુનીલ જોષી (SJ): અમેરિકામાં કોરોનાની પ્રથમ લહેર વચ્ચે પ્રમુખપદની ચૂંટણી આવી. અમેરિકનોએ ડોનાલ્ડ ટ્રમ્પને ઉખાડી ફેંકયા. અમેરિકન મતદારોને લાગ્યું કે આ માણસ અમેરિકા અને અમેરિકનોના હિત માટે યોગ્ય નથી. ભારતમાં કોરોનાની બીજી ઘાતક લહેર વચ્ચે પાંચ રાજયોની ચૂંટણી આવી. ટીવી, અખબારો અને ખાસ તો સોશિયલ મીડિયામાં કોરોનાનો કહેર જોઇએ તો એવું લાગે કે મોદી સરકાર કોરોનાના બીજા વેવમાં સાવ નિષ્ફળ ગઇ છે. આ પાંચેય રાજ્યોમાં ભાજપનો સફાયો થઇ જવો જોઇએ પરંતુ એક્ઝિટ પોલના વરતારા જોઇએ તો આસામમાં ભાજપની જીત નકકી જણાય છે. દેશભરની જેના ઉપર નજર છે એ પશ્ચિમ બંગાળમાં પણ TMCની લગોલગ ભાજપ છે. દક્ષિણના ત્રણ રાજયોમાં તો ભાજપને વેપાર એટલો નફો છે કારણ કે, ભાજપ ત્યાં હજી એટલું વર્ચસ્વ સ્થાપી જ શકી નથી.

(DG): પર્ફોર્મ ઓર પેરિશ એ પ્રોફેશનલ જગતનો નિયમ છે પણ રાજકારણ અને સત્તાકારણ હંમેશા વિપરિત નિયમોથી ચાલે છે. તઘલઘે પ્રજાને પરેશાન કરી મૂકી હતી પણ તેને સત્તા પરથી હટાવી શકાયો નહોતો. સત્તા વેક્યૂમમાં રહી શકતી નથી, વિકલ્પ પ્રથમ જોઈએ. રાજાશાહીમાં વેક્યૂમ જોઈને હરિફ રાજા ચડાઈ કરે, લોકશાહીમાં વિપક્ષે નબળી પડેલી સરકાર સામે અધિક સક્રિય થઈ જવું પડે. પરંતુ લોકશાહીમાં પ્રજાએ એટલું સમજવાનું હોય કે વિકલ્પ ના દેખાય ત્યારે જાતે જ વિકલ્પ બનવું પડે. માત્ર પોતાના હિતનું વિચારવું પડે. ભારતમાં કેટલીકવાર એવું થયું પણ છે. રાષ્ટ્રીય કક્ષાએ પણ અને રાજ્યોમાં પણ. આપણે તેને અંડરકરન્ટ તરીકે ઓળખીએ છીએ પણ તે અંડરકરન્ટ મોટાભાગે પરિણામો પછી ખબર પડે છે, એક્ઝિટ પોલ વખતે અંદાજ આવતો નથી. આ વખતે પણ એક્ઝિટ પોલના અંદાજ રાબેતા મુજબના જ દેખાય છે, અંડરકરન્ટવાળા દેખાતા નથી. માટે લેટ્સ સી.

SJ: ઠીક છે, પણ આવી સ્થિતિ કેમ? કોરોનાની બીજી લહેર દેશભરમાં હાહાકાર મચાવી રહી છે. લોકો ઓક્સિજન વગર તરફડીને મરી રહ્યા છે; હોસ્પિટલમાં બેડ નથી મળતા; રેમડેસિવિર ઇન્જેક્શનોના કાળાબજાર થાય છે. આખો દેશ જાણે કે રામભરોસે ચાલી રહ્યો છે. આવા સંજોગોમાં ભાજપ ચૂંટણીઓમાં વિજયનો વિશ્વાસ વ્યકત કરે છે કારણ કે, આપણી ચૂંટણીઓ પાયાના મુદ્દા ઉપર નથી લડાતી. મતદારોને ભાવનાત્મક મુદ્દાઓ પર ભટકાવવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં વિકાસના મુદ્દા સાથે રાષ્ટ્રવાદ, હિંદુવાદ અને એવા બીજા મુદ્દે જ જોરશોરથી પ્રચાર થતો રહ્યો.

DG: કડવી વાસ્તવિકતા એ છે કે રાજકીય પક્ષો જીતી શકાય એવા મુદ્દે જ પ્રચાર કરવાના. ભાજપની સામેના હરિફ પક્ષોએ પણ એવો જ પ્રચાર કર્યો, જે તેમને માફક આવે. સવાલ એ થવો જોઈએ કે જીતી શકાય એવા મુદ્દા નક્કી કોણ કરે? ને નાગરિકોના મુદ્દા નક્કી કોણ કરે? જીતી શકાય એવા મુદ્દા આમ તો રાજકીય પક્ષો પોતે અને તેના ચુસ્ત ટેકેદારો પણ નક્કી કરતા હોય છે. આ ચૂસ્ત ટેકેદારો માત્રને માત્ર પક્ષને જોઈને જ મતદાન કરે છે, તેમને નાગરિકોના મુદ્દાની લગરિયે પડી હોતી નથી. કોઈપણ પક્ષના ટેકેદાર નહીં તેવા તટસ્થ નાગરિકોનું જૂથ જ નાગરિકોના મુદ્દા નક્કી કરી શકે; પણ ક્યારેય એવું થાય છે, મોટાભાગે નથી થતું. એક્ઝિટ પોલના આંકડાં એ જ કરૂણતા દેખાડી રહ્યા છે.

SJ: એવું લાગે છે કે ભાજપ મતદારોને ધર્મ અને રાષ્ટ્રવાદના મુદ્દે ભરમાવવામાં સફળ રહ્યો છે અને આ ચૂંટણીઓમાં પણ સફળ થવા જઇ રહ્યો છે. તેમાં કોંગ્રેસની તુષ્ટીકરણની નીતિનો પણ શ્રેય છે. જો તમારા સ્વજનોના અકાળે મોત થતાં હોય છતાં પણ તમે તંત્રની લાચારી, નફ્ફટાઇ અને ઉદાસીનતાને સમજી ન શકો અને ભાજપ અથવા જે પણ પક્ષની સરકાર હોય તેને મત આપો તો તમે સામેથી જ તમારા ઉપર અત્યાચાર કરવાનું લાઇસન્સ આપો છો.

DG: આ વાત બધા પક્ષોને લાગુ પડે છે. કોંગ્રેસનું તુષ્ટિકરણ અને ડાબેરીઓનું એકાંગી વલણ પ્રત્યાઘાત પેદા કરતું રહ્યું અને બહુમતીનું રાજકારણ ભાજપ કરતું રહ્યું. આના પરથી નાગરિકોએ એ વાતનો ધડો લેવાનો છે કે આપણે સૌ પ્રથમ નાગરિક છીએ. આપણે કોઈના ટેકેદાર હોઈએ પણ મૂળભૂત, પાયાનું કામ ન કરતી કોઈ પણ સરકારને સંકટ સમયે કામગીરી બજાવવામાં નબળી કોઈપણ સરકારને જો એ મેસેજ ના આપીએ કે કામગીરી પહેલી ધ્યાને લેવાશે તો આપણું અહિત થશે. આ સમયે મને લાગે છે કે રાજકીય પક્ષોના ટેકેદારોની ભૂમિકા વધુ અગત્યની બને છે. તટસ્થ મતદારો લેખાંજોખાં લઈને મતદાન કરતાં રહે છે પણ ટેકેદાર આંખ બંધ કરીને, કામગીરીનું મૂલ્યાંકન કર્યાં વિના બસ અમુક જ પક્ષને મત આપવો તેવું નક્કી કરીને બેસે તેઓ પોતાના મતનું જ અવમૂલ્યન કરે છે. અગાઉની ચૂંટણીઓમાં એવું જોવા મળ્યું હતું કે નોટબંધીથી અને GSTના અણઘડ અમલથી નાના વેપારી વર્ગને મોટું નુકસાન થયું. ખાનગીમાં બળાપા કાઢે પણ નાગરિક તરીકે પોતાના હિતનું ન વિચારે. આ વખતે કોરોના સંકટને સંભાળવામાં નિષ્ફળ ગયેલી (કેન્દ્ર-રાજ્ય) સરકારોનું મૂલ્યાંકન ટેકેદાર વર્ગ હવે નાગરિક તરીકે કરશે ખરો?

SJ: એ સવાલ છે જ અને આવું ના થવું જોઇએ એવું આપણે સૌ કહીએ છીએ. દેશમાં કોરોનાની સારવારમાં ભયાનક અરાજકતા સામે લગભગ દરેક રાજ્યમાં ભારે રોષ ફેલાયો છે પણ અમેરિકનોએ ટ્રમ્પને ઉખેડી ફેંક્યા તેમ ભારતમાં પણ કેન્દ્રની ભાજપની આગેવાની હેઠળની NDA સરકાર અને તેના સાથી પક્ષો સામે લોકોનો રોષ ઉતરશે તેવું દેખાઈ રહ્યું નથી. ભાજપનો સમર્થક મતદાર વર્ગ હજી પણ એ જયશ્રી રામ, કુંભ મેળા, કાશ્મિર અને પાકિસ્તાન જેવા મુદ્દાને જ મહત્ત્વ આપે છે એવું આ એક્ઝિટ પોલના આંકડાં દેખાડી રહ્યા છે.

DG: વાત સાચી છે પણ મને લાગે છે કે તેના બે ચાર કારણો વિચારી શકાય છે. ચાર રાજ્યો અને પુંડુચેરીમાં ચૂંટણી હતી, તેમાંથી પશ્ચિમ બંગાળ સિવાય બાકીના રાજ્યોમાં એપ્રિલના પ્રારંભમાં જ મતદાન પૂર્ણ થઈ ગયું હતું. બંગાળમાં પણ પાછલા ત્રણ તબક્કામાં જ ચેપની સંખ્યા વધવા લાગી હતી. (ચૂંટણી હતી એટલે આંકડાં છુપાવાયા, ટેસ્ટ ઘટાડી દેવાયેલા.) દિવાળી પછી થોડા કેસ ઓછા થયા તેના કારણે એક તરફ કોરોનાને હળવાશથી લેવાનું શરૂ થયું અને બીજીબાજુ બધા જ પક્ષના નેતાઓ બિંદાસ ટોળાંઓ એકઠાં કરતાં રહ્યા. તેના કારણે એવો ખોટો મેસેજ ગયો કે કોરોનાથી હવે ગભરાવા જેવું નથી. પરિણામ આજે ભયંકર આવેલું આપણે જોઈએ છીએ. પરંતુ નેતાઓને તેમની બેજવાબદાર નીતિરીતિનું ભાન થાય એવા ચૂંટણી પરિણામો આવે છે કે કેમ તે માટે પાકા પરિણામો સુધી રાહ જોવી પડશે.

SJ: હોસ્પિટલ સેવામાં સુધારો થયો કે નહીં, સંતાનોની વાજબી ફી સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે તે દિશામાં કામ થાય છે કે નહીં, નાગરિકોની સલામતિ, કાયદાપાલન, ઝડપી ન્યાય અને ભ્રષ્ટાચારની નાબુદી કેટલી થઈ અને પાયાની સુવિધાઓ કેટલી વધી એવા મુદ્દાઓ પ્રજા ધ્યાને નથી લેતી એવું જોવા મળી રહ્યું છે. લાગણી ઉશ્કેરનારા મુદ્દાઓ, જુઠ્ઠાં વચનો અને સોનેરી સપનાંઓના વેપારીઓ જ હજી ભારતમાં ફાવે છે. ભારત વિકાસશીલ રાષ્ટ્રની વ્યાખ્યામાં આવે છે તે સ્પષ્ટ થયું. વિકસિત રાષ્ટ્રની વ્યાખ્યામાં વધુ દૂર જતી દેખાય છે કારણ કે, અહીં લોકો કામગીરીને આધારે નહીં, બસ અમુકતમુક કારણસર અમુક પક્ષને મત આપવો એટલે આપવો જ.

DG: ભારતને અત્યારે 40 રાષ્ટ્રોએ મદદ મોકલી છે. વિશ્વભરમાંથી સહાય લેવાની વાત આવી તે જ દેખાડે છે કે વ્યાખ્યામાં હજી વિકાસશીલ જ રહ્યા છીએ. પણ આપણે વિચારશીલ થવાની જરૂર છે. આપણને ગમતો રાજકીય પક્ષ પણ આપણા હિતના કામ પહેલાં કરે તે માટે ટેકેદારોએ જ ફરજ પાડવી પડશે. કાર્યકરોએ પોતાના નેતાઓને કહેવું પડશે કે અમે લોકો વચ્ચે રહીએ છીએ અને અમારે રોજ ઊઠીને મેણાં સાંભળવાં પડે છે, તમે હવે તો સુધરો. આટઆટલી નિંદા છતાં નવી ધન્વંતરી હોસ્પિટલ ખોલી તેમાં પહેલાં 108 હોય તો જ દાખલ થવાની અણઘડતા, તે પછી સવારે સાત વાગ્યામાં ટોકન લઈ લેવાની મૂર્ખામી અને હવે અમુક પ્રકારની ગંભીર સ્થિતિ હોય તો જ દાખલ કરવાનું તઘલઘીપણું અપનાવાઇ રહ્યું છે. તેનો અર્થ એ કે લોકલાગણી ક્યાં તો ઉપર સુધી પહોંચી નથી, ક્યાં તો પરવા નથી કારણ કે, નાગરિક આ મૂલ્યવાન પદ છોડીને અમુકતમુક પક્ષનો ટેકેદાર બનવાનું ગૌણ સ્થાન સામે ચાલીને સ્વીકારી રહ્યો છે.
(સુનીલ જોશી અને દિલીપ ગોહિલ બંને સિનિયર પત્રકાર અને જાણીતા રાજકીય વિશ્લેષકો છે.)