તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિન્જ વૉચ:દૃશ્યમ-2: પર્ફેક્ટ ક્રાઇમ અને કર્મના સિદ્ધાંતની કશમકશ, જડબેસલાક સિક્વલ

5 દિવસ પહેલા
  • કૉપી લિંક

વીડિયો સ્ટ્રીમિંગ એપ્લિકેશન્સના જમાનામાં ‘બિન્જ વૉચ’ (Binge Watch) શબ્દ કડકડતી નોટની જેમ વપરાય છે અને સિનેરસિયાઓના વીકએન્ડનો પર્યાય બની ગયો છે. કોઈ ફિલ્મો કે સિરીઝનું એકધારું સળંગ પાન કરવાની પ્રક્રિયાને બિન્જ વૉચ કહે છે. આપણે દર શનિવારે આ કોલમમાં ફિલ્મો, સિરીઝ અને તેની આસપાસની અનેક બાબતો વિશે નિરાંતે વાતો માંડીશું.
***

2 ઓક્ટોબરે ગાંધીજયંતી અને લાલબહાદુર શાસ્ત્રી જયંતી હોવા ઉપરાંત બીજું શું થયેલું, એવું કોઇને પૂછો અને સામેની વ્યક્તિને જો ફિલ્મો જોવામાં ટચલી આંગળી ડૂબે તેટલો પણ રસ હોય તો તરત જ બોલી ઊઠશે, ‘બીજી ઓક્ટોબરે વિજય સાળગાંવકર પોતાના ફેમિલી સાથે પણજી આવેલો, સ્વામી ચિન્મયાનંદજીનું સત્સંગ અટેન્ડ કરેલું, રેસ્ટોરાંમાં પાંઉભાજી ખાધેલી અને બીજા દિવસે યાને કે ત્રીજી ઓક્ટોબરે ઘરે પાછાં આવેલાં.’ આ વાંચીને તમારા ચહેરા પર પણ હળવું સ્માઈલ આવી ગયું હોય તો તમે પણ ‘દૃશ્યમ’ ફિલ્મના ફૅન છો એમ માનજો. દરઅસલ, 2015માં અજય દેવગણ-તબુ સ્ટારર ‘દૃશ્યમ’ નામની ફિલ્મ રિલીઝ થયેલી. સ્વર્ગસ્થ નિશિકાંત કામતે ડિરેક્ટ કરેલી આ ફિલ્મ 2013માં રિલીઝ થયેલી એ જ નામની સુપરહિટ મલયાલમ ફિલ્મની રિમેક હતી, તે સૌ જાણે છે. મલયાલમ ફિલ્મમાં અજય દેવગણવાળી ભૂમિકા સુપરસ્ટાર મોહનલાલે ભજવેલી. માત્ર હિન્દી જ નહીં, આ ફિલ્મની કન્નડ, તમિળ, સિંહાલી અને ઇવન ચાઇનીઝ રિમેક પણ બની ચૂકી છે. વિકિપીડિયામાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના હવાલાથી લખવામાં આવ્યું છે કે દૃશ્યમ પહેલી એવી ભારતીય ફિલ્મ છે જેની ચાઇનીઝ રિમેક બની હોય. આ સુપર સસ્પેન્સફુલ અને ટ્વિસ્ટ એન્ડિંગ ધરાવતી ફિલ્મનું તો હવે જાણે કલ્ટ ફોલોઇંગ છે. લેકિન, આપણે અત્યારે આ ફિલ્મનાં ઓવારણાં શા માટે લઈ રહ્યાં છીએ? તો જનાબ, વાત એવી છે કે ઓરિજિનલ ‘દૃશ્યમ’ ફિલ્મની સિક્વલ આ ગુરુવારે રાત્રે રિલીઝ થઈ ચૂકી છે. ‘દૃશ્યમ-2: ધ રિઝમ્પ્શન’ એવું નામ ધરાવતી આ મલયાલમ ફિલ્મ ‘એમેઝોન પ્રાઇમ વીડિયો’ પર અવતરી છે અને ચાહકો ઓલરેડી તેના વિશે વાતો કરવા માંડ્યા છે.

આંખે દેખ્યું જૂઠ
તમે પહેલો પેરેગ્રાફ વાંચીને અહીં સુધી આવ્યા એનો અર્થ એ થયો કે તમે ‘પીકે’ની જેમ ‘દૂસરે ગોલે સે’ નથી આવ્યા અને તમે દૃશ્યમ જોયેલી છે. એટલે આપણે સીધા જ આ સિક્વલ પર આવી જઈએ. અંગ્રેજીમાં ‘પર્ફેક્ટ મર્ડર’ કે ‘પર્ફેક્ટ ક્રાઇમ’ જેવો શબ્દપ્રયોગ છે. ક્રાઇમ (મોસ્ટલી મર્ડર) કર્યા પછી તેના પર એવો જડબેસલાક ઢાંકપીછોડો કરવો કે પોલીસ ગમે તેટલા શેરલોક-બ્યોમકેશને કામે લગાડે, પણ એમના હાથમાં કશું જ ન આવે. દૃશ્યમ-1ની વાર્તા અજાણતામાં થઈ ગયેલા એક ક્રાઇમને પર્ફેક્ટ બનાવવાની અને પોતાના પરિવારને પોલીસના સકંજામાંથી બચાવવા માટે કંઈ પણ કરી છૂટતા એક પ્રેમાળ પિતા-પતિની દાસ્તાન હતી. દૃશ્યમ-2ની વાર્તા એ ઘટનાનાં છ વર્ષ પછીથી શરૂ થાય છે. એ છ વર્ષમાં બંને દીકરીઓ પ્રમાણમાં મોટી થઈ ગઈ છે, વાર્તાનો નાયક (જ્યોર્જકુટ્ટી, એક્ટર-મોહનલાલ) કેબલ ઓપરેટરમાંથી હવે એક સિનેમા થિયેટરનો માલિક બની ગયો છે. પરંતુ કર્મના સિદ્ધાંતની જેમ હળાહળ ખોટું કર્યાની ભાવનાએ પરિવારની શાંતિમાં લૂણો લગાડ્યો છે. ગમે ત્યારે પોલીસ આવશે અને પરિવારને ફરીથી પકડી જશે એ ફફડાટ હવે સતત ઘરની હવામાં તરતો રહે છે. પારાવાર ભયને કારણે મોટી દીકરીને એપિલેપ્સીનો વ્યાધિ લાગુ પડી ગયો છે. ગામમાં પણ જ્યોર્જકુટ્ટીએ ‘મર્ડર કરીને લાશ છુપાવી દીધી અને પોલીસને ચૂનો લગાવી દીધો’ એ થિયરીમાં જાતભાતના વિકૃત મરી-મસાલા નાખીને ગોસિપ થઈ રહી છે. જ્યોર્જકુટ્ટીને આ બધી જ ખબર છે, છતાં એ પરિવારને ખુશ રાખવાનો અને જાણે કશું થયું નથી ને થવાનું પણ નથી એમ મનાવવાનો પ્રયાસ કરતો રહે છે. હવે એની લાઇફમાં ફિલ્મ બનાવવાનું પેશન પણ પ્રવેશ્યું છે. બીજી બાજું, છ વર્ષ પહેલાં ધૂળ ચાટી ચૂકેલી પોલીસ પણ છૂપી રીતે પોતાનું ઇન્વેસ્ટિગેશન ચલાવી રહી છે. ટૂંકમાં જ્યોર્જકુટ્ટીના પર્ફેક્ટ ક્રાઇમના સાંધા ઢીલા થઈ રહ્યા છે.

સાવધાન-આગળ ટ્વિસ્ટ છે
એક સામાન્ય માણસ અસામાન્ય સિચ્યુએશનમાં આવી પડે અને પોતાના પરિવારને બચાવવા માટે કઈ હદ સુધી જઈ શકે તેની વાત કહેતી ‘દૃશ્યમ’ના બંને ભાગ એક રીતે જોઈએ તો ‘ડેવિડ વર્સિસ ગોલાયથ’ની દંતકથા જેવા જ છે. એક સ્કૂલ ડ્રોપઆઉટ માણસ (લિટરલી) આખા પોલીસ ડિપાર્ટમેન્ટના નાક નીચે પર્ફેક્ટ ક્રાઇમ કરીને છટકી જાય છે. પરંતુ એ સિક્રેટ કોઈક રીતે બહાર આવી જાય તો? તો એ પોતાના પરિવારને બચાવી શકે ખરો? મૂળ વાર્તાને આગળ વધારીને એવી જ ટાઇટ, ગ્રિપિંગ ફિલ્મ બનાવવાનું કામ પણ ડેવિડ વર્સિસ ગોલાયથ જેવું જ અઘરું છે. પરંતુ ડિરેક્ટર જીતુ જોસેફે તે બખૂબી પાર પાડ્યું છે. નહીંતર, તેઓ આસાનીથી ‘દૃશ્યમ’ બ્રાન્ડનેમથી નવી જ ફિલ્મ બનાવીને વેચી શક્યા હોત. પરંતુ ડિરેક્ટર કરતાંય રાઇટર તરીકે જીતુ જોસેફનું કામ વધુ પર્ફેક્ટ છે. તેમણે દૃશ્યમ-2ની વાર્તા એવી ખૂબીથી આગળ વધારી છે કે ક્યાંય કોઈ થીગડું નજરે ન પડે. નહીંતર ભલભલી વેબસિરીઝોમાં પણ પરાણે ઘૂસાડેલાં કેરેક્ટર, સબપ્લોટ અને ઘટનાઓનું એવું ઉપરછલ્લું રફૂકામ કરાયું હોય છે કે તેને વાર્તામાંથી કાપી લો તોય મૂળ વાર્તાને કશો ફરક ન પડે.

અઢી કલાક ઉપરની આ ફિલ્મ અગાઉની જેમ જ થ્રિલનો હાઇવે પકડતાં પહેલાં નિરાંતની પગદંડીઓ પર ફરતી રહે છે. ક્યારેક આપણે અકળાઈ પણ ઊઠીએ કે અમાં યાર, આખિર કહના ક્યા ચાહતે હો? લેકિન, ક્યાંક કોઈ ઘટના પાત્રોને વધુ વલ્નરેબલ બનાવે, આપણામાં (હવે, ઠાકુર તો ગિયો ટાઇપનો) ડર પેદા કરે, તો ઘણાખરા કિસ્સામાં નાહકની લાગતી ઘટનાઓ કે સીન જ્યોર્જકુટ્ટીના લાર્જ પ્લાનનો એક નાનકડો હિસ્સો નીકળી આવે.

આમ તો દૃશ્યમ પૂરેપૂરી રાઇટર બેક્ડ વાર્તા છે. પ્લોટ અને તેની આંટીઘૂટીઓ પર જ એટલો બધો મદાર છે કે કલાકારોને ઝાઝું કરવાનો સ્કોપ નથી. તેમ છતાં મોહનલાલની એક્ટિંગનો પાવર જુઓ. આખી ફિલ્મમાં સતત ડરેલા, પ્રેમાળ પિતા-પતિ અને શાતિર દિમાગ ધરાવતા ‘ક્રિમિનલ’ વચ્ચે ફાઇન બેલેન્સ કરી બતાવ્યું છે. એમનો ચહેરો જોઇને સતત એવું લાગ્યા કરે કે આ માણસ બહુ બધું જાણે છે, પણ કશું વ્યક્ત નથી કરતો. એક સીનમાં એના પાસા પોબાર પડી રહ્યાની મોમેન્ટ છે. કોર્ટમાં ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર અને તે પોતે પરસાળમાં સામસામેથી આવી રહ્યા છે. ઇન્સ્પેક્ટર ખુન્નસથી તેની સામે જોઈ રહ્યો છે, પરંતુ મોહનલાલનું કેરેક્ટર નીચું માથું રાખીને ત્યાંથી પસાર થઈ જાય છે. જો તેણે ઇન્સ્પેક્ટરની આંખમાં આંખ પરોવી હોત કે વિજયી સ્માઇલ ફરકાવ્યું હોત તો તેનું આખું કેરેક્ટર બદલાઈ ગયું હોત. અત્યારે તે પોતાના પરિવારને બચાવવાની મજબૂરીમાં એક ક્રાઇમને છુપાવવા અનેક ક્રાઇમ કરી રહ્યો છે, જેની તેને પારાવાર શરમ, ગ્લાનિ છે. આ મોમેન્ટ ક્રિએટ કરવા બદલ અને તેને ઇફેક્ટિવલી નિભાવવા બદલ ડિરેક્ટર જીતુ જોસેફ અને એક્ટર મોહનલાલને ફુલ માર્ક્સ.

દૃશ્યમ ફિલ્મના બંને ભાગની સફળતાનું પૂરેપૂરું શ્રેય એક્ટર મોહનલાલ (ડાબે) અને રાઇટર ડિરેક્ટર જીતુ જોસેફ (જમણે)ના ફાળે જાય છે
દૃશ્યમ ફિલ્મના બંને ભાગની સફળતાનું પૂરેપૂરું શ્રેય એક્ટર મોહનલાલ (ડાબે) અને રાઇટર ડિરેક્ટર જીતુ જોસેફ (જમણે)ના ફાળે જાય છે

ફિલ્મમાં એક તબક્કે મોહનલાલનું કેરેક્ટર કહે છે કે, ‘તું જોજે, હું એક દિવસ મોહનલાલની જેમ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રાજ કરતો હોઇશ...’ હકીકતમાં એ છેલ્લા ચાર દાયકાથી (43 વર્ષ ટુ બી પ્રિસાઇસ) ખરેખર મલયાલમ ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યા છે! ફિલ્મ વિધિન ફિલ્મ અને ફિલ્મની બહારની રિયલ લાઇફની લાઇનો બ્લર કરી દેતી આ ‘મેટા મોમેન્ટ’ ઉપરાંત બીજી એક મોમેન્ટમાં મોહનલાલના કેરેક્ટર વિશે કહેવાય છે કે એને ‘ઓર્ડિનરી ફિલ્મ’ નહોતી બનાવવી. આ જ વાત ડિરેક્ટર જીતુ જોસેફ વિશે પણ કહી શકાય. આ ફિલ્મની અંદર બીજી ફિલ્મ અને તેને મૂળ વાર્તા સાથે કેવી કાબિલેતારીફ રીતે મર્જ કરી દેવાઈ છે એ પોઇન્ટ ઑફ વ્યૂથી પણ ફિલ્મ જોઈ શકાય. અને કાલ્પનિક પાત્રના ઉદાહરણ સાથે મોહનલાલનું પાત્ર પોતાના વિશે એમ પણ કહી દે છે કે, ‘(ભલે ગમે તેવો ક્રાઇમ કરતો હોય પણ) ફિલ્મની વાર્તામાં હીરો જ જીતવો જોઈએ. અને આમેય આખી જિંદગી સતત પકડાઈ જવાના ડર અને એક માતા-પિતા પાસેથી એમનો એકનો એક દીકરો છીનવી લીધાનું ગિલ્ટ એમને ક્યાં સુખેથી જીવવા દેવાનું છે...’

જોયા જેવું સુખ નહીં
દૃશ્યમ-2 ફિલ્મનાં વિવિધ પાસાં, પ્લોટ વિશે નિરાંતે વાતો કરી શકાય, પરંતુ તેમાં ભારોભાર સ્પોઇલર-રસક્ષતિ થવાનો હિમાલયન ડર છે. એટલું ખરું કે દૃશ્યમ-2 પોતાના પહેલા ભાગની જેમ નખ ચાવવા મજબૂર કરી દે તેવી મુશ્કેટાટ નથી, છતાં વાર્તાને નબળી પાડ્યા વિના કઈ રીતે આગળ વધારી શકાય તેનું એક્ઝામ્પલ છે. દૃશ્યમ-2 જોવાનો બેસ્ટ રસ્તો એ છે કે આ વીકએન્ડ પર ‘દૃશ્યમ યુનિવર્સ’ની બંને ફિલ્મો બેક ટુ બેક ‘બિન્જ વૉચ’ કરી લો.

ગયા વર્ષના ઓસ્કર અવોર્ડ્સમાં પોતાની ‘પેરેસાઇટ’ ફિલ્મ થકી છવાઈ જનારા સાઉથ કોરિયન ડિરેક્ટર બોન્ગ જુન હોએ પોતાની ઓસ્કર એક્સેપ્ટન્સ સ્પીચમાં કહેલું કે, ‘જો તમે વિદેશી ભાષાના સબટાઇટલ્સના એક ઇંચના ઉંબરાને ઓળંગી જાઓ તો કંઈ કેટલીયે અફલાતૂન ફિલ્મો માણી શકો.’ એ ન્યાયે અમે પણ કહીએ છીએ કે આ દૃશ્યમ-2 ભલે મલયાલમ ભાષામાં હોય, પરંતુ અત્યારે એમેઝોન પ્રાઇમ વીડિયો પર અંગ્રેજી સબટાઇટલ્સ સાથે ઉપલબ્ધ છે જ. તેને જોઈ કાઢો. કઈ રીતે મલયાલમ સિનેમા પોતાની ધરતી સાથે જોડાયેલું રહીને ભારતમાં સૌથી શ્રેષ્ઠ ફિલ્મો બનાવે છે તે બરાબર સમજાઈ જશે.
jayesh.adhyaru@dainikbhaskar.com
(લેખક બે ફિલ્મ-સિરીઝનાં સ્ક્રીનિંગ વચ્ચે જીવતા સિનેમાના આકંઠ રસિયા છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો